Get The App

સાત વરસની જેલ પછી... .

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
સાત વરસની જેલ પછી...                                           . 1 - image

- રજનીગંધા-વિભાવરી વર્મા

- 'ભાઈ, તારા નામથી તારું ઘર કોઈ નહીં બતાડે. એમ પૂછજે કે સલમાબહેન કા ઘર કૌન સા હૈ...'

એ જેલમાંથી બે દિવસ વહેલો જ છૂટી ગયો. જેલવાળાએ કીધું કે તારી ફાઈલમાં તારીખ લખવામાં ભૂલ હતી.

એના કારણે એને કોઈ લેવા પણ આવ્યું નહોતું. જેલના મોટા ગેટથી બહાર નીકળીને તે બે ચાર મિનિટ લગી તો સૂનમૂન ઊભો જ રહી ગયો.

સાત વરસ...લગભગ સાત વરસે જેલની બહારની આ હવા....પોલીસની હાજરી વિના...બાકી તો દર વખતે પોલીસ વાનમાં જવાનું, કોર્ટમાં તારીખ હોય ત્યાં હાજર થવાનું...છેલ્લાં પાંચ વરસથી તો એ પણ નહીં.

આજે પહેલી વાર જાતે બહાર નીકળ્યો હતો. પણ હવે શું ? પોતાના ઘરે જવા માટે કઈ બસ પકડવાની ? રીક્ષા કરી લઉં ? પણ શી ખબર, સાત વરસમાં રિક્ષાભાડું કેટલું વધી ગયું હશે?

એક રિક્ષા 'ટેએંએંએં...' કરતી કર્કશ હોર્ન વગાડતી પસાર થઈ ગઈ. તેને થયું, સાલી, આ જ રિક્ષાભાડાની ફાલતુ બબાલમાં એની ખોપડી હટી ગઈ હતી અને એણે એક માણસને ચાકુ ઘૂસાડી દીધું હતું.

એની જ સજામાં જિંદગીનાં સાત વરસ ઘૂસી ગયાં હતાં. નજીકના ગલ્લે જઈને, સિગારેટ લેવાને બહાને પૂછી લીધું 'શાહપુર ચકલા જવું હોય તો અહીંથી કઈ બસ મળે?'

ગલ્લાવાળાએ કીધું એ મુજબ બે બસ બદલીને તે પહોંચ્યો તો ખરો, પણ મહોલ્લાની આખી સિકલ બદલાઈ ગઈ હતી. ગલીમાં જ્યાં તૂટેલા ફૂટેલા પથ્થરો હતા ત્યાં પેવર બ્લોક લાગી ગયા હતા. વહેતી ગટરને બદલે પાણીના નળ હતા. ખખડી ગયેલાં અમુક મકાનોની જગ્યાએ નવાં મકાનો બની ગયાં હતાં. જુની પોપડા ઉખડી ગયેલી દિવાલો પર રંગરોગાન થઈ ગયેલું હતું.

આવામાં પોતાનું ઘર પણ ઓળખાશે કે કેમ ? તેણે એક દુકાનદારને પૂછ્યું 'હબીબભાઈનું ઘર કઈ બાજુ ?'

'કૌન હબીબ ?' દુકાનદારે ત્રાજવામાં સામાન તોળતાં પૂછ્યું.

'અરે વો...જો...' હબીબને પોતાનો ભૂતકાળ યાદ નહોતો કરાવવો એટલે જુદી રીતે બોલ્યો. 'વો રિક્ષા ચલાતા થા ના...'

'ઐસે તો તીન હબીબ હૈં, ઓટોવાલે. તુમ્હેં કીસ કે ઘર જાના હૈ?'

'મેરે હી ઘર-' હબીબથી બોલાઈ ગયું.

એ ક્ષણે દુકાનદારે તેની સામું જોયું તેની આંખો ચમકી 'અરે હબીબ તૂ ? તૂ તો જેલ મેં થા ના ?

'આજ હી છૂટા હૂં.'હબીબે નજર નીચી કરી દીધી. 'સાત સાલ હો ગયે તો, સબ બદલા બદલા સા લગતા હૈ.' એ સ્હેજ હસ્યો.

દુકાનદાર હસ્યો નહીં. ઉલ્ટું તેણે કહ્યું 'ભાઈ, તારા નામથી તારું ઘર કોઈ નહીં બતાડે. એમ પૂછજે કે સલમાબહેન કા ઘર કૌન સા હૈ...'

હબીબ હજી વિચારોમાં હતો. 'સાત વરસમાં લોકોએ મારું નામ પણ ભૂલાવી દીધું ?'

***

જુની ભાડુતી ખોલીવાળું મકાન તો ક્યારનું તૂટી ગયું હતું. ત્યાં એક શોપિંગ સેન્ટર બની ગયું હતું. નવું ઘર શોધતાં થોડી વાર લાગી.

હા, આ ઘર જુના મહોલ્લા જેવું જ હતું. કદાચ ભાડું ઓછું આપવું પડતું હશે એટલે સલમાએ-

બે દાદરા ચડીને તેણે દરવાજે ટકોરા માર્યા. બારણું માત્ર આડું જ કરેલું હતું. એક બાર-તેર વરસની છોકરીએ ખોલ્યું.

'કિસ કા કામ હૈ ?'

'હું...હબીબ બોલતાં અટકી ગયો. પછી શબ્દો બદલી કાઢ્યા.' તારી મમ્મી ઘરે નથી ?

'એ તો કારખાને હોય ને ? સાંજે આવશે. તમે કોણ ?'

'નજમા, હું તારા અબ્બા જાન છું. મને ઓળખ્યો નહીં ?'

નજમા શંકાભરી નજરે જોતી રહી. એ ક્યાંથી ઓળખે ? સલમા બાળકોને લઈને કદી જેલમાં મળવા આવતી નહોતી.

હબીબ બેઠો. જાતે જ ઊઠી ને પાણી પીધું. નજમા એની સ્કૂલનું હોમ-વર્ક કરતી રહી. થોડીવારે આઠેક વરસનો એક છોકરો આવ્યો. તે હજી સ્કૂલ ડ્રેસમાં હતો.

'યે કૌન હૈ ?' તેણે પૂછ્યું.

'પતા નહીં. કહતા હૈ, વો હમારે અબ્બાજાન હૈં.' નજમાએ સાવ ઉદ્ધત રીતે તેની સામું પણ જોયા વિના ઓળખાણ આપી.

'મૈં જરા, બાહર જાકે આતા હું...'

હબીબ એ બહાને બહાર નીકળી ગયો. પૂછતાછ કરતાં જૂના દોસ્તોને શોધી કાઢ્યા. પણ કોઈને ખાસ ઉમળકો થયો નહીં. સૌ પોતપોતાના કામમાં બિઝી હતા. 

આફતાબે ચાની કીટલી ચાલુ કરી હતી. સલીમનું પોતાનું ઝેરોક્સનું કામકાજ હતું. ઈકબાલ રિક્ષા ચલાવતો હતો પણ હવે એ પોતાની હતી. લોનથી લીધેલી.

***

મોડી સાંજે એ ઘરે આવ્યો ત્યારે લાકડાનાં પગથિયાં ચડતાં એના પગ આડાઅવળા પડી રહ્યા હતા. દરવાજે ટકોરા મારીને તે ઊભો રહ્યો.

'દારૂ પીકર આયે હો ?' સામે સલમા ઊભી હતી. દરવાજો ખોલીને તે સીધી કિચનમાં જતી રહી જતાં જતાં પૂછ્યું : 'ખાના ખાઓગે ? યા વો ભી નિપટા કે આયે હો ?'

હબીબનું માથું ભમી રહ્યું હતું. સાલું, સાત વરસે જેલમાંથી છૂટીને આવ્યો છું, પણ કોઈને મારી જરૂર જ નથી ? ખુદ મારી બીવીને પણ નહીં ?

જમતાં જમતાં સલમાએ બધી વાત કરી. 'તમે તો ચાકુ ચલાવીને જેલમાં જતા રહ્યા. અહીં ત્રણ ત્રણ મહિનાનું ભાડું બાકી હતું. કરિયાણાની દુકાનમાં નવ હજારની ઉધારી હતી...પછી મારે જ બધું સંભાળવું પડયું. એક એમ્બ્રોયડરીની ફેકટરીમાં જાઉં છું. બાકીના ટાઈમમાં બીજા એક કારખાનામાંથી સીલાઈનું કામ લઈ આવું છું. રાતના અગિયાર વાગ્યા લગી એ કામ ચાલે છે. બંને છોકરાંને ખાનગી સ્કૂલમાં મુક્યાં છે. નજમા હુંશિયાર છે એટલે એને ઇંગ્લીશ મિડીયમમાં મુકી છે. પણ ટાઈમ જ ક્યાં મળે છે...સવારે નજમાનું ટિફીન બનાવવાનું, પછી જમીલને સ્કૂલે મુકવા જવાનું, ત્યાંથી ફેકટરી...ત્યાંથી સિલાઈના કારખાને...પછી બજારમાંથી સબ્જી સામાન વગેરે....'

હબીબ ચૂપચાપ સાંભળતો રહ્યો. છેક છેલ્લે, જ્યારે તે હાથ ધોઈ રહ્યો હતો ત્યારે સલમાએ પૂછ્યું :

'આપ જલ્દી કૈસે આ ગયે ? દો દિન બાદ છૂટનેવાલે થે ના ?'

એ રાત્રે હબીબને ઊંઘ જ ન આવી. તેને સમજાયું કે મારી હાજરી વિના બધું જ બરોબર ચાલી રહ્યું છે. તો પછી -

વહેલી સવારે હબીબ પેલાં લાકડાનાં પગથિયાં ઉતરીને ક્યાંક જતો રહ્યો હતો...કદાચ કોઈ નવી પહેચાનની તલાશમાં...

(કથાબીજ : કૌશાંગી)