- એક જ દે ચિનગારી-શશિન્
- શ્રમ પ્રત્યેની સૂગ અને શરમ એ સંસ્કૃતિનું પતન છે. સફળતા અને સિદ્ધિની પ્રાપ્તિ માટે યાદ રાખવા જેવી પાંચ બાબતો કઈ?
જે ઓ જીવનમાં વાવવાને બદલે સીધું લણવાની જ આશા રાખે છે, સરવાળે તેમના નસીબમાં રુદન જ લખાય છે. કામ માણસની જહેમત માગે છે. કામ માણસ પાસે ખંત અને ખમીર માગે છે. અને જેઓ કાર્યને 'પતાવવા' માગે છે, કાર્ય વહેલું મોડું તે માણસને 'પતાવી' દે છે. બહાનાખોર, શ્રમાદી, ચંચળ મનોવૃત્તિવાળા અને નાની નાની વસ્તુઓ પ્રત્યે બેજવાબદાર લોકો જીવનને અભિશાપ કરી નીંદતા
હોય છે.
પરિશ્રમ એ જીવન છે અને પ્રમાદ એ મૃત્યુ. શ્રમ આડેધડ થઈ શકે, પરિશ્રમ ચોતરફથી વિચાર કરીને ફળ પ્રાપ્તિ માટે આવશ્યક નિષ્ઠા, સાવચેતી અને કાળજી રાખીને કરવાનો વિષય છે. માણસ કામમાં વેઠ ઉતારે તો તેનો શ્રમ સાર્થક ન પણ નીવડે.
પરિશ્રમનું મૂલ્ય કોઈપણ યુગમાં એક સમાન જ હોય છે. જેણે કશુક પામવું છે, કશુંક વિશેષ મેળવવું છે એ કઠોર પરિશ્રમ માટે તૈયાર રહે તો વહેલી-મોડી પણ તેની મનોવાંછિત સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે.
વિશ્વના મોટા ભાગના પદાર્થો શ્રમનાં જ સંતાનો છે. તેથી જેણે કાંઈક પ્રાપ્ત કરવું છે, એણે શ્રમનો પાલવ પળવાર માટે પણ છોડવો જોઈએ નહીં. પરિશ્રમીને મન જીવનના સંઘર્ષો એ ડર કે પલાયનનો વિષય નથી, પણ પડકાર ઝીલવાના અણમોલ અવસર છે. મનુષ્યએ પરમેશ્વર પાસે સ્વર્ગ શા માટે માગવું જોઈએ ? પરિશ્રમથી જ ધરતીને સ્વર્ગમાં પરિણત કરવાનું અદ્દભુત સામર્થ્ય મનુષ્ય પોતે જ ધરાવે છે. પરિશ્રમમાં વિશ્વાસ એટલે પરમેશ્વરમાં વિશ્વાસ.
કુદરતને માણસની શક્તિમાં શ્રધ્ધા છે. એટલે સિદ્ધિઓ એણે હવા-પાણીની જેમ સુલભ નથી બનાવી. જેમ વસ્તુ મૂલ્યવાન તેમ તેની પ્રાપ્તિ માટેની કુદરતની શરત પણ તેટલી જ આકરી. પરિશ્રમ દ્વારા જ કુદરતની બંધ મુઠ્ઠીને ખોલવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય.
જેઓ પરાજયથી હતાશ બન્યા વગર સતત પરિશ્રમશીલ રહે છે તેઓ વિપરિત પરિસ્થિતિઓના ઝંઝાવાતને શમાવીને વિજયનો વાવટો ફરકાવી શકે છે. જેઓનું મન ચંચળ હોય છે તેઓ પોતાના પરિશ્રમને ફળવામાં થતો વિલંબ સહી શકતા નથી. પરિણામે પ્રયત્ન પ્રત્યે અશ્રધ્ધાળુ બની હાથમાં લીધેલા કામને અધવચ્ચે છોડી દે છે.
ઉપરચોટિયા પ્રયત્નોનું પરિણામ હંમેશા છીછરું જ આવે. ફતેહ અથવા સિધ્ધિ માટે ખૂંપી જવા ઉપરાંત ખપી જવાની પણ તૈયારી રાખવી પડે. તમે શિથિલ બનો, પ્રમાદી બનો, કામચોર બનો, આપત્તિઓથી ગભરાઈને પલાયનવાદી બનો તો વિજયશ્રી તમને દૂરથી જ સલામ કરવાની પરિશ્રમના પ્રસ્વેદથી મહેકેતું જીવન જ સિધ્ધિના પવિત્ર પ્રાંગણમાં પ્રવેશવાને લાયક બને છે.
સિધ્ધિ માટે કેવળ ઉચ્ચ પ્રેરણાઓથી કામ સરતું નથી. ઉચ્ચ પ્રેરણાઓ સાથે સન્નિષ્ઠ પ્રયત્ન ભળે તો જ એનાં સુફળ પ્રાપ્ત થાય. સફળતાના હીરાને રસ્તે રઝળતા રહેવાની આદત નથી.
ધૈર્ય એ સફળતાના સ્ટેશનનું પ્રતીક્ષાલય છે. આજના યુગમાં માણસ 'શોર્ટકટ'નો મુસાફર બની ગયો છે. એને બધું જ જોઈએ છે, પણ ઉતાવળે, સાધના કર્યા વગર, પરસેવે ન્હાયા વગર. એ માટે એ મૂલ્યોનું બલિદાન આપવામાં પણ ખચકાટ અનુભવતો નથી.
સિધ્ધિ મેળવવામાં પણ ખોટાને જીતી જતા જોઈને સાચાએ ગભરાવાની જરૂર નથી. ખરેખર તો આ જગતમાં ખોટાઓની સફળતાનું કારણ સાચાઓની, નિષ્ક્રિયતા અને સાચાપણા પ્રત્યે ઘટતી જતી શ્રધ્ધા છે. એટલે ચંચળ મનોવૃત્તિના શિકાર બની પરિશ્રમમાં શ્રધ્ધા ખોઈ બેસવાની જરૂર નથી. આજે પણ પરસેવે નહાનાર માટે સિધ્ધિની તકો ઊજળી છે.
આજે બહાનાબાજી અને આરામદાયક જીવનની બોલબાણ વધી ગઈ છે. માણસ કર્મ કરવા થનગને છે, તેટલો કર્મનાં વિઘ્નો કે કર્મજન્ય વિપરિત પરિણામો સહેવા તૈયાર હોતો નથી. પરિણામે સિધ્ધિ નહીં મળવાના અપયશ માટે પોતે જવાબદાર છે, એવી ખુમારી દાખવવા તે તૈયાર હોતો નથી. કાર્યની નિષ્ફળતાનાં અનેક બહાનાં માણસ શોધી કાઢે છે. માણસને પોતાની ક્ષતિ, ભૂલચૂક કે વાંક સમજાય છે ખરો, પણ પોતાની ભૂલને ખુલ્લા દિલે સ્વીકાર કરવા માટે પણ નૈતિક હિંમત જોઈએ, જે એનામાં નથી. માણસનું શિક્ષણ આખરે તો તેનામાં નિર્ભયતા અને નૈતિક હિંમતપૂર્વક વ્યક્તિત્વ ઘડતર માટે જ છે, પરંતુ માણસનો સ્વાર્થ એને કાર્યની જવાબદારી અને તેનાં પરિણામોમાંથી છટકવા માટેનું બળપૂરુ પાડે છે. કારણ કે માણસને સારા દેખાવું જેટલું પસંદ છે તેટલું સારા રહેવાનું પસંદ નથી હોતું. પરિણામે પોતાની ભૂલ કે દોષનો ટોપલો બીજાને માથે ઢોળી દેવાથી જો એ ચાલ સફળ થાય તો, બીજા દંડાય અને પોતે સલામત રહે, એવું સીધું પણ સ્વાર્થપ્રેરિત ગણિત માણસ અજમાવતો હોય છે. પોતાની પ્રત્યેક કમજોરી, અણઆવડત, ભૂલ-ચૂક, પલાયનવૃત્તિ, બેજવાબદારી, પ્રમાદ, અપ્રામાણિકતા અને કર્તવ્યવિમુખતાને ઢાંકવા માટે અનેક બહાનાં કાઢવામાં માણસ પાવરધો બની ગયો છે. આપણો સમગ્ર જીવન વ્યવહાર બહાનાંબાજીની રાવણલીલા બની ગયો છે.
મૂલ્ય ચૂકવનારા મહાન આત્માઓના નૈતિક હિંમતના પ્રકાશથી જ આ ધરતીનો અંધકાર ઘટતો રહ્યો છે. બહાનાંખોર, બોદાં, પામર માનવીઓના ધૃણિત વ્યવહારે તો અંધકારમાં વધારો જ કર્યો છે. વાંક કે ક્ષતિ એ આત્મદર્શનનો અવસર છે. દોષ ઢોળનારા નહીં. દોષ, ધોઈને ઉજળાં થનારાં જ સાચુકલા માનવીઓ છે.
રાત અંધારી છે એ કબૂલ, પણ એનો અર્થ એ નથી કે આપણે અંધકારની શરણાગતિ સ્વીકારીને પ્રકાશ પ્રાપ્તિનો પાલવ છોડી દેવો.
આજના શિક્ષણે માણસમાં 'વ્હાઈટ કોલર' જોબની લાલચ પ્રબળ માત્રામાં ઊભી કરી દીધી છે. પરિણામે જ વ્યવસાયમાં અત્યંત પ્રરિશ્રમ કરવાનો હોય એવા વ્યવસાયને બદલે માણસ 'ટેબલ-ખુરશી' વાળી આરામદાયક નોકરી જ કરવાનાં સ્વપ્નો જોયા કરે છે. 'શ્રમ પ્રત્યેની સૂગ અને શરમ એ સંસ્કૃતિનું પતન છે. શ્રમથી ભાગે તે 'નિરક્ષર' કહેવાય અલ્પશ્રમે અધિક પ્રાપ્તિની એષણા જ ભ્રષ્ટાચારના દ્વાર ખોલવા માટેનું જવાબદાર પરિબળ છે.
આજનો યુગ નબળાનો નહીં સબળાનો યુગ છે. બીજી રીતે કહીએ તો પ્રબળ સ્પર્ધાનો યુગ છે. માણસને સહેલાઈથી રોજીરોટી મળવાની શક્યતાઓ ઘટી રહી છે ત્યારે જે વ્યક્તિ પરિશ્રમ માટે સતત તૈયાર રહેશે અને શ્રમને દેવતા માની એની પૂજા કરશે, એનો જ આદર થશે. પરિશ્રમ એ પારસમણિ છે. અને પ્રમાદ માનવીનો મહાનશત્રુ છે.
આપણે ઈચ્છતા હોઈએ કે આપણી ભાવિ પેઢી પરિશ્રમની પૂજારી બને તો એને અતિ આરામદાયક એરકન્ડિશન્ડ શિક્ષણખંડમાં ભણવાની સગવડ આપવાને બદલે જીવનનાં તડકાં-છાંયડાનો અને સ્વાવલંબનનો અનુભવ થાય એવી સ્થિતિમાં રાખીને એને 'જીવનશિક્ષણ' માટે તૈયાર કરવો જોઈએ. પહેલાંના જમાનામાં રાજાનો દીકરો અને ગરીબ બ્રાહ્મણનો દીકરો એક સાથે ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતાં હતાં એ સાચા જીવન શિક્ષણનો ઉત્કૃષ્ટ દાખલો છે.
પરિશ્રમ પ્રિય વ્યક્તિએ નિરાશ થવાની જરૂર નથી. શાસ્ત્રો કહે છે : પરિશ્રમથી ભાગતા પ્રમાદી લોકો પરમેશ્વરને પણ પસંદ હોતા નથી. જે પોતાની જાતને મદદ કરે છે, પ્રભુ પણ તેને મદદ કરે છે.
પુરુષાર્થમાં શ્રધ્ધા અને પરિશ્રમનું પ્રેરણાસ્ત્રોત છે. આટલું યાદ રાખો.
૧. તમારે જે મેળવવું છે એ પરિશ્રમથી જ મળશે.
૨. શ્રધ્ધાપૂર્વકનો અને સમજપૂર્વકનો પરિશ્રમ એ સફળતાની ચાવી છે.
૩. પરિશ્રમનું ભલે તાત્કાલિક ફળ ન મળે, પણ અંતે તો પરિશ્રમીનો જ વિજય થાય છે.
૪. સો ટકા પરિણામ માટે બસો ટકા પરિશ્રમ કરવાની વૃત્તિ રાખો.
૫. વિઘ્નોના અંતરાયો છતાં પરિશ્રમનો ત્યાગ કરશો નહીં. અંતે તો વિજય હાંસલ થવાનો જ છે.


