ડાર્ક સિક્રેટ્સ - રાજ ભાસ્કર
ભાર યે ભાર અબ મુજસે સહા નહીં જાતા. ઐસા લગતા હૈ કી યે નહીં કરુંગા તો મર જાઉંગા .
...ઈ. ઘેલાણી અને કોન્સટેબલ નાથુ લાશ પાસે ગયા. ઘેલાણીએ પહેલાં લાશને ચૂપચાપ જોયા કરી. એક સુંદર છોકરી ગળું વેતરાયેલી હાલતમાં પડી હતી, એની સપના ભરેલી આંખો ફાટી ગઇ હતી, જીભ બહાર નીકળી ગઇ હતી અને મોંમાંથી ફીણ પણ
(ભાગ - ૧)
લગ્નની મોસમ પૂરબહારમાં જામી હતી. ભીમાજી ગુજ્જરના પરિવારમાં લગ્ન હતા એટલે આખુ ફેમિલી રાજસ્થાનથી અમદાવાદ આવવા નીકળ્યું હતું. ભીમાજીના મોટાબાપુના સૌથી નાના દીકરા એટલે કે નાના ભાઇ અર્જુનના લગ્ન હતા. ભીમાજી તેમની પત્ની ગીતા અને પાંચ દીકરીઓ રાજસ્થાનના અંતરિયાળ ગામ રાણાગઢમાં રહેતા હતા.
સૌથી મોટી દીકરી મીના, પછી ધરતી, બબીતા અને છેલ્લે સૌથી નાની સંગીતા. રાજસ્થાનથી સાત જણનો આખો પરિવાર અને ભીમાજીના બે મિત્રો ગાભાજી અને સેંધાજી અને બંનેની પત્નીઓ વાન લઇને વહેલી સવારે અમદાવાદ આવવા નીકળ્યા હતા. ગાડી પૂરપાટ વેગે અમદાવાદ તરફ આવી રહી હતી. ભીમાજી ગાડી ચલાવી રહ્યા હતા.
પાછળ દીકરીઓ અને પત્ની આનંદ કરી રહ્યાં હતા. એમની વાતોમાં, વર્તનમાં, ચહેરા પર અને આંખોમાં ગામડેથી શહેરમાં લગ્નમાં આવવાનો આનંદ છલકાઇ રહ્યો હતો. સૌથી મોટી દીકરી મીના સોળ વર્ષની હતી અને બાકીની ચારેય એનાથી ઘણી બધી નાની હતી. સૌથી નાની દીકરી તો હજુ પહેલા ધોરણમાં જ ભણતી હતી.
બધી દીકરીઓમાં થનગનાટ હતો. વચેટ દીકરી બબીતાએ કહ્યું, 'બાબા, અબકી બાર તો કાંકરીયા ઘુમાણે લે જાણા પડેગા.'
'દેખેંગે બેટી ! શાદી મેં હી તીન તો લગ જાયેંગે. ફીર રુકેંગે તો ધંધા ભી બીગડેગા.'
'નહીં, ઐસા મત કરો બાબા. પીછલી બાર ભી આપને ઐસા હી કીયા થા.' ધરતી બોલી.
'હાં, બાબા ! અબ કી બાર તો પક્કા શહર દેખેંગે. મુજે કાંકરીયા ભી દેખણી હૈ, ઔર ગાંધી આશ્રમ ભી દેખણા હૈ. વો ક્યા બોલતે હૈ... હાં... મોલ મેં ભી ઘુમણા હૈ ઔર બડી ટાકીઝ મેં ફિલમ ભી દેખણી હૈ.'
ભીમાજી બોલ્યા, 'બેટી, ઉન સબ મેં બહોત સારે પૈસે ભી લગતે હૈ. મેરે પાસ ઉતને પૈસે નહીં હૈ. શહર ફીર કભી દેખ લેંગે. વહાં જા કે જીદ મત કરના.''
'બાબા, પૈસો કી ફીકર મત કરો. હમ હમારે સારે ગુલ્લક તોડ કે ઔર સ્કુલ કે ખર્ચે મેં સે બચાકે પૈસે લાયે હૈ. બાકી શહર તો દેખના હી હૈ.'
'યેએ....સસસસસ ! શહર તો દેખણા હી હૈ.' છોકરીઓએ ચિચિયારી કરી. એમની મમ્મીએ એમને ધધડાવી, 'અરી, બાવરી હો ગઇ હો કે. બાબા ના બોલ રહે હૈ ઔર તુમ લોગ લગી પડી હો. અભી શહર આયા નહીં હે. શાદી હૂઇ નહીં ઔર ઘુમણે કે સપને દેખણે લગી. ચૂપ હો જાઓ સબ.' મા થોડી આકરી હતી. દીકરીઓ પર એનો ખાસ ડારો હતો. છોકરીઓ ચૂપ થઇ ગઇ. ભીમાજી અને તેમના બે મિત્રો પણ કંઇ ન બોલ્યા. વાનમાં સોપો પડી ગયો. ગાડી એકધારી સ્પીડે સડક પર સરકતી રહી.
;;;
ભીમાજીના ગામ રાણાગઢના પાદરમાં બે યુવાનો ઊભા હતા. બંનેના ખભે થેલાં હતા. બંનેના મોઢા પર અપાર ભાર હતો. બંને બેચેન હતા. બેમાંથી એક યુવાને પૂછ્યું, 'વિજય, એક બાર ફિરસે સોચ લે ભાયા !'
વિજયે એની સામે જોયું અને બોલ્યો, 'રાજુ, તું સાથ દેના નહીં ચાહતા તો યહીં સે ચલા જા. બાકી મેંને જો ઠાન લીયા હૈ વો મેં કરુંગા હી.'
'ઐસી, બાત નહીં હૈ મેરે દોસ્ત. તું તો જાને હે, મુજે તેરે માઇ-બાપુ, બહન કી ફિકર હે.'
'મુજે મીના કે સીવા કુછ નહીં દીખતા. અબ મેરે દિલ પે ભાર લાગે છે ! અબ યહી એક રાસ્તા હૈ દોસ્ત.'
વાત ચાલતી હતી ત્યાં જ ત્રીજો દોસ્ત જીગર જુની ફ્રન્ટી કાર લઇને આવી પહોંચ્યો. એના ચહેરા પર પણ એ જ ભાર, હતાશા અને પીડા હતા. જીગર આવ્યો એટલે વિજય અને રાજુ કારમાં બેસી ગયાં. કાર અમદાવાદ તરફ દોડવા લાગી. થોડીવાર પહાડ જેવું મૌન છવાયેલું રહ્યું પછી જીગરે પૂછયું, 'ભાઇ, બાત હો ગઇ હૈ ના. કહાં જાના હૈ વો ભી પતા હૈ ના ?' એના અવાજમાં ડર હતો.
વિજય બોલ્યો, 'હાં, બાત હો ગઇ હૈ. કબ, કિતને બજે જાના હૈ ઔર કહા વો મિલેગી. અકોલી એરિયામેં ઉસકે ચાચુ કી શાદી હૈ.'
'હમ આજ રાત કો પહુંચેંગે.'
'હા, રાત કો હી ફૈંસલા કર દેના હૈ. યે ભાર અબ મુજસે સહા નહીં જાતા. ઐસા લગતા હૈ કી યે નહીં કરુંગા તો મર જાઉંગા. ફિર જો ભી હોગા વો દેખા જાયેગા. બસ મુજે તું વહા લે ચલ.'
વિજયના ગળામાંથી જાણે પીડાનો દાવાનળ નીકળી રહ્યો હતો. એના દોસ્તો જીગર અને રાજુને આખીયે ઘટના ખબર હતી. બધું જાણતા હતા. વિજય જે કરવા જઇ રહ્યો હતો એમાં જોખમ ખૂબ હતું પણ લંગોટીયા મિત્રને સાથ આપ્યા સિવાય ચાલે એમ નહોતું. ખરા સમયે ઊભા ના રહીએ તો કૃષ્ણ અને સુદામાની દોસ્તી લાજે. એટલે અત્યંત જોખમ હોવા છતાં બંને મિત્રો વિજયનો સાથ આપવા માટે છેક રાજસ્થાનના અંતરિયાળ ગામમાંથી અમદાવાદના અકોલી વિસ્તાર સુધી લાંબા થયાં હતા.
રાતના અગિયાર થયાં હતા. વિજય અને એના દોસ્તો ચોક્કસ સરનામે મળી ગયાં હતા. અજાણી નંબરપ્લેટવાળી ગાડી હતી, અજાણ્યો વિસ્તાર હતો અને ખોટું કામ કરવાનું હતું. બધાને પરસેવો વળી રહ્યો હતો પણ પાછું હટવા કોઇ તૈયાર નહોતું.
બારની આસપાસ વિજય અને એના મિત્રો એ લગ્ન સ્થળની એકદમ નજીક એક ગલીમાં ગયા. ત્રણેયના કાનમાં ગરબાની રમઝટ બોલી રહી હતી. ડી.જેમાં ગુજરાતી ગીત વાગી રહ્યું હતું, 'હાથમાં છે વિસ્કીને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બહુ મેરબાની. ગાડી હવે રતનપૂર બોડર જવાની, બેવફા સનમ તારી બહુ મેરબાની.' વિજયને ગુજરાતી સારુ એવું આવડતું હતું. ગીતના શબ્દો સાંભળી એને એવું લાગી રહ્યું હતું જાણે એના માટે જ લખાયા હતા.
બરાબર પોણા એક વાગે વિજય બોલ્યો, 'રાજુ, જીગરા તૈયાર હૈ ના ! અબ ટાઇમ હો ગયા હૈ. બહુત સે લોગ હોંગે શાદી મેં છોટી સી ભી લગતી હો ગઇ તો મર ગયે સમજના.'
'ફિકર મત કર. કુછ નહી હોગા. આજ ફેંસલા હો કે રહેગા.' બંને મિત્રોએ કહ્યું અને રાતના અંધકારને ચિરતા એક ગલી તરફ વળ્યા.
;;;
ભીમાજીના નાના ભાઇના ઘરે લગ્નના ગરબાની રમઝટ ચાલી રહી હતી. રાજસ્થાનથી આવેલા ભીમાજી, એમની પત્ની ગીતા અને પાંચે પાંચ દીકરીઓ મીના, ધરતી, બબીતા, મમતા અને છેલ્લે સૌથી નાની સંગીતા ગરબામાં ઝૂમી રહી હતી. અંતરિયાળ ગામ અને ગરીબીમાંથી આવેલી આ છોકરીઓ માટે તો આ લગ્ન અને ડી.જે. તો જાણે કોઇ સુપરસ્ટારના લગ્ન હોય એવું લાગતું હતું. ભવ્ય મંડપ, રંગીન લાઇટો, ચાર-પાંચ જાતના ભોજન અને નવા-નવા કપડાં પહેરેલાં મહેમાનો જોઇને છોકરીઓ દંગ રહી ગઇ હતી.
રાતના સાડા બાર થયા હતા. ગરબાની રમઝટ ચાલુ જ હતી. પણ છેલ્લી પંદર મીનીટમાં એક ભયંકર ખેલ ખેલાઇ ગયો હતો એ કોઇને ખબર નહોતી. એક એવી ઘટના જે સૌને હચમચાવી મૂકવાની હતી એ બધાની નજર સામે ઘટી ગઇ પણ કોઇને અણસાર સુધ્ધા નહોતો. બધા પોતાની મસ્તીમાં મશગુલ હતા.
બરાબર પોણા બે થયા ત્યારે ધરતીના ધ્યાનમાં આવ્યું. એ બોલી, 'માઇ, બડી દીદી કબ કી નહીં દીખ રહી સે ! કઠે હે ?'
'અંદર હોગી.'
ત્યાં જ બીજી બહેન બોલી, 'માઇ, મું અંદરથી જ હાલી આવું સું. ઘરમેં કોઇ નહીં હે.'
માની ચિંતા થોડી વધી. એણે ગરબા રમતી છોકરીઓના ચહેરા પર ફટાફટ નજર દોડાવી લીધી. પછી આસપાસ નજર કરી. બીજી દીકરીઓને પૂછ્યું, બીજા સગા સંબંધીને પૂછ્યું, બાથરૃમ અને અંદરના રૃમ બધે દોડીને જોઇ લીધું પણ દીકરી મીના ક્યાંય દેખાઇ નહીં.
માતાનો શ્વાસ રૃંધાવા લાગ્યો. પતિદેવ પુરુષોમાં બેઠા હતા. માએ ભત્રીજાને મોકલ્યો, 'જલ્દી સે તેરે ચાચુ કો બુલા કે લા. કહેણા મીના કહીં નહીં દીખે હૈં.'
દીકરી દેખાતી નહોતી એ સમાચાર સાંભળીને બાપ ધુ્રજી ગયો. થોડી જ વારમાં આખાયે ઘરમાં ખબર પડી ગઇ કે ભીમાજી અને ગીતાની સોળ વર્ષની દીકરી મીના ગાયબ હતી. ગરબાના સ્પીકરો બંધ થયા. માંડવામાં સન્નાટો અને ચિંતા વ્યાપી ગયા. બધા આસપાસ દોડધામ કરવા લાગ્યા. ફરીવાર ઘર, બાથરૃમ, પાડોશી વગેરે- બધું ચેક થયું પણ મીના ક્યાંય ના મળી.
'અરે, બહાર દેખ લો રે !' ભીમાજીના મોટાબાપુ બોલ્યા. ભીમાજી, તેમના મિત્રો સેંધાજી, ગાભાજી અને એમના ત્રણ ચાર ભાઇઓ બહાર દોડયા. રોડ પર ચેક કર્યું, આસપાસ નાની નાની ગલીઓ હતી. દૂર કચરાપેટી પડી હતી. અનુભવી ભાઇઓએ ત્યાં બેટરી લઇને જોયું અને મીના મળી ગઇ. દૂર કચરાની પેટી પાછળ મીનાની લાશ પડી હતી.
ભાઇએ રાડ પાડી, 'ગજબ હો ગયો રે !' રાડ સાંભળી થોડે દૂર શોધ કરી રહેલા ભીમાજી અને બીજા ભાઇઓ ત્યાં દોડી આવ્યા. બધાના હાથમાં મોબાઇલની ટોર્ચ ચાલુ હતી. એક સાથે આઠ જેટલાં મોબાઇલનો પ્રકાશ મીનાની લાશ પર પડયો. એનું ગળું વેતરી નાંખવામાં આવ્યું હતું. ડોળા બહાર નીકળી ગયા. ભીમાજી દીકરીના નામની પોક મૂકી ત્યાં જ ફસડાઇ પડયા.
થોડી જ વારમાં માંડવેથી આખું ટોળું રોક્કળ કરતું દોડી આવ્યું. હાહાકાર મચી ગયો. ભીમાજી, ગીતા અને ચારેય દીકરીઓએ જે ગગનભેદી પોક મૂકી હતી એ સાંભળીને આખુંયે અકોલી થથરી ગયું.
પણ હકીકત એ હતી કે મીના હવે ચાલી ગઇ હતી. એ મરી ગઇ હતી. ભીમાજી દીકરીની લાશને ત્યાંથી લેવાની વાત કરી રહ્યા હતા પણ કેટલાંક અનુભવી લોકોએ ના હટાવા દીધી, 'નહીં, પુલીસ કો બુલાઓ પહેલે. લાશ યહાં હી હોગી તો પુલીસ કુછ સુરાગ ઢુંઢ પાયેગી.'
તરત જ અકોલી પોલીસ સ્ટેશને ફોન જોડવામાં આવ્યો. ઈ. ઘેલાણી અને કોન્સટેબલ નાથુ નાઇટ ડયુટીને બગાસાથી પૂરી કરી રહ્યા હતા ત્યાં જ એમની ઉંઘ ઊડી જાય તેવા સમાચાર આવ્યા. તેઓ ઉંઘને ખંખેરીને સીધા જ ઘટના સ્થળે દોડી આવ્યા. એ બંને આવ્યા ત્યારે રાતના ત્રણ વાગ્યા હતા. કચરા પેટીની આસપાસ રોડ પર બસ્સોથી વધુ લોકોનું ટોળું હતું.
ટોળું વિખેરતા ઈ. ઘેલાણી અને કોન્સટેબલ નાથુ લાશ પાસે ગયા. ઘેલાણીએ પહેલાં લાશને ચૂપચાપ જોયા કરી. એક સુંદર છોકરી ગળું વેતરાયેલી હાલતમાં પડી હતી, એની સપના ભરેલી આંખો ફાટી ગઇ હતી, જીભ બહાર નીકળી ગઇ હતી અને મોંમાંથી ફીણ પણ. ભીમાજી અને ગીતા પોક મૂકીને રડી પડયા, 'સહાબ, મારી બેટીને કોઇ માર ગીયો. ઉસે છોડણા મત.'
નાથુ બોલ્યો, 'ફિકર નોટ ! મૈં હું ના ! આપકી બેટીકા કાતીલ નહીં છૂટેગા.' (ક્રમશ:)
(રાજસ્થાનથી આવેલા પરીવારની દીકરીને અમદાવાદમાં આવીને મારી નાંખનાર કોણ ? વિજય અને મિત્રો ? કે પછી બીજું કોઇ ? એ હોય તો શા માટે મારી ? ઘેલાણી અને નાથુ એમના સુધી કેવી રીતે પહોંચશે એ વાત આવતા અઠવાડિયે.)