Get The App

યુવાનોમાં હાર્ટઅટેકનું પ્રમાણ કેમ વધ્યું! .

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
યુવાનોમાં હાર્ટઅટેકનું પ્રમાણ કેમ વધ્યું!                           . 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

હા ર્ટ અટેક આવ્યો હોય એવા દરદીમાં યુવાનોનું પ્રમાણ આપણે ત્યાં ૧૫ ટકા જેટલે પહોંચી રહ્યાં છે, જ્યારે ફાસ્ટ લાઈફ ધરાવતા પશ્ચિમના અમુક દેશોમાં યુવાનોની સંખ્યા બેથી અઢી ટકા જેટલી જ છે. એનો મતલબ કે ભારતમાં હૃદયની બીમારી પ્રમાણમાં ઘણી વહેલી (નાની ઉંમરે) દરવાજે ટકોરા મારે છે. ઘણીવાર આપણે નાની નાની ચેતવણીને ગણકારતા નથી. પરિણામે ક્યારેક રોગ વિકરાળ રાક્ષસની જેમ મોઢું ફાડીને સામે ઊભો રહે. સાઇલન્ટ હાર્ટ અટેકને છાતીમાં થોડા દુખાવા કે મામૂલી ગભરામણ ગણીને આપણે ઇગ્નોર કરીએ, પરંતુ તબીબી આંકડા કહે છે કે તબિયત બહુ બગડે ત્યારે એન્જિયોગ્રાફી કરાવવા આવતા ૪૦થી ૪૫ ટકા દરદીના શરીરમાં ટ્રિપલ વેસલ બ્લૉકેજ હોવાનું દેખાય છે. ટ્રિપલ વેસલ બ્લૉકેજ એટલે હૃદયની ત્રણેત્રણ મુખ્ય નળીમાં અવરોધ! જેટલા વધુ અવરોધ અટલી હૃદયને વધુ તકલીફ.

કૂતરા માટે ખાસ કેમેરા

જપાનીઓને અમેરિકનોની જેમ કૂતરાં ખૂબ પ્યારાં છે. જપાનમાં વર્ષે આશરે ૪૨૮ અબજ રૂપિયા કૂતરાં પાછળ ખર્ચાય છે! જપાનની ટોમી કંપનીએ તાજેતરમાં ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનો માત્ર ૩૮ ગ્રામ વજન ધરાવતો કેમેરો બજારમાં મૂક્યો છે. આ કેમેરાને કૂતરાની ડોકે લટકાવી દેવાનો. આ સ્વયંચાલિત કેમેરો ૯૦ તસવીરો ઝડપી શકે છે. આ રીતે તમે કૂતરાના 'દ્રષ્ટિબિંદુ'થી વિશ્વ જાઈ શકશો! 'દ્રષ્ટિ એવી સૃષ્ટિ' એ ન્યાયે માણસ કરતા કૂતરાની નજરે સૃષ્ટિ અલગ જ હોવાની એક વર્ષમાં ૧.૫ લાખ કેમેરાનું વેચાણ કરવાનો કંપનીનો ઇરાદો છે. જપાન માટે 'શ્વાન સ્પેશિયલ કેમેરા' આમ તો નવાઈની વાત નથી અહીં કૂતરાઓ માટેનાં અલાયદાં મસાજ પાર્લર, એરોમાથેરાપી સલૂન, કાદવસ્નાન અને ગરમ પાણીના ઝરામાં સ્નાન વગેરે માટેનો મોટો ઉદ્યોગ ખીલ્યો છે.

શું દારૂ પીવાથી કલ્પનાશક્તિ ખીલે છે?

જે લોકોને ટેસ્ટથી દારૂ પીવો છે તે હંમેશાં લોર્ડ વિન્સ્ટન ચર્ચિલનો દાખલો આપે છે. ચર્ચિલ દારૂના બહુ શોખીન હતા. શેમ્પેઇન, વ્હિસ્કી અને ખાસ કરીને એક બૉટલ બ્રાન્ડી તો તેઓ રોજ પી જતા. તેઓ સત્તા પર હતા ત્યારે તે આખી બૉટલ બ્રાન્ડી પી જતા અને સુંદર રીતે રાજ કરતા. ૯૧ વર્ષની વય સુધી એમણે બ્રાન્ડી પીધી છતાં એમના સ્વાસ્થ્યને અસર થઈ નહોતી. આવા અસાધારણ દાખલાને નિયમ તરીકે ન લેવાય કારણ કે એમના શરીરનું બંધારણ અનોખું હતું.' આલ્કોહોલને પચાવવાની એમની પાચનપ્રણાલિ રહસ્યમય રીતે વેગળા પ્રકારની હશે. પણ દારૂની ખરાબ અસરમાંથી બધા લોકો મુક્ત રહી શકતા નથી. ઘણા લોકોની ખોટી માન્યતા છે કે દારૂ પીવાથી સર્જકતા ખીલે છે બ્રિટિશ સાયકોલોજિકલ સોસાયટીના ડૉ. જયોફ લાઉએ એક પરિષદમાં જણાવ્યું હતું, 'મારા પ્રયોગમાં મેં ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના લોકોને દારૂ પીવડાવીને લેખન કરવા આપ્યું હતું. તેમાંથી માલૂમ પડયું કે જે લોકો ઓછા બુદ્ધિવાળા હતા તેમનું લેખન સુધર્યું હતું પરંતુ જે લોકો તેજસ્વી અને બુદ્ધિવાળા હતા તેમનું લેખન દારૂ પીધા પછી ઊલટાનું બગડયું હતું. એટલે સારા સર્જનશીલ માણસે દારૂ પીને લેખ કે વાર્તા લખવા બેસવું ન જોઇએ.

ચાટણીયો ચીનો

એક ચીનો હમણા દુનિયાની નજરે ચડયો છે. અની સિદ્ધિ એ છે કે એ તમામને ચાટયા કરે છે. દક્ષિણ ભારતમાં (કેરળમાં) મા અમૃતામયાનંદજી એમના દરેક ભક્તને બાહુપાશમાં લે છે અ ઢબથી આ ભાઈ કેંગ ઝીન માણસોને નહીં પણ મકાનોને ચાટે છે, જમીનને ચાટે છે, દીવાલોને ચાટે છે, રસ્તાઓને ચાટે છે. કેંગ ઝીન કહે છે કે આ રીતે ચાટવાથી આસપાસના વાતાવરણ અને પરિસર સાથે મારા આત્માનું સંધાન થાય છે અને મારી જીભ વડે હું પર્યાવરણને આધ્યાત્મિકતાથી ભરી દઉં છું. આજ સુધીમાં ઝીને ચીનની દીવાલ, રોમન કોલેઝિયમના ખંડેરના પથ્થરો, લંડનના બીગબેન ટાવરની નીચેનો રસ્તો વગેરેને બચીઓ ભરી છે, પોતાના થૂંક વડે અપવિત્ર બનાવ્યા છે. કેંગ ઝીનનું આ અપવિત્ર મિશન અહીં અટકતું નથી. 

આ સ્ટેજ કલાકાર 'લીક ધ વર્લ્ડ' નામનો એક શો પણ દુનિયાભરમાં યોજતો રહે છે. અને લોકોને એમની ચીજવસ્તુઓ, જેવી કે હેરબ્રશ, હેન્ડબેગો, પગરખાં, ઇંટો વગેરે સાથે લઇને આવવાનું આહ્વાન આપે છે અને અ ચીજોને થૂંકવાળી કરીને પાછી આપે છે.

ગાંધીજીના આત્માને ટાઢક વળે એવો માટીનો પ્રયોગ

ગાંધીજીનો આત્મા દુભાય તેવું જગતમાં ઘણું બને છે પણ ઇંગ્લેન્ડના નોર્થ યોર્કશાયર પ્રાંતના હેરોગેટ ગામે માટીનો જે પ્રયોગ થાય છે તે સાંભળીને ગાંધીજીના આત્માને ટાઢક વળશે. હેરોગેટ ગામની રૉયલ બાથ હૉસ્પિટલમાં હ્યુમેટિઝમ અર્થાત્ ગઠિયાના દર્દીઓના સાંધાના દુખાવા મટાડાય છે. તે માટે હેરોગેટની વાડીઓમાંથી માટી ખોદીને લવાય છે. તેને પાણી સાથે બોઇલરમાં ખદબદાવે છે પછી તેની પૉલ્ટીસ સાંધાના દુખાવા ઉપર મુકાય છે. આ હૉસ્પિટલમાં ફ્રાંસના વીચી પ્રાંતમાંથી એક ઝરણાનું પાણી લાવીને સાંધાના દુખાવાવાળાને પાણીથી મસાજ પણ કરાય છે.