- રજનીગંધા-વિભાવરી વર્મા
- જોલી એક નહીં, બે નહીં ચાર ચાર યુવતીઓ સાથે સુહાસિનીના જ બેડ ઉપર રંગરેલી મનાવી રહ્યો હતો !
'ડોક્ટર સાહેબ, આ તે વળી કેવો હસ્યા કરવાનો સ્વભાવ ?'
લોનાવલાની સુંદર વનરાજી વચ્ચે શાનદાર બંગલો બાંધીને રહેતા રિયલ એસ્ટેટના કિંગ મિસ્ટર શેટ્ટી તેના એક મિત્ર આગળ પોતાની દિકરીની ફરિયાદ કરી રહ્યા હતા.
'તમે નહીં માનો, પણ મારી પત્ની, એટલે કે સુહાસિનીની મમ્મી જ્યારે મરી ગઇ ત્યારે પણ એ એક આંસુ સારીને રડી નથી. એટલું જ નહીં, જ્યારે બારમાની વિધી ચાલી રહી હતી ત્યારે સુહાસિનીએ મહેમાનોને હસી હસીને, આગ્રહ કરી કરીને લાડવા ખવરાવ્યા છે ! યાર, આવો તે કેવો હસમુખો સ્વભાવ ? એનો કોઈ ઇલાજ બતાડો ડોક્ટર...શું એને રડાવી ના શકાય ?'
શેટ્ટીના મિત્ર સ્હેજ હસીને બોલ્યા 'મિસ્ટર શેટ્ટી, એવો કોઈ ફિલ્મી આઇડિયા અજમાવો, જેમાં કોઈ પ્રેમી આવીને તમારી દિકરીનું દિલ તોડીને જતો રહે ! કહે છે કે પ્રેમમાં દગો થાય ત્યારે ભલભલા રડી પડતા હોય છે !'
* * *
ડોક્ટર મિત્રએ મજાક મજાકમાં આપેલો આઇડિયા મિસ્ટર શેટ્ટીએ ખરેખર અમલમાં મુક્યો. એમણે મુંબઇમાંથી એક એવા છેલબટાઉ, તોફાની, રમતિયાળ અને હેન્ડસમ યુવાનને શોધી કાઢ્યો, જેના માટે કહેવાતું હતું કે એણે કમ સે કમ અર્ધો ડઝન ખુબસુરત છોકરીઓનાં દિલ તોડયાં છે !
મજેદાર વાત એ પણ હતી કે 'જોલી'ના ઉપનામથી ઓળખાતો એ યુવાન નાટકનો અચ્છો એક્ટર હતો !
* * *
શેટ્ટી જ્યારે જોલીને મળ્યા ત્યારે એ શહેર છોડીને હંમેશ માટે ક્યાંક વિદેશમાં જતા રહેવાની તૈયારી કરી રહ્યો હતો.
'જુઓ મિસ્ટર શેટ્ટી, હું આ નાટકની બનાવટી દુનિયાથી કંટાળી ગયો છું. અહીં બધું જ નકલી છે. નકલી હાસ્ય, નકલી દોસ્તી, નકલી પ્રેમ અને નકલી સહાનુભૂતિ...હું આ બધાથી દૂર જવા માગું છું.'
'પણ જોલી, જો હું તને એકસામટા પચાસ લાખ રૂપિયાની ઓફર આપું તો ?'
'પૈસા હું બહુ કમાઈ ચૂક્યો છું.'
'ઓકે. પણ જોલી, જસ્ટ વિચાર કર, તારી એક્ટિંગ માટે આ સૌથી મોટી ચેલેન્જ છે ! તને તારી જિંદગીમાં આવી ચેલેન્જ ફરી કદી નહીં મળે !'
'ઓકે...' જોલીએ બે મિનિટ વિચાર્યા પછી હા પાડતા કહ્યું 'હું માત્ર બે મહિના માટે આ કામ કરીશ...'
* * *
બીજા જ દિવસથી જોલી એક અજાણ્યા ટુરિસ્ટની જેમ લોનાવલા પહોંચી ગયો.
હવે પછીની જે રમત હતી એ તો જોલી માટે ડાબા હાથનો ખેલ હતો. જોલીએ જોતજોતામાં સુહાસિનીને પોતાની પ્રેમજાળમાં લપેટી લીધી.
આ બાજુ સુહાસિની તો જાણે સાતમા આસમાનમાં ઊડી રહી હતી ! એક દિવસ લાગ જોઇને જોલીએ તેને કહ્યું :
'મારે એક કબૂલાત કરવાની છે. હું કોઈ બીજી છોકરીના પ્રેમમાં છું...'
આ સાંભળતાં જ સુહાસિની ખડખડાટ હસવા લાગી. 'વાહ ! આ જોક સારી છે ! બીજી પણ આવી જોક્સ કહે ને ?'
જોલીએ સુહાસિનીને પોતાની જુની ગર્લફેન્ડોના ફોટા બતાડયા, વિડીયો બતાડયા, અરે, સુહાસિનીની જ હાજરીમાં જુની ફ્રેન્ડો જોડે રોમન્ટીક વિડીયો કોલ્સ કર્યા. છતાં સુહાસિનીનું હસવું બંધ જ થતું નહોતું !
હવે કરવું શું ? ઉપાય એક જ હતો સગાઇ કરી નાખળી અને પછી દગો દેવો !
આમાં તો ખુદ શેટ્ટી સામેલ હતા. સગાઇની ભવ્ય પાર્ટી થઈ. એ રાત્રે સુહાસિની જે રીતે આનંદની ચરમસીમા પર હતી એ જોઇને જોલીએ તેના નાટકનો છેલ્લો અંક ભજવી લેવાનું નક્કી કરી લીધું...
સુહાસિની જ્યારે મોડી રાત્રે પાર્ટી પત્યા પછી પોતાના રૂમમાં દાખલ થઇ ત્યારે જોલી એક નહીં, બે નહીં ચાર ચાર યુવતીઓ સાથે સુહાસિનીના જ બેડ ઉપર રંગરેલી મનાવી રહ્યો હતો !
સુહાસિનીના ચહેરા પરથી પહેલી જ વાર હાસ્ય વિલાઈ ગયું. તેણે આઘાત સાથે પૂછ્યું 'જોલી આ બધું શું છે ?'
જોલીએ નફ્ફટ થવાનો અભિનય કરતાં કહ્યું 'સુહાસિની, આ જ મારી હકીકત છે ! હું આવો જ છું ! નાવ, વિલ યુ પ્લીઝ ગેટ આઉટ, એન્ડ લિવ અસ અલોન ?'
બીજા દિવસની સવાર પડે એ પહેલાં તો જોલી લોનાવલા છોડીને જતો રહ્યો હતો ! કોઈ ચીઠ્ઠી નહીં, કોઈ મેસેજ નહીં, કોઈ ખુલાસો નહીં.
* * *
પરંતુ એ પછી જે થયું તે મિસ્ટર શેટ્ટી માટે વજ્રઘાત સમાન હતું ! કેમકે એ ક્ષણ પછી સુહાસિની રડી તો નહીં જ, પરંતુ તે સાવ બોલતી જ બંધ થઇ ગઈ ! જાણે એક નિર્જિવ પૂતળી જોઇ લો...
* * *
આખરે શેટ્ટીના મિત્રએ ખુલાસો કરવો જ પડયો કે 'સુહાસિની, મજાકમાં આપેલી મારી એક સલાહને કારણે... પરંતુ હજી એક ઉપાય તો છે જ ! બેટી, પ્લીઝ આમ રૃંધાયા કરવાને બદલે રડી લે ! દિલ ખોલીને રડાય એટલું રડી નાંખ...'
ત્યારે સુહાસિનીએ ગાલિબનો એક શેર ધીમા અવાજે કહ્યો : 'દિલ હી તો હૈ, ના સંગ ઓ ખિશ્ત, દર્દ સે ભર ન આયે ક્યું ? રોએંગે હમ હજાર બાર, કોઈ હમેં રૂલાયે ક્યું ?'
* * *
પરંતુ એક દિવસ વહેલી સવારે લોનાવાલાના ધૂમ્મસમાંથી એક આકાર આવતો દેખાયો... એ જોલી હતો !
એણે આવતાંની સાથે સુહાસિનીને કહ્યું : 'સુહા, હું હારી ગયો...'
* * *
સુહાસિનીએ આપેલી ગરમાગરમ ચા પીતાં જોલીએ કહ્યું 'હકીકતમાં મને બ્લડ કેન્સર હતું. મારે કોઇની ઉપર બોજ બનવું નહોતું એટલે હું આ નાટકની દુનિયાને છોડીને ક્યાંક દૂર જતો રહેવા માગતો હતો. પરંતુ બે મહિના દરમ્યાન તારી સાથે રહીને હું એટલું બધું હસ્યો છું, એટલો બધો આનંદમાં રહ્યો છું... કે એના પછી જ્યારે મારા બ્લડ રિપોર્ટ આવ્યા ત્યારે એમાં સુધારો દેખાયો !'
સુહાસિની આશ્ચર્યથી જોલી તરફ તાકી રહી હતી. જોલીએ કહ્યું 'હું અહીં લોનાવાલામાં તારી સાથે રહીને મરવા માગું છું... હું મરી જાઉં ત્યારે તો રડીશ ને ?'
જવાબમાં સુહાસિનીના મુરઝાઈ ગયેલા ચહેરા ઉપર બે ફેરફાર થયા. એક, તેના હોઠો પર હાસ્ય આવી રહ્યું હતું... અને બીજું તેની આંખના ખૂણેથી એક આંસુનું ટીપું છલકાઈ રહ્યું હતું.
(કથાબીજ : નિમેષ દેસાઈ)


