- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
રૂ ઢિચુસ્તો માને કે ન માને, પણ અંગ્રેજી ભાષા હવે વિશ્વભરમાં મહત્ત્વની વપરાશની ભાષા બની ગઈ છે. બેરિંગ ઉત્પાદન કરતી એસકેએફ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક મિટિંગ હતી. બોર્ડમાં ૧૧ જણ સ્વીડિશ હતા. એક સ્વિસ, એક જર્મન અને એક ઇટાલીઅન મેમ્બર હતા. ગોથેનબર્ગમાં જ્યારે તેમની બેઠક મળી ત્યારે તેમણે તમામ વહીવટી કામગીરી અંગ્રેજી ભાષામાં જ કરી હતી. આ તો એક માત્ર ઉદાહરણ છે. ડાર્વિનના પસંદગીના સિદ્ધાંત પ્રમાણે અંગ્રેજી હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોઈ વિરોધ વગર સામાન્ય વ્યવહારની ભાષા બની ગઈ છે. કોઈપણ દેશની સંસ્કૃતિ માટે ભાષા સંવેદનશીલ મુદ્દો હોય છે. ભાષાના પ્રશ્ને લોકો લડવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે અને છતાં ભાષા એ એવી વસ્તુ છે કે એક જ દેશમાં, એક જ ગલીમાં અને એક જ વ્યક્તિના મગજમાં એક કરતાં વધારે ભાષા સહઅસ્તિત્વ ધરાવે જ છે. અત્યારે હવે સરકાર, શિક્ષણ સમિતિઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ અંગ્રેજીને બીજી ભાષાનો દરજ્જો આપી દેવા તૈયાર થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. ભાષાશાસ્ત્રીઓના અંદાજ પ્રમાણે ૩૫ કરોડ અંગ્રેજો માટે અંગ્રેજી માતૃભાષા છે અને આ ઉપરાંત વિશ્વની કુલ વસતિનો છઠ્ઠો ભાગ એટલે કે એક અબજ જેટલા લોકો અંગ્રેજી જાણે છે. જોકે ચાઇનીઝ ભાષા બોલનારા કરતાં આ આંક નાનો છે, પણ છતાં અમેરિકા કરતાં ચીનમાં અંગ્રેજી શીખતા લોકોનો આંક પાછો વધારે છે. સ્વિટ્ઝરલેન્ડમાં પોતાની ત્રણ-ચાર ભાષા હોવા ઉપરાંત અંગ્રેજીનું જોર વધી રહ્યું છે. જર્મનીની હેકસ્ટ અને સિમેન્સ જેવી કંપનીઓએ અંગ્રેજીને વહીવટી ભાષા તરીકે અને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારી લીધી છે. વિશ્વમાં લગભગ દરેક મોટી કંપનીઓમાં હવે સ્વાભાવિકપણે જ અંગ્રેજીનો વપરાશ શરૂ થઈ ગયો છે.
જ્યારે ઔરંગઝેબ શ્રીનાથજીના ચરણોમાં ઢળી પડયો !
સામાન્ય રીતે હિંદુઓ એવું માને છે કે ભગવાન ઊંચા આસાન પર બિરાજમાન છે, પરંતુ વૈષ્ણવો શ્રીનાથજીને બાળસ્વરૂપ માનીને વહાલ કરે છે. કોઈ વૈષ્ણવના ઘરમાં ઠાકોરજીને વસાવ્યા હોય તો તેમને ભગવાન નહીં, પણ ઘરની જ એક વ્યક્તિ માનીને તેની સંભાળ રાખવામાં આવે છે. શ્રીનાથજીને કૃષ્ણ અને રાધાના યુગલસ્વરૂપ તરીકે પણ જોવામાં આવે છે. શ્રીનાથજીનો વામહસ્ત (ડાબો હાથ) ઊંચો હોય તે તમામ ચિત્રો, ૭ વર્ષના કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો તે બાળસ્વરૂપ દર્શાવે છે. શ્રીનાથજીના સૌથી મહત્ત્વના સ્વરૂપનાં દર્શન નાથદ્વારામાં થઈ શકે છે. રાજસ્થાનમાં ઉદયપુરથી ૪૦ કિલોમીટર દૂર પહાડોની તળેટીઓ વચ્ચે આવેલું નાથદ્વારા, વૈષ્ણવોનું ધર્મસ્થાન છે. અહીંની હવેલીમા શ્રીનાથજીનું સ્વયંભૂ સ્વરૂપ છે તેવું વૈષ્ણવો માને છે. લોકવાયકા પ્રમાણે ઔરંગઝેબે જ્યારે નાથદ્વારા પર આક્રમણ કર્યું ત્યારે તેણે શ્રીનાથજી પર અનેકવાર તલવારો વીંઝી હતી, પણ જેટલી વાર તે તલવાર હાથમાં ઉગામતો ત્યારે તેની દ્રષ્ટિ ચાલી જતી હતી. તે અંધ બની જતો. ઔરંગઝેબને પોતાની ભૂલ સમજાઈ ત્યારે તે શ્રીનાથજીના ચરણોમાં ઢળી પડયો હતો. કહે છે કે ત્યાં શ્રીનાથજીની ચિબુક પર જે હીરો મઢવામાં આવ્યો છે તે ઔરંગઝેબે આપેલો છે.
નાસ્તિક વિન્સ્ટન ચર્ચિલ કયારેક ભૂતપ્રેતના પ્રયોગ કરતાં
બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ ભૂતપ્રેતમાં માનતા નહીં, છતાં તેનો પ્રયોગ ક્યારેક કરતા. ૧૮૯૦ના દાયકામાં દક્ષિણ આફ્રિકામાં લડાયેલા બોએર યુધ્ધ વખતે પ્રિટોરિયાની યુદ્ધકેદીઓની છાવણીમાંથી ચર્ચિલ ભાગી છૂટયા હતા. પણ અજાણ્યા લોકોના વિસ્તારમાં પોતાનો હિતેચ્છુ કોણ હશે તે જાણવા માટે આફ્રિકનોની માફક ઓઇજા નામના પાટિયા પાસેથી મળતા માર્ગદર્શન પ્રમાણે અજાણ્યા ઘરમાં ઘૂસ્યા હતા.
ન્યૂ યોર્કમાં ઉંદરોનો ત્રાસ
ન્યૂ યોર્કે ઘણો વિકાસ સાધ્યો હોવા છતાં ઉંદરોના આતંકને નાથી શકાયો નથી. ઊલટાનો ઉંદરોના આતંકમાં ૪૦ ટકાની વૃદ્ધિ થઈ છે. અહેવાલ પ્રમાણે આ વર્ષે ન્યુ યોર્કમાં ૩૨૦૦૦ ફરિયાદો પેસ્ટ કન્ટ્રોલ સમક્ષ નોંધાવવામાં આવી છે. ઉંદરોના ત્રાસને લીધે શહેરનું કોલસેન્ટર ધમધમે છે. ઇન્કવાયરી માટેની હોટલાઇન પર પૂછપરછ કે ફરિયાદને લગતા રોજના ૬૦,૦૦૦ ફોન આવે છે. પ્રગતિ સાધ્યા છતાં શહેરમાં ઉંદરોનું કીડિયારું ઊભરાયું છે
એવું કેમ બન્યું? તેના જવાબમાં ન્યુ યોર્કના રેટ એક્સપર્ટ બુ્રસ કોલિન કહે છે કે આ સમસ્યા માટે ઘરડું થતું જતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વધતી જતી ગીચ માનવવસાહતો જવાબદાર છે, જેનું નિરાકરણ લાવવું ઘણંા મુશ્કેલ છે. ઉંદરને લીધે પણ ફેલાતા એસટીડી રોગ સિફિલિસના કેસ ન્યુ યોર્કમાં નોંધાયા છે.
આતંકવાદી સંગઠનમાં પ્રવેશવા માટે પણ આકરી પરીક્ષા
સામાન્ય માન્યતા એવી છે કે તમિળ ટાઇગરોએ સ્યુસાઇડ બોમ્બિંગ (માનવબોંબ દ્વારા આત્મઘાતી હુમલા)ની શરૂઆત કરી. જ્યારે હકીકત એ છે કે સ્યુસાઇડ બોમ્બિંગનો આરંભ લેબેનીઝ ગેરીલાઓએ બેરૂત શહેરમાંથી કર્યો હતો. ઇઝરાયલ સાથે દાયકાઓથી ચાલતા સંઘર્ષમાં લેબેનીઝ ગેરીલા સંગઠનો માટે સ્યુસાઇડ બોમ્બિંગ વરસોથી સૌથી ઘાતક હથિયાર બની રહ્યાં છે. આમાં પાછી નવાઈની વાત એ છે કે સ્યુસાઇડ બોમ્બિંગ દ્વારા દુશ્મન ઉપર હલ્લો બોલીને શહીદી વહોરવા માગતા યુવાનોની લેબેનોનમાં કદી ખોટ નથી વર્તાતી. ઇઝરાયલ સામેના યુદ્ધમાં લેબેનીઝ ગેરીલા સંગઠન હિઝબુલ્લાહ સૌથી અગ્રેસર છે. હિઝબુલ્લાહ પાસે આ રીતની શહીદી વહોરવા માગતા સેંકડો યુવાનોની એક છૂપી યાદી (સિક્રેટ લિસ્ટ) હોય છે અને આ સિક્રેટ લિસ્ટમાં કોનાં કોનાં નામ છે એ હિઝબુલ્લાહના નેતા સિવાય કોઈ જાણતું નથી. શહીદી વહોરવા માગતા યુવાનોને હિઝબુલ્લાહ ગેરીલા સંગઠન વોલંટિયરો ગણાવે છે અને આ વોલંટિયરો પૈકી કોઈને મળીને એની પાસેથી હિઝબુલ્લાહ અને તેની પ્રવૃત્તિઓ વિશે વાત કઢાવવી લગભગ અશક્ય છે. હિઝબુલ્લાહ ભલે ત્રાસવાદી ગેરીલા સંગઠન રહ્યાં પણ એમાં ગમે તેવા આલિયામાલિયાને પ્રવેશ નથી અપાતો. હિઝબુલ્લાહમાં જોડાવા માટે દરેક લેબેનીઝ યુવાને એક લાંબી, કષ્ટદાયક અને ધીરજ માગી લેતી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સૌથી પહેલા તો તમારે કોઈ કોર્પોરેટ કંપનીમાં નોકરી માગવા જતા હો એમ એક ફોર્મ ભરવું પડે અને એ ફોર્મમાં તમારે પોતાના ચારિત્ર્ય વિશે બે જાણીતી હસ્તીઓનો રેફરંસ આપવો પડે. હિઝબુલ્લાહના કર્તાહર્તાઓને પૂરેપૂરી ખાતરી થઈ જવી જોઇએ કે આપણા સંગઠનમાં જોડાવા ઇચ્છતો શખ્સ આપણી વિચારસરણી અને માન્યતાઓમાં સો ટકા વિશ્વાસ ધરાવે છે અને આપણા ઉદ્દેશોની પૂર્તિ માટે એ ગમે તેવું બલિદાન આપવા તૈયાર છે. ઉમેદવાર અને એના કુટુંબનું બેકગ્રાઉન્ડ પણ ચકાસી લેવાય છે. એણે પોતાના ત્રણ નજીકના અને 'વિશ્વાસુ' માણસોના નામ આપવા પડે છે. આવા દરેક વિશ્વાસુ માણસનો ઓછામાં ઓછો ત્રણ કલાક સુધી ઇન્ટરવ્યુ લેવાય છે. ઉમેદવારને કોઈ પણ પ્રકારની લશ્કરી તાલીમ આપ્યા પહેલા એને માટે ત્રણ શિક્ષણ સત્રો રાખવામાં આવે છે જેમાં એને રાજકારણ, ધર્મ અને હિઝબુલ્લાહની ચળવળના સામાજિક મહત્ત્વ વિશે 'જ્ઞાન' અપાય છે.


