- એક જ દે ચિનગારી-શશિન્
- વી.આઈ.પી. ગણાવું એ જવાબદારીનો વિષય છે, વટ મારવાનો નહીં
વી. આઈ.પી, 'વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન' શબ્દ પ્રયોજવાનું જેણે વિચાર્યું હશે, કદાચ એના મનમાં એવો ખ્યાલ હશે કે આવી 'અત્યંત મહત્વની વ્યક્તિ' ખાનદાન કે જાતવાન હોવી જોઈએ. પણ વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે ખાનદાન કે જાતવાન હોય છે એને કોઈ વી.આઈ.પી. ગણતું નથી અને જેઓ વી.આઈ.પી. ગણાય છે તે પૈકી બધાને ખાનદાન જેવા ઉદાત્ત શબ્દની છત્રછાયામાં બેસાડવાનું આપણે ઈચ્છીએ તોપણ સાહસ કરી શકીએ તેમ નથી.
વી.આઈ.પી. શબ્દ સાંભળતાંવેંત જ આપણી સમક્ષ એક એવી વ્યક્તિનું ચિત્ર ખડું થાય છે, જેના શબ્દકોશમાં 'ન ભોગવાય તેવા વિશેષાધિકાર' એવો કોઈ શબ્દ જ નથી. વી.આઈ.પી. એટલે નખશિખ રોફ-રુઆબ દાખવવાનો અધિકાર ધરાવતી વ્યક્તિ. હા, એને કાર્યક્રમમાં મોડા જવાનો છતાંય મંચ પર વિરાજવાનો તથા નિયમિતતા અને સમયપાલન પર વિનાસંકોચ ભાષણ ફટકારવાનો અધિકાર છે. એ ડૂબતાને તારી શકે છે અને એની ખફામરજી 'તરતા'ને તરત જ ડૂબાડી શકે છે... વી.આઈ.પી. બોલતા નથી વદે છે, એમના ધૂલિધૂસરિત પગ 'ચરણકમળ' ગણાય છે. તેઓ કરકમળથી ઉદઘાટન કરી શકે છે અને મુખકમળ દ્વારા પ્રેરક વાણી વહાવી શકે છે. એમની રહેમ અમીદ્રષ્ટિ ગણાય છે અને આચરણ અનુકરણીય. આવા વી.આઈ.પી.ને બોલવાનો જ નહીં પણ બાફવાનો, બકવાનો, બોલ્યું ફેરવી તોળવાનો અધિકાર છે. એમના આડંબરની યે અધીનસ્થો, લાલચુઓ, તકવાદીઓ, ગણતરીબાજ ચમચાઓએ પૂજા કરવી પડે છે. એમણે ફાળવેલો સમય 'કિંમતી' ગણાય છે અને એમણે કરેલું અપમાન પણ સહિષ્ણુતાનો સબક શીખવાનું નિમિત્ત ગણાય છે. તમે વી.આઈ.પી. બનો એટલે તમારા ભૂતકાળની ડાઘાડૂઘીવાળી દીવાલ પર લોકો સ્વહસ્તે-સ્વખર્ચે સફેદ ઓઇલપેઇન્ટ લગાવવાની જવાબદારી ઉપાડી લે છે.
વી.આઈ.પી એટલે બ્રહ્માંડમાં એક 'હું' માનનારો માણસ. આવા વી.આઈ.પી.ને કાયદાનું અસ્ત્ર-શસ્ત્ર છેદી શકતું નથી, વિરોધનો અગ્નિ બાળી શકતો નથી. એમની જીવનલીલામાં 'જરા'ને જરીયે સ્થાન નથી. વી.આઈ.પી. એટલે સદાબહાર સદાય તરુણ રહેનાર વ્યક્તિ.
જેમ સંતો 'મુઝસે બુરા ન કોઈ' એવું માને છે, તેમ વી.આઈ.પી. 'મુઝસા ભલા ન કોઈ' એવું માને છે. એટલે જેમ ડો. દેવેન્દ્ર શર્માએ 'એક મુઝે છોડકર'માં વર્ણવ્યું છે કે : 'આપણા ભાષણપ્રિય દેશમાં રાતદિવસ ભાષણો થયા કરે છે - સાહિત્ય ઉપર, સંસ્કૃતિ ઉપર, ધર્મવિષયક, સમાજવિષયક, યુદ્ધ અને શાંતિ ઉપર, યોજનાઓ અને રાજનીતિ ઉપરના ભાષણોમાં ય એક જ કાર્યક્રમમાં કેટકેટલું વૈવિધ્ય... ઉદઘાટન પ્રવચન, મુખ્ય ભાષણ, ઉપસંહાર પ્રવચન, આભારવિધિ. કોઈને ઉદ્ઘાટક બનાવો તો કોઈને અધ્યક્ષ... એમાંય ન સમાવી શકાય તો એકસ્ટ્રા બીજા બે-ચાર પદ ઉમેરી દો - મુખ્ય અતિથિ, અતિથિવિશેષ, વિશેષ ઉપસ્થિત મહેમાન, ખાસ હાજરી આપનાર વ્યક્તિ વિશેષ.'
વી.આઈ.પી.ના સ્વાગત માટે જયંતી, રજત જયંતી, સુવર્ણ જયંતી, હીસ્ક મહોત્સવ, શતાબ્દી, શ્રધ્ધાંજલી કાર્યક્રમ, પુણ્યતિથિ, વર્ષગાંઠ, ઈનામવિતરણ, પ્રશસ્તિપત્ર પ્રદાન, સન્માન સમારંભ... ગણ્યાગાંઠયા નહીં, વીણ્યા વિણાય નહીં એટલા બધાં કાર્યક્રમો. ભારતમાં માણસે કાં તો વક્તા બનવાની તૈયારી રાખવી પડે અથવા શ્રોતા બનવાની. અહીં પાણીની અછત હોઈ શકે પણ 'પ્રેરક વાણી'નો દુકાળ તો ક્યારેય નહીં પડવાનો. કારણ કે આઝાદી પછીના ભારતને લમણે લખાયો છે એક નવો શબ્દ - 'વી.આઈ.પી.' ! સંતો, ભક્તો અને સાધુ-મહાત્માઓ પ્રેરણાસ્ત્રોત બંધ કરી શકે તો પણ પ્રેરકવાણી માટે ચિંતા કરવી પડતી નથી, કારણ કે ભાષણની બાબતમાં વી.આઈ.પી. સો સંતોની ગરજ સારી શકે તેમ છે.
સંતો માટે બોલવાનું અઘરું છે, જ્યારે વી.આઈ.પી. માટે સહેલું. કારણ કે સંતો પાસે લોકોની એક અપેક્ષા હોય છે કે, એની કથની અને કરણીમાં સમાનતા હોવી જોઈએ. જ્યારે વી.આઈ.પી.ને કેવળ કથનીનો અધિકાર છે. એની કથની અને કરણીમાં સામ્ય જોવા મળે તો તમારું નસીબ. વી.આઈ.પી. લોકો કેવળ 'વિશેષ જન' છે પછી સજ્જન શબ્દની પરિધિમાં એમને ગોંધી શું કામ રાખવા જોઈએ ?
વી.આઈ.પી. માને છે કે જ્ઞાન અને ભાષણ બન્નેના ક્ષેત્રો જુદાં છે. આચરણનું તો વળી એનાથીયે જુદું ! એટલે તેમનાં ભાષણોમાં 'એક મુઝે છોડકર' અર્થાત્ 'મારા સિવાય'ની ફિલસૂફી કેન્દ્રસ્થાને હોય છે. સૌએ ઈમાનદાર બનવું જોઈએ (મારા સિવાય), સૌએ સત્ય અપનાવવું જોઈએ (મારા સિવાય) વગેરે...
જિંદગીનું ચરમ અને પરમ ધ્યેય શું ? મોટા માણસ બનવાનું કે સાચુકલા માણસ ઠરવાનું ? જીવનદેવતા આપણને પોકારી પોકારીને કહે છે કે તમે 'મોટા માણસ' નહીં બનો તો ચાલશે પણ સાચુકલા નહીં બનો તો ખતરારૂપ સાબિત થશો.
વી.આઈ.પી. ગણાવું એ વર્ગનો વિષય નથી, જવાબદારીનો વિષય છે. વી.આઈ.પી. ગણાનાર માણસ ભૂલી જતો હોય છે કે સમાજ તમને નોખા માણસ ગણે છે, તો તમારું વ્યક્તિત્વ પણ નોખા પ્રકારનું ગૌરવપૂર્ણ હોવું જોઈએ. અતૃપ્ત ઈચ્છાઓનો પડછાયો લઈ ઘૂમનાર માણસ ગમે તેટલો 'મોટો' હોય પણ વામણો જ રહેવાનો. વી.આઈ.પી. બનવું એટલે સામાન્યપણામાંથી મુક્ત બનીને ઉર્ધ્વોન્મુખ બનવું. સચ્ચાઇ, નિર્મળતા એનો પાયો છે, નિ:સ્વાર્થ સેવા એનો પ્રાણ છે, ઈમાનદારી એની ખુશબો છે, ત્યાગ એનું ચાલક બળ છે, ઘસાવાની ઉત્કૃષ્ટ અભિલાષા એનું પ્રેરક બળ છે.
આપણને મળેલા કહેવાતા વી.આઈ.પી. લોકો છે જેમને પોતાના જીવનમાં ઉત્તમ વિચારોનું વાવેતર કરવાનો સમય મળ્યો નથી, છતાંય તેઓ પોતે સદ્ગુણી ગણાવાના વહેમમાં જીવે છે.
આમ આદમી અને ખાસ આદમી (વી.આઈ.પી)માં જે તફાવત છે તે આ છે. ખાસ આદમીને તમામ રીતે ફાવી જતાં જોઈને આમ આદમી પણ ખાસ આદમી બનવાનું દિવાસ્વપ્ન જોતો થઈ ગયો છે. આમ આદમીને ટકી રહેવા માટે તમામ અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે જ્યારે 'ખાસ આદમી' બનવા માટે તમારે એક જ કામ કરવું પડે છે - અંતરાત્માના ગળે ટૂંપો દેવાનું, સિધ્ધાંતોને નેવે મૂકવાનું, દંભનો આંચળો ઓઢવાનું, વાયદાને અંગૂઠો બતાવવાનું, અને મહોરાની માવજત કરવાનું. મિથ્યાડંબર એ મહાનતાનો શત્રુ છે. એ વાત કહેવાતા વી.આઈ.પી. ભૂલી જાય છે. જીવનશુદ્ધિ આગળ 'નત' થયા સિવાય 'ઉન્મત' ન બની શકાય. ખાસ આદમીને સાચા અર્થમાં ઓળખવાની જવાબદારી પણ આમ આદમી પર જ છે. આમ આદમીની નિષ્ક્રિયતા, અને સહિષ્ણુતા ખરેખર તો ભ્રષ્ટ 'ખાસ આદમી'ને ફૂલવા-ફાલવાનો મોકો પૂરી પાડતી હોય છે.
વી.આઈ.પી. (ખાસ આદમી) એ યાદ રાખવા જેવી છ બાબતો.
૧. વી.આઈ.પી. ગણાવું એ જવાબદારીનો વિષય છે. સામાન્યપણામાંથી મુક્ત બનીને ઉર્ધ્વોન્મુખ બનવું.
૨. સચ્ચાઈ, નિર્મળતા (ખાસ આદમી) વી.આઈ.પી.નો પાયો છે, નિ:સ્વાર્થ સેવા એનો પ્રાણ છે. ઈમાનદારી એની ખુશબો છે, ત્યાગ એનું ચાલકબળ છે, ઘસાવાની અભિલાષા એનું પ્રેરક બળ છે.
૩. મોટાઈ મફતમાં મળતી નથી, એનું મૂલ્ય ચૂકવવું પડે છે. 'ઘસાઈને ઉજળા થાઓ.'
૪. તમે જેટલા નાના બની શકશો, તેટલા પ્રમાણમાં તમારી મોટાઈની લોકોને પ્રતીતિ થશે.
૫. ઘમંડ અને અહંકાર ત્યજીને દૂધ-સાકરની જેમ સમાજમાં એકાકાર થઈ જાઓ.
૬. મોટા દેખાવા કોઈનું અનુકરણ કરશો નહીં, તમારાં સ્વત્વને બહાર આવવા દો.


