'બિનકળિયુગી' માણસ કેવો હોય? .
- એક જ દે ચિનગારી-શશિન્
- કળિયુગમાં કલિ નામના અસુરની સત્તા હોવાથી અધર્મની ચડતી માનવામાં આવી છે
બિ નકળિયુગી માણસમાં લગભગ ૧૧ (અગિયાર) સદ્દગુણો હોય. આજના માણસને સુધરવું નથી. પતન માટે ઈચ્છા જોઈએ ઉત્કર્ષ માટે ઈચ્છા અને સાધના બન્ને. સાધના માટેનું કષ્ટ વેઠવા આજનો માણસ લેશમાત્ર તૈયાર નથી !
પ્રાચીન કાળગણના મુજબ અત્યારે જે યુગ ચાલે છે તેનું નામ કળિયુગ છે. સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળિયુગ. મહાયુગનો પણ ઉલ્લેખ મળે છે. પ્રસન્નિકા કોશ મુજબ સત્યયુગ ૧૭,૨૮૦૦૦ વર્ષ, ત્રેતાયુગ ૧૨૯૬૦૦૦, દ્વાપર યુગ ૮૬૪૦૦૦ અને કળિયુગ ૪૩૨૦૦૦ વર્ષ. કળિયુગ સમાપ્ત કરી નવા યુગનો પ્રથમ સત્યયુગ બેસે છે. કળિયુગ મહાયુગનો દસમો ભાગ છે.
કળિયુગ સત્યયુગનો વિરોધી છે. એ માણસના સૌજન્યને હણી લે છે. એટલે પવિત્ર માણસને બિનકળિયુગી માણસ કહેવાય છે.
બિનકળિયુગી માણસ કેવો હોય ?
એક શબ્દમાં કહીએ તો ભગવાનનો માણસ અથવા વૈષ્ણવ જન.
પરાઈ પીડા જાણે તેવો સંવેદનશીલ હોય.
એ નિરાભિમાની હોય
પ્રાણીમાત્રમાં એ નારાયણનાં દર્શન કરતો હોય
સહુ પ્રત્યે પ્રેમ દાખવતો હો
કપટ રહિત અને તૃષ્ણાત્યાગી
પર-સ્ત્રી જેને માટે માતા સમ વંદનીય હોય
એની વાણી મધુર હોય કામ-ક્રોધ પર નિયંત્રણ હોય
મન-વચન-કર્મથી એ ધર્મ આચરતો હોય
નિર્ણયમાં અડગ, વિવેકી હોય
જ્ઞાાની હોય, જ્ઞાાની હોય અને સતત આત્મસુધારણા માટે તૈયાર હોય. ચારિત્ર્યને શુધ્ધ રાખવાનો જેનો સંકલ્પ હોય. કળિયુગનો આરંભ કારતક સુદ ૯ (નોમ), અથવા ભાદરવા સુદ પ (પાંચમ) અથવા ભાદરવા વદ ૧૩ (તેરસ) છે. હવે છેલ્લો કલ્કિ અવતાર થશે. તેમાં માણસની ઊંચાઈ ૩।। (સાડા ત્રણ હાથ અને આયુષ્ય ૧૦૦ વર્ષનું મનાય છે. કળિયુગમાં કલિ નામના અસુરની સત્તા હોવાથી અધર્મની ચડતી માનવામાં આવી છે. મહાભારતના યુદ્ધની સમાપ્તિ સામે કલિયુગનો આરંભ થયો હોવાથી કલિ-કાલને 'ભારત યુદ્ધા અથવા યુધિષ્ઠિર યુગ પણ કહેવામાં આવે છે.'
કળિયુગનો અંત આણવા કેવા મહાપુરુષનો જન્મ થશે?
'ભારતીય મિથક કોષ'માં જણાવ્યા મુજબ કળિયુગના અંત વખતે સંભલ નામના ગામમાં બ્રાહ્મણ પરિવારમાં એક શક્તિશાળી બાળકનો જન્મ થશે. જેનું નામ હશે વિષ્ણુયશા કલ્કિ, જે કળિયુગનો અંત લાવી પુન: સત્યયુગની સ્થાપના કરશે. મહાભારત અને મનુ સ્મૃતિ મુજબ ૧૦૦૦ થી ૧૨૦૦ વર્ષનો સમય કળિયુગનો મનાય છે. મહાયુગનો એક કલ્પ બ્રહ્માનો દિવસ કહેવાય છે. કળિયુગની ઉત્પત્તિ ઈ.સ.પૂર્વે ૩૧૦૨ વર્ષથી થઈ છે. ભાદરવા વદ તેરસ રવિવારે મઘરાતે આશ્લેષા નક્ષત્રમાં વ્યતિપાત યોગમાં અને મિથુન લગ્નના ઉધ્યમાં કળિયુગની ઉત્પત્તિ થઈ. આ કલિ પિશાચના જેવા મોઢાવાળો અને ક્રૂર અને કલહપ્રિય છે. કળિયુગનો પાંચ ઠેકાણે વાસ હોય છે, દુષ્ટ સ્ત્રી, જુગાર, દારૂ, જીવહિંસા અને સુવર્ણ.
કળિયુગની અસર જનજીવનમાં કેવી હશે ? એના પ્રભાવથી મનુષ્યોમાં દેવતાઓની ભક્તિ રહેતી નથી. લોકો ઠરાવે તે જ લૌકિક ધર્મ મનાશે. જે લોકોને વિશ્વાસ હોય તે જ ઈશચિંતન કરશે. લોકો વ્યવસાય-ધંધા કરતાં નોકરીને વધુ મહત્વ આપશે. લોકો પેટભરા અને મીઠું બોલનારા હશે. દીર્ઘદ્રષ્ટિ નષ્ટ થશે, લોકો જૂઠ્ઠું બોલનારા હશે. પિતા-પુત્રમાં વેર અને દ્વેષભાવ માલૂમ પડશે. યજ્ઞાો બંધ થશે. દુ:ખ, આફત, રોગ, ભૂલદોષ ગુસ્સો વગેરે અનિષ્ટો વધી જશે. લુચ્ચાઓ, બનાવટી અને દંભી લોકોની પૂજા થશે. વરસાદ કોઈ ઠેકાણે વધુ તો કોઈ ઠેકાણે ઓછો હશે. નીચ લોકો લહેર કરશે અને સજ્જનો પીડાશે. શાસકો ભ્રષ્ટાચારથી મુક્ત નહીં હોય. તપસ્વીઓ વેશધારી હશે પ્રજા વિનાશને માર્ગે ધકેલાતી જોવા મળશે. કળિયુગમાં છ શકવર્તી રાજાઓ થશે અને તેમની સમાપ્તિ બાદ કળિયુગની સમાપ્તિ થશે. કળિયુગ જાતે આવતો નથી, આપણે જ તેને આવકારીએ છીએ. કળિયુગના પ્રભાવે માણસ જૂઠ્ઠું બોલતો હશે પણ એક નાગરિક તરીકે, એક મનુષ્ય તરીકે આપણે લોભ, સ્વાર્થ અને પૈસા ખાતર સજ્જનત્વનું બલિદાન ન આપવા તૈયાર છીએ ખરા ?
અહીં હિન્દીના સુવિખ્યાત વ્યંગ્યકારની ભ્રષ્ટાચાર વિષયક વ્યંગકથાનો ઉલ્લેખ પ્રાસંગિક ગણાશે. એક માણસે એવું માદળિયું તૈયાર કર્યું કે જેના કાંડે તે બાંધવામાં આવશે તે સાચું બોલશે. એણે આ માદળિયું રાજાને બતાવ્યું.
રાજાએ એ માદળિયુ એક કર્મચારીને કાંડે બાંધી તેની સચ્ચાઈની કસોટી કરી. જે કર્મચારીને કાંડે તે બાંધવમાં આવ્યું તે સાચું બોલતો હતો. રાજા ખુશખુશાલ થઈ ગયો અને લાખ્ખોની સંખ્યામાં માદળિયાં તૈયાર કરાવ્યા. લોકો સત્યવાદી બનવા લાગ્યા તેનો રાજાને આનંદ હતો. ફરી એક વાર ટેસ્ટ કરવા રાજાએ માદળિયુ પહેરાવી જોયું તો તે માણસ ભ્રષ્ટાચારી હતો. માદળિયામાંથી અવાજ આવતો હતો. ''આજે તો મહિનાનો અંતિમ દિવસ છે. ભ્રષ્ટાચાર આદરવામાં વાંધો ન રાખીશ. આમ, માણસ ક્યારેક સ્વેચ્છાએ ભ્રષ્ટ વર્તન કરતો હોય છે કે કાં તો આર્થિક કારણોસર, ગરીબી અથવા ધન લોભ ખાતર. એટલે માણસ જાતને સંપૂર્ણ પણે ઈમાનદાર બનાવવાનું શક્ય જ નથી. ક્ષેત્ર નોકરી-ધંધાનું હોય કે રાજકારણનું માણસ ઈમાનદારી કરતાં બેઈમાનીને વધુ મહત્વ આપે છે. એ કારણે ઈમાનદારી માટે એણે મૂલ્ય ચૂકવવું પડતું હોય છે કષ્ટ વેઠવું પડતું હોય છે.''
પતન માટે માત્ર ઈચ્છા જોઈએ, ઊત્કર્ષ માટે ઈચ્છા અને સાધના બન્ને. મજબૂત મનનો માણસ જ ઈમાનદાર બની શકે. સત્યનો માર્ગ એ હરિનો માર્ગ છે. 'સુત, વિત્ત, દારા શીશ સમર્પે તે પામે રસ પીવા જોને.'
આખા જગતને તો આપણે સુધારી શકીશું નહીં, પણ આપણી જાતને તો સુધારી શકીએ. દરરોજ એક દુર્ગુણને વિદાય આપીએ તો મહિને ૩૦ દુર્ગુણો અને વર્ષે ૩૬૦ દુર્ગુણો દૂર થઈ શકે. એ જ રીતે દરરોજ એક સદ્દગુણનું વાવેતર કરીએ તો મહિને ૩૦ સદ્દગુણોથી જીવન લીલું છમ બને.
આજના જમાનામાં ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર બની ગયો છે. એટલે લોકોની આ માનસિક નબળાઈ જાણી રાજકીય પક્ષો 'રેવડીઓ'નાં પ્રલોભન આપે છે, પણ એ 'રેવડીઓ' આપશે જ, એની કોણ ખાત્રી આખી શકે ? એટલે વાત ત્યાં આવીને અટકે છે. તમારે ભગવાનના માણસ બનવું છે કે શેતાનના ઉત્તર હશે જે સમયે જે જરૂરી લાગે તેવું, વર્તન કરનાર માનવી ? હું સત્ય નહીં બોલુ, પણ મારે જે કહેવુ છે તેને જ સત્ય માનીશ. બોલો, વધુ કાંઈ પૂછવું છે ?