Get The App

માનસિક શાન્તિ પ્રાપ્ત કરવા આટલું કરો

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
માનસિક શાન્તિ પ્રાપ્ત કરવા આટલું કરો 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- આપણે બ્રહ્માંડના લાડકા પુત્ર છીએ ઊર્જાનો સ્રોત જેને આપણે ઈશ્વરકૃપા કહીએ છીએ, એ પવિત્ર ઊર્જાનો આપણામાં ઘટાડો ન થાય એ જવાબદારી આપણી છે. દૈવી ઊર્જા માટે કેવળ 'સુંદરમ્'ની નહીં પણ 'શુભમ્' અને 'સત્યમ્'ની ઉપાસના પણ કરવી પડે.

''આ ફાઈલનું અત્યારે ને અત્યારે જ અંગ્રેજીમાં અનુવાદ કરજે. અનુવાદની તારી ક્ષમતા ઉપર જ 'પ્રમોશન'ની શક્યતા છે. એટલું યાદ રાખજે.'' બોસે પોતાના કર્મચારીને કહ્યું.

કર્મચારીએ ખૂબ જ સન્નિષ્ઠ પ્રયત્નો કર્યા પણ અંગ્રેજી પર પોતાનો કાબૂ ન હોવાથી તે સારો અનુવાદ કરી શક્યો નહીં.

સાંજે એ અનુવાદની ફાઈલ લઈને બોસ પાસે પહોંચ્યો. સરસ અનુવાદ ન કરી શકવા બદલ માફી માગી અને રાજીનામાનો કાગળ તેમના હાથમાં મૂક્યો.

એણે માન્યું હતું કે બોસ રાજીનામું મંજૂર કરી દેશે. પણ બોસે રાજીનામું વાંચ્યા વગર કહ્યું : 'મિ. વૈદ્ય તમને આજથી જ પ્રમોશન આપું છું. તમારી આંખમાં શરમ છે. બુદ્ધિમાં પવિત્રતા છે. વર્તનમાં ઈમાનદારી છે. અનુવાદકો તો અનેક મળી શકશે પણ ખરો માણસ સહેલાઈથી હાથ લાગશે નહીં.' જિંદગીમાં મનની શાન્તિ હણાય એવા પ્રસંગો તો જાણે-અજાણે બનવાના જ. એવા સંજોગોમાં માનસિક શાન્તિ ટકાવી રાખવી. ઉશ્કેરાટમાં ન આવવું અને આક્ષેપબાજીમાં ન ઉતરવું એ કામ ઉમદા વ્યક્તિત્વધારી જ કરી શકે છે.

બાળક હોય કે જવાન, આધેડ ઉમ્મરનો પ્રૌઢ હોય કે જૈફ વયનો વૃદ્ધ, જિંદગી માણવા માટે ઊર્જા જોઈએ. ઊર્જા ટકાવી શકે તે ઊંચે ચઢી શકે.

આપણે છીએ બ્રહ્માંડના લાડકા પુત્ર ઊર્જાનો સ્રોત જેને આપણે ઈશ્વરકૃપા કહીએ છીએ, એ પવિત્ર ઊર્જામાં ઘટાડો થાય એવું એક પણ કૃત્ય ન થાય એની પ્રકૃતિ અને પરમેશ્વર બન્નેને પ્રતીક્ષા છે.

દૈવી ઊર્જા ઝિલવા માટે કેવળ 'સુંદરમ્' નહીં 'સત્યમ્' અને શિવમની પણ સદાય ઉપાસના કરવી પડે. એકાગ્રતા કેળવવી પડે.

એક વાર ગુરૂ દયાલ મલ્લિકે સ્વમુખે કહેલો પ્રસંગ યાદ આવે છે. ગુરૂદેવ રવીન્દ્રનાથ બગીચાના લીલાછમ ઘાસ પર બેસીને પ્રકૃતિનો આનંદ માણતા હતા. તેઓ ધ્યાનસ્થ હતા. તેમની નજર આકાશ ભણી હતી. કેટલાક શિષ્યો તેમને મળવા આવ્યા હતા પણ કોણ આવ્યું છે તે તરફ ગુરૂદેવનું સહેજ પણ ધ્યાન નહોતું.

થોડાક સમય બાદ ગુરુદેવ રવીન્દ્રનાથે આંખો ખોલી. એમના ચહેરા પર પારાવાર આનંદ છલકાતો હતો. એમણે ગુરુદયાલ મલ્લિકને પૂછ્યું, 'તુમને કુછ સુના ? આકાશમેં સે દિવ્ય સંગીત બહ રહા થા !' ઓહ ! કૈસા દિવ્ય સંગીત. ગુરુ દયાલ તુમને કુછ ભી ન સૂના ?

આ છે દિવ્યશક્તિની ઊર્જાને ઝિલવાનો માનસિક અને આધ્યાત્મિક પુરસ્કાર. આંતરિક પવિત્રતા વગર મન શાન્ત રહી શકે નહીં. કુદરત આપણને ઘણું બધું સંભળાવવા ઉત્સુક છે, પણ આપણા કાનની બહેરાશ એમાં નડતરરૂપ છે.

જવાબદારીઓનો ગંજ, દોડધામ અને વ્યસ્તતાઓમાં અટવાએલું આપણું જીવન અને અપરિતૃપ્ત ઈચ્છાઓનાં વળગણ, કોઈકની દાદાગીરી આપણી માનસિક શાન્તિને હણે છે. કોઈકની નાનકડી ભૂલ કે દોષ આપણને રજના ગજ તરફ માનવા તરફ દોરી જાય છે. હિસાબના કાગળોના પાના પર આપણે ઈષ્ટદેવનું નામ લખીએ છીએ પણ અંદરથી કહીએ છીએ કે હે ભગવાન ! તારે આ પાનું વાંચવાનું નથી !

દૈવી ઊર્જાએ વરસવા માટે અનુકૂળ વાતાવરણ જોઈએ છીએ. દૈવી શક્તિ ઊર્જારૂપે અવતરે એ પહેલાં જ આપણે એને ખતમ કરી નાખીએ છીએ. ઓફિસમાં બોસને ટકટક કે ઘરના પારિવારિક કલેશો શાન્તિને જન્મવા દેતા જ નથી. માણસ ખરેખર હિસાબ લખે તો તેને ખ્યાલ આવશે કે એના જીવનમાં જમા કરતાં ઉધારની એન્ટ્રીઓ વધારે છે. ઈશ્વર કે ઈષ્ટદેવ તમારી તમામ જવાબદારીઓ સ્વીકારવા તૈયાર છે પણ માણસને ઈશ્વરમાં પણ વિશ્વાસ નથી ! પોતાની ઈચ્છા પ્રમાણે કે માગ્યા મુજબ ઈશ્વર આપશે જ એની ખાત્રી શી ? આવો સંશય સંપૂર્ણ સમર્પણ કે ઈશવિશ્વાસનો શત્રુ બને છે.

પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવાનો સંદેશો આપતા સંત મીરાંબાઈ કહે છે, ''રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.'' એ ભજનમાં મીરાંબાઈ કહે છે -

''કોઈ દિન રહેવાને બાગ બગીચા,

તો કોઈ દિન જંગલમાં રહીએ

કોઈ દિન ખાવાને શીરો ને પુરી

તો કોઈ દિન ભૂખ્યાં રહીએ.

કોઈ દિન પહેરવાને હીરનાં ચીર

તો કોઈ દિન સાદા ફરીએ,

કોઈ દિન સુવાને ગાદીને તકિયા

કોઈ દિન ભોંય પર સુઈએ

ઓધવજી ! રામ રાખે તેમ રહીએ.''

આધિ-વ્યાધિ અને ઉપાધિગ્રસ્ત જીવે એક જ આશ્વાસન ધરાવવું જોઈએ કે 'હે ચિત્ત, તું શીદને ચિંતા કરો, ઈશ્વરે કરવું હોય તે કરે.' જિંદગીમાં ઝેર પણ આવવાના અને અમૃત પણ. અમૃતપાન કરવાની જવાબદારી આપણી પાસે રાખીએ છીએ અને વિષપાનની જવાબદારી ભોળા શંભુને સોંપીએ છીએ.

આજના માણસનું મન અશાન્ત છે, બુદ્ધિ અશાન્ત છે,

 ઈન્દ્રિયો અશાન્ત છે, કર્મ અશાન્ત છે. પરિણામે સમગ્ર જીવન અશાન્ત છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કે આવા અશાન્તને સુખ ક્યાંથી મળે ? અંદરથી માણસ અશાન્ત છે એટલે હિંસા, હત્યા, બળાત્કાર, ઉંચાપત, લૂંટ જેવી ઘટનાઓ વિશ્વના સર્વ દેશોમાં ઘટિત થતી રહે છે. માણસની બુદ્ધિને ધોઈને શુદ્ધ કરે એવો વોશિંગ પાવડર હજી સુધી શોધાયો નથી.

જગતની અશાન્તિ પ્રભુ સર્જિત નથી પણ મનુષ્ય સર્જિત છે. માણસની ભોગદ્રષ્ટિ વકરી છે અને સંયમ દ્રષ્ટિ પાતાળે પહોંચી રહી છે એટલે શુધ્ધત્વ અને દેવત્વ પ્રગટતું નથી. કદાચ ભવિષ્યમાં એવી સ્થિતિ ન આવે કે મનુષ્યમાં પણ જીવન છે. એવું વૈજ્ઞાાનિકોએ કહેવું પડે !

હૃદયની સુંવાળપ એ તો માણસની મહામૂલ્યવાન મૂડી છે પણ આજના જીવનમાંથી સંવેદનશીલતાનો ઝરો સૂકાઈ રહ્યો છે પરિણામે માણસ આત્મકેન્દ્રી બની માત્ર પોતાના અને પોતાના જ સુખોની ચિંતા કરે છે. માણસને મન દરેક વસ્તુ સાધન છે. ઈશ્વર પણ સાધન છે, સાધ્ય નથી. એટલે પ્રાર્થનાઓ ઈશ્વર પર મુશળધાર વર્ષા સમાન બની રહી છે. મંદિરો વધ્યા છે, દેવ-દેવીઓની સંખ્યા પણ દિવસે-દિવસે વધતી જાય છે પણ માણસાઈનું મંદિર ક્યાંય બંધાતું હોય એવું જોવા મળતું નથી.

માનસિક શાન્તિ પ્રાપ્તિના સાત માર્ગો કયા ?

૧. સંતોષ અને સદાય પ્રસન્ન રહેવાની મનોવૃત્તિ.

૨. ધાર્યા પ્રમાણે ન થાય ત્યારે ઈશ્વરને દોષ દેવાને બદલે આત્મદર્શન

૩. સહિષ્ણુતા અને ક્ષમાવૃત્તિની મનને તાલીમ.

૪. વેરવૃત્તિનો સદંતર અભાવ.

૫. પ્રયત્નોમાં સફળતા ન મળે ત્યારે ભાગ્ય પ્રતિકૂળ છે એવું વિચારવાની મનોવૃત્તિને સદાય વિદાય.

૬. બીજી વ્યક્તિ તમને અશાન્ત બનાવવા પ્રયત્ન કરે તેમ છતાં ક્રોધ ન કરો એવું મનોવલણ.

૭. તમારા પર કોઈ ખોટા આક્ષેપો મૂકે, નિંદા કરે તો પણ મૈત્રીભાવનું ઝરણું વહેતું રાખો.