- રજનીગંધા-વિભાવરી વર્મા
- મારી વાઈફનો બાપો અબજોપતિ છે! એ મને મારા નવા બિઝનેસમાં 500 કરોડ ઈન્વેસ્ટ કરવાનો છે! બોલ, કેવો છે મારો પ્લાન?'
વિ સ્મય આજે દુનિયામાં નથી. પણ જ્યારે એ હતો ત્યારે મારા અને એના સંબંધો ઝગડાના જ હતા ! એ પણ જેવાતેવા ઝગડા નહીં, પણ જોરદાર ખાટા-મીઠા ઝગડા !
શરૂઆત સ્કુલથી જ થઈ હતી. હું મારું નવું નક્કોર સ્કુલ યુનિફોર્મનું ફ્રોક પહેરીને જુન મહિનાની ભીની સડકો પર શાંતિથી જઈ રહી હતી ત્યાં એ ક્યાંકથી આવીને રોડના ખાબોચિયામાં જોરથી ખાબક્યો !
ગંદા પાણીના છાંટાથી મારું ફ્રોક પલળી ગયું. મેં કહ્યું 'દેખાતું નથી ?' તો કહે છે 'ચાંપલી, તારે જોઈને ચાલવું જોઈએને ? હું તો આમ જ ઠેકડા મારતો હોઉં છું !'
પણ સાંજે સ્કુલ છૂટયા પછી એ મારી પાસે આવ્યો. મારી હથેળીમાં વોશિંગ પાવડરનું બે રૂપિયાવાળું પાઉચ પકડાવતા કહે છે 'જા, મારા તરફથી ગિફ્ટ !'
સ્કુલે જવાનો અમારો રોજનો એક જ રસ્તો હતો. વિસ્મય રોજ કંઈને કંઈ તોફાન કરીને મને હેરાન કરતો, અને પછી જાણે એનું સાટું વાળતો હોય તેમ મને ખૂબ હસાવતો. મને પણ એના વિના ચાલતું નહોતું.
આમ કરતાં કરતાં અમારું સ્કુલિંગ પુરું થયું. પછી કોલેજમાં પણ અમે સાથે જ હતા, એક જ કલાસમાં. ત્યાં પણ વિસ્મયની એ જ ધમાલ, ધાંધલ, તોફાન, સતામણી... અને પછી કોઈને કોઈ રીતે હું હસતાં હસતાં થાકી જાઉં એટલી હદે મને ખુશ કરી દેતો ! હસાવવાની !
હું મનોમન એના પ્રેમમાં પડી ગઈ હતી. પણ એ શરારતી છોકરાને કહેવું શી રીતે ? જો એમાં પણ કોઈ તોફાન કરીને આખી કોલેજમાં મારી ખિલ્લી ઉડાવે તો ?
વળી, એવું પણ નહોતું કે વિસ્મય કદી સિરિયસ હોય જ નહીં. ઉલ્ટું, ભણવામાં એનો અવ્વલ નંબર રહેતો હતો. એકઝામ નજીક હોય ત્યારે ભાઈસાહેબનું ડાચું બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા જેવું થઈ ગયું હોય. પરંતુ એ તો માત્ર બે પાંચ દિવસો માટે જ ! એકઝામ પતે કે તરત જ ફરી પાછો એ જ છલકતા દરિયા જેવો ઉછળતો વિસ્મય બની જાય !
રિઝલ્ટ આવી ગયા પછી અમારી ફેરવેલ પાર્ટીમાં અમે સાથે ડાન્સ કર્યો. પાર્ટી પત્યા પછી એની બાઈક પર બેસાડીને મને ઘર સુધી મુકવા આવ્યો. બાઇક પરથી ઉતર્યા પછી મેં પૂછ્યું 'વિસ્મય, હવે ક્યારે મળીશું ?' ત્યારે એ જરા સિરિયસ થઈ ગયો. 'જિજ્ઞાસા, કદાચ આપણે નહીં મળી શકીએ. મારે જિંદગીમાં બહુ મોટા માણસ બનવું છે. ખૂબ રૂપિયા કમાવા છે. એના માટે મારે હવે સખત મહેનત કરવી પડશે.'
હું એને કહેવા જ જતી હતી કે 'વિસ્મય, તારી સ્ટ્રગલમાં મને તારી સાથે રાખ ને ? હું તારો લાઈફ-સપોર્ટ બનીને ઊભી રહીશ.'
પરંતુ હું એવું બોલી શકી નહીં.
ચારેક વરસ પછી અચાનક વિસ્મયનો ફોન આવ્યો. 'જિજ્ઞાસા ! તારે મારા મેરેજમાં આવવાનું છે !'
પહેલાં તો મને લાગ્યું કે આ બહુ મોટી મજાક છે. પણ ના, એ સિરિયસ હતો. એણે મને ઈન્વીટેશન કાર્ડ પણ મોકલ્યું હતું ! એ કાર્ડ જોઈને મારું દિલ બેસી ગયું. 'શા માટે મેં એને મારા દિલની વાત કદી કરી જ નહીં ?'
મેરેજ દિલ્હીમાં હતાં. વિસ્મયે મારા માટે વિમાનની ટિકીટ મોકલી હતી. એક શાનદાર હોટલમાં રિસેપ્શન હતું. આ ભવ્ય ઠાઠમાઠ જોઈને હું તો દંગ રહી ગઈ હતી. ત્યાં જ વિસ્મયે પાછળથી 'હાઉક !' કરીને મને બીવડાવી દીધી. પછી કહે છે :
'જોયું ? મારું સપનું લગભગ સાચું પડી રહ્યું છે ! મારી વાઈફનો બાપો અબજોપતિ છે ! એ મને મારા નવા બિઝનેસમાં ૫૦૦ કરોડ ઈન્વેસ્ટ કરવાનો છે ! બોલ, કેવો છે મારો પ્લાન ?'
'પ્લાન ?' મને થયું 'લગ્ન આ રીતે પ્લાન કરીને કરવાનાં હોય ?' છતાં હું કંઈ બોલી નહીં. કદાચ વિસ્મયને મારા માટે ખરેખર એવી કોઈ ફિલીંગ હતી જ નહીં. હું ભારે હૈયે પાછી ફરી.
હવે હું સતત વિસ્મયને ભૂલવાની કોશિશ કરી રહી હતી પરંતુ એમ તો કેમ કરીને ભૂલાય ? છેક બાળપણથી લઈને કોલેજનાં છેલ્લા વરસ સુધીની તોફાની, ખાટીમીઠી યાદો મારા મનની એકે એક ગલીકૂંચીમાં ઠરીઠામ થઈને બેઠી હતી.
મમ્મી પપ્પાના આગ્રહથી મેં હવે લગ્ન કરવાની હા પાડી દીધી હતી. પરંતુ મન જરાય માનતું નહોતું.
એવામાં એક દિવસ દિલ્હીથી ફોન આવ્યો: 'જિજ્ઞાસાજી, આપ કે મિત્ર વિસ્મય કા દેહાંત હો ગયા હૈ...'
આ મારા માટે જિંદગીનો સૌથી મોટો આઘાત હતો. હું તરત જ ફલાઇટ વડે દિલ્હી પહોંચી ગઈ. ત્યાં ગયા પછી જાણવા મળ્યું કે વિસ્મયે પોતાના 'વિલ'માં મારા માટે પણ કંઈક રાખ્યું છે !
મને વિસ્મયના પૈસામાં કે મિલકતમાં જરાય રસ નહોતો પણ વિલ ખુલે તે પહેલાં પાછા જતા રહેવું પણ મને ઠીક લાગ્યું નહીં.
બે દિવસ પછી વિલ ખુલ્યું. એમાં મારા નામે બે ચીજો હતી. એક, એની કંપનીના ૧૦ લાખની કિંમતના શેર અને બીજી હતી એક ડાયરી...
દિલ્હીથી વળતી ફલાઈટમાં બેઠા પછી મેં એ ડાયરી ખોલી. એમાં પહેલા જ પાને લખ્યું હતું : 'જિજ્ઞાસા, મારા જીવનમાં મારા દિલની બે વાતો હું તને કદી કહી શક્યો નથી. એક, હું તો છેક બાળપણથી તારા પ્રેમમાં હતો, પરંતુ હું એ પહેલાં કંઈક બનવા માગતો હતો...'
અને બે, કોલેજમાંથી છૂટા પડયાના એક જ વરસમાં મને બોનમેરો કેન્સર ડિટેક્ટ થયું હતું. એટલે જ મેં તને...
હું આગળ વાંચી શકી નહીં. છલકાઈ રહેલાં આંસુ વડે વિસ્મયની ડાયરીના અક્ષરો ધૂંધળા બની રહ્યા હતા.


