Get The App

ઈશ્વરે માણસને એક જ જીભ કેમ આપી છે?

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
ઈશ્વરે માણસને એક જ જીભ કેમ આપી છે? 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- વાણી સ્વયં ઔષધ છે અને શસ્ત્ર પણ ! વાણી એ માણસની જીવનદ્રષ્ટિ, સમજણ અને વ્યક્તિત્વની આરસી છે.

ડો ક્ટરે દર્દીને કહ્યું : ''તમારી જીભ બતાવો.'' દર્દી મોં ખોલીને જીભ બતાવે છે. એની જીભ જોઈ ડોક્ટર એનો રોગ પારખે છે, દવા લખી આપી તેને વિદાય કરે છે.

ડોક્ટરનું ઓછાબોલાપણું દર્દીને પસંદ પડતું નથી. દર્દી ઈચ્છે છે કે, ડોક્ટર એના રોગની 'ગંભીરતા' ગંભીરપણે વર્ણવે. એની સહન શક્તિને બિરદાવે અને એને મીઠા શબ્દોમાં આશ્વાસન પ્રદાન કરે. પણ ડોક્ટરે આવું કશું જ ના કર્યું. પૈસા આપી વિદાય થતા દર્દીએ ડોક્ટરને કહ્યું : ''ડોક્ટર સાહેબ, મારા પૈસા પાણીમાં ગયા. તમે મારી જીભ જોઈ પણ જીભ કેવી છે એ વિશે તો કશું જ ન કહ્યું.''

ડોક્ટરે ધીરજપૂર્વક દર્દીનો ઠપકો સાંભળ્યો અને શાંતિથી બોલ્યા : ''અત્યાર સુધી તમારી જીભ નિરોગી હતી, હવે એ રોગી બની છે અને એ રોગની દવા મારી પાસે નથી.''

ડોક્ટરના શબ્દો મારે કાને પડે છે અને હું વિચાર કરું છુ. ડોક્ટરની વાતમાં કેટલી બધી સચ્ચાઈ હતી ? ડોક્ટર રોગ મટાડી શકે છે, પણ જીભની કડવાશ મટાડવાનું સામર્થ્ય તેમનામાં નથી. એ સામર્થ્ય છે, વ્યક્તિના પોતાનામાં જ. જીભ મીઠી છે, મીઠી રહેવા જ સર્જાઈ છે એમાં ભળતી કડવાશ એ માનવીની પોતાની ભેટ છે, કુદરતી નહીં.

જીભને આપણે તલવાર આપીએ છીએ, જીભને આપણે તીર બનાવીએ છીએ, જીભને આપણે તોપ પણ બનાવીએ છીએ, પણ નથી આપતા મીઠાશનો ઓપ. જીભનું માધુર્ય એટલે દંભની 'સ્વીટેક્સ' નહીં, જીભનું માધુર્ય એટલે ચાપલૂસી નહીં, પણ જીભની મીઠાશ એટલે માણસના સંસ્કાર યુક્ત વર્તનનું નજરાણું.

જીભનો સંહારશક્તિ તરીકે ઉપયોગ કરવો ઉચિત નથી, તેમ જીભનો ખુશામત ખોરી માટે ઉપયોગ કરી આત્મસન્માન હણવાનો પ્રયત્ન પણ ઉચિત નથી. જીભ  એ માણસની જીવનદ્રષ્ટિ, સમજણ અને વ્યક્તિત્વની આરસી છે, કામણ કરવાનું સાધન નથી. શબ્દ એ નથી બોલેલું ફેરવી તોળવાનું સાધન કે નથી કોઈકને આંજીને મૂર્ખ બનાવવાનો કીમિયો. શબ્દ એ માણસની આન અને શાન, યશ અને પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે.

કથની અને કરણીની એકવાક્યતામાં જેટલા અંશે ઓટ આવતી ગઈ તેટલા અંશે જગતનો ચહેરો બદલાતો ગયો. પણ કથની સામે કણ જેટલી કરણીની તૈયારીનો અભાવ જ જગતનાં કલેશ, દુ:ખ-દર્દીનું ખરું કારણ છે.

જીભ અને વિદ્યાનું વ્યાયામ મંદિર છે અને અંત:કરણની પવિત્રતા એ તેનું ધ્યાન મંદિર છે. જગત મૂલ્યનિષ્ઠાની વાતો જીભથી કરે છે, અંત:કરણથી નહીં, કારણ કે શબ્દોની લહાણમાં શૂરાતન દેખાડવાથી લોકોને આંજી શકાય છે. અને માણસની નબળાઈનો આધાર લઈ તેને સહેલાઈથી વશીભૂત કરી શકાય છે.

દુનિયામાં બે પ્રકારના માણસો જોવા મળે છે. શબ્દની લિજ્જતનો લાભ લેનારા અને શબ્દની ઈજ્જત માટે મરી ફીટનારા!

બે હાથ, બે પગ, બે કાન, બે આંખો આપનાર ઈશ્વર ધારત તો મનુષ્યને બે જીભ પણ આપી શકત.

પણ ઈશ્વરે માણસને એક જ જીભ આપી છે. એનો અર્થ એ જ છે કે જીભે તોળીને બોલવાનું છે.

કાર્લેએ કહ્યું છે : 'મૂર્ખ વ્યક્તિનું હૃદય તેની જીભમાં રહેલું હોય છે. જ્યારે શાણા મનુષ્યની જીભ તેના હૃદયમાં રહેલી હોય છે.' તલવારના ઘા કરતાં પણ વધુ પ્રાણઘાતક ઘા હોય છે.

જીભથી નીકળેલી વાણી એ આપણને મળેલું એક વરદાન છે અને તેથી જ એનો ઉપયોગ બે-જવાબદાર રીતે ન થાય. એ વાત સમજ્યા છતાં અમલમાં મૂકવાનું મોટા ભાગના લોકો માટે શક્ય બનતું નથી.

આપણે બોલવાને 'કળા' માનીએ છીએ. પણ એનાથી મોટી કળા તો ન બોલવામાં સમાયેલી છે. જ્યાં વાણી હારી જાય છે, જ્યાં શબ્દો પોતાનું સામર્થ્ય ગુમાવે છે, જ્યાં દલીલો દગાબાજ પુરવાર થાય છે, ત્યાં મૌન ઘણીવાર કામયાબ નીવડે છે. તાકાત પુરવાર થાય છે કે એની સમક્ષ કોઈ પણ તાકાત ફીકી લાગે છે. બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની  સંખ્યા મોટી છે.

દ્રૌપદીની દુર્યોધન પ્રત્યેની કટુવાણી મહાભારતનું નિમિત્ત બની હતી. સદ્વચન એટલે મધુર, પ્રીતકર અને હિતકર વચન. એવી વાણી સંયમ પ્રેરિત હોય છે, સુચિંતન પોષિત હોય છે. અને ધર્મપ્રકાશક હોય છે. એટલે શ્રવણ તેવી વાણી કરવી ગમે તેવી મધુર હોય છે. મનુષ્યને મળેલા કુદરત પ્રદાન વરદાનો પૈકીનું એક સર્વશ્રેષ્ઠ વરદાન છે વાણી. મધુરવાણીનું જય ગાન કરતાં કબીર કહે છે :

''ઐસી બાની બોલિયે,

મનકા આપા ખોય,

ઔરોં કો શીતલ કરે,

આપ હું શીતલ હોય.''

સદ્વચન એટલે થોડું, પણ સારગર્ભિત અને કલ્યાણકારી બોલવું. તુલસીદાસજી કહે છે :

''તુલસી મીઠે વચન તેં,

સુખ ઉપજત ચહુ ઓર,

બસીકરન એક મંત્ર હૈ,

પરિહાર વચન કઠોર.''

સદ્વચન એ જગતને વશ કરવાનો અમોઘ મંત્ર છે. એટલે માણસે વાણીની કઠોરતા ત્યજવી જોઈએ.

મહાભારતના ઉદ્યોગપર્વમાં વ્યાસજી કહે છે : બાણોથી વીંધાયેલું તથા કુહાડીથી કપાયેલું વન પણ અંકુરિત થાય છે, પરંતુ કટુ વચનથી થયેલા ઘા કદિ રુઝાતા નથી. સદ્વચન એ વાણીનું તપ છે. વિશ્વાસ  અને શ્રધ્ધા એની પરિચાલક શક્તિ છે. વ્યર્થ બોલવું એના કરતાં મૌન 

ધારણ કરવું વધુ સારું, વાણીની આ પ્રથમ વિશેષતા - અને ધર્મયુક્ત બોલવું એ વાણીની ત્રીજી વિશેષતા. પ્રિય બોલવું એ તેની ચોથી વિશેષતા છે.

હિન્દીમાં એક કહેવત છે :

'જબાન  હી હાથી ચઢાવૈ, જબાન હી સિર કટવાવે, સદ્વચન વિશ્વમૈત્રીનું પ્રથમ સોપાન છે. જગત આખું બળ્યું-જળ્યું, તાપ-સંતાપથી ઘેરાયેલું છે. લોકો આધિ-વ્યાધિ-ઉપાધિમાં ઘેરાયેલા છે. ત્યારે સદ્વચનો જ શીતળતા પ્રદાન કરી શકે. વાણી દ્વારા ફેલાવવામાં આવેલી નફરત વેરઝેર વધારીને  વિશ્વશાંતિમાં વિક્ષેપ જન્માવે છે. માણસ દ્વારા ઉચ્ચારાતા સદ્વચનમાં તેમાં દંભ ન હોય તો તે સંસ્કારિતાનો માપ દંડ છે. એટલે આપણે વાક્પરાક્રમી બનીને બીજાના કાળજામાં ઘા પડે એવાં કટુવચન ન બોલીએ . જગત સદ્વચનનું તરસ્યું છે, એને કુવચનના ખારાં જળથી અળગુ રાખીએ, એ જ આજની તાતી આવશ્કયતા છે.'

કોઈકે સાચું જ કહ્યું છે કે વાચાળતા માણસને વામન બનાવે છે અને મૌન ઉન્નતિપ્રદ. હકીકતમાં દરેક જગા અને સમય બોલી કે બકી નાખવા યોગ્ય નથી હોતો.

શબ્દ એ 'ભ્રમ' નથી બ્રહ્મ છે. એટલે કે જે શબ્દનું સામર્થ્ય ઓળખે છે, એ વાણી વિલાસ આચરતો નથી, શબ્દની શાન સાચવવી એ પણ એક પ્રકારનું સંતત્વ જ છે.

જીવનમાં વાણી સંયમ કેળવવા માટે યાદ રાખવા જેવી આઠ બાબતો

૧. શબ્દોએ આત્માની વાણી છે. એને ક્રોધ, અવિનય કે વ્યર્થ આક્ષેપોથી ભ્રષ્ટ ન કરશો.

૨. જે માણસ બીજાને બોલવાની તક આપે તે મોટો, અને પોતાની જીભને બેફામ વિહરવાનો મોકો આપે તે નાનો. બીજાને સાંભળતા શીખો.

૩. તમે જો બીજાને જીતવા ઈચ્છતા હોય તો મિતભાષી બનો.

૪. સ્વ પર નિયંત્રણ હોય એ જ પોતાની વાણી પર નિયંત્રણ રાખી શકે.

૫. જીભ મીઠી રહેવા જ સર્જાઈ છે. એમાં ભળતી કડવાશ એ માનવીની પોતાની ભેટ છે.

૬. વાણી એ માણસની જીવનદ્રષ્ટિ, સમજણ અને વ્યક્તિત્વની આરસી છે.

૭. વાણી સ્વયં ઔષધ છે. અને શસ્ત્ર પણ.

૮. સદ્વચન એ જગતને જીતવાનું અમોઘ શસ્ત્ર છે.