- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
દુનિયાની જુગારની રાજધાની તરીકે ખ્યાતનામ લાસ વેગાસ શહેરનો મુખ્ય માર્ગ સ્ટ્રિપ તરીકે ઓળખાય છે. એ સ્ટ્રિપ પર એક જગ્યાએ પેરિસના ઍફિલ ટાવરની પ્રતિકૃતિ ઊભી છે. એમ તો લાસ વેગાસમાં ઇજિપ્તના પિરામિડની જાયન્ટ પ્રતિકૃતિ પણ છે. પરંતુ લાસ વેગાસ શહેર ફ્રેન્ચ કલા-સંસ્કૃતિ-સ્થાપત્ય-શિલ્પ પ્રત્યે ભારોભાર અહોભાવ ધરાવે છે. એટલે જ આ શહેરના એક જાયન્ટ રિસોર્ટનું નામ 'પેરિસ લાસ વેગાસ રિસોર્ટ ઍન્ડ કસીનો' છે. ૭૬ કરોડ ડોલર્સના ખર્ચે બંધાયેલા આ રિસોર્ટની મુખ્ય મક્સદ એ જ છે કે ગ્રાહકને એવો અનુભવ કરાવવો જાણે તે પેરિસમાં હોય. ગ્રાહકને પેરિસની અનુભૂતિ કરાવવા માટે રિસોર્ટની સામે ઍફિલ ટાવર તો ટટ્ટાર ઊભો જ છે. અ ઉપરાંત પેરિસનું ઓપેરા હાઉસ તથા આર્ક દ ત્રિયમ્ફ (વિજય કમાન)ની અહીં ગોઠવણ કરાઈ છે. આમ જુઓ તો લાસ વેગાસમાં પેરિસ ઊભું કરવા માટે આટલો બધો ખર્ચ કરવો એ ગાંડપણ છે. પણ એ રીતે જાઇએ તો જુગાર પોતે જ એક ગાંડપણ છે અને લાસ વેગાસ જુગારની નગરી છે એટલે અહીં ભવ્યતના નામે ગમે તેવાં ગાંડાંઘેલાં કાર્યો કરવામાં આવે તેને લોકો શાબાશીના રૂડા બોલ વડે બિરદાવે છે.
ફિલ્મલાઇનમાં યુરોપ અમેરિકાથી પાછળ કેમ રહ્યું?
પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે યુરોપ ફિલ્મલાઇનમાં અમેરિકાથી ઘણું પાછળ રહી ગયું હતું. તેનું મુખ્ય કારણ અ કે ફિલ્મની પટ્ટી બનાવવામાં અને વિસ્ફોટકો બનાવવામાં એકસરખી સામગ્રી વપરાતી હતી અને વિશ્વયુદ્ધ વખતે યુરોપને ફિલ્મો કરતા વિસ્ફોટકોની વધુ જરૂર હોવાથી ત્યાં વિશ્વયુદ્ધ દરમિયાન ફિલ્મની પટ્ટી માટેના કાચા માલની આકરી તંગી ઊભી થઈ. એ વખતે અમેરિકાને આ તંગી ખાસ ન નડતી હોવાથી હોલીવૂડમાં ફિલ્મનો ધંધો ઝડપભેર ફૂલ્યોફાલ્યો. વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યારે વિશ્વની ૮૦ ટકા ફિલ્મો એકલા અમેરિકામાં બનતી હતી અને ત્યાંથી બીજા દેશોમાં તેની નિકાસ થતી હતી.
ઢોર માટે ખાસ પલંગ
અમેરિકાનાં દૂધાળાં ઢોરની લાઇફસ્ટાઇલમાં પણ સુધારો થવા લાગ્યો છે. અહીંની પલંગ બનાવતી મોટી કંપની ડયુક ઍન્ડ કોરડેજ દ્વારા ઢોર માટે ખાસ પાણી ભરેલાં ગાદલાં-પલંગો તૈયાર કરાયાં છે. જમીન પર સૂવાને કારણે લાંબા સમયે ઢોરના સાંધાઓમાં તકલીફ ઊભી થતી હોય છે, જે હવે અટકાવી શકાશે. પશુપાલકો પણ આનાથી ખુશ છે. યુરોપમાં પણ આવા ૧૫ હજાર પલંગો ખરીદાયા છે.
'પરોપકારી' ગુનેગાર
કેટલાક પરોપકારી જીવોને બીજાને મદદરૂપ થવા માટે પણ ક્યારેક ખોટું કરવાનું જોશ ચડી આવે છે. મેરિસાઇડ (અમેરિકા)નો પોલ રોબર્ટસ (૩૨) નામનો બંબાવાળો હજુ હમણાં જ જેલમાં રહી આવ્યો. એનો ગુનો શું હતો? એણે પોતાના સાથીઓને ઓવરટાઇમ અપાવવા પોતાના જ અગ્નિશમન દળને આગ લાગવાના અને ખોટી ઇમરજન્સીના ૯૯૯ ખોટા ફોન કર્યા હતા. આવા જ એક બોગસ કોલ વખતે આગ બુઝાવવા જતી વખતે બે બંબાવાળાઓએ ફાયર ફાઇટિંગ ગિયર ન ચડાવતા, શિફટ કમાંડરને શંકા ગઈ હતી. બીજું, આવા બોગસ કોલ વખતે ફોનમાં મોટે મોટેથી હસવાનો અવાજ સંભળાતો હતો. આવા ભૂતિયા કોલને કારણે ફાયરબ્રિગેડે ૧૫૦૦ ડોલરનો ઓવરટાઇમ બંબાવાળાઓને ચૂકવવો પડયો. જોકે આ આખા મામલામાં રોબર્ટે પોતાના ઉપર જ સંપૂર્ણ દોષ લઈ લીધો હતો.
ડ્રગની દાણચોરીનાં ખતરનાક રસ્તા
ડ્રગ્સને છુપાવવાનાં માર્ગો અને સાધનો પણ કલ્પનાતીત હોય છે. ઊંટે કાઢયા ઢેકા તો માણસે બનાવ્યા કાંઠા. સૂટકેસના ખોટા તળિયામાં, સૂટકેસનાં પ્લાયવૂડનાં બે પડ વચ્ચે, કેમેરામાં કે વ્હીલચેરમાં ચરસ, હેરોઇન છુપાવવાની વાત જૂની થઈ ગઈ. ત્યાં સુધી કે કોકેન અથવા હેરોઇનના દ્રાવણમાં ટુવાલ બોળીને પછી સૂકવેલા ટુવાલ પણ કુરિયરોની બેગમાંથી પકડાયા છે. તેઓ નિયત સ્થળે પહોંચ્યા પછી ટુવાલમાંથી દવા કાઢી લઇને વેચતા હોય છે. શરીર પર ટેપ વડે લગાવીને પણ તેઓ ડ્રગ્સ ભરી હોય છે. પશ્ચિમનાં દેશોમાં કોકેન સામાન્ય રીતે કોમ્પ્યૂટર અને કૃષિસાધનોમાં સંતાડીને મોકલવાનું ચલણ છે. પણ અત્યાર સુધીમાં પશ્ચિમના દેશોમાં કસ્ટમ્સ અધિકારીઓઅ નાળિયેરની અંદર, રેસ માટે મોકલવામાં આવતા ઘોડાના પેટમાં, નળિયાની અંદર સંતાડાયેલું અને બુલફાઇટની
તલવારીની મૂઠમાં ભરાવેલું કોકેન પણ પકડયું છે. જર્મનીના સ્ટટગાર્ટ શહેરમાં એક વાર કસ્ટમ્સ અધિકારીઓએ બળદોનાં મૂત્રાશયમાં ખોસીને મોકલવામાં આવેલો ૩૫૦ કિલો કોકેનનો જથ્થો પકડેલો. પણ સરવાળે તો માણસના શરીરના અંદરના ભાગોમાં છુપાવીને વધુ માલ લઈ જવામાં આવે છે. કન્ડોમ અથવા નિરોધમાં ડ્રગ્સ ભરી તે મોં વાટે પેટમાં ઠાંસવામાં આવે છે. ક્યારેક ઍૅનિમાના સહારે સ્ત્રી કે પુરુષની ગુદામાં અથવા સ્ત્રીની યોનિમાં તે ઠાંસીને ભરવામાં આવે છે. ઘણી વાર બેઇમાન ડૉક્ટરો સાથે મળીને વ્યક્તિના શરીરમાં સર્જરી દ્વારા દવાની પોટલીઓ ગોઠવી દેવાય છે. આ બધા માર્ગો જોખમી છે. કંડોમ કે કોથળી ફાટી જવાથી હેરોઇન કે કોકેન જેવી દવા લોહીમાં ભળે છે અને કુરિયરને નશો ચડી જાય છે અથવા મરણ પામે છે.


