Get The App

વફાદારી નિભાવવા ધ્યાનમાં લેવાની સાત બાબતો

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
વફાદારી નિભાવવા ધ્યાનમાં લેવાની સાત બાબતો 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- બિનવફાદારીના માનસિક કષ્ટમાંથી મુક્ત રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે : 'નેકી કર ઔર દરિયામેં ડાલ'

જ ગતે ક્યારેય કોઈને સો ટકા વફાદારી આપી હોય એવું ઈતિહાસનાં પૃષ્ઠો પર નોંધાયું છે ખરું ? કયા યુગપુરુષે સમકાલીનોની ઉપેક્ષા અને નિંદાનો સામનો નથી કરવો પડયો ? કયા યુગમાં પીઠ પાછળ ખંજર મારનાર મિત્રો નથી પાક્યા ? કયા યુગમાં પ્રેમનું સો ટકા ગૌરવ સાચવનાર સઘળાં પ્રેમીઓ પેદા થયાં છે ? કઈ પ્રજાએ પોતાના તારણહારને સંપૂર્ણ વફાદારી આપી છે ? કયા માલિકને સો ટકા વફાદાર કર્મચારીઓ મળ્યા છે ? અપેક્ષાઓની રેસમાં દરેક માણસની એક જ આકાંક્ષા હોય છે, મારો ઘોડો આગળ રહેવો જોઈએ. જ્યાં વિજય જ લક્ષ્યબિંદુ બની જાય ત્યાં માણસ વિવેકને કેન્દ્રમાં રાખીને કેવી રીતે જીવી શકે ?

ઉમાશંકરભાઈએ એક સરસ વાત કહી છે. રામાયણમાં આદર્શ રાજા છે, આદર્શ પિતા છે, આદર્શ માતાઓ છે, સીતા અને બીજી આદર્શ  પત્નીઓ છે, આદર્શ  ભાઈ છે, આદર્શ  સેવક છે, બધું જ સુંદર છે. વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા આદર્શ પુરોહિતો છે. પણ... પણ રામાયણમાં આદર્શ  પ્રજા જોવા મળતી નથી. એવી પ્રજામાંના એક આપણે પણ છીએ. એ અંગે આપણે ગંભીરતાથી વિચાર કર્યો જ નથી. આદર્શ  વફાદારીની પઠાણી ઉઘરાણી કરવાનું જાણે છે, વફાદારીનો બિશરતી ઉપહાર અર્પવામાં એ 'રેશનિંગ' દાખલ કરે છે.

વફાદારી માણસ સામેની વ્યક્તિની ફરજ જ નહીં, પણ એને અનિવાર્યપણે અદા કરવાનું કરજ પણ માને છે. પરિણામે જ્યારે પણ માણસ આપણે તેની પર કરેલા ઉપકારનાં સ્મરણ કે કર્મમાથી વિચલિત થાય ત્યારે આપણે તેની પર આકરા પ્રહારો કરીએ છીએ, બળાપો વ્યકિત કરીને તેની બદનામી કરવાની તક જતી કરતા નથી !

પણ આવું કરવામાં તે વ્યક્તિનું ચારિત્ર્ય ખુલ્લું પડે છે, તેમ આપણું પણ છીછરાપણું વ્યક્ત થાય છે, એનો આપણે લેશમાત્ર વિચાર કરતા નથી.

લેખક સુદર્શનની એક પ્રસિધ્ધ વાર્તા 'હાર કી જીત' માં બાબા ભારતી, ગરીબ અપાહિજનું રૂપ ધારણ કરી પોતાનો પ્રિય ઘોડો પડાવી લેનાર ધાડપાડુને કહે છે.... 'ભાઈ, તેં ગરીબ અપાહિજનો વેશ ધારણ કરી મને છેતર્યો, એ વાત તું કોઇને કહીશ નહીં, નહીં તો લોકો ગરીબને મદદરૂપ થવાની શ્રધ્ધા ગુમાવી બેસશે. અને કોઈ ગરીબને મદદ કરવા તૈયાર થશે નહીં.'

વિદુરનીતિમાં વિદુરે આ જગતની સ્વાર્થવૃત્તિનું ચિત્ર રજુ કરતાં માર્મિક શબ્દોમાં કહ્યું છે કે, 'શિક્ષણ પત્યા પછી શિષ્ય ગુરુનો, લગ્ન થયા પછી પુત્ર માતાનો, કામવેગ શાન્ત થયા પછી પુરુષ સ્ત્રીનો, સફળ થયા પછી મિત્ર મિત્રની સહાયનો, નદી પાર કર્યા બાદ (પ્રવાસી) નૌકાનો અને સાજા થઈ ગયા પછી રોગી ચિકિત્સકનો તિરસ્કાર કરે છે, બધું ભૂલી જાય છે.'

બિનવફાદારી કે નમકહારીમીના માનસિક કષ્ટમાંથી મુક્ત રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે - 'નેકી કર ઔર દરિયામેં ડાલ' કર્તવ્ય બજાવ્યાનો આનંદ માણવો અને કર્તવ્યના પ્રત્યુત્તરરૂપે સામેની વ્યકિતની અહેસાનનોંધ, કદરદાની અને વફાદારીની અપેક્ષાથી મુક્ત રહેવાની મનને તાલીમ આપવી. આમાં બે ફાયદા છે. અપેક્ષા વગર કરેલા અહેસાનનો સહજ આનંદ તો આપણા હાથમાં જ રહેવાનો અને સામેની વ્યક્તિ કદરદાન બને અને ઉપકારનો બદલો ઉપકાર કે વફાદારીથી આપે તોપણ આપણને આકસ્મિક, સન્માન મળ્યાનો પરિતોષ મળશે.

વફાદારીને માપવા - તોળવા અને મૂલવવાનો આગ્રહ જ આપણે માટે પીડાકારક બનતો હોય છે. એ સંજોગોમાં આપણે એક જ માર્ગ અપનાવી શકીએ અને તે આપણા પક્ષે સામેની વ્યક્તિ પરત્વેની ઋણ અદાયગીની ભાવના. આપણે વફાદારી દાખવવામાં કંજૂસાઈ ન કરવી. એનાથી એમ પણ બને કે વફાદારીની ખુશ્બો સામેની ઉપકારવશ વ્યકિતના મનને તરબતર કરે અને એ પણ અહેસાનની અભિવ્યક્તિ કે પ્રત્યુત્તર માટે આકર્ષાય. અને એમ ન બને તો ય નૈતિક કર્તવ્ય સમજીને આપણે કરેલું કાર્ય આપણને તો પ્રસન્ન રાખશે જ.

મનને સુખી અને પ્રસન્ન, ઉલ્લાસમય અને ઉત્સાહસભર રાખવા માટે આપણે અન્ય પ્રત્યે કરેલા ઉપકારોના સ્મરણથી મનને આઝાદ જ રાખવું પડે. નહિ તો આપણી નંદવાયેલી અપેક્ષાઓનો કાટમાળ આપણા મનની સુંદરતા, મધુરતા અને સદ્ભાવોત્સુકતા છીનવી લે. માટે અહેસાન ફરામોશીની વેદના જીરવતાં, ભૂલતાં શીખવું જ પડે, કારણ કે આ પણ જીવનનો એક પડકાર છે.

વફાદારીભર્યા સંબંધો યાદ રાખવા માટે ધ્યાનમાં લેવા જેવી બાબતો - ૧. જેણે આપણી પર નાનકડો પણ ઉપકાર કર્યો હોય એનું અહેસાન યાદ રાખી મન-વચન-કર્મથી ભલું ઈચ્છવું જોઈએ. ૨. કસોટીની ક્ષણોમાં જેણે હૂંફ આપી હોય તેનો બદલો કાર્યનિષ્ઠાથી આપવાની પૂરી કોશિશ કરવી જોઈએ. ૩. માણસની સ્થિતિ સુધરે ત્યારે છકી જવાને બદલે વધુ સારા બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. ૪. વફાદાર માણસો પ્રત્યેની શ્રધ્ધાને શંકામાં બદલાતાં પહેલાં સો વાર વિચારવું જોઈએ. ૫. જેમ શ્રેષ્ઠ કર્મચારી કે નોકર બનવું જોઈએ તેમ તમને શ્રેષ્ઠ માલિક બનતાં પણ આવડવું જોઈએ. ૬. વફાદારીની અપેક્ષા રાખતાં આપણે બીજા પ્રત્યે વફાદાર રહીએ છીએ ખરા ? ૭. કોઈ આપણી વફાદારીની કસોટી કરે ત્યારે નફરત દાખવવાને બદલે નમ્રતા દાખવવી જોઈએ.