- રજનીગંધા-વિભાવરી વર્મા
- પોલીસ આવશે... મને પકડીને લઇ જશે... જેલમાં નાંખશે. પછી બિચારી મીનાનું કોણ ?
'વા હ, આખરે ફૂરસદ મળી ગઈ, પોતાની દિકરીની ખબર કાઢવાની ?'
સવિતાનો પતિ રસિક ઘરમાં દાખલ થયો કે તરત આ ટોણો સાંભળતાં છંછેડાયો.
'બસ બસ હવે ક્યાં છે મીના ?'
'એ જરાક બહાર ગઇ છે ચાલીમાં એની બહેનપણીઓ સાથે બેઠી હશે.'
'તો ઝખ મારવા મને અહીં બોલાયો ?' એ સાજીસમી છે, તોય ?
'ના ના, તમારી દીકરી મરી જાય ત્યારે જ આવવું હતું ને ? છેલ્લા સાત દહાડાથી ફોનો કરું છું એ તો ઉપાડતા નથી, કંઇ બબ્બે ડઝન મેસેજો કર્યા કે મીનાની તબિયત ખરાબ છે. ત્યારે છેક આજે એ મેસેજો વાંચવાની ફૂરસદ મળી ?'
'બહુ કચકચ ના કર, મેસેજ વાંચીને મેં રિપ્લાય આપેલો.'
'એને પણ ત્રણ દિવસ થયા.' સવિતાનો અવાજ ઊંચો થયો, 'પેલી સગલીના ખોળામાં બેઠા હોય, પછી અહીં આવવાનો ટાઈમ તો મળે જ નહીં ને ?'
'એય ! સગલી - સગલી નહીં કરવાનું !'
'તો શું કહેવાનું ? બબ્બે વરસથી મને છોડીને એની સાથે... પરણ્યા વિના નવું ઘર માંડીને બેઠા છો ! તો એ મારી સગલી તો કહેવાય જ ને ?'
'બસ, તારી આ કાળોતરી જેવી જીભડીને કારણે જ હું બીજે રહેવા ગયો છું.'
'ખોટું ના બોલશો ! એ સગલી જોડે તમારું ચાલી રહ્યું છે એની ખબર પડી પછી જ મારી જીભમાં કાંટા ઉગ્યા છે ! બાકી એ પહેલાં હું કદી કંઇ બોલી છું ?'
'આહાહા... જાણે તું તો - '
'હું તો શું ?' સવિતા બોલી 'આ આપણી મીનાનો જનમ એમ ને એમ થઇ ગયો ? પણ ના, હવે પેલી સગલી તમને વધારે વ્હાલી લાગે છે. હવે એના પડખામાં ભરાઈને જ તમારે મીનાની સાવકી બહેન લાવવાની છે ને ?'
'એય ! મોં સંભાળીને વાત કર. નહિતર -'
'નહિતર ? શું કરી લેશો ? ઘર છોડીને ગયા પછી એક રૂપિયો પણ મોકલાવ્યો છે ?' હું ગામનાં વેંતરાં કરીને મીનાને ભણાવું છું એને મોટી કરું છું, આ ખોલીનું ભાડું ભરું છું !'
'તો એમાં શી મોટી ધાડ મારે છે ?'
'ધાડ મારીને તો તમને બતાડીશ એક દહાડો... જ્યારે હું મીનાને ભણાવી ગણાવીને મોટી અફસર બનાવીશ ! અને તે વખતે મીના આખી દુનિયા સામે કહેશે કે આ જુઓ મારો હલકટ હરામખોર બાપ!'
'હલકટ તું ! હલકટ તારી દિકરી ! સાલી, રાંડ ! હજી જબાન ચલાવ્યા જ કરે છે ? મને અહીં ઝગડો કરવા જ બોલાવ્યો છે ને ?'
'હા, ઝગડો તો કરવો જ છે ! બોલ, શું કરી લઈશ ?'
સવિતાનું આ સ્વરૂપ જોઇને રસિકની છટકી. ખોલીની બહાર ઊભી રાખેલી બાઈક ઉપર ભરાવેલી હેલ્મેટ ઉઠાવીને તેણે દાંત ભીંસીને સવિતા તરફ છુટ્ટી ફેંકી !
સવિતા આવા હુમલા માટે જરાય તૈયાર નહોતી. હેલમેટ સીધી તેના કપાળે વાગી. બે ઘડી માટે તેને તમ્મર આવી ગયાં. આખી ખોલી ગોળગોળ ઘુમતી લાગી. પણ ત્રીજી ક્ષણે સવિતા ના મગજમાં છેલ્લાં બે વરસથી જે ગુસ્સો ભરીને રાખ્યો હતો તે ગેસના બાટલાની જેમ ફાટયો !
તેણે આમતેમ જોયું. એક જ ઓરડીની આ ખોલીમાં રસોડું પણ હતું અને પલંગ પણ નીચે ખાંડણીમાં દસ્તો પડયો હતો. તે હાથમાં આવી ગયો. ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે દસ્તો ઉપાડીને ઉગામ્યો. આ જોઇને રસિકનો પણ બાટલો ફાટયો :
'એમ દસ્તો ઉગામીને મને ડરાવે છે શેની ?' ફેંકને તારી તાકાત હોય તો ? સાલી રાંડ...
બસ, ગેસના ફાટેલા બાટલામાં એક ચિનગારીની જ જરૂર હતી. સવિતાએ કચકચાવીને દસ્તાનો ઘા કર્યો ! રસિક પોતાની જાતને બચાવવા માટે પાછળ ફર્યો. પણ દસ્તો જઇને સીધો તેની ખોપડીના પાછળના ભાગમાં વાગ્યો !
બીજી જ ક્ષણે તે ચક્કર ખાઈને ફસડાઈ પડયો ! તેના માથાના પાછળના ભાગમાંથી લોહીનો રેલો નીકળી રહ્યો હતો...
થોડી ક્ષણો પછી તેનું શરીર હલન ચલન કરતું બંધ પડી ગયું ! છેક હવે સવિતાને ભાન થયું કે આ તો મરી ગયો છે !
તે માથે હાથ દઇને બેસી ગઈ ! આ શું થઇ ગયું ? મારે ક્યાં એને મારી નાંખવો હતો ? જેવો હોય તેવો, એ મારો પતિ હતો.
પરંતુ થોડી મિનિટો પછી સવિતાની આંખો સામે હવે પછી બનનારી ઘટનાઓ દેખાવા લાગી. પોલીસ આવશે... મને પકડીને લઇ જશે... જેલમાં નાંખશે. પછી બિચારી મીનાનું કોણ ? એને કોણ સંભાળશે ? અરે, સંભાળવાનું તો ઠીક, એને વરૂઓથી બચાવશે કોણ ? અને એ બધું જોવા માટે મારે જીવતા રહેવાનું ? આના કરતાં તો -
સવિતાએ કંઇક નિર્ધાર કર્યો. તેણે દુપટ્ટાનો છેડો છત પર લટકતાં પંખામાં ભરાવ્યો. બીજા છેડા વડે ગાળિયો બનાવ્યો... એ હજી ગાળિયો ટાઈટ કરવા જતી હતી ત્યાં તેને પાછળથી તેની દિકરી મીનાનો અવાજ સંભળાયો :
'મા ! તું નહીં હોય તો મને કોણ સાચવશે ?'
'પણ-' સવિતાના ગળે ડૂમો બાઝી ગયો હતો તેની પાસે કોઈ જવાબ નહોતો.
પરંતુ મીના પાસે જવાબ હતો. તેણે કહ્યું 'મા, બાપુજીને દસ્તો નથી વાગ્યો... તેમના પગમાં આ હેલ્મેટ અટવાઈ ગઈ હતી... એટલે તે ગબડીને પડયા અને તેમના માથામાં આ લોખંડના પલંગની ધાર વાગી છે... મેં જોયું છે ને ? મેં મારી સગી આંખે જોયું છે !'
સવિતા સ્તબ્ધ હતી. ત્યાં તો ચાલીમા રહેતા લોકો અંદર આવી ગયા. એ લોકો પણ મક્કમ અવાજે બોલ્યા :
'હા સવિતા, એવું જ થયું છે. અમે પણ જોયું ને ?'
સવિતાએ દુપટ્ટાનો ગાળિયો છોડી નાંખ્યો અને તે મીનાને વળગીને ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી.


