- રજનીગંધા-વિભાવરી વર્મા
- હું બસ સ્ટોપ તરફ જ જતી હતી પણ રસ્તામાં એક એક્સિડન્ટ થયો હતો એ જોવામાં ખોટો ટર્ન લેવાઈ ગયો...
એ ક તો લોનાવલા જેવું હિલ સ્ટેશન, ઉપરથી જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડી, એમાંય વળી ઓફ-સિઝન એટલે આખા લોનાવલામાં સન્નાટો... આવા સન્નાટામાં ઉમેરો કરતી હોય તેવી સાંય સાંય ચાલતી ઠંડી હવા ! રાતના બાર વાગી ગયા હતા.
હું લોનાવલાના તળાવની બાજુમાં એક જુના લાઇટના થાંભલા પાસે એસટી બસની રાહ જોતો ઊભો હતો. લોનાવલામાં હું માત્ર બીજી જ વખત આવ્યો હતો અને એ પણ
ધંધાના કામે.
અહીંથી પૂના જવા માટે છેલ્લી બસ ૧૨.૪૦ વાગે જતી હતી. મેં મારી હોટલની રૂમ ક્યારની છોડી દીધી હતી એટલે આવી કડકડતી ઠંડીમાં થીજી ગયેલા સરોવરની પાળે ધુ્રજતા ઊભા રહેવા સિવાય કોઈ છૂટકો જ નહોતો.
એવામાં એક કાર આવીને ઊભી રહી. કારની નંબર પ્લેટ ઉપર મારી અનાયાસે નજર પડી ગઈ. નંબર હતો ૧૨૩૪.
કારમાં એક યુવતી બેઠી હતી. તેણે કારનો કાચ નીચો કરીને જરા ઊંચા અવાજે મને કહ્યું :
'હલો, તમે બસ માટે ઊભા છો ? પણ બાર ચાલીસવાળી બસ હવે અહીંથી નીકળતી નથી.'
'ઓહ એવું છે ? તો તો મારે મેઇન બસ સ્ટોપ પર જવું પડશે એમ ને ?'
'આવો, હું તમને ઉતારી દઉં.'
કોઈ ખુબસુરત છોકરી રાતના બાર વાગે આવી સુમસામ જગ્યાએ આવી ઓફર કરે તો કેવું ઓકવર્ડ લાગે ? મેં કહ્યું :
'ના, હું કેબ કરી લઈશ. છેલ્લે રીક્ષા તો મળી જ જશે.'
'નહીં મળે...' એ છોકરીએ અંદરથી જ કારનો દરવાજો ખોલતાં કહ્યું 'આ લોનાવલા છે. અહીં ફૂલ-સિઝનમાં પણ રાત્રે અગિયાર વાગ્યા પછી રીક્ષાવાળા અને કેબવાળા દારૂનો પૌવો મારીને સૂઈ જાય છે. એ કરતાં મારી સાથે ચાલો. મારે એ બાજુ જ જવાનું છે.'
હું હજી અચકાઈ રહ્યો હતો પણ સીધી 'હા' શી રીતે પડાય ? મેં કહ્યું 'તમે એસટી સ્ટોપ પર કોઈને લેવા જઈ રહ્યા છો ?'
'ના, પણ એની પહેલાં જે હોસ્પિટલ આવે છે ને, ત્યાં જવાનું હતું. પરંતુ...' તેણે વાક્ય અધૂરું મુકીને કહ્યું 'તમે બેસી જાવ. કોઈ ફોર્માલિટીઓની જરૂર નથી, પ્લીઝ.'
મારી બેગને પાછલી સીટમાં મુકતાં હું કારમાં બેસી ગયો. 'સોરી, હું તમને તકલીફ આપી રહ્યો છું...'
'નાના, તકલીફ શેની ? મારે ત્યાં જ જવાનું હતું. પણ-' એ ફરી બોલતાં અટકી. કાર ચલાવતાં ચલાવતાં એણે મારી તરફ હાથ લંબાવ્યો.
'માય સેલ્ફ રોશની. મને મ્યુઝિકનો શોખ છે. થોડું થોડું ગાતાં પણ આવડે છે.'
'ઓહ !' મેં હાથ મિલાવતાં કહ્યું. 'મારું નામ રોહન છે અને મને હિસાબોના આંકડા સિવાય કશામાં રસ નથી.'
'એકાઉન્ટન્ટ છો ?'
'હા, એટલે જ તમારી કારની નંબર પ્લેટ પર મારી નજર પડી હતી. વન ટુ, થ્રી, ફોર...'
'કારનું મોડલ પણ સારું છે. હયુન્ડાઈ એકસ્ટર, ડાર્ક ગ્રે કલર, ઓટો ગિયર, ફાઇવ ડોર, ટોપ મોડલ...'
'એમ તો મારી પાસે ૩૫૦ સીસીનું રોયલ એન્ફીલ્ડ છે ! પણ એ મારા લેપટોપમાં છે ! હજી ખરીદવાના પૈસા નથી ભેગા થયા !'
એ હસી પડી. 'આઈ લાઇક યોર સેન્સ ઓફ હયુમર... અચ્છા, હું મ્યુઝિક ચાલુ કરું તો વાંધો નથી ને ?'
'શ્યોર, પણ કારની મ્યુઝિક સિસ્ટમ કેટલા રૂપિયાની છે, એ ના કહેતા, પ્લીઝ !'
એ ખડખડાટ હસી પડી. મેં માર્ક કર્યું કે એ સતત મારી સામું જ જોઈને વાતો કરી રહી હતી. કાર ખાસ્સી ૯૦-૧૦૦ની સ્પીડે જઈ રહી હતી છતાં તેની નજર સડક તરફ માંડ એકાદ સેકન્ડ પુરતી જઈને ફરી મારી તરફ આવી જતી હતી.
લોનાવલાના તળાવથી બસ સ્ટોપ તરફ જવાનો રસ્તો ખરેખર ઘટાદાર ઝાડીઓ અને વૃક્ષોની વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો.
'આપણી બન્ને તરફ જે વિસ્તાર છે તેને રાયવૂડ ગાર્ડન કહે છે પણ હકીકતમાં એ ગાર્ડન નહીં, જંગલ જ છે. અહીં રાતના સમયે ચિત્તા અને દીપડા પણ જોવા મળે છે.'
'અત્યારે તો હું તમને જોઈ રહ્યો છું. અને પ્લીઝ, તમે રોડ સામું જુઓ. ક્યાંક.'
'હા. એવું જ થયું !' એને જાણે યાદ આવ્યું હોય તેમ બોલી હું બસ સ્ટોપ તરફ જ જતી હતી પણ રસ્તામાં એક એક્સિડન્ટ થયો હતો એ જોવામાં ખોટો ટર્ન લેવાઈ ગયો...
'સારું થયું. નહીંતર હજી હું પેલા તળાવની પાળે, બાર ચાલીસવાળી બસની રાહ જોતો જ ઊભો હોત ! નહીં ?'
એ ખડખડાટ હસી પડી. મને જરા ડર લાગી રહ્યો હતો કેમકે એની બન્ને આંખો મારી તરફ જ હતી અને કારની સ્પીડ ૧૦૦ની ઉપર જઈ રહી હતી...
એની આંખોમાં કંઈ જાદૂ હશે કે કંઈ હિપ્નોટિઝમ જેવું હશે. કેમકે હવે મારી આંખો પણ એની આંખોને જ જોઈ રહી હતી...
અચાનક કારને બ્રેક વાગી ! કાર ઘસડાઈને ત્રાંસી થઈને ઊભી રહી ગઈ !
મેં સામે જોયું તો રસ્તા ઉપર એક બહુ જ ખરાબ એક્સિડન્ટ થયો હતો. આખી કાર એક મોટી પથ્થરની શીલા સાથે ટકરાઈને ડૂચો વળી ગઈ હતી. ડ્રાયવરનું તો માથું જ ફાટી ગયું હતું પણ બાજુમાં બેઠેલા એક યુવાનના શ્વાસ હજી ચાલી રહ્યા હતા.
'જલ્દી કરો...' મેં યુવતીને કહ્યું 'આને બહાર કાઢવામાં મદદ કરો... અને ૧૦૮ને ફોન કરો...'
'૧૦૮ નહીં આવે, આપણે જ કંઈ કરવું પડશે.'
મેં મહામહેનતે એ યુવાનને કારમાંથી બહાર ખેંચીને કાર નંબર ૧૨૩૪ની પાછલી સીટમાં સૂવડાવી દીધો.
યુવતીએ ઝડપથી કાર ભગાવી મુકી. હું આ લોહીલુહાણ યુવકની હાલત જોઈને સખત આઘાતમાં હતો. એ દરમ્યાન પેલી યુવતીએ શી ખબર, કેટલી સ્પીડમાં કાર ચલાવી હશે, તે જ્યારે તેણે બ્રેક મારી ત્યારે જ મેં આંચકા સાથે માથું ઊંચું કર્યું... તો સામે હોસ્પિટલ હતી !
'તમે જલ્દીથી આને ઈમરજન્સી વોર્ડમાં એડમિટ કરાવો... ત્યાં સુધીમાં હું કારને પાર્ક કરીને આવું છું.'
મેં બને એટલી ઝડપે એ યુવાનને ઈમરજન્સી વોર્ડમાં એડમિટ કરાવ્યો. મેં ચોખ્ખું જ કહ્યું કે હું તો આ શહેરથી અજાણ્યો છું, મારે ૧૨.૪૦ની બસ પકડવાની છે. બાકીની પ્રોસિજર તમે જાણો...
હું બહાર નીકળ્યો ત્યારે પેલી હયુન્ડાઈ એકસ્ટર ૧૨૩૪ નંબર પ્લેટવાળી કાર સામે જ ઊભી હતી. કારનો દરવાજો ખુલ્લો હતો.
'ચાલો, બેસી જાવ, તમારે બસ સ્ટોપ પર પહોંચવાનું છે ને ?'
મેં ઘડિયાળમાં જોયું. ઓલરેડી ૧૨.૩૫ થઈ ચૂકી હતી. એણે કહ્યું 'ડોન્ટ વરી, હું તમને પહોંચાડી દઈશ.'
કાર સ્ટાર્ટ થઈ, આ વખતે તે સાવ ચૂપ હતી. કારની સ્પીડ પણ માત્ર ૪૦-૫૦ હતી. તેની નજરો પણ રોડ ઉપર જ હતી.
બે ત્રણ વળાંક પછી તેણે કારને બ્રેક મારી. મેં બહાર જોઈને કહ્યું : 'અરે ? આ તો આપણે ગોળ ફરીને પાછા ત્યાંજ આવી ગયા ! તળાવની પાળે...'
'ઓહ સોરી !' એ બોલી. 'આ બીજી વાર આવું થયું. પેલો એક્સિડેન્ટ થયો હતોને, એમાં ફરીથી ખોટો ટર્ન લેવાઈ ગયો. આઈ એમ સો સોરી.'
'કશો વાંધો નહીં.' 'મેં મારો સામાન ઉતારતા કહ્યું 'આજની રાત હું ફરી હોટલમાં પસાર કરી લઈશ, એની વે, થેન્કસ ફોર ધ લિફ્ટ...''
'થેન્કસ તો મારે તમને કહેવું જોઈએ...' એટલું બોલીને તેણે કાર સ્ટાર્ટ કરી.
કાર જઈ રહી હતી ત્યારે તેની નંબર પ્લેટ જોતાં અચાનક મારા મનમાં ઝબકારો થયો !
પેલી કાર, જેનો એક્સિડેન્ટ થયો હતો એનો નંબર પણ ૧૨૩૪ હતો ! અને મોડલ પણ એ જ હતું ! અને પેલા ડ્રાયવરનો છૂંદાયેલો ચહેરો... એ જ ક્ષણે મને ભાન થયું કે એ ડ્રાયવર તો આ છોકરી જ હતી ! તો પછી આ કોણ હતી ? એનાથી પણ મોટો સવાલ એ હતો કે શું એ કાર પણ 'પ્રેત' હતી ?


