Get The App

આજનું શિક્ષણ 'કેળવણી' બની શક્યું છે ખરૃં?

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
આજનું શિક્ષણ 'કેળવણી' બની શક્યું છે ખરૃં? 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- શિક્ષક 'વેતનભોગી' નહીં પણ ચારિત્ર્ય સંપન્ન અને દેશભક્ત રહે એમાં શિક્ષણની સાર્થકતા છે. માત્ર 'રોટલો' રળવાનું શીખવે તે શિક્ષણ નથી

'પ ચ્ચીસ વર્ષનો ઢાંઢો થયો, પણ સંસ્કારનો છાંટો ય દેખાય છે તારામાં ? ગ્રેજ્યુએટની પદવી મળ્યાથી કાંઈ શિક્ષિત ના બની જવાય.' એક પિતા પોતાના ઉદ્ધત પુત્રને ઠપકો આપતાં આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા.

શિક્ષણ એટલે જ પુનર્જન્મ ! વિદ્યોપાસના માણસના વ્યક્તિત્વની કાયાપલટ ન કરે તો કેવળ એ બાહ્યોપચાર જ બની રહે. વિદ્યાનું કામ છે માણસમાં રહેલાં સત્વ અને સત્યને બહાર લાવીને એના મનુષ્યોચિત વ્યક્તિત્વના નિર્માણનું. વિદ્યાનો બાહ્ય પ્રભાવ દુર્યોધનનું નિર્માણ કરે, વિદ્યાનો અંતઃ પ્રભાવ અર્જુન કે અર્જુન-સારથિની ભેટ ધરી શકે. શિક્ષણ ગુણ વિકાસ દ્વારા વ્યક્તિમાં રહેલા હીર-ખમીરને બહાર લાવવામાં મદદ કરે છે. ચારિત્ર્યનિર્માણ અને વ્યક્તિત્વ ઘડતરમાં મદદ કરે છે. મનુષ્યને સાચા અર્થમાં મનુષ્ય બનવાની પ્રેરણા આપે છે. વર્તમાન શિક્ષણ વિષે દુઃખ વ્યક્ત કરતાં લોકમાન્ય તિલકે કહ્યું હતું કે 'આજકાલ શિક્ષણ એ રોટલો રળી ખાવાના ધંધા જેવું બની ગયું છે. આવું શિક્ષણ એ શિક્ષણ નથી, પણ મજૂરી છે. એ વાત સાચી છે કે શિક્ષણ જીવન માટે છે જીવિકા માટે નહીં. મનુષ્યને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવો એ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે.'

મહાત્મા ગાંધીએ શિક્ષણ વિષે એક પાયાની વાત કરી છે. આજીવિકાનું સાધન શરીર છે. અને પાઠશાળા ચારિત્ર્ય-નિર્માણનું સ્થળ છે. શિક્ષણને શારીરિક જરૂરિયાતોને પૂરા કરવાનું સાધન માનવું એ થોડીક દોરી માટે ભેંશને મારવા બરાબર છે.

શિક્ષણ સમર્પિત વાંસ 'રાજદંડ' બની શકે, શિક્ષણ પ્રભાવશૂન્ય 'વાંસ' વાંસડા બની નટના હાથનો આધાર માત્ર જ રહી જાય. જેમ ધન મદ માટે નથી, શક્તિ પરપીડન માટે નથી, તેમ વિદ્યા કેવળ વિવાદ અને વિતંડાવાદ માટે નથી.

પાંચમી સપ્ટેમ્બર શિક્ષકની ગરિમાગાન કરતો દિવસ, જેની સાથે શ્રેષ્ઠ ગુરુ ડો. રાધાકૃષ્ણનું નામ સંકળાયેલું છે. ડો. રાધાકૃષ્ણનનો જન્મ ૫મી સપ્ટેમ્બર ૧૯૮૮ના દિવસે ચિતૂર જિલ્લાના તિરુત્રણી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પૂર્વજો 'સર્વપલ્લી' ગામના નિવાસી હતા. ૧૯૩૯ થી ૧૯૪૮ સુધી ડો. રાધાકૃષ્ણન્ કોલકતા યુનિ.ના કુલપતિ રહ્યા. ડો. રાધાકૃષ્ણને પૂર્વ તથા પશ્ચિમના વિવિધ ધર્મશાસ્ત્રો અને દર્શન ગ્રંથોનો અભ્યાસ કર્યો, પરિણામે તેમના વિચારોમાં પૂર્વ અને પશ્ચિમના વિચારોનો સમન્વય જોવા મળે છે. અમેરિકાની અનેક યુનિવર્સિટીઓમાં તેમણે વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં. તેઓ હિન્દુ ધર્મના પ્રચારક હતા. એમણે લખેલી અનેક પ્રસિદ્ધ કૃત્તિઓ, ગ્રંથો અને વ્યાખ્યાનો વગેરેમાં વિદ્વતા, શબ્દ પસંદગી, પ્રવાહ તથા વિષય પર અધિકાર અને અભિનવ શિલ્પનું દર્શન થાય છે.

ડો. રાધાકૃષ્ણન શિક્ષણના ઉદ્દેશમાં આધ્યાત્મિક વિકાસ, સ્વતંત્ર ચિંતનનો વિકાસ, ચારિત્રિક ગુણોનો વિકાસ, સર્જનાત્મક શક્તિનો વિકાસ અને આત્મજ્ઞાન તથા અર્ન્તદ્રષ્ટિનો વિકાસ એ મુખ્ય છે. તેઓ સ્ત્રી-શિક્ષણના પક્ષધર હતા. તેઓ માનતા હતા કે સ્ત્રીઓને પણ એટલા જ અધિકારો હોવા જોઈએ જેટલા પુરુષોને. એમના શૈક્ષણિક દ્રષ્ટિકોણમાં માનવ અને માનવતા કેન્દ્રમાં છે, એટલે જ સાદું જીવન અને ઉચ્ચ વિચારોને તેઓ મહત્વ આપતા હતા.

તેમના શિક્ષણમાં છાત્રપ્રેમ કેન્દ્રમાં હતો. તેઓ માનતા હતા કે શિક્ષણ કેવળ દિમાગી પ્રશિક્ષણ નહીં, પણ આત્માનું પ્રશિક્ષણ છે. તેનો ઉદ્દેશ જ્ઞાન અને વિવેક-પ્રદાન કરવાનો છે.

ડો. રાધાકૃષ્ણનના વ્યક્તિત્વ અને કૃતિત્વના સંક્ષિપ્ત અધ્યયન પછી શિક્ષક કેવો હોવો જોઈએ એ વિશે કહી શકાય કે શીખવે તે શિક્ષક અને કેળવે તે ગુરુ. શિક્ષકમાંથી ગુરુ બનવા માટે આવશ્યક ગુણો છે... મનની મોટપ, સંયમ, મર્યાદા, ક્ષમા, વાત્સલ્ય, સતત અભ્યાસ, ઉદારતા અને ચારિત્ર્યશીલતા.

શિક્ષિત થવું એટલે શિક્ષણ જગતની મોટામાં મોટી ડિગ્રીઓ હાંસલ કરવી એવું નથી. શિક્ષણની સાથે સાથે માણસનો આંતરિક વિકાસ પણ થવો જોઈએ. જેને જોઈને તમારું હૈયું હરખાય, વિશ્વાસ જન્મે, તમને ખાતરી થાય કે તે તમને મદદરૂપ થશે, ગરીબોનાં આંસુ ચૂપચાપ લૂછતો હોય અને મદદ કર્યાનો ફોટો મીડિયામાં જાહેર ન કરતો હોય, પોતાની ઉંચાઈ વધારવાને બદલે ખુરશીની ઉંચાઈ વધારતો હોય, દ્રષ્ટિમાં આત્મીયતા હોય, અજાણ્યાને પણ આવકારો આપતો હોય, દુશ્મનો ઘટાડતો અને મિત્રો વધારતો હોય, પરિવારને પ્રેમથી સિંચતો હોય, સંતાનોના ઘડતર માટે સમય આપતો હોય અને પડોશીધર્મ ઉત્તમ રીતે અદા કરતો હોય, નાનામાં નાના માણસને માન આપતો હોય, તો માનજો કે તે માણસમાં શિક્ષણની સાથે સાથે આંતરિક વિકાસ પણ થયેલો છે. એવા માણસને જ સાચો શિક્ષિત કહી શકાય.

આજના જગતે ભૌતિક અને વિજ્ઞાન વિષયક દિશામાં અદ્ભુત પ્રગતિ કરી છે, જાત જાતના ઉપકરણો વિકસાવ્યાં છે. સેકન્ડોમાં વિશ્વનો વિનાશ નોંતરી શકે એવા યુદ્ધનાં સાધનો વિકસાવ્યાં છે, પણ હજીયે માણસે તેની પશુતા છોડી નથી હજી 

પણ એના મનનું રાજ્ય દુર્યોધન કે શકુનિનું ગુલામ છે.

સ્વર્ણિમ તિજોરી સંપન્ન નહીં, પણ સ્વર્ણિમ વ્યક્તિત્વવાળા માણસો વધવાં જોઈએ. આજે આંતરિક સૌંદર્યની અભિવૃદ્ધિને બદલે બાહ્ય સૌંદર્ય જ સર્વસ્વ બની ગયું છે. માણસે કશુંક પામવું છે પણ 'ઈન્સ્ટંટ', તપ્યા અને ખંપ્યા વગર. આવું શિક્ષણ પોતાનું કદાચ ભલું કરી શકે પણ સમાજ કે દેશનું શું ભલું કરી શકે ? આજે શિક્ષણનો વ્યાપ વધ્યો છે, પણ ચારિત્ર્ય સર્વત્ર છેલ્લે સ્થાને છે. એ ચિંતાનો વિષય છે. સંવેદના વગરના શિક્ષકો, શિક્ષણ અને અધિકારીઓ ઉચ્ચ પગારો મેળવશે પણ એનાથી દેશને શું ફાયદો ?

આજે તાતી જરૂર છે સાચા શિક્ષક કમ ગુરુઓની અને શિક્ષક સાચા અર્થમાં ગુરુ બનશે તો શિક્ષણ અને શિક્ષિત સમાજ દ્વારા સમાજ અને દેશનું ભાવિ ઉજ્જ્વળ જ રહેશે. શિક્ષકે ગુરુ બનવા માટે કેટલાક પાયાના ગુણો વિકસાવવા જોઈએ ? જેમ કે, (૧) સ્વયંસ્વીકૃત અનુશાસન (૨) સતત સ્વાધ્યાય અને જ્ઞાનવૃદ્ધિ માટેનો તલસાટ (૩) પોતાના શૈક્ષણિક વ્યવસાય પ્રત્યે સન્માનની ભાવના, (૪) કેવળ ડિગ્રીધારી નહીં પણ શ્રેષ્ઠ નાગરિકત્વથી વિભૂષિત વિદ્યાર્થીઓનું ઘડતર (૫) નિષ્કલંક ચારિત્ર્ય અને લોભ, મોહ ક્રોધ જેવા દુગુર્ણોને જીવનમાંથી જાકારો.

શિક્ષણને મનુષ્યનો બીજો જન્મ કહેવામાં આવે છે એટલે ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિવિધ દેવોનું ગૌરવ પ્રદાન કરવામાં આવ્યું છે.

શીખવે તે શિક્ષણ અને મેળવે તે કેળવણી. શિક્ષણમાં નીચેની પાંચ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે.

૧. શિક્ષણ જીવનમાં ઉતરે તો વિજ્ઞાન અને માત્ર રોટલો કમાતાં શીખવે તો કારકિર્દી વિષયક કલા.

૨. ટેકનોલોજીના વિકાસની સાથે સાથે માણસની સંવેદનશીલતા અને ભાવનાત્મકનો પણ વિકાસ થવો જોઈએ.

૩. કેળવણી જો વાસનાઓને શુદ્ધ ન કરે તો એવા ભણતરનો અર્થ શો ?

૪. માણસને માત્ર મેન નહીં 'જેન્ટલમેન' બનાવે તે શિક્ષણનો ઉદ્દેશ.

૫. શિક્ષણાર્થીએ માત્ર આત્મકેન્દ્રી નહીં, પણ સમાજનું ઋણ ચૂકવવા સમાજસેવી પણ બનવાનું છે.