- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
૧૯મી સદીમાં ઇટાલિયન ગાયિકા એડેલિના પેટ્ટી પ્રવાસે ગયા પછી રશિયાથી પાછી ફરી ત્યારે કોઈએ તેને પૂછયું, 'તમને યુરોપમાં કયો રાજા ખૂબ ગમ્યો?' જવાબમાં ગાયિકાએ કહ્યું, 'ઝાર એલેકઝાન્ડર બહુ ગમ્યો. તે સૌથી મૂલ્યવાન ભેટ આપે છે!' ડાયમન્ડ જિમ બ્રેડી નામનો ધનપતિ ભેટસોગાદો આપવામાં બહુ જ ઉદાર અને તરંગી હતો. તેણે તેના જીવનકાળમાં કરોડો રૂપિયાની ચીજો મહેમાનોને બક્ષિસમાં આપી હતી. એક વખત તેને મન થયું કે પોતાના ઘરે જમવા આવે તે તમામ મહેમાનને ચાંદીના સળિયાવાળી બાયસિકલ ભેટ આપવી. યુરોપની મશહૂર ઝવેરાતની પેઢી 'ટિફાની'ને તેણે ચાંદીની સાયકલો બનાવવાનું કહ્યું પણ 'ટિફાની'થી કામ થયું નહીં એટલે તેણે જાતે ચાંદીની સાયકલો બનાવવાનું કારખાનું નાખ્યું! લિલિયન રસેલ નામની ફિલ્મ અભિનેત્રીને ડાયમન્ડ જિમ બ્રાડીએ સોના અને હીરાથી મઢેલી બાયસિકલ ભેટ આપી હતી. એ પહેલાં મિસ લિલિયન રસેલને સોનાથી મઢેલું 'ચેમ્બર પોટ' (હાજતે જવા માટેનું વાસણ) ભેટ આપ્યું હતું!
હળવા ગુનાની 'ભારે' સજા!
શ્રીલંકામાં જાહેરમાં હળવું ચુંબન કરવું તે કાયદેસર ગણાય છે. છતા કોલંબોના વોલિકાડાગે સોમિન્ડા નામના માણસને હળવા ચુંબનથી પણ હળવા ગુના બદલ સજા ભોગવવી પડી. થયું એવું કે સોમિન્ડાના કોઈ સંબંધીને પોલીસ પકડી ગઈ. એટલે સોમિન્ડાએ સંબંધીને જામીન પર છોડાવવા ગયા. એ વખતે કોર્ટમાં જે જજ હતા તે ભારે કડક સ્વભાવના હતા. જજે જોયું કે સોમિન્ડાએ જે ટી-શર્ટ પહેર્યું છે તેના પર સ્ત્રી-પુરુષ ચુંબન કરી રહ્યાં હોય તેવું દ્રશ્ય છે. જજ આ જોઇને ભડક્યા. તેમણે તરત સોમિન્ડાને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો. પોલીસે તરત સોમિન્ડાનું ટી-શર્ટ ભરકોર્ટમાં કઢાવી નાખ્યું અને ટી-શર્ટ જજને સોંપ્યું. જજે તરત ટી-શર્ટ પટાવાળાને ધરીને કહ્યુંકે 'લઈ જાવ આ ટી-શર્ટ અને તેને 'વિધિસર' (રિચ્યુઅલી) બાળી નાખો.'
વિશ્વની પહેલી ચ્યુઇંગમ કઈ રીતે શોધાઈ?
થોમસ આદમ્સ નામનો અમેરિકન ફોટોગ્રાફર ૧૮૭૦માં રબરની ચીજા બનાવતો હતો. ત્યારે રબરના રસનો ઉપયોગ બે ચીજાને સાંધવામાં થતો હતો. રબરની તંગી પડી એટલે થોમસ આદમ્સે રબરને બદલે એક વૃક્ષના ચીકલમાંથી નીકળતાં ગુંદરનો ઉપયોગ કરવા માંડયો. તેણે એક વૃક્ષના ચીકલમાંથી નીકળતા ગુંદરનો લોંદો બનાવ્યો, પરંતુ રબરના રસને બદલે ગુંદરથી ફોટોગ્રાફીની ચીજોને સાંધવાનો પ્રયોગ નિષ્ફળ ગયો એટલે ગુંદરનો લોંદો તેના સ્ટુડિયોમાં પડી રહ્યો. તે પછી થોમસ આદમ્સ જ્યારે પણ કામ કરીને થાકે અને કંટાળે ત્યારે પેલા ગુંદરના લોંદામાંથી કટકો લઇને મોઢાંમાં નાખે અને ચગળ્યા કરે. એ પછી આદમ્સને વિચાર આવ્યો કે ગુંદરમાં થોડી મીઠાશ અને સુંગંધ ઉમેરી હોય તો તેને ચગળવાની ઓર મઝા આવે. થોમસ આદમ્સે ફોટોગ્રાફીનું કામ છોડીને ગુંદરના લોંદામાં ફલેવર ભેળવીને ચોસલાં બનાવવા માંડયા. તેને ઘણા મિત્રોએ ચેતવણી આપી કે આવા તરંગીવેડા ન કરે અને મૂળ ધંધો કરે. પણ ૧૮૭૨માં પહેલાં જગતની પ્રથમ ચ્યુઇંગમ બજારમાં મૂકાઈ અને અમેરિકાના ખેડૂતોને એટલી બધી ગમી ગઈ કે થોમસ આદમ્સે ૨૦ વર્ષમાં છ માળની ફેક્ટરી બનાવીને ચ્યુઇંગમ વેચવા માંડી.
સરકસને મનોરંજક બનાવવાનો નવો ખેલ
મનોરંજન માટેનાં હવે એટલાં બધાં માધ્યમો અને સાધનો ઉપલબ્ધ થઈ ગયા છે કે સરકસ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનાં ફાંફાં થઈ ગયાં છે. આથી જ સરકસવાળાઓએ જનતાજનાર્દનને આકર્ષવા માટે જાતજાતનાં ગતકડાં અજમાવતાં રહેવાં પડે છે. ઇંગ્લેન્ડના ઝિપોસ નામના સરકસનું જ દ્રષ્ટાંત લો. આ સરકસમાં એક નવો ખેલ ઇન્ટ્રોડયુસ કરવામાં આવ્યો છે - માણસો અને કૂતરાં વચ્ચે ફૂટબોલ મેચનો! રીતસર બે ટીમ પાડવામાં આવે - માણસોની અને શ્વાનોની. શ્વાનોને એકસરખો યુનિફોર્મ પહેરાવવામાં આવે. પછી રેફરી સીટી વગાડે એટલે માંડે બેપગાને ચારપગાં લાતો મારતા કૂતરાંને ખરેખર કમાલ તાલીમ આપવામાં આવી છે.
તેઓ એકબીજાને દડો પાસ કરે, દડો ઉછાળે, પ્રતિસ્પર્ધીઓ વચ્ચે આડો-ત્રાંસો રસ્તો કાઢતા કાઢતા દડાને ગોલપોસ્ટ સુધી લઈ જવાની જહેમત કરે અને પ્રતિસ્પર્ધીઓને નહોર સુધ્ધાં ભરાવે!
મેદસ્વીતા અને કેન્સરને સંબંધ ખરો?
૩૦થી પણ વધારે વર્ષોથી સંશોધકોની માન્યતા હતી કે શારીરિક વજન અને કેન્સર એકબીજા સાથે સંકળાયેલા છે. હવે તેઓ આ કેવી રીતે સંકળાયેલા છે તે પુરાવાઓ સાથે રજૂ કરી રહ્યા છે. સંશોધકોનું કહેવું છે કે મનુષ્યના શરીરમાં રહેલો વધારાનો મેદ સુષુપ્તાવસ્થામાં પડી રહેતો નથી, પરંતુ તે મનુષ્યની શારીરિક વ્યવસ્થામાં એવા ફેરફારો કરવામાં કાર્યશીલ થઈ જાય છે જેથી મનુષ્ય શરીરમાં ખાસ પ્રકારનું કેન્સર વિકાસ પામે. નવું સંશોધન દર્શાવે છે કે મેદના કોષો આપણી રક્તવાહિનીમાં હોર્મોન્સ સહિત વૃદ્ધિ પામતા બીજાં તત્ત્વોનું પૃથક્કરણ કરવામાં કાર્યશીલ રહે છે. ત્યાર બાદ આ તત્ત્વો શરીરના બીજા ચપળ કોષોને ઝડપથી વૃદ્ધિ પામવાનો સંકેત આપે છે અને પછી સામાન્ય ગતિ કરતાં વધારે ઝડપથી વિભાજિત થઈ જાય છે. એટલે કે કોષોના નિયમનમાં પરિવર્તન આવે છે અને અસ્તવ્યસ્ત બનેલા કોષોમાં ઝડપથી કેન્સર વિકાસ પામવાની શક્યતા વધી જાય છે. લુઇસિઆનામાં આવેલા પેનીંનગન બાયોમેડિકલ રિસર્ચ સેંટરના એમ.ડી. જ્યોર્જ બ્રેનું કહેવું છે કે આપણે બધા જાણીએ છીએ કે મેદના કોષોને સ્ત્રાવ સાથે સંબંધ હોય છે. ''છેલ્લા દશકમાં જાવામાં આવ્યું છે કે મેદના કોષો ખૂબ જ ચપળતાથી અને જોશપૂર્વક કામ કરે છે. મેદનો કોષ જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ વ્યક્તિનું વજન વધતું જાય અને તે હોર્મોન્સ બનાવવા માટે વધારે કામ કરે.'' મેદસ્વીતાથી ઉત્પન્ન થતું કેન્સર છાતી, ગર્ભાશયની અંદરની કિનાર અને પ્રોસ્ટેટ જેવાં અંગોના સેક્સ સાથે સંબંધિત હોર્મોન્સ જેમ કે એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનને અસર કરે છે. પુરાવાઓ દ્વારા સાબિત થયું છે કે મેનોપોઝ પછી સ્ત્રીને થયેલું છાતીનું કેન્સર તેના વજન સાથે સંકળાયેલું છે.


