Get The App

સૌંદર્ય, સત્તા અને સમૃદ્ધિનો પર્યાય સમ્રાજ્ઞી ક્લિયોપેટ્રા

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
સૌંદર્ય, સત્તા અને સમૃદ્ધિનો પર્યાય સમ્રાજ્ઞી ક્લિયોપેટ્રા 1 - image

- સમ્રાજ્ઞી ક્લિયો પેટ્રા નમી નહીં શરણે જવા કરતાં મૃત્યુ પસંદ કર્યું. સમ્રાજ્ઞી તરીકે જીવી સમ્રાજ્ઞી તરીકે મૃત્યુ પામી

(ઇ.સ. પૂ. ૬૯-૩૦) આપણે જુલીયસ સીઝરના લેખમાં જોયું કે ઇજીપ્તની સમ્રાજ્ઞી ક્લિયો પેટ્રાએ તે યુગના સર્વ શ્રેષ્ઠ સેનાપતિને પોતાનાં સૌંદર્યથી કઇ રીતે 'પરાજિત' કર્યો હતો.

આ અદ્ભૂત સૌંદર્ય સમ્રાજ્ઞી વિષે એવું પણ કહેવાયું હતું કે હેલન ઓફ ટ્રોય (ઇ.સ. પૂ. ૮૦૦) પછી પશ્ચિમનાં જગત ઉપર છવાઈ ગયેલાં આ બીજાં સૌંદર્ય સમ્રાજ્ઞી હતાં.

એલેકઝાંડર ધ ગ્રેટે નાઇલના મુખ ત્રિકોણના છેડે ભૂમધ્ય સમુદ્રમાં 'એલેકઝાંડ્રીયા' સ્થાપ્યું, અને 'એઇજીપ્ટસ' (ઇજીપ્ત)થી ઉત્તર સુદાન, અને રાતા સમુદ્રથી લિબિયા સુધીનો વિશાળ વિસ્તાર તેના એક સેનાપતિ ટૉલેમી ફીલાડેલ્ફસ લાગોસને સોંપ્યો. તેના વંશમાં ક્લિઓપેટ્રાનો જન્મ થયો. તેઓમાં મેસીડોનિયન (ગ્રીક) રક્ત વહેતું હતું.

આ અસામાન્ય યુવતી, શસ્ત્ર વિદ્યા અને યુદ્ધ વિદ્યા. અરે નૌકા યુદ્ધ વિદ્યામાં પણ અજોડ હતી. તેનું સૌંદર્ય પણ અદ્ભૂત હતું. પરંતુ માત્ર સૌંદર્યથી નહીં, તેનાં જ્ઞાનથી સીઝર તેની તરફ આકર્ષાયા. ક્લિયોપેટ્રા ગ્રીક ભાષા તો જાણે જ જે સહજ હતું. ઉપરાંત, લેટિન, હિબુ્ર અને સીરીયન સહિત ૧૦ ભાષાઓ જાણતી હતી.

આપણે જોયું કે પોમ્પીનો પીછો કરતાં, સીઝર એલેકઝાંડ્રીયા પહોંચ્યા. ત્યારે ક્લિયોપેટ્રાએ 'ના' કહી હોવા છતાં તેનો ભાઈ ટૉલેમી ૧૪મો સીઝરની સામે પડયો. તેને શસ્ત્ર મુકી. 'મિત્ર રાજ્યના' રાજવી થવા કહેણ મોકલ્યું પરંતુ તે માન્યો નહીં. પરિણામ નિશ્ચિત હતું તે પરાજિત થયો. વહાણમાં બેસી સીરીયા નાસી જતો હતો ત્યાં સમુદ્રમાં પડી મૃત્યુ પામ્યો.ક્લિયો પેટ્રાનો બીજો ભાઈ ટોલેમી ૧૫મો સમ્રાટ બન્યો. કહેવાય છે કે અત્યંત દારૂ પીવાને લીધે તેનું મૃત્યુ થયું. હકીકતમાં ક્લિઓ પેટ્રાએ જ તેને દારૂમાં ઝેર પીવડાવી દીધો હોવાનો આક્ષેપ છે.

હવે તો ક્લિઓપેટ્રા ઇજીપ્તની સર્વેસર્વા બની રહી. તે જાણતી જ હતી કે જુલિયસ સીઝરની સામે ટકી શકાશે નહીં. તેણે દક્ષિણમાં પીછેહઠ કરી. એક સરદાર પાસે સીઝરને કહેવડાવ્યું કે અમારાં સમ્રાજ્ઞીએ આપને ગાલીચો ભેટ મોકલ્યો છે જે સ્વીકારી લેશો. આમ કહી તેણે ચાર સેવકો ગાલીચો લઇ આવ્યા હતા. તેઓને તંબુમાં બોલાવ્યા, સેવકો અને સરદાર તુર્ત જ તંબુ છોડી ચાલ્યા ગયા. ગાલીચો દડતો દડતો સીઝર પાસે ગયો. અંદરથી તે યુગની સૌથી સુંદર યુવતી બહાર આવી તે યુગના સર્વશ્રેષ્ઠ યોદ્ધા અને સર્વ સુંદર યુવતીનું મિલન થયું. ક્લિઓપેટ્રા સગર્ભા થઈ. તેણે જો પુત્ર જન્મે તો સીઝર ઉપરથી તેનું નામ 'સીઝેરિયન' રાખવાનું નક્કી કર્યું પરંતુ તેનો જન્મ પેટ ચીરીને કરવો પડયો કહે છે કે સીઝેરિયન ઓપરેશન તે નામ ઉપરથી આવ્યું.

મૂળ વાત તે હતી કે ઓક્ટાવિયનની બહેન ઓક્ટાવિયામાં લગ્ન, માર્ક એન્ટની સાથે થયાં હતાં. 

એન્ટની હવે ક્લિઓપેટ્રાના બાહુપાશમાં હતો. તેથી ઓક્ટાવિયન એન્ટની ઉપર ગિન્નાયો હતો. આ પૂર્વે રોમમાં અસામાન્ય પરિસ્થિતિ ઉભી થઇ હતી. ક્લિયો પેટ્રા, સીઝરની સાથે, રોમ તો આવી ત્યાં જુલીયસ સીઝરની હત્યા થઈ. (ઇ.સ. પૂ. ૪૪) ક્લિયો પેટ્રા પાછી એલેકઝાંડ્રીયા નાસી ગઈ. માર્ક એન્ટની હવે રોમમાં સર્વે સર્વા બની રહ્યો. તેણે ક્લિયો પેટ્રાને રોમ બોલાવી. (બુ્રટસ વ. તો નાસી ગયા હતા તે આપણે જોયું હતું. જુલીયસ સીઝરના લેખમાં) ક્લિઓ પેટ્રા ભવ્ય જહાજમાં ટાઈબર નદીનાં મુખ પાસે પહોંચી. તેણે એન્ટનીને વહાણમાં જ ભોજન માટે બોલાવ્યો. એન્ટની ગયો પણ ખરો ત્યારે ક્લિઓપેટ્રાએ વિનેગારમાં બહુમૂલ્ય મોતી નાખ્યું. મોતી ઓગળી ગયું. વિનેગારમાં થોડું પાણી નાખી ક્લિઓ પેટ્રા પી ગઈ. ઇજીપ્તની સમ્રાજ્ઞીની આવી અઢળક સંપત્તિ જોઈ એન્ટની અંજાઈ ગયો. તેનાં વહાણનાં ફાનસ સોનાનાં હતાં હલેસાના નીચેના પાવડા રૂપાના હતા. સામે મારકણું સ્મિત હતું... બંને એકાંતમાં હતાં... ત્યાં ખબર આવ્યા કે સીરીયામાં બળવો થયો છે. એન્ટની સીરીયા તરફ વહાણમાં ગયો બળવો તો દાબી દીધો ત્યાં, ઓક્ટાવિયન તેની પાછળ જ સીરીયા તરફ ગયો. ક્લિઓ પેટ્રાને થયું ખલ્લાસ હવે એન્ટની નહીં બચે તેણએ તેનાં વહાણો એલેકઝાંડ્રીયા તરફ વળ્યાં. તે પૂર્વે ઓક્ટાવિયન સાથે એન્ટનીને નૌકા યુદ્ધ થયું. એક્ટિયમ પાસે ઓક્ટોવિયનનું નૌકાદળ પરાજિત થયું. પરંતુ ક્લિયો પેટ્રા ત્યાં ન હતી. એન્ટની એલેકઝાંડ્રીયા પહોંચ્યો. ત્યાં સમાચાર આવ્યા કે ક્લિઓ પેટ્રા મારી ગઈ છે. એન્ટનીએ બખ્તર કાઢી નાખ્યું. બે પથ્થર વચ્ચે ડેગર રાખી તેની ઉપર પડતું મૂક્યું. ભયંકર ઘા થયો. ક્લિઓ પેટ્રાને ખબર પહોંચાડયા. તે મારતે ઘોડે ત્યાં આવી. એન્ટનીના છેલ્લા શ્વાસ હતા. તેણે ક્લિઓ પેટ્રાના ખોળામાં પ્રાણ છોડયા.

હવે, ઓક્ટાવિયને ઇટાલી પહોંચી ફરી આક્રમણની તૈયારી કરી. ક્લિયો પેટ્રાએ પહેલેથી જ પોતા માટે કિલ્લેબંધ મોસોલિયન બનાવડાવ્યું હતું. ત્યાં એન્ટનીના નશ્વર દેહને દફનાવ્યો. પાસે પોતાની કબર ખોદાવી. આગળના ખંડમાં સોનાનાં સિંહાસન ઉપર સમ્રાજ્ઞી ક્લિયો પેટ્રા બેઠાં હતાં. તેની પાસે બે દાસીઓ ચાર્મીઅન અને ઇરાસ ઉભી હતી. મુકુટ પહેર્યો. તેણે કહ્યું પેલી ફુલછાબ લાવો. તેમાંથી હાર પહેર્યો. ડબ્બીમાં રાખેલો નાનો પણ અત્યંત વિષલ નાગ તેણે સ્તન ઉપર દબાવ્યો. વિશ્વની તે યુગની સર્વથી સુંદર અને સર્વથી સમૃદ્ધ સમ્રાજ્ઞી અનંત નિદ્રામાં સરી ગઈ.

ઓક્ટાવિયન દ્વાર તોડાવી મોસોલિયમમાં પહોંચ્યો ત્યારે સુવર્ણનાં સિંહાસન ઉપર મુકુટ અને ફુલમાળા પહેરેલી ક્લિયો પેટ્રાનો નશ્વર દેહ જોયો. સમ્રાજ્ઞી ક્લિયો પેટ્રા નમી નહીં શરણે જવા કરતાં મૃત્યુ પસંદ કર્યું. સમ્રાજ્ઞી તરીકે જીવી સમ્રાજ્ઞી તરીકે મૃત્યુ પામી.

- દિનેશ દેસાઈ