Get The App

મિસ-કોલવાળી એ અજાણી છોકરી... .

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
મિસ-કોલવાળી એ અજાણી છોકરી...                      . 1 - image

- રજનીગંધા-વિભાવરી વર્મા

- છેક હવે રાજુને ભાન થયું કે એ નંબરને વોટ્સએપમાં સેવ કરું તો કમ સે કમ એનો 'ડીપી' તો જોવા મળશે ને? 

અ જાણ્યા નંબર પરથી એક કોલ આવ્યો. રીંગ વાગી, ન વાગી, ત્યાં તો કટ થઈ ગયો.

અડધી મિનિટ પછી એ જ નંબર પરથી ફોન આવ્યો, રાજુ ફોન ઉપાડે એ પહેલાં તો કટ !

બે મિનિટ પછી ત્રીજીવાર રીંગ વાગી કે તરત રાજુએ ઉપાડી લીધી. સામેથી સરસ મીઠડા અવાજે કોઈ છોકરી બોલી ઊઠી :

'હલો મને ખબર છે, તમે મને ઓળખતા નથી... અને હું પણ તમને નથી ઓળખતી... પણ પ્લીઝ, પ્લીઝ, તમે મને આ નંબર ઉપર કોલ કરો ને ? હું ફસાઈ ગઈ છું... અને ફોનમાં બેલેન્સ પણ પતવા આવ્યું છે. ્પ્લીઝ, ફોન કરજો હોં ?'

ફોન કટ થઈ ગો. શરૂઆતમાં રાજુને જે અવાજ મીઠડો લાગ્યો હતો એમાં જે દર્દ છુપાયેલું હતું તે રાજુને સમજાયું.

આમ તો રાજુ બી.કોમ.ના સેકન્ડ યરમાં હતો. પપ્પાની કરિયાણાની દુકાન હતી એની હેસિયત હતી જ નહીં કે રાજુને કોઈ મોંઘી સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ભણવા મુકે. જે હતી તે આ સરકારી કોલેજ જ હતી.

અને સરકારી કોલેજમાં તો રોમાન્સ જેવું શું હોય ? મિડલ ક્લાસ ઘરની છોકરીઓ વાત કરતા પણ શરમાય. એમાં વળી રાજુ દેખાવે પણ એવો કંઈ સ્માર્ટ તો જરાય નહીં. આવી સ્થિતિમાં કોઈ અજાણી છોકરીનો સામે ચાલીને ફોન આવે અને હેલ્પ માંગે તો કરવી જ જોઈએ ને?

રાજુએ સામો ફોન લગાડી દીધો. બે જ રીંગ વાગી ત્યાં પેલી છોકરીએ ફોન ઉપાડી લીધો.

'હલો થેન્ક્યુ હોં ! થેન્ક યુ વેરી મચ ! એક્ચ્યુઅલી શું છે કે, હું છું આણંદની. અહીં અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને ભણતી મારી ફ્રેન્ડને મળવા આવી હતી પણ એ બધી તો એમના ફ્લેટને લોક મારીને પાવાગઢ બાજુ ફરવા ગઈ છે ! સોમવારે જ પાછી આવશે !

હવે હું તો મારા મમ્મી પપ્પાને એમ કહીને આવી છું કે બે દિવસ અમદાવાદમાં મારી બહેનપણીઓ જોડે જ રહેવાની છું... આમ તો હું પાછી જ જતી રહેવાની હતી પણ શું કહું ? અડધો કલાક પહેલાં જ મારું પર્સ ચોરાઈ ગયું...હવે...'

છોકરી એકી શ્વાસે આટલું બધું બોલ્યા પછી અટકી ગઈ. આ બાજુ રાજુ પણ જરા ગુંચવાઈ ગયો હતો.

'હલો... સાંભળો છો ?'

રાજુ તરત જ બોલ્યો 'હા, હા, સાંભળું છું, તમે બોલોને ? હું શું હેલ્પ કરું ?'

'હવે તમે સાવ અજાણ્યા છો કેવી રીતે કહું ?'

'ના ના, કહો ને, હું બનતી મદદ કરીશ. તમે બોલો તો ખરા.'

'એકચ્યુલી તો...!' છોકરીનો અવાજ ઢીલો થઈ ગયો. 'મારા મમ્મી પપ્પાને કહું તો બેલેન્સ કરાવી આપે, પણ પછી મારી ઇમ્પ્રેશન કેવી પડે? કેમ કે મારું પર્સ ચોરાઈ ગયું છે એવું કહેવું પડે. ઉપરથી એવું પણ કહેવું પડે કે બધી ફ્રેન્ડો તો પાવાગઢ જતી રહીછે... આવું બધું સાંભળીને મારા મમ્મી- પપ્પા મારા વિશે કેવું ધારે ?'

'ના ના, તમારી વાત સાચી છે.'

'જુઓે, હું ખરેખર મુસીબતમાં છું. આવા અજાણ્યા શહેરમાં કોની હેલ્પ લઉં ?'

'તમે ચિંતા ના કરો. બોલો શું હેલ્પ કરું ?'

'બસ, ખાલી ૪૦- ૫૦ રૂપિયાનું બેલેન્સ કરી દો ને ? પછી તો હું અહીં મારા એક દૂરના સગા રહે છે, ત્યાં જ જતી રહીશ.'

'ઓ. કે.' રાજુએ તરત જ ૫૦ રૂપિયાનું બેેલન્સ કરાવી દીધું.

ફોન કટ થઈ ગયા પછી છેક હવે રાજુને ભાન થયું કે, ના તો એણે એ છોકરીનું નામ પૂછ્યું, ના તો પોતાનું નામ કીધું... બેલેન્સ કરી આપ્યા પછી સાથે મેસેજ આવ્યો 'થેન્ક યુ...' બસ એટલું જ !

હવે તરત ને તરત મેસેજ કરીને એમ થોડું પૂછાય કે, 'તમારું નામ શું છે ?'

બે કલાક પછી રાજુને થયું કે હવે ફોન કરીને પૂછી લઉં કે, 'તમે સેફ રીતે પહોંચી ગયા ને ?' પણ પછી થયું, યાર આમાં પેલીને એમ લાગશે કે, આ તો 'પાછળ' પડી ગયો છે.

પરંતુ બીજી પંદર મિનિટ પછી એ જ નંબર પરથી સાદો મેસેજ આવ્યો : 'થેન્કસ ફોર હેલ્પ, આઇએમ ઓકે.'

હાશ ! છોકરી સેફ તો છે ? પણ છેક હવે રાજુને ભાન થયું કે એ નંબરને વોટ્સએપમાં સેવ કરું તો કમ સે કમ એનો 'ડીપી' તો જોવા મળશે ને ? તરત જ રાજુએ 'આણંદ ગર્લ'ના નામે નંબર સેવ કર્યો. ફોટો દેખાોયો ! બહુ 'ક્યુટ' લાગતી હતી !

રાજુના હવે પછીના દિવસો બહુ ખરાબ રીતે પસાર થઈ રહ્યા હતા. દિવસો તો ઠીક, રાતો બહુ પીડાદાયક હતી... પથારીમાં પડતાની સાથે 'આણંદ ગર્લ'ની યાદ આવે... મનમાં થાય કે એક કોલ તો કરું ? પછી થાય કે કમ સે કમ એક મેસેજ તો કરું ? છેવટે 'હાઇ' લખીને તો મોકલી જ શકાય ને ?

પણ દર વખતે રાજુ અટકી જતો હતો. પેલી છોકરીને કેવું લાગે ? માત્ર ૫૦ રૂપિયાની હેલ્પ કરી એમાં તો આ સાલો, પાછળ પડી ગયો... છોડને ભઈ ?

આમ ને આમ મહિનાઓ વીત્યા. ડિસેમ્બરમાં યુનિવર્સિટીનો યુથ ફેસ્ટિવલ આવ્યો એના ટાઇમટેબલમાં આણંદની એક એક જે.એમ. પટેલ આર્ટસ કોલેજની એન્ટ્રી દેખાઈ !

રાજુને થયું, ચાલો ફેસ્ટિવલમાં જઈએ તો ખરા ? કદાચ નસીબ છે ને...

પણ અહીં તો સેંકડોની સંખ્યામાં સ્ટુડન્ટોનો ઝમેલો હતો ! પેલી 'આણંદ ગર્લ'ને શોધવી ક્યાં ?

આખરે જ્યારે જે.એમ. પટેલ કોલેજનું નામ સ્ટેજ પરથી બોલાયું અને એના ગરબા રજૂ થયા ત્યારે ઓડિટોરિયમની પાંત્રીસમી લાઇનમાં બેસીને આંખો ખેંચીને એ 'ક્યુટ ફેસ'ને શોધવાની કોશિષ કરતો રહ્યો ! અરે એ આવી પણ હશે કે કેમ ?

છેલ્લે જ્યારે ગરબો પત્યો અને બધા બૅકસ્ટેજમાં ગયા ત્યારે હિંમત કરીને રાજુએ વોટસએપમાં મેસેજ કર્યો :

'હાય ! હું અમદાવાદનો એ છોકરો છું જેણે તમારું ૫૦ રૂપિયાનું બેલેન્સ કરાવેલું. શું તમે અહીં છો ?'

રાજુના આશ્ચર્ય વચ્ચે બીજી જ મિનિટે ફોન આવ્યો : 'હલો, હું અહીં જ છું ! ઓડિટોરીયમની પાછળ આવો ને !'

ફોન કટ ! રાજુ દોડયો : થોડીવારે ત્યાં સામટી ચાર છોકરીઓ ખિલખિલ હસતી આવી પહોંચી. હવે આમાંથી પચાસ રૂપિયાવાળી કઈ ?

પણ પેલા ક્યુટ ફેસવાળા 'ડીપી'ને મેચ થતો હોય એવા ચહેરાવાળી છોકરી આગળ આવી. તે બોલી :

'ખરા છો તમે હોં ? પચાસ રૂપિયા હજી યાદ રાખ્યા છે ? આ લો તમારા પૈસા !'

એમ કહીને એ હાથમાં ૫૦ની નોટ પકડાવીને બીજી છોકરીઓ સાથે ખિલખિલાટ કરતી જતી રહી.

રાજુ ડફોળની જેમ ત્યાં જ ઉભો હતો ! 'સાલું, આ વખતે પણ નામ ન પૂછ્યું.'

ત્યાં તો ફોનમાં વોટસએપ મેસેજનું 'ટડીંગ' થયું., જુએ છે તો અંદર મેસેજ હતો : 'હું ડ્રેસ ચેન્જ કરીને આવં  છું. તમે ત્યાં જ ઉભા રહેજો... અને બાય ધ વે મારું નામ રીમા છે...

રાજુને થયું : 'સાલું, પચાસ રૂપિયા વસુલ છે, હોં ?'