Get The App

* જિંદગીને 'બ્લેક બોર્ડ' નહીં 'વ્હાઇટ બોર્ડ' બનાવો

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
* જિંદગીને 'બ્લેક બોર્ડ' નહીં 'વ્હાઇટ બોર્ડ' બનાવો 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- * ઇશ્વરે તમને બોદા બનવા, બોદા રહેવા અને બોદા રહીને મરવા માટે જન્મ નથી આપ્યો.

જિંદગી પોતે જ તાલીમશાળા છે, એણે આપેલી તકોમાંથી કશુંક શીખવાની આપણી ઇચ્છા હોય તો. માણસ પોતાના અનુભવોમાંથી પણ શીખી શકે અને બીજાના અનુભવોમાંથી પણ શીખી શકે અને બીજાના અનુભવોમાંથી પણ. હકીકત એ છે કે પ્રત્યેક ઉઘાડી આંખ, જોવા લાયક જોઈ શક્તી નથી. ચાલતા પ્રત્યેક ચરણની દિશા નિર્ધારિત હોય છે, પણ લક્ષ્ય ધૂંધળું હોય છે. બંધાતા નવા નવા સંબંધો દાનતની દ્રષ્ટિએ શુદ્ધ નથી હોતા. જિંદગી કોઇનેય છેતરવાનો અધિકાર આપતી નથી.

જિંદગી જીવવાને કલાનો ભોમિયો વેચાતો નથી મળતો અને જે મળે તે કોઇકની જીવન-દ્રષ્ટિથી અભડાયેલો હોય છે. એટલે જિંદગીની કેડી માણસે જાતે જ કંડારવાની હોય છે. માણસે દ્રષ્ટિનો વિસ્તાર કરવો જોઇએ, ઊંધુ ઘાલીને દોડવાની ઉતાવળનો નહીં. માણસ પોતાની મોટા ભાગની શક્તિ જે છે તે જોવામાં ખર્ચી નાંખે છે. એટલે જે હોવું જોઇએ તેને અંગે વિચારવાનો સમય તેની પાસે જ નથી.

શ્રીમતી બાર્બરા બુશે જિંદગીમાંથી જડેલાં કેટલાક બોધરત્નો વિષે વાત કરી છે તેનો આધાર લઇ મુખ્ય મુદ્દાની વિસ્તૃત ચર્ચા અહીં કરી છે.

૧. લોકોમાં સારપ શોધો : માણસની અપેક્ષાઓ બીજા દ્વારા ફળે ત્યારે એ ખુશખુશાલ થઇ જાય છે. પણ પોતાનું ધાર્યું ન થાય તો એની લાગણી દુભાય છે. આપણને બીજાના દોષો ગણવાની ટેવ છે, એને બદલે તેનાા ગુણો ગણવા બેસીએ તો આપણે વિસ્મિત થઇ જઇએ, એટલી મોટી યાદી થઇ જાય. દુનિયામાં નથી આપણે સંપૂર્ણ કે નથી બીજું કોઈપણ સંપૂર્ણ એટલે બીજામાં રહેલી સારપનું દર્શન કરો.

૨. મિત્રો બનાવો : માણસને મન મળ્યું છે મધુ સંચય માટે. વિષ એકઠું કરવા નહીં. એક મિત્ર મોડો વધે તો વાંધો નહીં એક શત્રુ તો સત્વરે ઘટવો જ જોઇએ. શત્રુતા નાબૂદ કરવાની રીત છે. ઔદાર્યપૂર્ણ ક્ષમાભાવ. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું માણસના હોઠેથી તો વહે છે, પણ હૈયેથી વહેતું હોત તો આ જગતની તાસીર અને તસવીર જુદાં હોત !

૩. પૈસા ન હોવાનો બળાપો ન કાઢો : માણસ ધનને જિંદગીનું લક્ષ્ય બનાવી ધનની પ્રદક્ષિણા કર્યા જ કરે છે. પોતાની પાસે ધન હોય તો બડાશ અને ધન ન હોય તો બળાપા ! ધનનાં બણગાં અને ધનનાં રોદણા બન્ને બાબતો અ-શોભાસ્પદ છે. એટલે એવી ચર્ચાઓથી અળગા રહેવું ઉચિત છે.

૪. દેખાદેખી ન કરો : ધનવાન હોવા કરતાં આજના માણસને ધનિક દેખાવાનો ચસકો લાગ્યો છે. અનેક લોકો દેખા-દેખી ન પોસાય તેવી વસ્તુઓ ખરીદીને દેવાદાર બને છે અને આર્થિક દ્રષ્ટિએ પાયમાલ થઇ જાય છે.

૫. પડોશી જોડે સ્પર્ધામાં ન ઉતરો : ટેલિવિઝન, ફર્નિચર, મોટું મકાન, જીવન જરૂરિયાતની વસ્તુઓ વગેરે હોવાની બાબતમાં પોતાની જાતની પાડોશીઓ સાથે સરખામણી કરવી કે તેનાં કરતાં પોતાની પાસે વધુ છે, એવા ખ્યાલથી પ્રેરાઈને બિનજરૂરી ખરીદી કરવી એ નિરર્થક છે. જેની પાસે તમારા કરતાં જે કાંઈ વધુ છે, તેમને તે વસ્તુઓની માલિકીમાં રસ હોય છે. તમે શું ખરીદો છો કે નથી ખરીદતાં તેની તેમને લેશમાત્ર પરવા નથી હોતી.

૬. મળે તેનો બદલો વાળો : સંબંધ વસૂલાત પર નહીં પણ શ્રેષ્ઠ વ્યવહાર પર ચાલે છે. સંબંધી કે સ્નેહી ભોજન માટે નોંતરે કે ફરવા લઇ જાય તો એનાથી સંતુષ્ટ થઇ બેસી રહેવાથી સંબંધની શાન ન વધે. પ્રાચીન ભારતીય સમાજમાં એટલે જ 'વાડકી વ્યવહાર'નું મહત્વ હતું. જે કાંઈ ઉત્તમ તમે બનાવી શકો, ઘરમાં રાંધી શકાય, તેનાથી પણ સ્નેહીઓ સ્વજનોનું ઉમળકાભેર આતિથ્ય કરી શકાય. મહત્વ વસ્તુનું નથી, ભાવનાનું છે. એકતરફી વ્યવહાર કે લાભ લેવાની દાનત સંબંધને દીર્ઘજીવી ન જ બનાવી શકે.

૭. મૈત્રીનું મૂલ્ય : મિત્ર એ માણસની સૌથી મોંઘેરી સંપત્તિ છે. મૈત્રીમાં વફાદારી એ મહત્ત્વની વસ્તુ છે. વફાદારી એ એક હાથની તાલીનો વિષય નથી જ. એ દ્વિમાર્ગી શેરી છે. એમાં ચઢાવ-ઉતાર પણ આવવાના. પરંતુ જે મિત્રો તમને વફાદાર છે, એની વફાદારીમાં લેશમાત્ર કચાશ દાખવશો નહીં. વડીલોએ દાખવેલી આવી વફાદારીની ઘટનાઓ સંતાનો માટે પ્રેરક બની શકે. મૈત્રીમાં લાગણીના બદલે અપેક્ષાની દાનત કેન્દ્રસ્થાને રહે તો મૈત્રીને નુકસાન પહોંચે.

૮. સંતાનોને ચાહો : સંતાનોને ભરપૂર ચાહવાં, એટલે જિંદગીને આનંદથી છલકાતી રાખવી. એવા વાત્સલ્ય માટે સંતાનોને આજ્ઞાંકિત બનાવવાના અભરખા રાખવા જોઇએ નહીં. પોતાનાં સંતાનોને મહત્ત્વના અને મહાન ગણી એમને પ્રેમની અનરાધાર વર્ષાથી ભીંજવવા એ ઉત્તમ 'માતા-પિતાનું' વણલખ્યું કર્તવ્ય છે. રોબર્ટ ફલધમે નોંધ્યું છે : 'તમારાં સંતાનો તમારી વાત ધ્યાનમાં લેતાં નથી એની ચિંતા ન કરશો, પણ એ વાતની ચિંતા રાખજો કે તેઓ સતત તમારું નિરીક્ષણ કરી રહ્યાં છે.'

૯. પ્રભુનો ઉપકાર : જે હતુ એન જે નથી એને મુદ્દો બનાવી જિંદગીમાં રડારોળ મચાવશો નહીં. જે મળ્યું છે તે પૂરી તાકાત સાથે માણી લો. મામસ પાસે બે વિકલ્પો છે : તમને ગમતા પર પસંદગીનો કળશ ઢોળવો એ આનંદદાયક છે. આપણને ન ગમતા લોકોને પણ મદદરૂપ થઇ પોતીકા બનાવી લેવા, તેમના દોષો બદલ ક્ષમાદાન કરવું. 'તુલસી ઇસ સંસારમેં ભાંતિ-ભાંતિ કે લોગ' - એ સચ્ચાઈ નજર સમક્ષ રાખવી, હિતાવહ છે.

૧૦. ઇશ્વરમારં શ્રદ્ધા : ભક્તિભાવભરી શ્રદ્ધાપૂર્ણ વાણીમાં કરીએ તો 'હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે...' આ વાતમાં માણસો શ્રધ્ધા રાખવી જોઇએ. અને પોતાનાં સંતાનોને પણ તેવી શ્રદ્ધા રાખતાં શીખવવું જોઇએ. શ્રીમતી બાર્બરા બુશ પોતાને તથા પોતાના પતિ પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશને ઇશ્વરની કૃપા અને કરુણાની બાબતમાં ભાગ્યશાળી માને છે. આંધી, તોફાનો, ટોળાં એ બધું તો જિંદગીમાં આવતું - જતું રહેવાનું, પણ ઇશ્વરમાં વિશ્વાસ, પરિવાર અને મિત્રોનું જિંદગીમાં આગવું મહત્વ છે અને એ બાબતમાં બુશ દંપતી ઇશ્વરની અસીમ કૃપા અને કરુણા બદલ પોતાની જાતને ધન્ય માને છે.

માણસ જિંદગીનો ફરિયાદી બની જાય છે. અથવા સ્વાનિયુક્ત ન્યાયાધીશ, પણ શ્રધ્ધાશીલ દ્રષ્ટા બનાવવામાં લગભગ નિષ્ફળ જાય છે. દુ:ખવૃદ્ધિ પણ જીવન વિષક દ્રષ્ટિશુદ્ધિ માટે જ થતી હશે, એવી શ્રદ્ધા ધરાવનારના જીવનમાં દુ:ખની બાદબાકી થઈ જાય છે.