Get The App

વીર શિવાજી .

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
વીર શિવાજી                                                 . 1 - image

- ગુરૂગોવિંદ સિંહે કહ્યું, આપણે આપણી સેનાઓ સાથે રાખીને લડીશું તો પણ ઔરંગઝેબની વિશાળ સેનાને પહોંચી નહીં શકીએ માટે છુટાં છુટાં જ યુદ્ધો આપતા રહેવું યોગ્ય છે.

શા હજહાંના પત્રને લીધે શાહજીને મુક્ત કરવા જ પડયા. બીજાપુર સુલતાન પાસે બીજો વિકલ્પ જ ન હતો, તે આપણે જોયું. પરંતુ તે અત્યંત ગિન્નાયો હતો તેના બેગમને તો તે પોતાનું નાક કપાયા જેવું લાગતું હતું. નવાબ કુતુબ શાહ અને તેના બેગમ બંને જાણતાં હતાં કે આ પાછળ શિવાજીનો જ હાથ છે. તેથી બેગમે તેના ભાઈ અફઝલ ખાનને શિવાજીને જીવંત કે મૃત બીજાપુર હાજર કરવા કહ્યું.

અફઝલ ખાન છ ફીટ ૩ ઈંચ ઊંચો, પડછંદ, કદાવર, વીર યોદ્ધો અને સફળ સેનાપતિ હતો. તે સમયે શિવાજી માતા જીજાબાઈ સાથે પ્રતાપગઢમાં રહેતા હતા. પ્રતાપગઢ જંગલોથી ઘેરાયેલો ઊંચી કરાડો ઉપરનો દુર્ગ હતો. તે જીતવો અશક્ય સમાન હતો છતાં અફઝલ વિશાળ સેના લઈ પ્રતાપગઢ તરફ ચાલ્યો. તળેટીમાં છાવણી નાખી.

શિવાજીએ તેઓના સૈનિકોને તે છાવણીની બંને બાજુએ રહેલાં જંગલોમાં રાતોરાત છુપાઈ જવા કહ્યું. શિવાજી રાત્રે વેષપલ્ટો કરી જે તંબુમાં અફઝલનો સચિવ હતો ત્યાં ગયા, તે સચિવ બ્રાહ્મણ હતો. શિવાજીએ તેને ગૌમાતા તથા હિન્દુઓને જે કંઈ પવિત્ર હોય તેના શપથ ઉપર સાચું કહેવા કહ્યું, તેણે કહ્યું, ''મારા સરદારનું મન ચોખ્ખું નથી.'' આ શબ્દોએ ઈતિહાસને નવો વળાંક આપ્યો.

અફઝલે શિવાજીને મંત્રણા માટે મળવા કહેણ મોકલ્યું. શિવાજીએ અંગરખાં નીચે લોખંડની જાળી વાળું બખ્તર પહેર્યું હતું. ડાબા હાથમાં વાઘનખ (લોખંડના) પકડયા જમણા હાથમાં મોટી કટારી રાખી, અદબવાળી તેના ઉપર શાલ રખાવી જાણે કે માન પૂર્વક અફઝલને મળવા ગયા ત્યારે માથા ઉપર લોખંડનો ટોપ પહેરી તેની ઉપર પાઘ બાંધી હતી.

અફઝલ શિવાજીને આવકારવા જતો હોય તેમ સામે ગયો. શિવાજી નજીક આવતાં ડાબા હાથે તેમની ગરદન જકડી લીધી જમણા હાથથી પાછળ રાખેલી તલવાર ખેંચવા ગયો ત્યાં શિવાજીએ વાઘનખથી તેનું પેટ સીરી નાખ્યું. કટારીથી વધુ ચીર્યું. અફઝલ રાડો નાખતો છાવણી તરફ દોડયો પરંતુ માર્ગમાં જ પડી ગયો, મૃત્યુ પામ્યો. આ તરફ તેની સેના હેબતાઈ ગઈ. તે માની ન શકી કે આવો પ્રચંડ યોદ્ધો મૃત્યુ પામે. ત્યાં તો બંને બાજુએથી મરાઠાઓ છાવણી ઉપર તૂટી પડયા. છાવણીમાં હાહાકાર થઈ ગયો. બીજાપુરની સેનામાં નાસભાગ થઈ ગઈ.

શિવાજીએ અફઝલખાન જેવા પ્રચંડ યોદ્ધાને પણ ખતમ કર્યો તેની સેના વેર-વિખેર કરાવી નાખી તે પૂર્વે તેઓએ એક અતિ સુંદર યુવતીને પણ માનભેર તેનાં કુટુમ્બમાં પાઠવી દીધી તેથી શિવાજીનો ડંકો વાગી ગયો. સાથે પેલી કિંવદંતીએ જોર પકડયું કે શિવાજીને માતા તુલજા ભવાનીએ જ તલવાર આપી છે તેથી તેઓ અજોડ છે, અજેય છે. બીજાપુરના જ એક સેનાનીએ કહ્યું- 'શિવાજીને હરાવી નહીં શકાય, આમ છતાં શિવાજીને ક્ષત્રિય તરીકે સ્વીકારવા કોઈ તૈયાર ન હતા. શિવાજી સ્વામી રામદાસ પાસે ગયા. તેઓએ કહ્યું, વત્સ, તારી તે મનોકામના પુરી થશે.' 

તેઓ શિષ્યો સાથે બનારસ ગયા ત્યાં મહા-સમર્થ પંડિત ગર્ગાચાર્ય વસતા હતા. તેમનાં નિવાસ સ્થાનથી દૂર ઊભા રહી ગુરૂજીએ એક શિષ્યને કહ્યું - 'તું ગર્ગાચાર્ય (જેઓ ગોગા ભટ્ટ તરીકે પણ જાણીતા હતા)ના ગૃહે જઈ ભિક્ષા લઈ આવ.' શિષ્યને જોઈ ગર્ગાચાર્યે તેઓનાં પત્નીને કહ્યું - 'આને જે જોઈએ તે આપો કાલે તે આ જગત પર નથી.' શિષ્યને કહ્યું - 'વત્સ, તું આજે રાત સુધીમાં બને તેટલું ઈશ્વર સ્મરણ કરી લે. કાલે તું આ જગત પર નથી.' શિષ્ય ભિક્ષા લઈ ગુરૂજી પાસે આવ્યો, તે ગભરાયેલો હતો. તેણે બધી વાત કરી. ગુરૂજી માત્ર હસ્યા, કહ્યું : 'તું ગંગાતટે જઈ પગથી માથા સુધી ઓઢી સૂઈ જજે તને લેવા બે કાળા આકારો આવે તો તેમને કહેજે, મારા ગુરૂની અનુજ્ઞા લઈ આવો.' ખરેખર બન્યું તેમ જ પરંતુ શિષ્યનો જવાબ સાંભળી તે શ્યામ દ્વંદ્વ ચાલ્યું ગયું. 

બીજા દિવસે સવારે ફરી પેલો શિષ્ય ગોગા ભટ્ટને ઘરે જ ભિક્ષા લેવા ગયો. ગોગા ભટ્ટ કહે અશક્ય તું હજી જીવંત કેમ છે ? શિષ્યે કહ્યું - 'મારા ગુરૂજીના પ્રતાપે' ગોગા ભટ્ટ તુર્ત જ સ્વામી રામદાસ પાસે ગયા. 

તેઓને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં, કહ્યું - 'સમર્થ શી આજ્ઞા છે ?' હું તે અનુસરવા કૃતનિશ્ચય છું. સમર્થ રામદાસે કહ્યું શિવાજીને યજ્ઞાપવિત આપવાનું છે. તેઓને ક્ષત્રિય ઉદ્ઘોષિત કરી રાજ્યાભિષેક કરવાનો છે, ગોગા ભટ્ટ કબુલ થયા. ભવ્ય રાજ્યાભિષેક પણ થયો. (૬ જૂન ૧૬૮૪) રાજ્યાભિષકમાં ભારે ખર્ચ થયો. પૈસાની જરૂર પડી શિવાજીએ ફરી સૂરત લૂંટયું. બીજાપુર તથા મોગલ સલ્તનતનાં ગામો, શહેરો પણ લૂંટયા.

તે સમયે ઔરંગઝેબ સુલ્તાન હતો. તે ખરેખરો ગિન્નાયો તેણે ધાર્યું જ ન હતું કે માત્ર ત્રણ તાલુકાનો તાલુકદાર આટલી ઝપટ બોલાવશે. તેણે જયપુરના જયસિંહ અને દિલેરખાનનાં નેતૃત્વ નીચે બે પ્રચંડ સેનાઓ મોકલી. શિવાજીએ જોયું કે, આ બંનેને પહોંચી નહીં શકાય. તેઓએ સંધિ માટે કહેણ મોકલ્યું. જયસિંહે આગ્રા આવવા કહ્યું જ્યાં ઔરંગઝેબે પાટનગર બનાવ્યું હતું. શિવાજીને સુલ્તાને માન તો ન જ આપ્યું પરંતુ તેમને બીજી હારોળમાં જયસિંહની પાછળ ઉભા રખાયા, તેથી શિવાજી ગુસ્સે થયા. જયસિંહને આવા અપમાન માટે ઠપકો આપવા લાગ્યા. ઔરંગઝેબે પૂછ્યું શું થયું તો કહે, તે પર્વતોની ઠંડી હવામાંથી અહીં આવ્યા છે. ગરમી સહન થઈ શકતી નથી તેથી આમ બોલે છે. પરંતુ ઔરંગઝેબ ખરો ખીજાયો. તેણે શિવાજીને એક મહાલયમાં નજરકેદ રાખ્યા. ત્યાંથી ફળોના ટોપલામાં બેસી શિવાજી ફરી પૂના પહોંચ્યા તે તો સર્વવિદિત છે.

આ પૂર્વે એક દુ:ખદ ઘટના બની. રામગઢનો દુર્ગ તૂટે તેમ ન હતો, તે કામ તેઓઓ તાનોજી માલસૂરેને સોંપ્યું. તેઓ ગઢ જીતી તો ગયા પરંતુ તે યુદ્ધમાં 'વીરગતિ' પામ્યા. શિવાજી બોલી ઊઠયા 'ગઢ-આલા પર સિંહ ગેલા' તેઓએ રામગઢનું નામ તે ઉપરથી સિંહગઢ રાખ્યું.

શિવાજીની કીર્તિ છેક રાજસ્થાન, બંદુલખંડ (ઉ.મ.પ્રદેશ) અને પંજાબ સુધી પહોંચી. શિવાજીએ રાજસ્થાનમાં જોધપુરના વીર દુર્ગાદાસ, બુંદેલ ખંડના રાજા છત્ર સાલ અને પંજાબનાં આનંદપુર સાહેબના પર્વતીય દુર્ગમાં રહેતા ગુરૂગોવિંદ સિંહને મળવા કાસદો મોકલ્યા. તેઓ ગ્વાલિયરની દક્ષિણે ચંબલનાં વનાચ્છાદિત પર્વતોમાં મળ્યા ત્યારે ગુરૂગોવિંદ સિંહે કહ્યું, આપણે આપણી સેનાઓ સાથે રાખીને લડીશું તો પણ ઔરંગઝેબની વિશાળ સેનાને પહોંચી નહીં શકીએ માટે છુટાં છુટાં જ યુદ્ધો આપતા રહેવું યોગ્ય છે. સર્વેએ ગુરૂજીની વાત સ્વીકારી.

શિવાજીએ પરત આવી નૌકાદળ રચ્યું. કાનોજી આંગ્રેને તેના નૌકાપતિ (એડમિરલ) નિયુક્ત કર્યા. મધ્યયુગમાં નૌકાદળનું મહત્ત્વ સમજનાર તેઓ પહેલા રાજવી હતા.

હજી ઔરંગઝેબ જંપ્યો ન હતો. તેણે સાઈસ્તખાનના હાથ નીચે વિશાળ સેના મોકલી. શિવાજી પૂના છોડી ત્યાંથી થોડે દૂર સતારા આગળના પર્વતોમાં પહોંચી ગયા. ત્યાંથી જાનૈયાના વેશે તેમણે સેનાની આગેવાની લીધી. પૂનામાં પોતાના મહેલ સુધી ગયા ત્યાં એક બારીમાંથી સાઈસીસ્તખાન જે પલંગ પર સૂતો હતો ત્યાં પહોંચી ગયા. તે હબકી ગયો. તે તલવાર ખેંચી સામે તો થયો પરંતુ શિવાજીના ઘાથી તેનો અંગૂઠો કપાઈ જતાં તલવાર પડી ગઈ. સાઈસ્ત નાઠો, જાનૈયાના વેશમાં આવેલા મરાઠા સાઇસ્તની સેના પર તૂટી પડયા. ફરી મોગલ સેનામાં નાસભાગ થઈ. શિવાજીએ સાઈસ્તે કબજો કરેલો બધો પ્રદેશ પછી જીતી લીધો. આમ હિન્દુકૂશથી આરાકાનઓમાં અને કૃષ્ણ ગિરિ (કારાકોરમ)થી નીલગીરી સુધી પ્રસરેલી મુગલ સલ્તન મૂળ ત્રણ તાલુકાના તાલુકદારને હરાવી તો ન શકી તેની સામે મુગલ સેના પરાજિત થતી રહી.

એક યુદ્ધમાં પગમાં (ગોઠળમાં) બાણ વાગ્યું હતું તેનાથી પાક થયો. તાલ ચઢ્યો. છેવટે ચૈત્ર શુકલ પૂર્ણિમા (હનુમાન જયંતિ)ના દિવસે વિ.સં. ૧૭૩૭ (૩જી એપ્રિલ ૧૬૮૦)ના દિને આ મહાવીરે વિદાય લીધી.

વિશ્વ ઈતિહાસમાં ફરી કહું છું વિશ્વ ઈતિહાસમાં ત્રણ તાલુકાનો તાલુકદાર આટલા પ્રચંડ સામ્રાજયને હચમચાવી શકે તેવું કોઈ ઉદાહરણ નથી. પછી પેશ્વાબાજી રાવે તો (૧૭૧૯-૧૭૩૯) મુગલ સલ્તનત વેરવીખેર કરી નાખી.

- દિનેશ દેસાઈ