સમગ્ર ડીપાર્ટમેન્ટમાં હાહાકાર મચી ગયો હતો. આવી મજબૂત મનની વ્યક્તિ પોતાના જીવનથી સાવ આમ જ નાસીપાસ થઇ જાય. એટલું જ નહીં પણ જીવનનો અંત આણવા જેવી લાચાર પરિસ્થિતિમાં તેને મૂકાવું પડે એ વાત કોઇના પણ ગળે ઉતરતી ન હતી.
સીનીયર અધિકારી તરીકેનો સરકારી હોદ્દો ઓફીસમાં માન-પાન, પતિનું પણ સમાજમાં મોભાનું સ્થાન બે હોંશિયાર બાળકો, લોકોની નજરોમાં સુખ, સમૃદ્ધિ અને સાહ્યબીમાં આળોટતી એ સ્વરૃપવાન મહિલાના માથે એવું તે કેવું દુ:ખ આવી પડયું હશે કે એને આમ માંકડ મારવાની દવા ગટગટાવી જવી પડે ?
વાત એમ હતી કે એક ઉચ્ચ સરકારી મહિલા ઓફીસર દેવયાની પટેલને તાત્કાલિક સારવાર માટે આઈ.સી.સી.યુ.માં દાખલ કરાયા હતા. ડોક્ટરોએ એટ્રોપીન, પામ વગેરે દવાના ઇન્જેક્ષનોનો ડોઝ આપી ઝેરની અસરને નાબૂદ કરવાની અને પેટમાં રહી સહી માંકડ મારવાની દવાને 'ગ્રેસ્ટ્રીક લવાજ' દ્વારા પેટની બહાર ફેંકી દેવાની ઘનીષ્ઠ સારવાર શરૃ કરી દીધી હતી. જ્યારે હોસ્પિટલની બહાર જમા થયેલા લોકો આ આખીયે ઘટનાનું પૃથ્થકરણ કરવામાં વ્યસ્ત હતા. એમાં કેટલીક થીયરીઓ વહેતી મૂકાઈ હતી જે નીચે મુજબ હતી.
'સુખ-સાહ્યબી તો બહારથી દેખાતી હતી પણ અંદરથી તો આ સ્ત્રી ક્યારનીયે તૂટી ગઇ હતી. કારણ ઓફીસમાં દમામભેર મેડમ તરીકે જીવતા દેવયાનીબહેનની હાલત ઘરમાં કામવાળીથીયે બદતર હતી.'
'પતિનો અત્યંત કડક અને શંકાશીલ સ્વભાવ, સાસુની જોહુક્મી અને સામાજિક મોભો સાચવી રાખવા માટે દેવયાનીબહેને સ્વીકારી લીધેલી ગુલામી એ મેડમના જીવનની કડવી વાસ્તવિક્તા હતી. બિચ્ચારાં મેડમ ક્યાં સુધી આ બધું સહન કર્યા કરે ?'
'ગમે તેવા મજબૂત મનની વ્યક્તિ પણ સાવ ભાંગી પડે એવો માનસિક ત્રાસ મેડમે બે દાયકા સુધી સહન કર્યો હતો. પરંતુ મૂંગે મોડે આવી ગુલામી કોઈ પણ સ્ત્રી ક્યાં સુધી સહન કર્યા કરે ?'
તો વળી એવું પણ કહેવાતું હતું કે 'પોતાની મોભાદાર નોકરી સારો પગાર, સામાજિક પ્રતિષ્ઠા બધું જ હોવા છતાં દેવયાનીબહેને આ બધું સહન કરવાની ક્યાં જરૃર હતી ? ઓછું ભણેલી, ગરીબ ઘરની કોઈ પરવશ સ્ત્રી આ બધુ સહન કરી લે કારણ તેની પાસે બીજા વિકલ્પ ન હોય પરંતુ દેવયાનીબેને આવું ચલાવી લેવાની શી જરૃર ?'
લોકોની દલીલોમાં તથ્ય હતું. ડોક્ટરોએ દેવયાનીબહેનનો જીવ બચાવવા લગભગ ત્રણસો જેટલા એટ્રોપીનના ઇન્જેક્ષનથી ઝેરનું મારણ કર્યા પછી ટીક-ટ્વેન્ટીની ઝેરી અસરમાંથી દેવયાનીબેન બહાર આવી ગયાં હતાં. તેઓ મૃત્યુશૈયા પરથી પાછા ફર્યા હતા અને તેમને નવું જીવન મળ્યું હતું.
દેવયાનીબેને પણ હોસ્પિટલની પથારીમાં પડે પડે મનોમન નક્કી કરી લીધું હતું કે હવે ફરી પાછો મૃત્યુ શૈયા પર સૂવાનો વખત આવે ત્યારે મનમાં એવી લાગણી સાથે મરવું છે કે 'વાહ જીવન જીવવાની ખરેખર મઝા આવી ગઈ. હું મારી ધારણા પ્રમાણેનું જીવન જીવી શકી.'
દેવયાનીબેન હવે તેમના વ્યક્તિત્વને બદલવા માટે તત્પર હતાં. આજદિન સુધી એટલે કે અડધી જિંદગી પતિ ક્યારેક તો સમજશે અને ક્યારેક તો બદલાશે એવી ધારણામાં તેમણે વીતાવી હતી. સાસુમા પણ તેમની સેવા-ચાકરી કરનાર વહુને ક્યારેક તો ન્યાય આપશે એવી તેમને આશા હતી. પરંતુ હવે તેમને સમજાઈ ગયું હતું કે આમાંનું કોઈ જ બદલાશે નહીં. પરંતુ તેમણે જ બદલાવું પડશે. પોતાનું જીવન કઇ રીતે જીવવુ તેની સમગ્ર બાગડોર તેમના હસ્તક જ તેમણે લેવી પડશે.
દેવયાનીબહેને હવે બીજાઓની ખુશી માટે તેમનાથી કચડાઈને નહીં પણ પોતાની ખુશી માટે, વ્યક્તિગત સ્વાતંત્ર્ય માટે જીવન જીવવાનું નક્કી કર્યું હતું. તેથી સાયકોથેરપી અને 'એસર્ટીવનેસ ટ્રેઇનીંગ' માટેની તાલિમી સારવારમાં તેમનો સહકાર મેળવી શકાયો હતો. તેમની કેટલીક સમસ્યા નીચે મુજબ હતી.
પતિ-પત્ની બન્ને કમાતાં હતાં પણ પત્નીને પતિની પરવાનગી વગર પોતાના પગારમાંથી એક પાઈ પણ વાપરવાની છૂટ ન હતી.
આમાં વાંક પતિનો હતો ?
ના પોતાનો જ હતો એવું તેમને સમજાઈ ગયું હતું. કારણ આ પ્રકારનું વર્તન કરવાની પતિને છૂટ તેમણે જ આપી હતી.
જો શરૃઆતમાં જ પતિની આવી જોહુક્મીને દેવયાનીબેને ન ચલાવી લીધી હોત તો વાત આટલી હદ સુધી વણસી ન હોત.
પતિની આવી જોહુક્મીના વ્યાજબીપણા વિશે બે-ચાર પ્રશ્નો તેમણે શાંતિથી કર્યા હોત તો તેમાં પતિનો કોઈ રીતે અનાદર થઇ જવાનો ન હતો. દેવયાનીબેનને હવે સમજાયું હતું કે પતિની કેટલીક ગેરવાજબી વાતોને ચલાવી લઇને તેમને પતિને અમર્યાદ સત્તા આપી દીધી હતી.
દેવયાનીબહેન એસર્ટીવનેસ ટ્રેઇનીંગ અર્થાત્ સ્વાગ્રહી બનવાની તાલીમ દરમ્યાન તેમના નકારાત્મક વિચારોને ઓળખી શક્યા હતાં. સૌથી મોટો ખોટો ખ્યાલ તેમના મનમાં એ હતો કે 'હું નોકરી કરૃં છું એટલે સ્વછંદી થઇ ગઈ છું એવું કોઇને ન લાગવું જોઇએ' એક આદર્શ ભારતીય નારી બની રહેવાના તેમના ખ્યાલને કારણે જ તેમણે તેમના પતિ અને સાસુને તેમનો અનાદર કરવાની તથા ગેરલાભ ઉઠાવવાની છૂટ આપી દીધી હતી. એટલે પતિ એવું માનીને ચાલતા હતા કે 'દેવયાની તો કોઈપણ બાબતમાં સંમત જ થઇ જશે. તેણે પતિની વાતમાં સંમત થવું જ જોઇએ.'
વીસ વર્ષ સુધી પતિની વ્યાજબી ગેરવ્યાજબી બધી જ બાબતોમાં સંમત થયા પછી દેવયાનીબેન ક્રોનિક ડીપ્રેશનનો શિકાર બની ગયાં હતાં.
દેવયાનીબેનને હવે સમજાતું હતું કે સાસુમાને રીઝવવા માટે પોતાને ન ગમતી તમામ બાબતો તેઓ સહન કરતા રહ્યાં હતાં. એટલે સાસુમાને વહુના ગમા અણગમાની કોઈ કિંમત રહી ન હતી.
સાસુને અનુકૂળ થઇને રહેવાની વહુની ફરજ છે એવા સાસુમાના રૃઢિગત ખ્યાલને તેમણે જ પોષ્યો હતો. સાસુ દ્વારા થતો તેમનો અનાદર તિરસ્કૃત વલણ, અપમાનજનક ભાષા ચાલુ રહેવાનું મૂળકારણ, એ હતું કે સાસુના તમામ ગેરવ્યાજબી વર્તન સામે મૌન સેવી તેમનો વ્યાજબી પ્રતિકાર કરવાનું દેવયાનીબેને ટાળ્યું હતું.
ન્યુરોગ્રાફ
સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી પ્રાણીજગતમાં બે વૃત્તિ ચલણમાં હતી 'ફાઈટ ઓર ફ્લાઇટ' લડીલો યા નાસી છૂટો કે ચલાવી લો.


