આરોગ્ય ગીતા - વત્સલ વસાણી
સંતાન પ્રાપ્તિમાં બાધક બનતો વ્યાધિ: રતવા અને તેના ઉપચાર
'રતવા' એ લોક ભાષામાં વપરાતો એક પ્રચલિત શબ્દ છે. લગ્ન પછી લાંબા સમય સુધી બાળક ન થાય અથવા તો ગર્ભ રહેવા છતાં પૂરા સમય સુધી ટકે નહીં અને 'ગર્ભસ્રાવ' કે 'ગર્ભપાત' થઈ જતો હોય તેવી સ્થિતિમાં ગ્રામીણ બહેનો આવી સ્ત્રીને 'કોઠે રતવા' છે એવું તારણ કાઢતી હોય છે. અને પોતાની મતિ અનુસાર કે અનુભવના આધારે એના ઉપચાર પણ સૂચવતી હોય છે.
'રત + વા' શબ્દ રક્ત એટલે કે લોહી (તથા તેની સાથે જોડાયેલું પિત્ત) અને 'વા' અર્થાત્ વાયુનું અપભ્રંશ પામેલું એક સંયુક્ત અને શાસ્ત્રીય રૃપ છે.
આ રોગમાં યોનિ, ગર્ભાશય તથા બીજ વાહિની જેવા જનનાંગોમાં રક્ત તથા વાયુની વૃદ્ધિ કે વિકૃતિ થતી હોય છે અને એ કારણે ગર્ભ ધારણ થવામાં કે ધારણ થયા પછી ટકી રહેવામાં બાધા ઊભી થતી હોય છે.
રતવા સાથે સંબંધિત એક બીજો 'વામિની યોનિ' નામનો રોગ પણ સમજી લેવા જેવો છે. 'વમન' શબ્દ પરથી 'વામિની યોનિ' નામ બન્યું છે. વમન માટે ગુજરાતીમાં 'ઊલટી' શબ્દ પ્રયોજાય છે.
કશુંક ખાધા કે પીધા પછી ઊલટીના દરદીને જેમ તરત બહાર નીકળી જતું હોય છે તેમ સમાગમ (સંભોગ) પછી વીર્ય અંદર ટકી શકતું નથી અને પૂરેપૂરું બહાર નીકળી જાય છે.
ગર્ભ ધારણ માટે આમ તો એક જ અણુ (શુક્રાણુ-સ્પર્મ)ની જરૃર હોય છ પણ એટલો એક અણુય અંદર ટકી શકતો નથી. આવી સ્થિતિ માટે આયુર્વેદમાં 'વામિની યોનિ' શબ્દ પ્રયોજાય છે. યોનિ તથા ગર્ભાશયમાં વાયુની વૃદ્ધિ થવાથી આ વિકૃતિ થાય છે. પ્રકુપિત થયેલો વાયુ સમાગમ પછી સ્ખલિત થયેલા વીર્યને પૂરેપૂરું બહાર ફેંકી દે છે.
'રતવા'માં રક્ત ઉપરાંત તેની સાથે જોડાયેલું પિત્ત પણ પ્રકુપિત થતું હોય છે. પિત્ત વધી જવાથી પેટમાં બળતરા અને ખાટા ઓડકારની તકલીફ થાય છે તેમ પિત્તના કારણે યોનિપથમાં ખટાશ યુક્ત (એસિડિક) સ્રાવ શરૃ થઈ જાય છે. અને અંદરથી ખાટી કે વિચિત્ર ગંધ પણ આવે છે.
એસિડમાં કોઈપણ જીવાણુને નાખવાથી જેમ તરત જ તેનો નાશ થાય છે તેમ યોનિપથમાં થતા એસિડિક સ્રાવમાં સમાગમ પછી જે શુક્રાણુ (સ્પર્મ) દાખલ થાય તે અંદરની ગરમી તથા ખટાશના કારણે પડતાની સાથે જ મરી જાય છે અને એટલે રિપોર્ટમાં બધું જ નોર્મલ આવવા છતાં સ્ત્રીને ગર્ભ રહી શકતો નથી. આયુર્વેદમાં વંધ્યત્વના જે અનેક કારણો આપવામાં આવ્યા છે તેમાં આ એક અગત્યનું કારણ છે અને તેની મૂળગામી સારવાર પણ સૂચવી છે.
રતવાના ઉપચાર અંગે વિચારતાં પહેલાં 'વામિની યોનિ'ની જેમ જ એક 'પુત્રઘ્ની યોનિ' નામનો રોગ પણ સમજી લેવા જેવો છે.
આ વ્યાધિમાં બાળક જન્મે તો પણ જીવી શકતું નથી. દરેક પ્રસૂતિ પછી થોડા સમયમાં જ માતાની ગોદ ખાલી થઈ જાય છે.
ગર્ભધારણ થયા પછી પણ વાત વૃદ્ધિના કારણે ગર્ભનો જોઈએ તેવો વિકાસ થઈ ગયો એવું કહે છે.
મહર્ષિ વાગ્ભટે 'પુત્રઘ્ની યોનિ' માટે 'જાતઘ્ની યોનિ' શબ્દનો પ્રયોગ કરેલો છે. તેમના મત પ્રમાણે બાળક જન્મે તો પણ થોડા સમયમાં મરી જાય છે અને વારંવાર આવું જ થયા કરે છે. આ રોગમાં પણ વાયુ અને પિત્તની વિકૃતિ જ મુખ્ય હોય છે.
કેટલીકવાર પ્રસૂતિ થાય એ પહેલા જ ગર્ભાશયનું મુખ ખૂલી જાય છે અને એ કારણે ટાંકા લેવા પડે છે. આવી સ્થિતિ ન થાય એ માટે જો અગાઉથી જ વાતશામક ઉપચાર કરવામાં આવે તો તકલીફ નિવારી શકાય છે અને જો થાય તો પણ એને દૂર કરી શકાય છે.
રતવાની આયુર્વેદિક સારવાર
રતવામાં વાયુ અને પિત્તનો પ્રકોપ થતો હોવાથી આ બન્ને દોષના શમન સાથે આર્તવ અને ગર્ભાશયની શુદ્ધિ કરે તેવા ઉપચાર થવા જોઈએ. સારવાર ચાલે અને પરિણામ મળે ત્યાં સુધી અત્યન્ત તીખા, ગરમ, ભારે પદાર્થો અને વાયુ કરે તેવો લૂખો-વાસી ખોરાક તથા વધુ સમય સુધી તડકામાં ફરવું, ઉજાગરા, દહીં, આથાવાળા પદાર્થો વગેરે બંધ કરવું.
ઔષધ પ્રયોગ આ પ્રમાણે શરૃ કરી શકાય.
(૧) શતાવરી, જીવંતી તથા કમળ કાકડીનું સરખા ભાગે ચૂર્ણ લઈ તેમાંથી દસેક ગ્રામ જેટલું ચૂર્ણ બે ચમચી (પાંચેક ગ્રામ) ફલધૃતમાં સાંતળી શિરો શેકે એ રીતે શેકી એમાં એક કપ જેટલું ગાયનું દૂધ તથા એટલું જ પાણી અને જરૃરી પ્રમાણમાં ખાંડ ઉમેરી માત્ર દૂધ બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવું. ઠરે એટલે એમાં સ્વાદ માટે એલચીનું ચૂર્ણ નાખી પી જવું. આ પ્રયોગ પરિણામ મળે ત્યાં સુધી ચાલુ રાખવો. ફલધૃત એ રતવા અને વંધ્યત્વનું એક અસરકારક ઔષધ છે. એ જ રીતે શતાવરી, જીવંતી અને કમળકાકડી પણ ગર્ભસ્થાપનમાં મદદ કરે છે.
(૨) માસિકના ચોથા દિવસથી સુવર્ણયુક્ત ગર્ભધારિણી વટીની એક એક ગોળી સવારસાંજ દૂધ સાથે લેવી.
(૩) ચાર ચમચી મહારાસ્નાદિ કવાથમાં ચાર ચમચી પાણી ઉમેરી સવારસાંજ પી જવું.
(૪) ચંદનબલાલાક્ષાદિ તેલ અથવા ઉદુમ્બરાદિ તેલનું યોનિમાં પિચું પોતું મૂકવું.
(૫) ગર્ભધારણ થાય એ પછી ગર્ભપાલરસની બે બે ગોળી નિયમિત રીતે દૂધ સાથે લેવી.