Get The App

હાર્ટ એટેકના યુવાન દર્દીઓનું પ્રમાણ ભારતમાં વધી રહ્યું છે

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
હાર્ટ એટેકના યુવાન દર્દીઓનું પ્રમાણ ભારતમાં વધી રહ્યું છે 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

હા ર્ટ એટેક આવ્યો હોય એવા દરદીમાં યુવાનોનું પ્રમાણ આપણે ત્યાં ૧૫ ટકા જેટલે પહોંચી રહ્યાં છે, જ્યારે ફાસ્ટ લાઈફ ધરાવતા પશ્ચિમના અમુક દેશોમાં યુવાનોની સંખ્યા બેથી અઢી ટકા જેટલી જ છે. એનો મતલબ કે ભારતમાં હૃદયની બીમારી પ્રમાણમાં ઘણી વહેલી (નાની ઉંમરે) દરવાજે ટકોરા મારે છે. ઘણી વાર આપણે નાની નાની ચેતવણીને ગણકારતા નથી. પરિણામે ક્યારેક રોગ વિકરાળ રાક્ષસની જેમ મોઢું ફાડીને સામે ઊભો રહે. સાઇલન્ટ હાર્ટ એટેકને છાતીમાં થોડા દુખાવા કે મામૂલી ગભરામણ ગણીને આપણે ઇગ્નોર કરીએ, પરંતુ તબીબી આંકડા કહે છે કે તબિયત બહુ બગડે ત્યારે એન્જિયોગ્રાફી કરાવવા આવતા ૪૦ થી ૪૫ ટકા દરદીના શરીરમાં ટ્રિપલ વેસલ બ્લોકેજ હોવાનું દેખાય છે. ટ્રિપલ વેસલ બ્લોકેજ એટલે હૃદયની ત્રણેત્રણ મુખ્ય નળીમાં અવરોધ! જેટલા વધુ અવરોધ એટલી હૃદયને વધુ તકલીફ.

ચાના ઉત્પાદન બાબતે ચીને વર્ષો સુધી રહસ્ય અકબંધ રાખ્યું

ભારતમાં ૧૮૩૪ સુધી ચાનો એકપણ બગીચો નહોતો. ચાનો છોડ કેવો હોય એની આપણને જાણ સુધ્ધાં નહોતી. અલબત્ત, ચીન સિવાય દુનિયાના બધા દેશ ચા વિશે કે તે કઈ-કઈ પ્રક્રિયામાંથી પસાર થઈને છેવટે આપણા કપ લગી પહોંચે છે તે વિશે અજાણ હતા. હજારો વર્ષોથી એક અને માત્ર એક ચીન દુનિયાને ચા પૂરું પાડતું હતું. કઈ રીતે ચાનું ઉત્પાદન કરવું તે વિશે ચીને સદીઓ સુધી રહસ્ય છતું ન કર્યું. કોઈ જો આ રહસ્યને ચીનની બહાર લઈ જાય તો ચીન સરકારે તેના માટે આકરા રાજદંડની જોગવાઈ કરી હતી. ચીન પછી દુનિયામાં ચાનું ઉત્પાદન નોંધાવનાર પ્રથમ દેશ ભારત હતો. ૧૮૩૯માં ભારતમાં આસામે પ્રથમ ચાનું ઉત્પાદન હાથ ધર્યું. જોકે ડચ લોકોનું કહેવું છે કે ચીન બહાર ચાનું પ્રથમ ઉત્પાદન જાવામાં થયું હતું અને ત્યાર બાદ ૧૮૩૫માં એમસ્ટર્ડેમમાં નોંધાયું હતું. એક સદી બાદ અત્યારે ભારત વિશ્વમાં ચાનું સૌથી મોટું ઉત્પાદક બની ગયું છે. ભારતમાં અત્યારે ૧૩,૦૦૦ કરતાંય વધુ ટી-એસ્ટેટો છે. ૧૦ લાખ એકર કરતાંય વધુ વિસ્તારમાં ચાના બગીચાઓ પથરાયેલાં છે.?

આપણે ત્યાં ડાક વિભાગની શરૂઆત બ્રિટિશરોએ કરી હતી

આપણે ત્યાં ડાક વિભાગ ઈ.સ. ૧૮૫૪થી અસ્તિત્વમાં આવ્યો. બ્રિટિશરાએ આ પદ્ધતિની વ્યવસ્થિત શરૂઆત કરી હતી. જોકે એ અગાઉ પણ આપણે ત્યાં દેશી રાજ્યોમાં રાજ્યની ટપાલ લઈ જવા-લાવવા માટે હલકારા પદ્ધતિ અસ્તિત્વમાં હતી. એમ તો ઈ.સ. ૧૭૭૪માં કોલકાતામાં વોરેન હોસ્ટિંગ્સે પ્રથમ પોસ્ટ ઓફિસ શરૂ કરેલી તેવી પણ માહિતી મળે છે, પરંતુ ઇ.સ. ૧૮૫૪માં સૌ પ્રથમ ટપાલ ટિકિટ છપાઈ અને ત્યારથી ડાક વિભાગ પદ્ધતિસર શરૂ થયો. બ્રિટનની રાણીની તસવીર ધરાવતી આ ટપાલ ટિકિટ અડધા આના, એક આના, બે આના અને ચાર આના એમ ચાર પ્રકારે બહાર પડાયેલી. (બ્રિટનમાં સૌ પ્રથમવાર ઈ.સ. ૧૮૪૦માં ટપાલ ટિકિટ બહાર પડેલી) લોકો ભલે પોસ્ટ કાર્ડ લખવાનું ભૂલવા માંડયા હોય પરંતુ આ પોસ્ટ કાર્ડ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આજ દિન સુધીનો તેનો ઇતિહાસ ભૂલવા જેવો નથી. ટપાલ ટિકિટની શરૂઆત ઈ.સ. ૧૮૫૪માં થઈ તે પછી ઇ.સ. ૧૮૭૯માં ૧લી એપ્રિલ ૧૮૭૯ના રોજ એક પૈસાની કિંમતનું પોસ્ટ કાર્ડ બહાર પડાયેલું. જ્યારે પોસ્ટ કાર્ડની શરૂઆત થઈ ત્યારે પોસ્ટ કાર્ડ અને લિફાફા એમ બે જ વસ્તુઓ અસ્તિત્વમાં હતી. લિફાફાની કિંમત ૨ પૈસા અને પોસ્ટ કાર્ડની અક પૈસા.

કામનું કોકમ : મેદસ્વિતા દૂર કરવા સિવાય પણ ઘણા બધા લાભ

સંસ્કૃતમાં અમ્લવૃક્ષક, ચુક્રતિંતિડીક વગેરે નામથી ઓળખાતાં કોકમનાં ઝાડ ગોવા તથા મલબાર કાંઠાના વિસ્તારમાં પુષ્કળ થાય છે. મોટા ભાગે સાગરકાંઠે થતાં કોકમનાં ઝાડની ખેતી હવે રાયગઢ અને ગુજરાતમાં પણ થવા લાગી છે. ઉત્તર ગુજરાતમાં પણ હવે કોકમની ખેતી થવા લાગી છે. કોંકણ વિસ્તારમાં અને લોનાવાલામાં પણ કોકમ પુષ્કળ પાકે છે. કોકમના ઝાડ ક્રિસમસ ટ્રી જેવાં ઊંચાં હોય છે. કોકમનાં બી વાવીને તે રોપાઓને એક વરસ પછી ૩૦ ફૂટના અંતરે ફરી રોપવામાં આવે છે. પાંચ વરસે તેનાં ઝાડ થઈ એની ઉપર ફળ આવવા લાગે છે. કોકમનાં ઝાડનાં ફૂલ નાનાં હોય છે અને તેનાં ફળને કોકમ કહેવામાં આવે છે. કોકમના કાચાં ફળ તૂરાં, ખાટાં, અગ્નિદીપક, પિત્તહર છે તથા કફ, વાત અને અતિસાર મટાડે છે. કોકમનાં પાકા ફળ મધુર, રેચક, અગ્નિદીપક છે. એ સંગ્રહણી, રક્તદોષ, વ્રણ, કૃમિ અને વાતોદર મટાડે છે. કોકમના ફળમાં ઘણાં બી હોય છે. બીને કચરી, ગરમ પાણીમાં ઉકાળી તેલ કાઢવામાં આવે છે. આ કોકમનું તેલ કોકમના ઘી તરીકે પણ ઓળખાય છે. કોકમનું તેલ કે ઘી હાથે-પગે ચોપડવાથી હાથ-પગમાં પડેલા ચીરા મટે છે અને તરડાઈ ગયેલી ચામડી સુંવાળી થાય છે. કોકમમાં વિટામિન સી, મેલિક એસિડ, ટર્ટરિક એસિડ અને સાઇટ્રિક એસિડ છે. આ સાઇટ્રિક એસિડ વાસ્તવમાં હાઇડ્રોક્સી સાઇટ્રિક એસિડ છે જે તેને એક મહત્ત્વનું ફળ બનાવે છે. ખાસ કરીને મેદસ્વીઓ માટેનું! કોકમમાં રહેલું આ તત્ત્વ મેદસ્વીપણાને દૂર કરવામાં ઉપયોગી છે તેવું સમર્થન દુનિયાભરમાં સંશોધનોએ આપ્યું છે.

બેંગકોક અનોખી મહિલા લૂંટારૂઓ

દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બનવાની કોશિશ કરતી મહિલાઓ ચોરી-લૂંટપાટના વ્યવસાયમાં ખૂબ પાંખી સંખ્યામાં જોવા મળે છે, કારણ કે આ વ્યવસાયમાં બુદ્ધિ કરતાં બળથી વધુ કામ લેવું પડે છે અને સારી એવી સ્ફૂર્તિ દેખાડવી પડે છે. સંકટ સમયે વંડી ઠેકવાની ત્રેવડ જોઈએ. દુર્ગમ સ્થિતિ વચ્ચે બેંગકોકની મહિલાઓની એક ટોળીએ ચોરી-લૂંટફાટમાં ખાસ્સું નામ કાઢયું છે. આ ટોળકીના ત્રણ સભ્યો પોલીસના હાથમાં સપડાયા પછી ટોળકીનો ચોરી-લૂંટપાટનો નિરાળો અંદાજ જાણવા મળ્યો હતો. આ ટોળી પ્રથમ રૂપનાં કામણ પાથરીને યજમાનને હોટેલમાં લઈ જઈ ચુંબનોથી નવડાવી દે છે અને એકાદ માદક ચુંબન દરમિયાન જીભ નીચે રાખેલી માદક પદાર્થની ગોળી યજમાનના મોંઢામાં સરકાવી દે છે. થોડી જ ક્ષણોમાં યજમાન બેભાન થઈ જાય છે. ત્યારે ચોરટી સુંદરીઓ પોતાનું કામ આટોપીને છૂ થઈ જાય છે. કામણગારી ચોરટીઓની આ ગેંગ વિદેશી ટૂરિસ્ટોને જ લૂંટે છે.