- રજનીગંધા-વિભાવરી વર્મા
- તે હજી પોતાના ગળા સુધી આવેલી કોઈ વાતને રોકવાની કોશિશમાં પોતાની નજરો ફેરવી ગઈ. પરંતુ થોડી ક્ષણોમાં તેની આંખોમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં...
સૌ રભની નજર એ યુવતી ઉપર જ સ્થિર થઈ ગઈ હતી. ભલે અહીં રેસ્ટોરન્ટમાં ઝાખું અજવાળું હતું અને ભલે એ યુવતી દૂરના ટેબલ પર બેઠી હતી, સૌરભને ખાતરી હતી કે તે એ જ હતી.
એ જ ગોળમટોળ ચહેરો, એ જ થોડી બેઠી દડીની કાયા... સૌરભને તો છેક અહીંથી એની માસૂમ ભોળી આંખો પણ દેખાઈ રહી હતી. તે એકલી જ હતી. બારીના કાચની બહાર તે ક્યારની કશુંક જોયા કરતી હતી.
સૌરભ હવે ઊભો થયો અને તેની સામેની ખુરશી ખેંચીને બેસી ગયો.
'હલો ? તમે કૌશાંગી છો ને ?'
'હેં ?' યુવતીનું ધ્યાન અચાનક આ બાજુ ફેરવાયું 'તમે કોણ ?'
'ક્યાંથી યાદ હોય ?' સૌરભ ફિક્કું હસ્યો, 'ચાર વરસ પહેલાં આપણે માત્ર બે જ વાર મળ્યા હતા, આજે ત્રીજી વાર મળી રહ્યા છીએ. આજ પછી કદાચ આપણે એકબીજાને કદી નહીં મળીએ... પણ મારે આજે તમને પૂછવું છે કે તમે મારી સાથે આવું શા માટે કર્યું ?'
હવે યુવતીએ જરા ધ્યાનથી સૌરભ સામે જોયું. એના ચહેરા ઉપર જે ઝાંખી ઉદાસી હતી તે અચાનક વધારે ઘેરી બની ગઈ. એની આંખોની કીકીઓ સ્હેજ સળવળી હોય જરા ફફવ્યા. જાણે કંઈ કહેવા માગતી હોય... પણ પછી તે અચાનક ઊભી થઈને રેસ્ટોરન્ટના બીજા ટેબલ પર જઈને બેસી ગઈ.
સૌરભ તેને જોતો જ રહ્યો. આ એ જ કૌશાંગી હતી જેની સાથે તેનાં લગ્ન થવાનાં હતાં !
આજથી ચાર વરસ પહેલાં સૌરભનું દિલ ઓલરેડી એકવાર તૂટી ચૂક્યું હતું. કોલેજમાં જે રાગિણી સાથે તેનો ચાર ચાર વર્ષનો પ્રેમસંબંધ હતો એ જ રાગિણીએ કેનેડાથી કન્યા જોવા આવેલા એક ધનવાન બિઝનેસમેનના દિકરા સાથે કોર્ટ-મેરેજ પણ કરી નાખ્યાં હતાં છતાં તેની જાણ સુધ્ધાં સૌરભને કરી નહોતી.
છેક છેલ્લી ઘડીએ, જ્યારે રાગિણીના વિઝા આવી ગયા ત્યારે, રાતના અઢી વાગ્યાની ફલાઇટ ઉપડે તે પહેલાં, છેલ્લી વાર માત્ર એક 'ટેકસ્ટ મેસેજ' કરીને જાણ કરી હતી !
ત્યાર બાદ છ છ મહિના સુધી સૌરભ કોઈ ચાવી આપેલા પૂતળાની માફક જીવી રહ્યો હતો. આખરે મમ્મી પપ્પાના આગ્રહને વશ થઈને તેણે લગ્ન માટે છોકરીઓ જોવાનું શરૂ કર્યું હતું.
આ કૌશાંગી એમાંની છેલ્લી છોકરી હતી, તેનો ફોટો જોઈને જ સૌરભને ગમી ગઈ હતી. ત્યાર બાદ બન્ને માત્ર બે જ વાર એકબીજાને મળ્યા હતા. એકવાર જ્યારે તે કૌશાંગીને જોવા માટે તેના ઘરે ગયો હતો ત્યારે અને બીજી વાર જ્યારે બન્ને એક રેસ્ટોરન્ટમાં મળ્યાં હતાં ત્યારે. બન્ને મુલાકાતોમાં કૌશાંગી તેને ખુબ જ સમજદાર, સંસ્કારી અને શાલિન લાગી હતી, બીજી મુલાકાતમાં તો સૌરભે પોતાના પ્રેમભંગની વાત પણ કરી દીધી હતી, ત્યારે તે એટલું જ બોલી હતી કે 'ભૂતકાળને ભૂલી જવામાં જ ભલાઈ છે...'
પરંતુ જ્યારે સૌરભ રંગેચંગે પરણવા માટે જાન લઈને ગયો ત્યારે છેક માંડવે પહોંચ્યા પછી ખબર પડી હતી કે કન્યા તો કોઈની સાથે ભાગી ગઈ છે !
એ વાતને ચાર વરસ થઈ ગયાં હતાં. સૌરભે તૂટેલા દિલના ઘાવ ઉપર ઘંટીના પડ જેવું વજન મુકીને પોતાના નવા બિઝનેસમાં સંપૂર્ણ જોર લગાવી દીધું હતું. પણ આજે...
એ જ છોકરી એનાથી થોડા જ અંતરે બેઠી હતી ! સૌરભથી રહેવાયું નહીં. તે ફરીથી તે યુવતીની સામે જઈને બેઠો. અને ફરી એ જ સવાલ કર્યો :
'તમે મારી સાથે આવું શા માટે કર્યું?'
આ વખતે કૌશાંગીની આંખો સૌરભની તીખી નજરોને ટાળી શકી નહીં. તે હજી પોતાના ગળા સુધી આવેલી કોઈ વાતને રોકવાની કોશિશમાં પોતાની નજરો ફેરવી ગઈ. પરંતુ થોડી ક્ષણોમાં તેની આંખોમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં...
સૌરભ હવે કારણ જાણવા માટે ઉત્સુક હતો. કૌશાંગીએ ટીશ્યુ પેપર વડે પોતાની આંખો લૂછતાં કહ્યું :
'એ રાત્રે હું માત્ર ચાર જોડી કપડાં ભરેલી બેગ લઈને, દુલ્હનના ડ્રેસમાં, એક ભાડૂતી ટેક્સી કરીને, આખી રાતની મુસાફરી પછી બીજા દિવસે મુંબઈની સિવિલ કોર્ટમાં પહોંચી હતી... પણ એ મેરેજ રજિસ્ટ્રારની ઓફીસે એ આવ્યો જ નહીં ! હું છેક સાંજ સુધી તેની રાહ જોતી, દુલ્હનના શણગાર સાથે બેસી રહી હતી. છતાં તે ન આવ્યો... આખરે રાત્રે બે વાગે તેનો એરપોર્ટ પરથી ફોન આવ્યો કે 'હું ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છું કેમકે એક એનઆરઆઈ છોકરી સાથે હું છ મહિના પહેલાં જ પરણી ગયો હતો... સોરી.'
'બસ, સોરી ?' સૌરભે આશ્ચર્ય સાથે પૂછ્યું.
'હા, કેટલો પાવરફૂલ શબ્દ છે, નહીં ?' કૌશાંગીની આંખો હવે સૂકાઈ ચૂકી હતી.
સૌરભ પણ હવે સપાટ નજરોથી તેને જોતો રહ્યો. તેણે કહ્યું. 'યસ, સોરી બહુ પાવરફુલ શબ્દ છે.... ચાર વરસ પહેલાં તમે મારી સાથે જે કર્યું એના માટે પણ તમે આજે એ શબ્દ બોલી શકો છો.'
કૌશાંગીનો ચહેરો સાવ સપાટ હતો. સૌરભે કહ્યું 'રાહ શું જુઓ છો ? બોલી નાંખોને, સોરી ?'
કૌશાંગી ક્યાંય લગી તેની સામે જોતી રહી પછી પાંપણ પટપટાવતાં તેણે ધીમા અવાજે કહ્યું : 'હું કોફી મંગાવી રહી છું, તમે પણ લેશોને ?'
સૌરભની છાતી પરનો ભાર જાણે અચાનક હળવો થઈ ગયો. તેણે વેઇટર તરફ ઈશારો કરીને કહ્યું 'ટુ કોફી, પ્લીઝ...'


