- એક જ દે ચિનગારી-શશિન્
આજે આપણે સહુ વ્રતો-તહેવારો- ઉત્સવો ઉજવીએ છીએ, પણ એ ઉત્સવની અસર આપણા જીવનમાં જોવા મળતી નથી. સામાજિક જીવનમાં સત્યમુક્ત આચરણે એવો અડ્ડો જમાવ્યો છે કે પતિ કે પત્નીને પરસ્પરમાં વિશ્વાસ નથી, પિતા-પુત્રને એકબીજામાં વિશ્વાસ નથી. મૈત્રીમાં પણ શંકા અને બિન વફાદારીનો પગપેસારો ભયાનક રીતે થઈ ગયો છે. રાજકારણ ગમતાંનો ગુલાલ કરી દ્વેષહીન બની એકબીજાને રંગવાને બદલે એકબીજા પર કીચડ ઉછાળે છે.
હકીકતમાં દીપાવલી હૃદયને વૈચારિક અંધકારોમાંથી મુક્ત કરી ઉજાળવાનો તહેવાર છે. પરસ્પર ભાઈચારાથી સંપથી રહીને જીવવાનો અવસર છે. પર્વમાં બધાં એકબીજાને મળે છે એ જ બતાવે છે કે આનંદ પણ વહેંચીને માણવાનો આ અવસર છે, નૂતનવર્ષે એકબીજાને હૃદયથી શુભેચ્છા પાઠવવાનો મોકો છે.
નવા વર્ષમાં નવું અને સારું અપનાવો. પરમશક્તિની વંદના કરો પણ વ્યક્તિ પૂજામાં ન અટવાશો. વિભૂતિઓની વંદના કરો ત્યારે તેમના મહાન ચારિત્ર્યના ગુણોને અપનાવવાની કોશિશ કરો. તમારા મિત્રોને મળવા જાઓ ત્યારે તેના ઘરમાં રહેલા વડીલોને વંદન કરવાનું ચૂકશો નહીં. નવા વર્ષે પ્રણ લો કે દરરોજ માનવતાનું એક કામ કરીશ તો ભગવાન પણ આપોઆપ ખુશ થઈ જશે.
નૂતન વર્ષે દિલમાં પ્રગટાવવા જેવા ૧૪ દીવા.
૧. મારી ગતિ અને પ્રગતિને હું ધવલતા તરફ રાખીશ. હું હતાશા, નિસાસા અને નિરાશા સાથે નવું વર્ષ નહીં વિતાવું. ૨. જીવનની કોઈપણ ક્ષણે આવી પડેલી આપત્તિનો હું મહેનતથી સામનો કરીશ, હું આપત્તિને સજા નહીં માનું. ૩. હું મારા ઘર અને કર્મક્ષેત્રને ધર્મક્ષેત્ર બનાવીશ, કુરુક્ષેત્ર નહીં. ૫. મારો પરિવાર સમાજ અને દેશ દેવ મંદિર છે. એમાં રહેતાં તમામ જીવો પરમાત્માના પ્રતિનિધિઓ છે, એમ માની કટુ વાણીથી કોઈને દુભવીશ નહીં. ૬. પ્રત્યેક કાર્ય ઇશ્વરે સોંપેલી જવાબદારી છે, એમ સમજી કામને પતાવવા નહીં પણ દીપાવવાનો પ્રયાસ કરીશ. ૭. માત્ર સ્વજનોનો જ નહીં પણ સર્વેજનોને પ્રેમના બિનશરતી અધિકારી બનાવીશ. ૮. મારા સંપર્કમાં આવતા હર કોઈ મારા થકી સુખી, શાંત બનીને ઉત્સાહમાં આવી જાય એવું વર્તન હું રાખીશ. ૯. હું દેશનો ઉત્તમ નાગરિક થવાની કોશિશ કરીશ, એ પણ એક પ્રકારની દેશસેવા જ છે. ૧૦. દિવસના સમયમાંથી થોડી થોડી ક્ષણો બચાવી '૨૫ મો કલાક' હું જાતે જ બનાવીશ. એ ક્ષણોમાં હું માનવતાનો બાદશાહ અને ખુશીનો મહાસાગર બનવાની કોશિશ કરીશ. જીવનમાં સાર્થક અભિગમ આપનાવી સુખી થઈશ અને બીજાને સુખી બનાવવાની કોશિશ કરીશ. ૧૧. જીવનની પાઠશાળાના વિદ્યાર્થી બની દરેક અનુભવમાંથી કશુંક શીખવાનો પ્રયાસ કરીશ. ૧૨. હું જગતથી અનેક રીતે ઉપકૃત છું જગતે જે કાંઈ આપ્યું છે એને બેવડા પ્રતિભાવથી ચૂકવીશ. ૧૩. નવા વર્ષે પ્રાત:કાળે મારે કાને કોને થેંક્યૂ કહેવું જોઈએ ?
જીવનનું વરદાન આપનાર પરમાત્માને પાલનહાર માતાપિતા અને ઘરનાં અન્ય વડીલોને સેવા કરનાર નોકર, રસોઈઓ, ડ્રાઈવર માળી, વાળંદ, ધોબી વગેરેને. * મારાં સ્વીપર અને રસ્તાનો કચરો દૂર કરનાર સફાઈ કામદારને * મારા સંનિષ્ઠ શિક્ષક, પવિત્ર ધર્મગુરુ પવિત્ર ભૂદેવ તથા પવિત્ર સંતને * મને વિદ્યા પ્રાપ્ત કરાવનાર કાગળ, બોલપેન, પુસ્તક- મુદ્રકો અને પુસ્તક વિક્રેતાઓને * મારાં સઘળાં સ્વજનો અને પડોશીઓને * મને અન્ન અને શાકભાજી પૂરાં પાડનાર ખેડૂત અને વેપારીને * મને દૂધ પૂરું પાડનાર દૂધ વિક્રેતા અને ગાય-ભેંસને * મને અખબાર પૂરું પાડનાર ફેરિયા, અખબાર માલિકો, સેવારત રાજયના સર્વ કર્મચારીઓ, શાસકો, સૂરજ- ચંદ્ર, મિત્રો, ડોક્ટર્સ, નર્સો, નદીઓ, તળાવો દેવ સ્થાનો, ધર્મગ્રંથો, આ બધાંની સેવા અમૂલ્ય છે.
૧૪. મારા દેશ અને રક્ષક સૈનિકોને, પોલીસદળને માનવ કલ્યાણ લક્ષી શોધો કરનાર વૈજ્ઞાાનિકોને તથા દેશ માટે કુરબાન થનાર શહીદોને વંદન. આપણે નવા વર્ષે સર્વને યાદ કરીને નમન કરીને વંદન કરીએ અને હૃદયપૂર્વક 'થેન્ક યુ' કહીએ.
નૂતન વર્ષ શક્તિ અને સામર્થ્યનું વર્ષ બને, સ્નેહની શરતહીન લહાણીનું વર્ષ બને અને પ્રત્યેક ક્ષણે નવીનતાના અનુભવથી છલકાતું, મલકાતું બને એથી રૂડી કામના શી હોઈ શકે ?
વર્તમાનને પારણે ઝૂલતા નવા વર્ષ તને સલામ.


