- રજનીગંધા-વિભાવરી વર્મા
- હાલમાં ટુરિઝમની ફૂલ સિઝન હોવા છતાં તમારો રિસોર્ટ ખાલીખમ કેમ છે?
'આ ર યુ શ્યોર, સર ?' ઉટીના સૌથી રમણિય લોકેશન પર આવેલા 'રોયલ રિસોર્ટ'નો મેનેજર મને કહી રહ્યો હતો :
'સર, એ અમારા રિસોર્ટનું સૌથી મોંઘુ કોટેજ છે. અમે એને હનીમૂન કોટેજ કહીએ છીએ. એનો ચાર્જ હાલમાં ચાલી રહેલી ઓફ-સિઝનમાં પણ ડબલ હોય છે. એમાં ફક્ત કપલ્સ જ આવે છે. જ્યારે તમે તો -'
'હું સિંગલ જ છું ! મેં હસીને જવાબ આપ્યો : 'જુઓ, હું એક આર્કીટેક્ટ છું પણ મને પેઇન્ટિંગનો જબરદસ્ત શોખ છે. એમાંય મેં બે નિયમો રાખ્યા છે. એક, હું મારાં પેઈન્ટિંગ્સ કદી વેચવાનો નથી અને બીજું, એનું ક્યાંય એકિઝબિશન નથી કરવાનો. એટલે મારા માટે મારી આ આર્ટ સાથે સમય વિતાવવો એ હનીમૂન સમાન જ છે !'
મેનેજર હસ્યો. જોકે મને ખાતરી હતી કે એને મારા જેવો કસ્ટમર કદી નહીં મળ્યો હોય. કોટેજની ચાવી આપતાં તેણે કહ્યું :
'આ સ્પેશીયલ કોટેજની સર્વિસ પણ સ્પેશીયલ છે તમે યાદ કરશો સર..'
મેનેજરની વાત સાચી નીકળી. હજી હું કોટેજમાં આવીને સામાન ઠેકાણે મુકાવીને રિલેક્સ થવાનું વિચારતો જ હતો ત્યાં કોયલના ટહૂકા જેવો અવાજ આવ્યો :
'સર, ગરમાગરમ સ્ટીમ બાથ લેવો છે ને ? અને એ પછી હોટ ફિલ્ટર કોફી સાથે ઉપમા ?'
'એક્ઝેક્ટલી ! આ તો મારા મનની જ વાત-'
પાછળ ફરીને જોઉં છું તો આશરે ચૌદેક વરસની શ્યામ વરણી, ચમકતી મોટી આંખોવાળી અને ઘેરા લાલ હોઠ વચ્ચે મોગરાની કળી જેવા ઉજળા સફેદ દાંત ચમકાવતું હાસ્ય ફરકાવતી એક નટખટ છોકરી ઊભી છે.
'તને ક્યાંથી ખબર ? મેં પૂછ્યું.
'મને મુસાફરની ચાલ પરથી ખબર પડી જાય છે.'
એ હસતી હસતી જતી રહી.
બીજા દિવસે સવારે પણ એવો જ ચમત્કાર ! હજી બંદા પથારીમાંથી બેઠા થઈને વિચારે છે કે યાર અહીં ફૂદીનાવાળી બ્લેક-ટી તો કોણ બનાવતું હશે ? અને ઊટી જેવા હિલ સ્ટેશન પર કંઈ મેથી-પરાઠા મળે ખરા ?'
પણ મારા આશ્ચર્યનો પાર નહોતો જ્યારે બાથરૂમમાંથી નહાઈને બહાર નીકળ્યો ત્યારે પેલી શ્યામલી છોકરી એકઝેકટલી એ જ ચીજો સાથે ટ્રે લઈને તેને ટેબલ ઉપર સજાવી રહી હતી !
'કમાલ છે, તને કંઈ ટેલિપથી આવડે છે કે શું ?'
'ના.' એ તો ખડખડાટ હસી પડી. ફક્ત નામ વાંચતા આવડે, અને ચહેરો વાંચતા આવડે !
તમારી સરનેમ પંજાબી છે, તમે જે તામિલ ભાષા બોલો છો એમાં કન્નડની છાંટ છે અને આવો છો બેંગ્લોરથી એટલે નોર્થ અને સાઉથ બન્ને ટાઈપનાં ફૂડ માટે ટેસ્ટ ધરાવતા હશો!'
'અરે બાપરે ! કમાલ છે ? આવડી અમથી ઉંમરમાં આટલું બધું જાણે છે ? કેટલું ભણી છે ?'
એ ફરી ખડખડાટ હસી. 'બાપુજીએ નિશાળે મોકલી હોય તો ભણું ને ? નાની હતી ત્યારથી અહીં જ કામ કરું છું. આ રિસોર્ટના મેઇન ગેટ પર જે ચોકીદાર છે ને, એ મારા બાપુજી છે.'
એક દિવસના રહેવાસમાં એ શ્યામલી (મેં એનું નામ પણ ક્યાં પૂછ્યું હતું ?) મારી ઝીણામાં ઝીણી આદતો જાણી ગઈ હતી.
મારા પેઈન્ટિંગ માટેના કેન્વાસ, રંગો, પીંછીઓ, ઇઝલ, પેલેટ વગેરે સામાન જોઇને એ બોલી : 'કલાકાર છો?'
'હા, પેઇન્ટર છું, પણ માત્ર હોબી છે.' 'ના.' એ ફરી હસી. 'પેઈન્ટર તો એને કહેવાય જે દિવાલો અને બારી-બારણાં રંગે ! તમે તો કલાકાર કહેવાઓ.'
'બહુ ડાહી-ડાહી વાતો કરે છે. હવે સાંભળ, મારે અહીં થોડાં કુદરતી દ્રશ્યોનાં પેઈન્ટિંગ્સ બનાવવાં છે
તો-'
'લેન્ડસ્કેપ ?' એ બોલી ઊઠી. 'અરે, એક થી એક અદ્ભૂત જગ્યાઓ બતાડું તમને !'
મેં અહીં દસ દિવસ રોકાવાનું પ્લાન કર્યું હતું. શ્યામલી મને રોજ એક થી એક ચઢિયાતી અને અતિશય સુંદર જગ્યાઓએ લઇ જતી હતી. અહીંની પહાડીઓ, ખીણો, સતત વહેતાં ઝરણાં, ઊંચા ઊંચા ધોધ અને ઘટ્ટ રહસ્યમય ઘટાટોપ જંગલો...
જાણે પેઈન્ટર હું નહીં, એ હતી ! હું તો સામે જે દેખાય તેને માત્ર કેન્વાસ ઉપર ઉતારવાનું જ કામ કરી રહ્યો હતો.
'તમે પાછા ક્યારે આવશો ? એક સાંજે તેણે મારા પેઈન્ટિંગનો સામાન ભેગો કરીને ખભે ઉપાડતાં મને પૂછ્યું.
'કદાચ આવતા વરસે આવીશ. કેમ ?'
'ત્યારે તો -' એના અવાજમાં થોડો ભાર આવી ગયો. 'ત્યારે તો કદાચ હું નહીં હોઉં કેમકે મારાં લગ્ન થઇ જશે.'
'લગ્ન ?' હું ચોંકી ગયો. 'તારી ઉંમર તો હજી ચૌદ વરસની છે.'
'હા, પણ બાપુજી ગરીબ છે. મા સતત બિમાર રહે છે. ઇલાજમાં બહુ રૂપિયા જોઈએ છે : એટલે-'
'એટલે ?' હું જરા ગુસ્સામાં હતો.
'એટલે મને એક પચાસ વરસના વિધૂર સાથે પરણાવી દેશે, કેમકે હું તો કાળી છું ને ? ઉપરથી બદસુરત-'
'બદસુરત ? કોણે કહ્યું ? અરે, તારા જેવી સુંદર દીકરી મેં મારી જિંદગીમાં નથી જોઈ !'
'એ તો તમે કલાકાર છોને, એટલે-જ'
'એટલે વળી શું ?' મેં કહ્યું, 'એક કામ કર. કાલથી હું તારું એક સુંદર પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કરીશ. ત્રણ દિવસમાં એ પુરું થઈ જશે. એ પેઈન્ટિંગ તું તારા બાપુજીને આપીને કહેજે કે જુઓ, મારાં લગ્ન માટે તો રાજકુમાર મળશે, રાજકુમાર ! તમે આ પેઈન્ટિંગ બતાડીને જ મારાં લગ્ન નક્કી કરજો..'
એ ખડખડાટ હસી રહી હતી પણ હું મારી વાત ઉપર મક્કમ હતો. બીજા જ દિવસે એક સુંદર ખીણને બેકગ્રાઉન્ડ તરીકે રાખીને, તેને એક શીલા ઉપર બેસાડીને મેં પેઈન્ટિંગ શરૂ કર્યું...
પરંતુ એ રાત્રે જ મારા ઘરેથી ફોન આવ્યો કે 'મમ્મી સખત બિમાર છે હોસ્પિટલાઇઝ કરવી પડી છે, તું તરત પાછો આવી જા...'
હું રાતોરાત નીકળી ગયો. એ પેઈન્ટિંગ અધૂરું જ રહી ગયું...
ખાસ્સા છ મહિના પછી ઉનાળાની રજાઓમાં મને મારી હોબી યાદ આવી. સાથે સાથે પેલું અધૂરું પેઈન્ટિંગ પણ યાદ આવ્યું. મને થયું, ભલે મોંઘું પડે, પણ ફરી ઉટીના 'રોયલ રિસોર્ટ'માં જ જવું જોઈએ...
***
'આર યુ શ્યોર ?' એ જ મેનેજર અને એ જ સવાલ કરી રહ્યો હતો પણ આ વખતે કારણ અલગ હતું :
'સર, એ કોટેજ અમે કોઇને આપતા નથી.'
'પણ મને એ જ કોટેજ જોઈએ છે.' મેં કહ્યું, 'અને મને નવાઈ એ વાતની લાગે છે કે હાલમાં ટુરિઝમની ફૂલ સિઝન હોવા છતાં તમારો રિસોર્ટ ખાલીખમ કેમ છે ? ઝાડપાન સૂકાઈ ગયાં છે.... ફૂલો તો જાણે ગાયબ જ છે.. કારણ શું ?'
'તમને છેલ્લું કોટેજ જ જોઈએ છે ને ? મળી જશે.' મેનેજરે વાત બદલી નાંખી.
'અને સર્વિસ ?' હું એ સવાલ પૂછવા જતો હતો પણ ન પૂછયો.
જોકે જરૂર પડી જ નહીં ! કોટેજમાં પગ મુકતાંની સાથે જ કોયલ જેવા મીઠાં અવાજે મારું સ્વાગત થયું 'આવી ગયા કલાકાર સાહેબ ?'
બે દિવસના બદલે હું ચાર દિવસ રોકાઈ ગયો. ચારે ચાર દિવસ સંપૂર્ણપણે શ્યામલીના પોટ્રેટ બનાવવામાં વીતી ગયા. એ પેઈન્ટિંગમાં મેં મારો જીવ રેડી દીધો હતો.
એ સાંજે મેં શ્યામલીને કહ્યું, 'લે આ તારું પેઈન્ટિંગ ! હવે ખુશ ?'
એ હસી : 'કલાકાર સાહેબ, આ પેઈન્ટિંગ તમે જતી વખતે મારા બાપુજીને આપતા જજો...'
રિસોર્ટના ગેટ ઉપર ઉભેલા ચોકીદારને મેં જ્યારે શ્યામલીનું પેઈન્ટિંગ આપ્યું ત્યારે એ ડઘાઈ ગયો હતો ! એના હાથ ધુ્રજી રહ્યા હતા ! એની આંખો ચકળવકળ થઈ રહી હતી.
મેં પૂછ્યું, 'શું થયું ?'
'બાબુજી, મારી દિકરી તો ચાર મહિના પહેલાં એક શીલા પરથી લપસીને ખીણમાં પડીને મરી ગઈ હતી ! તમે આ પેઈન્ટિંગ કોને જોઈને બનાવ્યું ?'
***
એ પેઈન્ટિંગ હું ત્યાં જ મુકીને પાછો આવી ગયો હતો. બે મહિના પછી મેનેજરનો ફોન આવ્યો :
'સર, તમે બનાવેલું એ પેઈન્ટિંગ અમે જ્યારથી અમારા રિસોર્ટના રિસેપ્શન એરિયામાં લગાડયું છે ત્યારથી આખો રિસોર્ટ ફરી રળિયામણો બની ગયો છે.. સૂકાં વૃક્ષો ફરી લીલાંછમ થઈ ગયાં છે.. અને હા, પેલા હનીમૂન કોટેજની આસપાસ સુંદર ગુલાબી ફૂલોની વેલ છવાઈ ગઈ છે...'


