- એક જ દે ચિનગારી-શશિન્
- પ્રજાસત્તાક દિનની ઉજવણી તો આપણે દર વર્ષે કરીએ છીએ, પણ સાચો પ્રજાધર્મ આપણે પાળીએ છીએ ખરા?
શું દેશભક્તિ એ કેવળ ભાવાવેશમાં ગાવાનું ગીત માત્ર છે ? દેશભક્તિ એ શું ચલણી નાણું છે ? જેનો ગમે ત્યાં ગમે ત્યારે ખરીદી માટે ઉપયોગ થઈ શકે ?
ખરું પૂછો તો દેશભક્તિ એ રાષ્ટ્રીય વાર-તહેવાર વ્યક્ત કરવાની ભાવના નથી, પરંતુ જિંદગીના પ્રત્યેક શ્વાસ સાથે વણી લેવાની વસ્તુ છે, એમાં ભૂતકાળના ગર્વગાનનો સમાવેશ થાય છે. સ્વાતંત્ર્યદિન નિમિત્તે ધ્વજવંદના કરી અને આપણે ૨૬ મી જાન્યુઆરી સુધી 'રાષ્ટ્રધર્મ' અદાયગીનો મધ્યાંતર રાખી દીધો. આપણું માનસ કોણ જાણે કેમ પણ 'કન્ડીશન્ડ' અને પરંપરાગત બની ગયું છે કે રાષ્ટ્રિય તહેવારો આવે ત્યારે જ રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરવા ઉત્સુક રહેવું. રાષ્ટ્રપ્રેમ એ ચોમાસું નથી બારમાસી વર્ષા છે. દેશપ્રેમ એ ક્ષણિક ઉભરાનો વિષય નથી. પરંતુ દેશના નાગરિકોએ પ્રત્યેક પળે અભિવ્યક્ત કરવમાની નિરંતર સાધનાની વસ્તુ છે એવી સમજણ જ દેશને ખરમીરવંતા અને બલિદાન તત્પર નાગરિકોની ભેટ ધરી શકે આવી ભાવનાની જ્યોત પ્રત્યેક નાગરિકના હૃદયમાં અહર્નિશ જલતી રહે એમાંજ દેશભક્તિની સાર્થકતા છે.
અંગ્રેજોના રાજમાં દેશ ગુલામ હતો, પણ માણસ આઝાદ પ્રકૃતિનો હતો. આજે દેશ આઝાદ છે અને માણસ પોતે જ નિષ્ક્રિયતા, નિર્વીર્યતા અને નામર્દાનગીનો ગુલામ છે. જે નાગરિકો જાતે જ મોઢે ડૂચા મારીને બેસી જાય એની જીભ કોણ ખોલાવે ?
૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન! આજે પ્રજા ગૌણ બની ગઈ છે અને સત્તા મહત્વની બની ગઈ છે. રાજ્યસત્તા પ્રબળ બને અને લોકસત્તા દુર્બળ, નિર્માલ્ય અને લાચાર બને એમાં લોકશાહી ક્યાં રહી ?
દેશની પ્રજાને પ્રેમ કરનારા દેશને પ્રેમ કરનારા અને દેશસેવાને જ પોતાનું કર્તવ્ય માનાનાર નેતાઓ આજે બહુ ઓછા જોવા મળે છે. આજે લોકશાહી બચાવવાની બુમરાણ થાય છે, પણ લોકોને બચાવવાની સદંતર ઉપેક્ષા ! પ્રજાસત્તા એટલે પ્રજાને સાધન નહીં સાધ્ય માનીને અર્પિત કરવમાની સેવા. એ વાત આજના મોટાભાગના રાજકારણીઓ ભૂલી ગયા છે.
આઝાદી એ રાતોરાત આપણને મળેલો પુરસ્કાર નથી. એને માટે અનેકવિધ યાતનાઓ આપણા દેશના સમર્પણશીલ નરબંકાઓ સહતા રહ્યા અને બદલામાં કશું જ ન માગ્યું.
આઝાદીને જાળવી રાખવાની જવાબદારી આપણી છે. દેશના સૈનિકોનું કામ દેશકાજે લડવાનું છે અને દેશવાસીઓનું કામ એમનું ઋણ હૈયામાં જડી રાખવાનું છે. વીર શહીદની પત્ની, સંતાન, માતા-પિતા કે આશ્રિત સ્વજનની હિતચિંતા અને એમના નિર્વાહની ચિરંજીવી ગોઠવણ એમને શ્રધ્ધાંજલિ અર્પવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
પ્રજાસત્તાક દિનની ઉજવણી તો આપણે દર વર્ષે કરીએ છીએ, પણ સાચો પ્રજાધર્મ આપણે પાળીએ છીએ ખરાં ? પ્રજા તરીકે બધા હકો ભોગવવા આપણે તૈયાર થઈ જઈએ છીએ પણ ફરજ ? ફરજના નામે મીડું. દેશના નેતાઓ દર વર્ષે આપણને યાદ અપાવે છે કે પ્રજાનું, પ્રજા માટે, પ્રજાવડે ચાલતું આપણું રાષ્ટ્ર છે. પણ આપણે સાચા અર્થમાં પ્રજા બની શક્યા નથી. પ્રજા પોતે જ ઘેનમાં હોય અને પછી રાજનેતાઓનો દોષ કાઢીએ એ કેટલા અંશે વ્યાજબી કહેવાય ?
રાષ્ટ્રને ધબકતું રાખવું હશે તો હૈયું ઝઘડાળું રાખવાને બદલે હૂંફાળું રાખવું પડે. નેતૃત્વ બળેલું નહીં ઠરેલું હોય તો જ દેશ હેઠા શ્વાસે જીવી શકે. વહીવટી સ્થિરતા, પ્રજાની જાગૃતિ અને રાષ્ટ્રપ્રેમની વિશુધ્ધ ભાવના આ બધું રાષ્ટ્રનો પ્રાણ છે.
આવી ભાવના માટે કે તેના પ્રદર્શન માટે પર્વો-ઉત્સવો, પ્રદર્શનો કે ઘટના વિશેષની રાહ જોવાની જરૂર નથી આગ લાગે ત્યારે કૂવો ખોદવા જનારને કોઈ શાણો ન જ કહે. આવશ્યકતા છે દેશને આત્મીયતા, પ્રેમ, લાગણી કર્તવ્યનિષ્ઠા અને સદાચારના અમૃત બિન્દુથી સતત સિંચતા રહેવાની. રાષ્ટ્રપ્રેમ કે નાગરિક ધર્મ પારણીયામાં પોઢાડી રાખવાની વસ્તુ નથી. પણ જાગતા રહેવાની વસ્તુ છે. જે જ્યાં ઊભો છે, બેઠો છે, ઘુમે છે, તે જાગતો રહે. માત્ર જાગતો જ ન રહે, અન્યને પણ જગાડતો રહે.
રાષ્ટ્ર દુ:ખી હોય તો વ્યક્તિ સુખી રહી શકે નહીં, તેમ વ્યક્તિ દુ:ખી રહે ત્યાં સુધી રાષ્ટ્ર સુખની અનુભૂતિ કરી શકે નહીં. નાગરિકો નોખા અને નેતૃત્વ નોખું - એવી સીમારેખા દોરવી એ રાષ્ટ્રધર્મનું અપમાન છે.
માણસ 'સ્વાર્થભક્તિ'ના ચક્કરમાં અટવાય ત્યારે જીવનમૂલ્યો, નૈતિકતા, પવિત્રતા, સાધનશુધ્ધિ, પ્રામાણિકતા, પરોપકાર, માનવકલ્યાણ, રાષ્ટ્રપ્રેમ બધું જ ગૌણ બની જાય છે. એને નથી હોતી દેશની ચિંતા કે નથી હોતી દેશબાંધવોની ચિંતા. ધન એજ તેનો ધર્મ અને સ્વાર્થસિધ્ધિ એ જ એનો સદાચાર પંથ બની જાય છે.
રાષ્ટ્રભક્તિ માટે 'મમ' ને ગૌણ બનાવી 'પર' ને પ્રાધાન્ય આપવું પડે, જેનો મુખ્ય આધાર રાષ્ટ્રપ્રેમ છે. 'ભલે મારો ક્ષય થાય, પણ રાષ્ટ્રનો વિજય થવો જ જોઈએ.' - એવી ઉદાત્ત ભાવના માણસના મન અને હૃદયમાં દ્રઢ થવી જોઈએ. રાષ્ટ્રભક્તિ એક ઊભરો બનવાને
બદલે જીવનવ્રત બને, તો જ દેશકલ્યાણ શક્ય બને.
રાષ્ટ્રભક્તિની સરવાણી રાતોરાત પ્રસ્ફુરિત ન જ થઈ શકે, એના માટે સમાજને સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા માટે જાતે જ સંકલ્પબધ્ધ બનવું પડે. એ માટે કાર્યરત વ્યક્તિઓ કે નેતૃત્વે પણ સુધાર નો પ્રયોગ 'જાતસુધાર' થી કરવો પડે. રાજકારણમાં પક્ષને માટે કાર્યકર્તાઓની ખોટ વર્તાતી હોય છે. પરિણામે લોકશાહીનું નેતૃત્વ મુખ્ય બની જાય છે અને લોકશાહીનાં મૂલ્યોની ઘોર ઉપેક્ષા થતી હોય છે. ખાસ આદમીની બોલબોલા થઈ જાય છે. અને આમ આદમી પોતાના કાર્યોમાં મશગૂલ રહે છે એ દેશ હિતના કાર્યોથી જોજનો દૂર રહે છે. પરિણામે પ્રજાસત્તા ખરી પણ સાચી પ્રજાસત્તા ક્યાંય નજરે પડતી નથી.
નાગરિક તરીકે આપણે ગુમાવી દીધેલું ચારિત્ર્ય, સુધારવાનો સમય હવે પાકી ગયો છે. પ્રજાસત્તા એ કથા નથી વ્રત છે, પડાવ નથી, યાત્રા છે, વિજયનો ઉત્સવ માત્ર નથી, પણ કષ્ટોથી નહીં ડરવાનો નિશ્ચય છે, દેશ કાજે જીવવાનો અને દેશ કાજે મરવાનો વિષય છે.
જેમને સમાજ કે રાષ્ટ્રના હિતની ખરેખર ચિંતા હોય એવા મન-વચન-કર્મથી નિર્મળ અને સમર્પણશીલ શિક્ષકો, અધ્યાપકો, આધ્યાત્મિક પ્રવૃત્તિઓના નિર્દંભ ઉન્નાયકો અને રાષ્ટ્રને તન-મન-ધનથી ચારતા ચારિત્ર્યશીલ નેતાઓ ખરા અંત:કરણથી વાણી કરતાં વર્તન દ્વારા જ અનુકરણીય આદર્શો ઉભા કરે તો ઠેકાણું પડે.
ખાસ આદમી નહીં આમ આદમી જ ભારત મંદિરનો રામ છે, રહીમ છે, મહાવીર છે, બુધ્ધ છે, નાનક છે, ઈસુ છે, એ વાત વિસ્મરીએ નહીં.
રાષ્ટ્રભક્તિ માટે શું જરૂરી છે ?
૧. દેશના નાગરિકો સદાચારી બને. શોષણવૃત્તિ અને ભ્રષ્ટાચારથી મુક્ત રહે.
૨. દેશ માટે કુરબાની આપવા સદાય તત્પર રહે.
૩. કોઈપણ પ્રકારના પ્રલોભનને વશ થઈ દેશ પ્રત્યેની વફાદારીની ઉપેક્ષા ન કરે.
૪. દેશના કાયદા-કાનૂનનું નિષ્ઠાપૂર્વક પાલન કરે.
૫. મતભેદ ભૂલી એકતા માટે સંપ દાખવે.
૬. રાષ્ટ્રહિતને સર્વોપરી ગણે.
૭. રાષ્ટ્રીય ચારિત્ર્યનાં ધોરણોને સદાય નજર સમક્ષ રાખે.
૮. રાષ્ટ્રીય ચારિત્ર્ય સંપન્ન એવો નાગરિક જેની રગેરગમાં રાષ્ટ્રપ્રેમ હોય.
૯. આપણી સેવા-પૂજામાં સરહદે ઝઝૂમતા આપણા બહાદુર સૈનિકોના પ્રેમ કુશળને તથા શહીદોના આત્માની શાન્તિને સ્થાન આપીએ.
૧૦. ભોજન-સમારંભ મોટી મોટી પાર્ટીઓ, વૈભવ પ્રદર્શન માટે થતા ખર્ચા બંધ કરી એ રકમને દેશના ક્લ્યાણ ફંડ માટે સમર્પી દઈએ.
૧૧. આપણા શહીદો અને બહાદુર સૈનિકોની વીરતાના પ્રસંગોથી બાળકો અને યુવાનોને વાકેફ કરીએ.
રાષ્ટ્રભક્ત નાગરિકો જ દેશની સૌથી મોટી મૂડી છે. રાષ્ટ્રનો નાગરિક પોતાની પાસે જે કાંઈ ઉત્તમ હોય તે રાષ્ટ્રને ચરણે અર્પિત કરવાની નેમ રાખે એનું નામ રાષ્ટ્રભક્તિ.


