- રજનીગંધા-વિભાવરી વર્મા
- હું ઘણીવાર નીરજને પાર્ટીઓમાં લઈ જતી. પરંતુ દસ જ મિનિટમાં એ ત્રાસી જતો...સાચું કહું ? એને સુખની એલર્જી હતી!'
'ની રજ વણકરનાં પેઇન્ટિંગ્સમાં ઊંડે ઊંડે હતાશા છે, નિરાશા છે, અસંખ્ય પીડાઓ છે અને જેટલી ઊંડી કરુણા છે એટલો જ સળગતો આક્રોશ પણ છે...'
ટીવીમાં એક જાણીતા કલા વિવેચક ખ્યાતનામ પેઇન્ટર નીરજ વિશે મોંફાટ વખાણ કરી રહ્યા હતા. આજે નીરજને નેશનલ લેવલના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવી રહ્યો હતો. છતાં પાંસઠ વરસના નીરજના ચહેરા ઉપર હજી એ જ ઉદાસીની છાયા દેખાતી હતી.
એન્કરે નીરજ સામે માઈક ધરીને પૂછ્યું 'છેક ગુજરાતના નાનકડા ગામથી શરૂ થયેલી તમારી સફર આજે ઇન્ટરનેશનલ સીમાડાઓ ઓળંગી ગઈ છે...તો એની પાછળ તમે કોને જવાબદાર માનો છો ?'
નીરજના ચહેરા ઉપર એક કડવાશ ઉભરાઈ આવી. જવાબ નહોતો આપવો છતાં જાણે આ ઇન્ટરવ્યુથી પીછો છોડાવવો હોય એવા ઇરાદાથી તેણે કહ્યું :
'જવાબદાર તો એક જ વ્યક્તિ છે. એનું નામ છે મન્વીતા માધવાણી...જો એણે મારા દિલ સાથે દગો ન કર્યો હોત તો-'
વાક્ય અધૂરું મુકીને નીરજ કેમેરા સામેથી ઝડપથી ખસી ગયો...
***
'મન્વીતા, તેં જોયો એ ઇન્ટરવ્યૂ?'
ભારતથી હજારો કિલોમીટર દૂર દક્ષિણ આફ્રિકાના કેપટાઉનના એક ભવ્ય બંગલામાં બેઠેલી મન્વીતાને તેની ખાસ સહેલી સંગીતા આ સવાલ કરી
રહી હતી.
એ સવાલ સાથે જ મન્વીતાનું મન ભૂતકાળમાં સરકી રહ્યું હતું...
વરસો પહેલાં વડોદરા નામની સંસ્કારી નગરીમાં મન્વીતા અને નીરજ એક જ કોલેજમાં સાથે ભણતાં હતાં. નીરજ તે વખતે સાવ મુફલિસ જેવો હતો. છતાં તેનાં એકદમ ડાર્ક, ડીપ અને પીડાને ઉજાગર કરતાં પેઈન્ટીંગો જોઈને મન્વીતા તેની આશિક બની ગઈ હતી.
આ આશિકી જતે દહાડે ગાઢ મિત્રતામાં ફેરવાઈ ગઈ હતી. મન્વીતા તો અતિશય ધનવાન કુટુંબમાં જન્મેલી એકની એક દિકરી હતી. જ્યારે નીરજને ક્યારેક ટીફીનના પૈસા ચૂકવવાનાં પણ ફાંફાં રહેતાં હતાં.
'મન્વીતા, સાચું કહેજે, તું નીરજના આટલા બધા પ્રેમમાં હતી, તો પછી એની સાથે લગ્ન કેમ ન કર્યા ?' સંગીતા પૂછી રહી હતી.
'પ્રેમ....' ઊંડો શ્વાસ લેતાં મન્વીતાએ કહ્યું 'સંગીતા, જેને આપણે પ્રેમ કરતા હોઈએ તેની સાથે લગ્ન કરવાં જ પડે એવું કોણે કીધું ? એ તો ઠીક, ધારો કે મેં એની સાથે લગ્ન કર્યાં હોત, તો શું હું એની એક રૂમની ભાડાની ખોલીમાં જઈને રહેવાની હતી?'
'ના. પણ નીરજ તારા બંગલામાં રહેવા આવી શક્યો હોત ને?'
'જો આવ્યો હોત...' મન્વીતા ફરી એ દિવસોમાં સરી પડી. 'એને બંગલાઓમાં' સખત અકળામણ થતી હતી...ધનની છોળો અને ભવ્યતામાં એને ગુંગળામણ થતી હતી. હું ઘણીવાર નીરજને પાર્ટીઓમાં લઈ જતી. પરંતુ દસ જ મિનિટમાં એ ત્રાસી જતો...સાચું કહું ? એને સુખની એલર્જી હતી !'
'સુખની એલર્જી ?'
'હા.' મન્વીતા ગંભીર હતી. 'નીરજનાં પેઇન્ટીંગોમાં જે દર્દ, જે પીડા છલકાતાં હતાં તે પીડાનો જ એને નશો હતો ! એને મુફલિસીમાં જ મોજ પડતી હતી. તું નહીં માને, પણ ક્યારેક તો એની પાસે રંગો ન હોય તો તે ઉકળેલી ચા વડે, ચાના કૂચા વડે, કોલસા વડે કે ઈવન લીલાં પાંદડાંનાં ડૂચા કરીને પોતાનાં પેઇન્ટિંગ ચીતરતો !'
'યસ ! એટલે જ તો નીરજ વણકર સૌ કલાકારોમાં અલગ તરી આવતો હતો ! પણ એવા જિનિયસને તેં દગો શા માટે દીધો ?'
'એના ભલા માટે!'
'ભલા માટે ?' સંગીતાને નવાઈ લાગી.
'હા સંગીતા, મેં જોયું કે મારી સાથેની સંગત દરમિયાન એ પોતાના
દર્દને ભૂલી જતો હતો. પરંતુ એમાં ને એમાં છ-છ મહિનાઓ સુધી એણે એક પણ નવું પેઇન્ટિંગ કર્યું જ ન હોય ! હું પૂછું તો કહેતો કે બસ, કેન્વાસ ઉપર ઉતારવા માટે મનમાં કોઈ ફિલીંગ્સ જ નથી આવતી ! બસ, ત્યારે જ મને વિચાર આવ્યો કે જો નીરજ મારા પ્રેમમાં ડૂબેલોરહેશે તો તે કદી મહાન પેઈન્ટર નહીં બની શકે.'
'અચ્છા ? અને એટલા ખાતર તેં એને છોડી દીધો ?'
'હા. કોલેજ પુરી થયાના બીજા જ દિવસે હું વડોદરા છોડીને અહીં દક્ષિણ આફ્રિકામાં મારા ડેડી પાસે આવી ગઈ.'
'જેથી કરીને નીરજ સતત પીડાતો જ રહે ? મન્વીતા, આ તો ક્રૂરતા કહેવાય !'
'ના.' એ ક્રૂરતા નહોતી. મન્વીતાએ કહ્યું : 'મેં એની તમામ કાળજી લીધી હતી. એ ભાઈસાહેબ તો એટલા અલગારી હતા કે પોતાનાં પેઇન્ટિંગ્સ ક્યાં પડયાં છે એની પણ પરવા ન હોય...અને તને શું લાગે છે, એ પોતે ગેલેરીઓ ભાડે રાખીને પોતાની કલાનું પ્રદર્શન કરે ? હરગિઝ નહીં !'
'તો તેં શું કર્યું ?'
'મારાં મમ્મી બહુ મોટાં આર્ટ કોનોઝિયર છે. દુનાયભરની મહાન કલાકૃતિઓનો સંગ્રહ એમની પાસે છે. એટલું જ નહીં. મોટી મોટી ગેલેરીઓ અને ઓકશન હાઉસો સાથે એમનાં ડાયરેક્ટ સંપર્કો છે...એમની મદદથી મેં જ એક આર્ટ એજન્ટને નીરજ પાસે મોકલ્યો હતો.'
'અને એ જ આર્ટ એજન્ટે નીરજને એક 'ડીસ્કવરી' તરીકે દુનિયા સામે પ્રસ્તુત કર્યો !'
'હા.' એટલું જ નહીં, મમ્મીની મદદથી મેં નીરજના તમામ શો વખતે દેશના મોટા મોટા કલાકારો હાજર રહે તેની ગોઠવણ કરી....નીરજનાં પેઇન્ટિંગોને બેસ્ટમાં બેસ્ટ રિવ્યુ મળે અને ઓકશનમાં બેસ્ટ પ્રાઈસ મળે એની પાછળ-.
'તું હતી ?' સંગીતાને હવે જુદા પ્રકારની નવાઈ લાગી હતી હતી.
'કેમકે હું નીરજને પ્રેમ કરતી હતી.' મન્વીતાના અવાજમાં હવે ભીનાશ હતી. 'સંગીતા, પ્રેમનો અર્થ હંમેશા લગ્ન નથી હોતો.'
સંગીતાને હવે આખી કહાણી સમજાઈ ગઈ. ત્યાં ભારતમાં સર્વોચ્ચ સન્માન પામનારો નીરજ એમ માનતો હતો કે મન્વીતાએ તેને 'દર્દ' આપ્યું છે, પરંતુ હકીકત એ હતી કે નીરજ માટે તો 'દર્દ' એ જ એનાં પેઇન્ટિંગની 'દવા' હતી !
'છેલ્લે એક જ સવાલ....' સંગીતાએ પૂછ્યું આજે તું ૬૩ વરસની થઈ ગઈ, છતાં તેં લગ્ન કેમ નથી કર્યા ?
મન્વીતાએ એક ગૂઢ સ્મિત કરીને જવાબ ટાળી દીધો...


