- એક જ દે ચિનગારી-શશિન્
- ઊર્જા તો ગંગા છે, એને ઝીલવા માટે દેવ નહીં, મહાદેવ બનવું પડે
મં દિરને ઓટલે બેઠેલો સાઇઠેક વર્ષનો એક માણસ પોતાના સમવયસ્કને કહે છે : 'મારું શરીર હવે ઘસાઈ ગયું છે. લાગે છે કે ભગવાન હવે મારી પાસે કામ કરાવવા ઇચ્છતા નથી. નોકરીમાં નિવૃત્તિની વયમર્યાદા ન હોત તો મને આજે ફરજિયાત આરામ ક્યાંથી મળત ?'
બીજો સમવયસ્ક પુરુષ હસ્યો અને મનોમન એણે કહ્યું કે આવા થાકેલા-હારેલા માનસિક રીતે બીમાર માણસ સાથે શી વાત કરવી ?
માણસ ઊર્જાવાન-શક્તિવાન રહે એ માટે કુદરતે જ શરીરમાં 'શક્તિની બેટરી ચાર્જ' કરવાની કુદરતી ગોઠવણ કરેલી છે. પરમ શક્તિની કૃપાનો પ્રવાહ અત્ર-તત્ર-સર્વત્ર વહી રહ્યો છે. એને ઝીલવાની વૃત્તિ અને દાનત તથા જાગૃતિ જોઇએ. મંદિરો ને દેવાલયો એ આધ્યાત્મિક ઊર્જાનાં જ નહીં દૈહિક અને માનસિક ઊર્જાના પણ કેન્દ્રો છે. મંદિરો રોદણાં રડનારાં માટે નહીં પણ જીવનમાં અખૂટ આત્મવિશ્વાસ સાથે ઝઝૂમતા રહેવાની ઊર્જા માગવા માટેનાં કેન્દ્રો છે. શ્રદ્ધા, શક્તિ આવાહન માટેનો જીવનમંત્ર છે. ઊર્જા તો ભાગીરથી છે, ગંગા છે, એને ઝીલવા માટે દેવ નહીં પણ મહાદેવ બનવું પડે. થાકેલો-હારેલો માણસ ન માણસ બની શકે, ન દેવ બની શકે, ન મહાદેવ. પોતાની જાતને પરમાત્માથી જુદી માનવી એ પરમાત્માનું અપમાન છે.
આજે માણસ પાસે સૌથી મોટી સમસ્યા હોય તો તે પોતાની વેડફાતી શક્તિને બચાવવાની. કાર્યરત રહેવું એ શક્તિનો દુર્વ્યય નથી, પણ આયોજન વગર કેવળ વૈતરા બની કામને જરૂર કરતાં વધારે શક્તિ ખર્ચી પાર પાડવું એ થાકના યજમાન બનવાની પ્રવૃત્તિ છે. માણસે નથી યથાયોગ્ય રીતે 'જાગતાં' આવડતું, નથી શરીરનો નમ્ર સાદ સાંભળી 'ઊંઘતાં' આવડતું. ઊંઘના સમયે જીવનના એકાઉન્ટન્ટ એટલે કે હિસાબનીશ ન બનાય. નાનું બાળક જેમ શાંતિ અને નિશ્ચિતતાથી માતાની ગોદમાં પળવારમાં જ નિદ્રાધીન થઇ જાય છે, તેમ હળવાશથી નિદ્રામાં સરી જવાથી બીજા દિવસે આવશ્યક ઊર્જા આપોઆપ મળી જાય છે.
એક વૈજ્ઞાનિકને ઘોર પરિશ્રમ કરતો જોઇને એક પત્રકારે પૂછ્યું : 'આખો દિવસ તમે પ્રયોગશાળામાં ગળાડૂબ રહ્યા પછી સાંજ પડે થાકીને લોથપોથ થઇ જતા નથી ? તમે બીજા દિવસે તરોતાજા દેખાઓ છો એનું રહસ્ય શું ?'
વૈજ્ઞાનિકે કહ્યું : 'મારું પહેલું સૂત્ર છે, થાકને જ થકવી નાખો. હું થાકી રહ્યો છું એવો ખ્યાલ જ માણસને થકવી નાખે છે. જીવન અને પરમશક્તિ બન્નેનું સંતુલન રાખીને કામ કરનારો કદાપિ થાકતો નથી. શ્રદ્ધાપૂર્વક ઊંઘ અને શ્રદ્ધાપૂર્વક જાગૃતિ તથા આત્મવિશ્વાસપૂર્વક કર્મયજ્ઞામાં જોડાવાની માનસિક સ્વસ્થતા એ ઊર્જાવાન રહેવાના રહસ્યો છે.'
માણસ જેટલી ચોરીની ચિંતા રાખે છે તેટલી પોતાની કામચોરીની ચિંતા રાખતો નથી. માણસ દ્વારા થતી કામચોરી તેનામાં ઊર્જાનો ડાયનેમો ફરતો રહેવામાં સૌથી મોટો અવરોધ છે. પોતાના ધંધામાં પણ માણસ કેવળ 'શેઠાઈ' કરે એ પણ એક પ્રકારની કામચોરી જ છે. શેઠે પણ મજદૂર કે કર્મચારી જેટલો પરિશ્રમ કરવો જોઇએ. ભલે પછી બૌદ્ધિક પરિશ્રમ હોય. ધંધા વ્યવસાયની જગા એ કર્મદેવતાનું મંદિર છે. એ કર્માલય છે ધર્માલય છે, કાવતરાં-આલય નથી. કર્મને કાવતરાથી દૂષિત કરવું એટલે ઇશ્વરના કૃપાકિરણનું પરાવર્તન કરવું. માણસે પોતાની વૃત્તિઓ, પ્રવૃત્તિઓ અને ભાવનાઓ પર આવશ્યક નિયમન રાખી વિશ્રામને લાયક કરી ઊંઘમાં સરી જવું એ દિવસને સાર્થક બનાવ્યોનો પરિતોષ અનુભવવાની શ્રેષ્ઠ રીત છે.
ધાર્મિક હોવું એટલે પૂજાપાઠ, કર્મકાંડ, દેવદર્શન કે કથાશ્રવણમાં જ માત્ર પ્રવૃત્ત રહેવું એવું ઇશ્વરને પણ મંજૂર નથી.તમે બિનજરૂરી ડર, ધૃણા, અહંકાર અને સંકુચિત મનોવૃત્તિથી જેટલા અંશે મુક્ત રહી શકો તેટલા અંશે ધાર્મિક. યોગ્ય રીતે વ્યસ્ત રહેવું એ વ્યસ્તતાને દીપાવવી એ પણ ધાર્મિકતા જ છે. ધરતીની ધડકન અને માનવમનનું સ્પંદન ન સાંભળી શકે, એના જેવો બીજો અભાગિયો કોણ ?
મોટાભાગના લોકોના થાકી જવાનું કારણ આનંદ અને ઉષ્માવિહોણી જીવનશૈલી છે. આપણને દિલની વાત કહેતાં પણ નથી આવડતું અને દિલની વાત સાંભળતા પણ નથી આવડતું. યૌવનમાં પત્નીની વાત દિલથી સાંભળવી, સંતાનો મોટાં થાય એટલે એમના સહૃદયી મિત્ર બની એમને માટે પણ બે કાનને સક્રિય રાખવા અને ઢળતી વયે કુટુંબના દરેક સભ્યને વાત્સલ્યની અમોઘ વર્ષાથી ભીંજવતા રહેવું - અને મહ્દઅંશે સ્વાવલંબી જીવન જીવવું એ જિંદગીમાં થાક અને હાર નહીં અનુભવવાના રામબાણ ઇલાજો છે. માત્ર લણવાના અભરખાથી જ લાગણીનાં બીજ વાવનાર ને કોઈ શાણો ખેડૂત ન જ કહે. ખેતરનો પ્રત્યેક દાણો માવજત માગે છે. તેમ જિંદગીનું પ્રત્યેક કાર્ય પણ શ્રદ્ધા અને સમર્પણ માગે છે.
'હેપી બર્થ ડે ટુ યુ' યાંત્રિક રીતે બોલવાથી કોઇની જિંદગીના સાચા શુભેચ્છક બની જવાતું નથી કોઈકની જિંદગીને 'હેપી' બનાવવામાં હું તન-મન-ધનથી કાર્યરત રહશ એવી આંતરિક પ્રાર્થના જ શુભેચ્છા પાઠવવાની રીત છે.
મહાન કાર્યો દેખાડવાનો વિષય નથી હોતાં, મૂક આરાધનાનો વિષય હોય છે. કોઇકને શુભેચ્છા કે આશીર્વાદ પાઠવતી વખતે મનોમન એવો સંકલ્પ કરવો જોઇએ કે એ વ્યક્તિ સાથેના નિર્મળ અને નિખાલસ સંબંધમાં આડે આવતા મારા ભાવનાત્મક અહંકારજન્ય દોષોને હું આ જ ક્ષણથી સુધારવામાં કશી કસર રાખીશ નહીં.
દિમાગમાંથી ડર, અપરાધની ભાવના, બદલો લેવાની વૃત્તિ, બીજાને પાઠ ભણાવવાના અભરખા, ઇર્ષ્યા દ્વેષ, બિનતંદુરસ્ત સ્પર્ધાત્મક વલણ, નિરાશા અને તનાવજન્ય સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આપણી એટલી બધી શક્તિ ખર્ચાઈ જતી હોય છે કે તાજામાજા રહેવા માટે ઊર્જાનો સ્ત્રોત વહેવાનો તન-મનનો માર્ગ સાવ સાંકડો બની જાય છે. માણસ જેવો કોઈ દર્દી નથી, તેમ માણસ માટે પોતાની જાતથી મોટો કોઈ ડૉક્ટર પણ નથી ! આપણે ભગવાનને આપણાં દુ:ખો અને ચિંતાઓનાં પોટલાં ઊંચકનારો કુલી બનાવવાની કલ્પના પણ કેવી રીતે કરી શકીએ ? ઇશ્વર પાસે જવાબદારીઓના ઢગલા પડયા છે, એને ઉપાડવામાં સક્રિય રીતે સહભાગી બનનાર જ સુખદ નિદ્રા માણી શકે.
ઊંઘતી વખતે યાદ રાખજો, તમે એકલા નથી, તમારી સાથે પરમેશ્વર પણ સૂવા આવ્યા છે. બોલો, એમની અદબ જાળવી શકશો ? ભગવાનને માથે રાખનાર નહીં પણ પ્રત્યેક ક્ષણે અણુએ અણુમાં રાખનાર માણસ જિંદગીથી કહી થાકતો નથી. આપણે માટે તો આંતરિક ઊર્જા એજ પરમાત્માનું પાર્થિવ સ્વરૂપ છે.
સંસારમાં જન્મ્યા એટલે સંસારના પ્રવાહો, પ્રભાવો, અને સંઘર્ષો સાથે પનારો તો પડવાનો જ. યુદ્ધક્ષેત્રમાં સૈનિકે ઝૂકવાનો નહીં પણ ઝઝૂમવાનો સંકલ્પ લેવાનો હોય છે, તો જ એ લડી શકે. એટલે દૈહિક, દૈવિક, કે ભૌતિક સમસ્યાઓથી ગભરાયા વિના, નિરાશ થયા વિના આત્મવિશ્વાસથી આવેલી સમસ્યાઓના સામનો કરવો જોઇએ. તે માટે ઊર્જાવાન રહેવું બહુ જરૂરી છે. 'હું હારવા જન્મ્યો નથી' એ ખુમારી સાથે જીવવું એનંં નામ મનુષ્યત્વ.
માણસે ઊર્જાવાન-શક્તિવાન બનવા માટે અજમાવવા જેવા પાંચ ઉપાયો.
૧. હું દુ:ખી છું, હું ગરીબ છું, મારી ઉંમર થઇ ગઇ એવા વિચારો ક્યારેય મનમાં ફરકવા દેશો નહીં.
૨. શ્રદ્ધાને તમારી માતા સમાન ગણો અને આત્મવિશ્વાસને પિતા, એમના આશીર્વાદ સાથે કોઈપણ કાર્ય કરો, ફત્તેહ તમારી સાથે જ છે.
૩. મને હારવાનો ડર નથી, ભયમુક્ત બની દ્રઢસંકલ્પ સાથે ઝઝૂમતા રહો.
૪. મનને બીમાર બનવા દેશો તો તન પણ જાતજાતની બીમારીઓનો ડેરો બની જશે.
૫. નકારાત્મકતાને ફેંકી દો. કંટાળો અને નિરાશા એ જિંદગીના ચહેરાને કદરૂપો બનાવનારૃં વિકૃત ઔષધ છે.


