- એક જ દે ચિનગારી-શશિન્
- 'હું ઇશ્વરથી ડરું છું પણ મુખ્યત્વે એવા લોકોથી ડરું છું જેઓ ઇશ્વરથી (ધર્મની પવિત્રતાથી) નથી ડરતા'
જી વન એ વહેતું ઝરણું છે. એને ટુકડામાં વહેંચીને મૂલવાય નહીં. માણસની મોટી તકલીફ હોય તો એ છે કે તે જીવનને અખિલાઈની નજરે નિહાળી શક્તો નથી ! 'ખંડ દર્શન' દુ:ખદ, અખંડ દર્શન સુખદ. જીવનને જુદાં જુદાં ખાનામાં વહેંચીને જોવાથી સમગ્રતાની સુગંધ ન જ અનુભવી શકાય.
ધર્મ અને કર્મને જુદાં જુદાં માનવાથી ગોટાળાઓની પરંપરા સર્જાય છે. ધર્મ સ્વયં એક મંગલમય કર્મ છે અને કર્મ સ્વયં એક કરણીય ધર્મ છે. કામનો સમય અને ધર્મનો સમય એમ જુદા વિભાગ પાડવાથી માણસ કર્મ અને ધર્મ બન્નેને અન્યાય કરે છે. ઇશ્વરને સાથે રાખીને જીવો એ ધર્મમાર્ગ અત્ર-તત્ર-સર્વત્ર જીવમાત્રમાં અને જડ ચેતનામાં સમાયેલો છે. દેવો સાથેનો સંબંધ સંખ્યાત્મક નહીં પણ ભાવનાત્મક દ્રષ્ટિએ મૂલવવો જોઇએ. ભક્ત પોતાની રુચિ પ્રમાણે નામ આપે છે. કે પ્રવર્તક નામ સાથે ઇશ્વરના સ્વરૂપને સમજણ માટે જોડે છે.
'હરિ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી ? કોઈ તને રામકહે, કોઇ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોત્રી ?' એ સાચા ભક્તની મુંઝવણનો વિષય છે. મોટા-મોટા ધર્મગ્રંથો એટલે કે વેદ ઉપનિષદ, આરણ્યગ્રંથો, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભગવદગીતા, પુરાણો, જાત જાતની કથાઓ અને વાર્તાઓમાં પણ આ પ્રશ્નનો ઉત્તર નથી. પ્રાચીન કાળથી માંડીને આજ સુધીના ચિંતકો પાસે પણ આ પ્રસ્નનો કોઈ ઉત્તર નથી. અવિનાશી ઇશ્વરનું આખરી સ્વરૂપ માણસ કેવી રીતે વર્ણવી શકે ? પૂ. મોરારિબાપુ કહે છે જેની જેવી ભાવના, ઇશ્વર તેને તેવો દેખાય. પુંડરિકને માતા-પિતાની સેવામાં ઇશ્વર દેખાય છે, પતિવ્રતા સ્ત્રીને પતિસેવામાં ઇશ્વારાનુભૂતિ થાય છે તો ભક્તિને ભક્તિમાં ઇશ્વર દેખાય છે અને જ્ઞાની જ્ઞાનના માધ્યમથી એને સમજવાની કોશિશ કરે છે.
એક શ્લોક મુજબ પર્વત જેવડો ખડિયો, સિંધુ પાત્ર જેવી સ્યાહી, કલ્પવૃક્ષની ડાળી નિર્મિત કલમ ગ્રહણ કરી માતા સરસ્વતી સદાય હે, પરમેશ્વર તમારાં ગુણોનું વર્ણન કરવા બેસે, તોય એ યાદી સંપૂર્ણ ન થાય.
ગાંધીજીએ ઝાઝી ઝંઝટમાં પડવાને બદલે સરળ ભાષામાં સત્યને ઇશ્વરનું સ્વરૂપ માની સત્ય એ જ ઇશ્વર છે એવું ભારપૂર્વક માન્યું. સત્ય સિવાય બીજી કોઈ વસ્તુ શાશ્વત નથી, સિવાય કે ઇશ્વર.
વિવિધ ધર્મો પોતાની માન્યતા મુજબ ઇશ્વરનું અનુસંધાન કે ભક્તિ માટે તદઅનુસારનો માર્ગ અપનાવે છે. બધાં જ ધર્મો કોઈ પરમશક્તિ સુધી પહોંચવાના માર્ગો છે. એમાં ખોટા ખરાનો પ્રશ્ન જ નથી. એમ બારીકીપૂર્વક પરિશીલન કરનારને સમજાય છે. સ્વામી વિવેકાનંદ કહેતા 'સમગ્ર વિશ્વ ઇશ એટલે કે ઇશ્વરથી પરિપૂર્ણ છે.'શ્રી અરવિંદે પોતાની આગવી રીતે ઇશ્વરના સ્વરૂપને બાળક કહીને ઇશ્વરના સ્વરૂપમાં નિર્દોષતા, પવિત્રતા અને આગવી મસ્તીનાં દર્શન કર્યાં છે.
ભક્તો કહે છે આત્મા અને પરમાત્માનો સંબંધ અદ્વિતીય અને અદ્વૈતનો છે. માયાનો પડદો હટાવો અને અહંકાર ત્યજી દો એટલે ઇશ્વર સાથે તમે એકાત્મતા 'હું પણું' (મનુષ્યનું અભિમાન) અને ઇશ્વર બન્ને સાથે રહી શકે નહીં. કબીર કહે છે :
'જબ મૈં થા તબ હરિ નહીં,
અબ હરિ હૈ મૈં નહીં,
પ્રેમ ગલી અતિ સાંકરી,
તા મેં દોન સમાહી'
શેખ સાદીએ કેવી માર્મિક વાત કરી છે - 'હું ઇશ્વરથી ડરું છું એ પછી મુખ્યત્વે હું એવા લોકોથી ડરું છું જે ઇશ્વરથી એટલે કે ધર્મની પવિત્રતાથી નથી ડરતા.' મતલબ કે માણસે ઇશ્વરમય બનીને જીવવું જોઇએ.
જે ઇશ્વરને ભૂલી દુષ્કર્મનો આરાધક બને છે તે શેતાન બની જાય છે. શેતાનમાં વિવેક નથી હોતો. એ એટલી હદ સુધી નીચતા દાખવી શકે કે તેની હદ નથી હોતી.
ગુરુ નાનકના શબ્દોમાં 'તમે જ્યાં જાઓ, જ્યાં જુઓ ત્યાં તેનો એટલે કે ઇશ્વરનો પ્રકાશ છે. ભાવનાથી ભીના હૃદયવાળો પ્રત્યેક મનુષ્ય ગમે તે વયે, ઇશ્વરનું સ્મરણ કરવાનો અધિકારી છે' ધુ્રવ અને નચિકેતા બાળક હતા, પ્રહલાદ પણ બાળક હતા, મીરાંબાઈ અને નરસિંહ મહેતાએ તો પોતાનું સઘળું જીવન ઇશ્વરને સમર્પિત કરી દીધું હતું. એટલે 'ઘડપણમાં ગોવિંદ ગુણ ગાશું એ વાત જ સાવ અવિશ્વસનીય છે. પ્રત્યેક વયે નહીં પ્રત્યેક શ્વાસે ઇશ્વરનું સ્મરણ કરવું જોઇએ. ઇશ્વરની કૃપાથી જ શ્વાસોચ્છવાસ ચાલે છે, હૃદય ધડકે છે, અને સર્વ અંગો કામ કરે છે.'
ઘણાં લોકો સુખમાં ઇશ્વરનું સ્મરણ કરતાં નથી, પણ દુ:ખ આવે પરમેશ્વરને યાદ કરે છે.
'દુ:ખમેં સુમિરન સબ કરે,
સુખ મેં સુમિરન ન કરે કોઈ,
જો સુખમેં સુમિરન કરે,
તો દુ:ખ કાહે કો હોય ?'
નોકરીમાં પંદર દિવસની રજા લઇ (માંદગીના પ્રમાણપત્ર સાથે પૂરા પગારની રજા મંજૂર થાય એવા આયોજન સહિત) કથા સાંભળવા બેસનાર 'ધર્મવીરો'ની આપણા સમાજમાં ખોટ નથી. એમ કરવામાં તેઓ 'પુણ્ય સંચયનો' આનંદ લે છે પણ નોકરીમાં પોતાની ગેરહાજરીને કારણે અનેક લોકોનાં કામ રઝળ્યાનું પાપ થયાનું શું ? આખું વર્ષ સારા નરસા કામ કરી, શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવા, ભક્તિમય બની જવું, કોઈ ખોટાં કામો ના કરવાં...
આ બધાંથી શું બાકીના અગિયાર મહિના કરેલાં ખોટાં કામો ભગવાન માફ કરી દેશે ? આ ખ્યાલ જ ખોટો છે.
શું આપણે કર્મ માટે મળેલી પ્રત્યેક ક્ષણને ધર્મમય ના બનાવી શકીએ ? ધર્મ એટલે ક્રિયાકાંડ, કથાશ્રવણ, યાત્રા કે દાન નહીં, પણ પ્રત્યેક કાર્યને પ્રભુ સમર્પિત કરી તેને મહેકાવવા માટેનો શુભ સંકલ્પ.
ઇશ્વરને યાદ કરવાની કોઈ ઋતુ, કોઈ મહિનો, કે પર્વ વિશેષ નથી હોતું. ૩૬૫ દિવસ ઇશ્વરની ભેટ છે. એટલે ઇશ્વરને સદાય સમજવો અને વિભૂતિ તત્વનું મનોમન પરિશીલન કરવું એ જ પૂજા છે. જીવ માત્રમાં ઇશ્વરનાં દર્શન કરો, ... કોઈ બૂરા વિચારો તમને સ્પર્શી શકશે નહીં.
કામચોરી, બહાનાંખોરી, વેરવૃત્તિ, ભ્રષ્ટાચાર, પ્રમાદ અને પલાયનવાદ પોતે જ અધર્મ છે. એનો દૂષિત પડછાયો કર્મ પર ન પડવા દેવો એનું નામ ધર્મ. માણસનું મન ભગવદ્મય બને પછી મંદિર-મસ્જિદના રામ-રહીમના, ચર્ચ, ગુરુદ્વારાના, ઉપાશ્રય કે અગિયારીના ભેદો આપોઆપ અદ્રશ્ય થઇ જાય છે.
ગમે તે ધર્મ સ્વીકારો પણ ધર્મ એવો હોવો જોઇએ જે સેવા અને માનવતાનો જયજયકાર કરે. ધર્મની બાબતમાં સાત બાબતો યાદ રાખવી જરૂરી છે :
૧. પ્રેમમાં વફાદારી એ ધર્મ છે. ચારિત્ર્યનું ગૌરવ એ ધર્મ છે. સંયમ એ ધર્મ છે. સત્ય એ ધર્મ છે. જ્ઞાન અને વિદ્યાની ઉપાસના એ ધર્મ છે. વડીલોની સેવા એ ધર્મ છે. નિષ્ઠાપૂર્વક કર્મ કરવું એ ધર્મ છે.
૨. ધર્મભાવનામાં કટ્ટરતા અને વેરવૃત્તિને સ્થાન હોઈ શકે નહિં.
૩. પરમ શક્તિની વંદના કરો, પણ વ્યક્તિપૂજામાં અટવાશો નહીં.
૪. વિભૂતિઓની વંદના અવશ્ય કરો અને તેમના ચારિત્ર્યના મહાન ગુણોને અપનાવો.
૫. અંધશ્રધ્ધા અને ક્રિયાકાંડમાં વધુ પડતો વિશ્વાસ ન રાખો.
૬. દરરોજ માનવતાનું એક કામ કરો તો ભગવાન આપોઆપ ખુશ થશે.
૭. ધર્મ કોઈ તહેવારે કે કોઈ મહિનામાં પાળવાનો વિષય નથી. પ્રત્યેક શ્વાસે અને પ્રત્યેક વયે ઇશ્વરનું સ્મરણ કરવું જોઇએ.


