આખું લગ્નજીવન માત્ર 'ફરજ' હતું?
- રજનીગંધા-વિભાવરી વર્મા
- પંદર દિવસ પછી સુધાકરને તેની ઓફિસમાં એક કુરિયર આવ્યું. એમાં એક વકીલ દ્વારા મોકલેલી 'ડિવોર્સ નોટિસ' હતી!
સ ત્યનારાયણની કથા પતી, પ્રસાદ વહેંચાયો અને પછી થોડી જ વારમાં સોસાયટીમાંથી આવેલી તમામ મહિલાઓની સ્ટાન્ડર્ડ પંચાત ચાલુ થઇ ગઈ.
'તમારા કાકાની આ જ તકલીફ છે. આજે સરસ મજાની સત્યનારાયણની કથા છે, શીરાનો પ્રસાદ છે છતાં જુઓ, હજી મોંમાંથી માવો કાઢતા નથી.'
'મારા હસબન્ડને રોજની બે ડઝન સિગારેટો ફૂંકવાની ટેવ છે ! રાતના એમનું મોં એવું વાસ મારે છે ને...'
'રાત ?' ત્રીજીએ કહ્યું 'વાત જવા દેને મારી બહેન ? મારે તો રાત પડે એટલે જીવ જ બાળવાનો ! એ પડખું ફરીને ઊંઘી જાય, અને પછી આખી રાત નસકોરાં...'
'ના ના, હું શું કહું છું ? ખાલી સ્કુલની ફીના પૈસા આપી દીધા એટલે એમની જવાબદારી પુરી ? છોકરાંમાં જરાય ઇન્ટ્રેસ્ટ લેતા નથી...'
'અને શોપિંગ ? ભૈશાબ, સાત સાત વરસ થઇ ગયાં છતાં જો એક વાર પણ ખરીદી કરવા મારી જોડે આવ્યા હોય તો-'
'અને મારાવાળાની વાત જ છોડોને ? મારા માટે પ્રેમના બે શબ્દો કદી બોલ્યા નથી ! શી ખબર એમ તો કઇ સગલીમાં જીવ ભરાયો છે !'
'મારા હસબન્ડનું તો પૂછતી જ નહીં... બે બે સગલીની જોડે'
સોસાયટીની તમામ સ્ત્રીઓની નજર અત્યાર સુધી સાવ ચૂપચાપ બેઠેલી સાધના તરફ ગઈ. સૌની આંખોમાં નકરી ઇર્ષ્યા હતી ! કેમ કે સાધનાનો પતિ સુધાકર એમના હિસાબે તો 'આઈડિયલ હસબન્ડ' યાને કે 'આદર્શ પતિ'થી જરાય કમ નહોતો. દરેક સ્ત્રીના દિલમાં નાના ખૂણે એક જ નિસાસો હતો કે 'કાશ, અમારો પતિ આટલો સારો હોત તો...!'
પરંતુ સાધનાના દિલમાં ઊંડા ખૂણે તો કંઇ બીજું જ હતું. હા, સુધાકર સાથેના પાંચ વરસનાં લગ્નજીવનમાં તેને બધું જ મળ્યું હતું. એક સરસ મઝાનો દીકરો, રોજ સમયસર ઘરે આવી જતો પતિ, દર વિક-એન્ડમાં બહાર ફરવાનું, બહાર જમવાનું, શોપિંગ માટે તો સતત સાથે જ રહેવાનું, સાધના હજી કોઈ ચીજ માંગવાનું વિચારે તે પહેલાં તો એ વસ્તુ ઘરમાં હાજર થઇ ગઇ હોય ! અને બેડરૂમમાં...
બસ, આ એક જ જગ્યા એવી હતી જ્યાં સાધનાને લાગતું હતું કે સુધાકર અહીં શારિરીક રીતે ભલે હાજર હોય, પરંતુ એનું મન બેડરૂમમાં હોય તેવું તેને કદી લાગ્યું નહોતું.
પ્રસાદ લઇને ઘરે પાછાં આવતાં આવતાં સાધના વિચારોના ચકરાવે ચડી હતી. ઘરમાં આવીને સુકાયેલાં કપડાંને ગડી કરતાં કરતાં સાધનાના મનમાં લગ્નનાં પાંચ વરસે આજે કંઇ બીજી જ ગેડ પીડી રહી હતી.
લગ્નજીવનનાં પાંચ વરસ બીજા લોકોની નજરમાં સાધનાના માટે સ્વર્ગ સમાન હતાં પણ કોણ જાણે કેમ સાધનાને સતત એવું લાગ્યા કરતું હતું કે સુધાકર એના માટે જે કંઇ કરી રહ્યો હતો તે જાણે એક 'ફરજ' નિભાવી રહ્યો હોય તેવું જ હતું. સુધાકરે ક્યારેય તેની સાથે ઊંચા અવાજે વાત નહોત કરી, ક્યારેય ઝગડો તો શું નાની અમથી દલીલ સુધ્ધાં કરી નથી. સુધાકર ક્યારેય ક્યાંય ને મોડો નથી પડયો, ક્યારેય સાધનાની તો ઠીક, સાધનાના મમ્મી પપ્પાની બર્થ ડે કે એનીવર્સરી ભૂલ્યા નહોતો. છતાં...
છતાં સાધનાને શા માટે લાગ્યા કરતું હતું કે સુધાકર માત્ર પોતાની 'ફરજ' બજાવી રહ્યો હતો ?
એક સવારે સાધનાના હાથમાંથી ટિફીન લઇને પોતાની કેરી-બેગમાં મુકતાં સુધાકરે કહ્યું : 'સાધના, આ રવિવારે આપણે બહાર જમવા માટે નહીં જઇ શકીએ કેમ કે અમારી કોલેજના જુના સ્ટુડન્ટોનું રિ-યુનિયન છે. માટે એમાં જવું પડશે.'
'કેમ ? મારાથી ના અવાય?'
સુધાકરના ચહેરા પર થોડી ક્ષણો માટે મૂંઝવણ છવાઈ ગઈ. એણે કહ્યું 'અમે બધા જુના ફ્રેન્ડઝ ભેગા થયા હોઈશું. તું કોઇને ઓળખતી નથી. તને ઓકવર્ડ નહિ લાગે ?'
'ઓકવર્ડ લાગવાનો સવાલ નથી, પણ શું તમે કોઈ એવો રૂલ
રાખ્યો છે કે કોઈ પોતાના જીવનસાથીને સાથે ના લાવી શકે ? જો એવો રૂલ હોય તો બરોબર બાકી-' સુધાકરે એક જ ક્ષણ વિચાર કરીને 'હા' પાડી દીધી. પરંતુ એ એક ક્ષણ માટે સુધાકરના ચહેરા ઉપરની એક રેખાનાં જે ઝીણો ફેરફાર થયો હતો તે સાધનાની નજર બહાર ગયો નહોતો.
***
કોલેજના રિ-યુનિયનમાં દાખલ થતાં જ સાધનાને સૌથી પહેલું આશ્ચર્ય તો એ થયું કે મોટાભાગના બીજા સ્ટુડન્ટો પોતપોતાના જીવનસાથીને લઇને આવ્યા હતા ! તો પછી સુધાકરે...?
સાધના માટે તો અહીં બીજાં ઘણાં આશ્ચર્યો બાકી હતાં. તેણે જોયું કે સુધાકર એની કોલેજના જુના દોસ્તોને મળતાંની સાથે જાણે આખો જુદો જ માણસ બની ગયો હતો ! એ ઉછળી ઉછળીને સૌને ભેટી રહ્યો હતો, જોક્સ મારી રહ્યો હતો, મુઠ્ઠી વાળીને એક બીજાને બનાવટી માર મારી રહ્યો હતો !
બુફે ડીનર જમતી વખતે સાધના યુવતીઓના ગુ્રપમાં ભળી ગઈ. અહીં અમુક સુધાકરની સાથે ભણેલી યુવતીઓ હતી અને અમુક સુધાકરના મિત્રોની પત્નીઓ હતી. એમની સાથે વાતો કરતાં સાધનાને જાણવા મળ્યું કે સુધાકર તો કોલેજનો હિરો હતો ! અતિશય તોફાની, નટખટ છતાં ભણવામાં પણ એક નંબર હતો. પરંતુ...
સુધાકરની વાતો કરતાં કરતાં તેની કોલેજની છોકરીઓ એક પોઇન્ટ પર અચાનક અટીક જતી હતી. શું હતી એ વાત ?
ત્યાં જ હોલમાં એક યુવતીની એન્ટ્રી થઇ ! તેને જોતાં જ આખા હોલમાં હલચલ મચી ગઈ. 'આહા ! આખરે નિહારીકા આવી ખરી ! છેક ટોરેન્ટોથી !' 'અલ્યા, એ પરણી કે નહીં ?' 'ક્યાંથી બકા ? હજી સિંગલ છે !' 'તોય પેલો સુધાકર તો પરણી જ ગયો ને ?'
છેક હવે સાધનાને સમજાયું કે સુધાકર છેલ્લા પાંચ વરસથી એમનાં લગ્નજીવનને એક 'ફરજ'ની જેમ શા માટે નિભાવી રહ્યો હતો !
એ પછી તો સાધનાને એ પણ જાણવા મળ્યું કે સુધાકર અને નિહારિકા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં. પરંતુ નિહારિકાના ધનવાન પિતાની જીદને કારણે એમનાં લગ્ન થઇ શક્યાં નહોતાં. એટલું જ નહીં, નિહારિકાએ સુધાકર પાસે વચન લીધું હતું કે તે યોગ્ય યુવતી સાથે લગ્ન કરશે જ !
સુધાકરે તો વચન પાળ્યું હતું પણ નિહારિકાએ ? એણે હજી શા માટે લગ્ન નહોતાં કર્યાં ? અને શું સુધાકર છેલ્લા પાંચ વરસથી 'સુખી' હતો ? ના ! સુધાકર સાધનાને માત્ર સુખ 'આપી' રહ્યો હતો. બાકી અંદરથી તો તે સતત કોરાઈ રહ્યો હતો ને ?
રિ-યુનિયન પૂરું થયું ત્યારે પાછા ઘરે જતાં સાધના એક નિર્ણય કરી ચૂકી હતી...
પંદર દિવસ પછી સુધાકરને તેની ઓફિસમાં એક કુરિયર આવ્યું. એમાં એક વકીલ દ્વારા મોકલેલી 'ડિવોર્સ નોટિસ' હતી !
સાથે એક પત્ર હતો. 'સુધાકર, પાંચ પાંચ વરસથી જે હકીકતને તમે છૂપાવી રહ્યા હતા તે હવે હું જાણી ચૂકી છું. તમે નિહારિકા માટે જ સર્જાયા છો અને નિહારિકા તમારા માટે. જે લગ્નને જીવતી લાશ બનીને નિભાવવું પડે તેવાં લગ્નનો કશો અર્થ નથી. શું હું તમને મુક્ત કરવા માગું છું ? ના, હું તમને ફરીથી 'જીવતા' જોવા માગું છું.'
હવે નિર્ણય સુધાકરે કરવાનો હતો. પોતે ફરીથી 'જીવતા' થવું છે ? કે આવનારાં વરસો લગી ત્રણ ત્રણ વ્યક્તિઓને 'જીવતી લાશ' બનવા દેવી છે ?