- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
ભગવાન રામનો જન્મ હજારો વરસ પહેલાં થયો હતો અવી પ્રચલિત માન્યતા છે. પણ છત્તીસગઢ (મધ્ય પ્રદેશ)ના અક નાનકડા ગામમાં બીજા અક રામનો જન્મ આ સદીના પ્રારંભમાં થયો હતો. પારસરામ નામના એ હરિજનની આગેવાની હેઠળ, જ્ઞાતિવાદથી પીડિત દલિતો અને અછૂતોઅ બળવો પોકાર્યો અને અના પગલે 'રામનામી' સંપ્રદાય પણ અસ્તિત્વમાં આવ્યો. સદીઓ સુધી હિંદુ રૂઢિવાદીઓઅ દલિતો અને અછૂતોને રામમંદિરમાં પ્રવેશવા દીધા નહોતા. તેઓને રામનામનો ઉચ્ચાર કરવાની પણ છૂટ નહોતી. એક દિવસ હરિજનોને થયું કે હવે ઘણું સહન કર્યું. વિરોધ નોંધાવવા માટે તેઓએ આખા શરીર પર રામના નામનાં છૂંદણાં છૂંદાવ્યાં. ત્યાં સુધી કે જીભ પર પણ રામનું નામ લખાવ્યું, જેથી તેઓ બ્રાહ્મણો અને સવર્ણોને પડકારી શકે કે, 'આવો અને અમારાથી રામને અળગા કરી બતાવો.' રામના ચુસ્ત ભક્તો માટે આ કવિન્યાય હતો, કારણ કે તેઓ તો ફક્ત માનતા જ હતા કે ભગવાન રામ સર્વવ્યાપી છે, જ્યારે આ રામનામીઓએ તો ખરેખર દેખાડી આપ્યું કે રામ એટલી હદે સર્વવ્યાપી, છે કે તે અમારા મંદિરમાં પુરાઈ રહેવાને બદલે અમારાં ચામડી અને જીભ પર પણ મોજૂદ છે. આ રામનામીઓ દર વર્ષે શિયાળામાં 'બડે ભજન કા મેલા' નામનો ઉત્સવ ઊજવે છે. એ દિવસે તેઓ મધ્ય પ્રદેશના બિલાસપુર જિલ્લા પાસે આવેલા ખામરિયા ગામે જઇને રામનાં ભજનો ગાય છે. મોટા ભાગના રામનામીઓ ૬૦ વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે. આ પંથના અંધ વડા સાધુ કાર્તિક રામ તો ત્યાં સુધી કહે છે કે અક રામનામી એવો થઈ ગયો જે સોયના બે ટુકડા કરીને, તેમાંનો એક ટુકડો છૂંદણાની શાહીમાં બોળીને ગળી ગયો હતો. એણે કહેલું : 'ભલે મારા શરીરની અંદર પણ રામનામનાં છુંદણાં છૂંદાતાં.'
જુગારની આવક પર્યાવરણની જાળવણી માટે!
દુનિયામાં જુગાર માટે જાણીતા લાસ વેગાસ શહેરની હાર્ડ રોક હોટેલના કસીનોમાં જુગારનાં માયાળુ સ્લોટ મશીનો ગોઠવવામાં આવ્યાં છે. કસીનોના માલિકો આ મશીનોને સામાજિક બાબતમાં દુનિયાના સૌથી વધુ જાગ્રત, સૌથી વધુ જવાબદાર અને પ્રામાણિક મશીનો ગણાવે છે. આ મશીનો પર જુગાર રમીને પેન્ટરો જે પૈસા ગુમાવે તે અમેરિકાની નેચરલ રિસોર્સિસ ડિફેન્સ કાઉન્સિલ, કોન્ઝર્વેશન ઇન્ટરનેશનલ અને રેઇન ફોરેસ્ટ ફાઉન્ડેશનને દાનમાં આપી દેવાય છે.
મદિના : ઇસ્લામિક વિશ્વનું પ્રથમ પાટનગર
કાબાહ (મક્કા) અ મોહમ્મદ પયગમ્બરનું જન્મસ્થાન છે તો મદીના એ એમનાં અંતિમ વરસોનું નિવાસસ્થાન છે. મદીનાનો અર્થ જ 'શહેર' થાય છે. અને પયગમ્બર સાહેબ ત્યાં રહેવા ગયા ત્યારે યાથ્રીબ તરીકે ઓળખાતા આ શહેરનું મદીનન અલ-નબી એટલે કે નબીનું શહેર એવું નામ પડયું હતું, જે કાળક્રમે મદીના તરીકે જાણીતું થયું. અહી પ્રોફેટે પ્રથમ ઇસ્લામિક સમાજની સ્થાપના કરી હતી. અહીં એમની તથા એમના નજીકના સાથીઓ અને સગાંઓની દરગાહો છે. મુસ્લિમો મદીનાની ભૂમિને એટલા માટે પવિત્ર માને છે કે તે ઈશ્વરના છેલ્લા પયગમ્બરના અસ્થિ ધરાવે છે. અગાઉના સમયમાં અમીરઉમરાવોથી માંડીને અદના માણસો મદીનાના ઝાંપાની બહાર ઘોડા કે ઊંટ પરથી નીચે ઊતરી જતા હતા અને ચાલીને મોહમ્મદ પયગમ્બર સાહેબની મસ્જિદ અને દરગાહ સુધી જતા હતા. સદીઓ પહેલાં પણ મદીના પામ વૃક્ષોના સાંનિધ્યમાં ફેલાયેલા એક બગીચા જેવું હતું, જેમાં મકાનો અને બજારો ફેલાયેલાં હતાં. મદીના શહેર કઠોર નથી, પણ નમ્ર છે. મુસ્લિમો માને છે કે પ્રૉફેટની મસ્જિદ અને દરગાહ અહીં છે, જેનાં સ્પંદનો મદીનામાં વહે છે, જે અનુભવવા વિશ્વભરમાંથી મુસ્લિમો અહીં આવે છે. મદીના અ ઇસ્લામિક વિશ્વનું પ્રથમ પાટનગર છે.
કેટલીક ધાતુઓ શરીરમાં ઝેરનું કામ કરે છે
સોનું, ચાંદી, તાંબું, પિત્તળ, પારો, લોઢું, ઍલ્યુમિનિયમ, સીસું જેવી અનેક ધાતુઓ કોઈ ને કોઈ રીતે માનવજીવન સાથે સંકળાયેલી છે. રોજેરોજ ઉપયોગમાં લેવાતી કે વાતાવરણને લીધે માનવ શરીરમાં પ્રવેશતી આ ધાતુઓમાંની સોનું,
ચાંદી, તાંબું વગેરે જેવી કેટલીક ધાતુઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ કેટલીક ધાતુઓ સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો કરે છે. સીસું, પારો, કેડમિયમ (કલાઇ જેવી નરમ ધાતુ) અને ઍલ્યુમિનિયમ આ ચાર ધાતુઓ સ્વાસ્થ્ય માટે ખતરારૂપ સાબિત થઈ છે. આ ધાતુઓ વધતા કે ઓછા પ્રમાણમાં આપણા શરીરમાં વિવિધ પ્રકારે પ્રવેશે છે અને આપણા કેન્દ્રીય નાડી તંત્રને, પાચનતંત્રને અને રોગપ્રતિકારક શક્તિઓને ગંભીર અસર પહોંચાડે છે. આ ધાતુઓ શરીરમાં ઍન્જાઇમ્સના કામને પણ સારી રીતે નથી થવા દેતી. આપણા પાચનતંત્રમાં ઍન્જાઇમ (પાચક રસો)નું મુખ્ય કામ છે આપણે ખાધેલા ખોરાકમાંથી પૌષ્ટિક તત્ત્વો શોષી લેવાં. અને આ ઍન્જાઇમનું કામ ખોરવાય તેનો મતલબ કે શરીરે પૌષ્ટિક તત્ત્વોથી વંચિત રહેવું પડે. શરીરમાં જો અલ્યુમિનિયમ વધુ પ્રમાણમાં જમા થાય તો મગજની કાર્યશક્તિને ગંભીર અસર પહોંચે છે. 'ડિજનરેટિવ બ્રેન' નામના મગજના રોગથી મરનારા કેટલાક લોકોના મગજના ટિશ્યૂઓમાં અલ્યુમિનિયમ ધાતુ હોવાનું જણાઈ આવ્યું હતું. સીસું (લેડ) સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક આ ધાતુ જૂના રંગો અને પાણીના જૂના પાઇપોમાં એકઠી થયેલી હોય છે. આ ઝેરી ધાતુ તે ઉપરાંત ફલોરાઇડવાળા પાણી મારફતે શરીરમાં પ્રવેશે છે. ઝેરી પારાનો ઉપયોગ દવાઓ, ફંગીસાઇડસ અને વિદ્યુત ઉપકરણોમાં થાય છે. દાંતના ખાડાઓને પૂરવા માટેના 'ફિલીંગ્સ'માં પણ પારો વપરાય છે. જોકે એમાં પારો ખૂબ ઓછો હોવાથી તેની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પારો શરીરમાં જવાથી વધુ લાળ ઝરવી, પેટમાં ગરબડ, ડાયેરિયા, શરીરમાં ધ્રુજારી થવી, ઍટાક્સિઆ (માંસપેશીઓ પર શરીરનો કંટ્રોલ ન રહેવો), ઉત્તેજનશીલતા અને વ્યવહારમાં બદલાવ જેવાં લક્ષણો દેખાય છે.
હાથીની ટેઇલ લાઇટ!
હાથીઓ ટ્રક અને ટ્રેનની અડફેટે ચડવાના ઘણા પ્રસંગો ભારતમાં નોંધાય છે. ખાસ કરીને રાત્રિના સમયમાં. થાઇલેન્ડમાં મહાવતો આવું ન બને તે માટે હાથીના પૂંછડે પ્રતિબિંબ આપે તેવી લાલ લાઇટો બાંધતા હોય છે. કદાચ તેથી જ મોટરકારની પાછળની લાઇટને 'ટેઇલ લાઇટ' કહેતા હશે! પણ ઘણી વખત આ લાઇટ બરાબર ચમકતી નથી. બેંગકોકના અક યુવાન વિજ્ઞાનીએ ભેજું લડાવ્યું છે કે હાથીની પૂંછડીની નજીક એવું નાનકડું જનરેટર ન બાંધી શકાય જે ગેસ આધારિત વીજળી પૂરું પાડતું હોય? વિજ્ઞાનીઅ આ તૂક્કાનો અમલ કર્યો કે નથી એ સમાચાર મળવા બાકી છે.


