Get The App

છીંક ખાતી વખતે છૂટેલી હવાની ઝડપ 100 માઇલની હોય છે

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
છીંક ખાતી વખતે છૂટેલી હવાની ઝડપ 100 માઇલની હોય છે 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

મા નવીએ સ્મિત કરવામાં ૧૭ જેટલા સ્નાયુ (મસલ્સ) વાપરવા પડે જ્યારે ગુસ્સો કરે ત્યારે ૪૩ સ્નાયુ વાપરે છે. માનવીના શરીરના કુલ ૨૦૬ હાડકામાંથી ચોથાભાગના હાડકાં પગમાં છે. સ્ત્રીનું નાક અને કાન સૂક્ષ્મ પ્રમાણમાં મરતાં સુધી વધ્યા કરે છે. જો માણસના શરીરની રક્તશિરાઓને લાંબી ગોઠવીએ તો તેમાંથી એક એવી દોરી બને કે તે જગત આખાને વીંટળાઈ વળે. તમે છીંક ખાઓ ત્યારે જે હવા છૂટે છે તેની ઝડપ કલાકની ૧૦૦ માઇલ હોય છે. માણસની આંખ એટલી ચંચળ છે કે પર્વતની ટોચે બેઠેલો માણસ અંધારામાં ૫૦ માઇલ છેટે જોઈ શકે. આપણા શરીરનું ૨૦ ટકા પાણી ગુમાઈ જાય તો મૃત્યુ થઈ જાય છે. જગતમાં પાણી વગર માણસ ૧૦ દિવસ જીવ્યાનો રેકર્ડ છે.

આલ્કોહોલથી સર્જનશક્તિ ખીલે ?

જે લોકોને ટેસ્ટથી દારૂ પીવો છે તે હંમેશાં લોર્ડ વિન્સ્ટન ચર્ચિલનો દાખલો આપે છે. ચર્ચિલ દારૂના બહુ શોખીન હતા. શેમ્પેઇન, વ્હિસ્કી અને ખાસ કરીને એક બૉટલ બ્રાન્ડી તો તેઓ રોજ પી જતા. તેઓ સત્તા પર હતા ત્યારે તે આખી બૉટલ બ્રાન્ડી પી જતા અને સુંદર રીતે રાજ કરતા. ૯૧ વર્ષની વય સુધી એમણે બ્રાન્ડી પીધી છતાં એમના સ્વાસ્થ્યને અસર થઈ નહોતી. આવા અસાધારણ દાખલાને નિયમ તરીકે ન લેવાય કારણ કે એમના શરીરનું બંધારણ અનોખું હતું.' આલ્કોહોલને પચાવવાની એમની પાચનપ્રણાલિ રહસ્યમય રીતે વેગળા પ્રકારની હશે. પણ દારૂની ખરાબ અસરમાંથી બધા લોકો મુક્ત રહી શકતા નથી. ઘણા લોકોની ખોટી માન્યતા છે કે દારૂ પીવાથી સર્જકતા ખીલે છે બ્રિટિશ સાયકોલોજિકલ સોસાયટીના ડૉ. જ્યોફ લાઉઍ એક પરિષદમાં જણાવ્યું હતું. 'મારા પ્રયોગમાં મેં ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના લોકોને દારૂ પીવડાવીને લેખન કરવા આપ્યું હતું. તેમાંથી માલૂમ પડયું કે જે લોકો ઓછી બુદ્ધિવાળા હતા તેમનું લેખન સુધર્યું હતું પરંતુ જે લોકો તેજસ્વી અને બુદ્ધિમંત હતા તેમનું લેખન દારૂ પીધા પછી ઊલટાનું બગડયું હતું. એટલે સારા સર્જનશીલ માણસે દારૂ પીને લેખ કે વાર્તા લખવા બેસવું ન જાઇએ.

વિશ્વમાં સૌથી વધુ કેળા જર્મનીમાં ખવાય છે

અત્યારે વિશ્વમાં સૌથી વધુ કેળાં જર્મનીમાં ખવાય છે. ત્યાં માણસદીઠ વાર્ષિક ૨૧ કિલો કેળાંઓ ખવાય છે. અનેક જર્મન ડૉક્ટરો જોરશોરથી અવો પ્રચાર કરે છે કે સફરજન કરતાં કેળું ત્રણ ગણું વધુ પોષક છે આપણે ત્યાં ઘણા અવી માન્યતા ધરાવે છે કે કેળાં ખાવાથી શરદી થાય. યુરોપમાં પણ ઘણા અવા ભ્રમમાં રાચે છે કે કેળાં ખાવાથી કબજિયાત થાય છે. ન્યુટ્રિશનિસ્ટો આ બન્ને વાતને ખોટી ઠેરવતાં કહે છે કે કેળાં તો પાચનક્રિયાને સુધારે છે. બીજા ફળોની સરખામણીમાં કેળાં પુષ્કળ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવે છે. ભૂખ લાગી હોય અને કોઈ ધાન્ય ન મળે તો કેળું ઉત્તમ આહાર બની શકે, કેટલાક લોકો જમ્યા પછીની ફ્રૂટ ડિશરૂપે કેળાં ખાય છે. આ નિયમ રોજિંદો અમલમાં મુકાય તો પણ કશું ખોટું નથી. શરત માત્ર અટલી કે કેળું ખાધા પછી પાણી ન પીવું જાઈઅ, કારણ કે કેળામાં જ ૭૬ ટકા તો પાણી હોય છે. બીજા ૨૨ ટકા કાર્બોહાઇડ્રેટ્સ. બાકીના બે ટકામા પ્રોટીન, ચરબી તથા અન્ય ખનિજ તત્ત્વો જેવાં કે ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન 'એ' અને 'સી'નો સમાવેશ થાય છે. વૈદો અને પોષણશાસ્ત્રીઓ એમ કહે છે કે દૂધ અને કેળાં ભેગાં ખાવાં સૌથી ઉત્તમ છે. દૂધમાં ચરબી છે જે કેળાની અંદર રહેલા વિટામિનને સારી પેઠે ઓગાળે છે. આમ દૂધ-કેળાં સ્વાસ્થ્ય માટે સારાં ગણાય. તેનાથી શરીરનું વજન વધે છે. એક મહિનો નિયમિત દિવસમાં બે કેળાં ખાવ અને પછી જુઓ કે શરીરમાં કોઈ તફાવત લાગે છે કે નહીં.

નેપોલિયનના મૃત્યુનું રહસ્ય 

'વિશ્વસમ્રાટ નેપોલિયનને માર્યો કોણે?' ફ્રાન્સમાં આ જ સવાલ વારંવાર ચર્ચાય છે. સત્તાવાર નિવેદનમાં તો એવું કહેવાયું છે કે નેપોલિયન પેટના કેન્સરનો શિકાર થઈને મર્યો હતો, પણ કેટલાક તજજ્ઞાો નેપોલિયનના વાળનું પૃથક્કરણ કરીને નવા પુરાવાને આધારે કહે છે કે મહાસમ્રાટ આર્સેનિક નામના ઝેરના સેવનથી મર્યા હતા. 

ઇન્ટરનેશનલ નેપોલિયોનિક સોસાયટીના પ્રમુખ ઘણા લાંબા સમયથી દલીલ કરતા હતા કે નેપોલિયન ઝેરની અસરથી મર્યા હતા. જેમણે લેટેસ્ટ પરીક્ષણો હાથ ધર્યા તે ટોક્સિકોલોજીસ્ટોને હવે એવી આશા છે કે પેરિસમાં દફનાવલું નેપોલિયનનું શરીર વધુ પરીક્ષણ માટે તેમને સોંપવામાં આવશે. કહે છે કે મરતી વખતે માણસની મુઠ્ઠી ઉઘાડી હોય છે. પણ નેપોલિયનના મૃતદેહે રહસ્યની મુઠ્ઠી ચુસ્ત રીતે ભીડી રાખી છે.

શરત લગાડીને સર ફસાયા!

પોતાની જ સ્કૂલમાં બાળકો દ્વારા શિક્ષાનો ભોગ બનવું પડશે એવું બોબ ડાઇ નામના આ ડાયરેક્ટરે ક્યારેય ધાર્યું નહીં હોય. વિયેટનામના અલાસ્કા રાજ્યના જ્યુનો શહેરની હાર્બરવ્યુ એલિમેન્ટરી સ્કૂલના ૪૪૦ બાળકો સાથે બોબ ડાઇએ એક શરત લગાવી હતી કે, ''તમે લોકો આપણી સ્કૂલમાંના બધાં પુસ્તકો વાંચી બતાવો તો તમે કહો એ શિક્ષા ભોગવું.'' બાળકો તો મંડી પડયા અને બધાંએ ભેગાં મળીને છ અઠવાડિયાની અંદર સ્કૂલમાંના કુલ ૫,૩૦૨ પુસ્તકો વાંચી બતાવ્યા. શરત હારી ગયેલા સરને કઈ શિક્ષા કરવી એ વિશે બાળકો વિમાસણમાં પડી ગયા. છેવટે તેમણે એવી વિચિત્ર સજા ફટકારી કે સરે ડુક્કરના નાક પર પપી કરવી. એક ડુક્કરને પકડીને શાળાના જિમખાના હોલમાં હાજર કરવામાં આવ્યું અને સૌની નજર સામે સરે ઘૂંટણીયે બેસીને ડુક્કરના નાક પર પપી કરવી પડી. આ સર હવે ભવિષ્યમાં ક્યારેય એમના બાળકો સાથે શરત લગાવવાની ગુસ્તાખી નહીં કરે એટલું નક્કી.