- જીવંત દંતકથા બની રહેલા આ મહાનાયકને માતા ભવાનીએ તલવાર આપી છે તેવી લોકકથા વહી રહી
(ભાગ-1)
તે યુગ હિન્દુઓ માટે અગ્નિ પરિક્ષાનો હતો. ઉત્તરે ઔરંગઝેબ અને દક્ષિણમાં બીજાપુર અને ગોવલકોંડાની સલ્તનતો હિન્દુઓ ઉપર ત્રાસ વરસાવી રહી હતી. જજીયા વેરો ભરવો ફરજિયાત હતો. રજપુતો સિવાય કોઈને ઘોડા પર બેસવાની છૂટ ન હતી. મંદિરો તોડી તેની ઉપર મસ્જિદો રચવામાં આવી. હિન્દુ કિશોરીઓ યુવતિઓને ઉઠાવી જઈ બળાત્કાર ધર્માતરિત કરી. તેમને મુસ્લીમો સાથે લગ્ન કરવાની ફરજ પાડવામાં આવતી હતી. આ બધુ લગભગ રોજીંદી ઘટના સમાન બની રહ્યું હતું. દેશ હિન્દુઓનો હોવા છતાં હિન્દુઓ માટે તો તેમનો દેશ સ્મશનવત્ બન્યો હતો. તેવે સમયે વિ.સં. ૧૬૮૩ના ફાલ્ગુન કૃષ્ણ તૃતીયાના દિને એક મહાનાયકનો જન્મ થયો. તેઓ ભગવાન શંકરની આરાધનાને લીધે માતા-પિતાને પ્રાપ્ત થયા તેથી તેઓનું નામ શિવાજી રખાયું.
શિવાજીના પૂર્વજો
શિવાજીના પૂર્વજો મૂળ સિસોદીયા વંશના હતા. અલ્લાઉદીન ખિલજીનાં આક્રમણ પછી તે રાજવંશીઓ દખ્ખણ તરફ ગયા. મૂળ તેઓ ઉદયપુર પાસેનાં 'બોઝવત્' ગામના હોવાથી દખ્ખણમાં તેઓ ભોંસલે નામથી વિખ્યાત બન્યા. તે વંશમાં શુભ કૃષ્ણ ભોંસલે થયા. તેઓને બે પુત્રો હતા. માલોજી અને વિઠોજી માલોજીને સંતાન ન હતાં, પરંતુ એક મુસ્લીમ સંત શરીફ શાહના આશિર્વાદથી તેમને ત્યાં એક પુત્ર થયો તેનું નામ ''શાહજી'' રખાયું. માલોજી બીજાપુરના જાગીરદાર જાદવરાયની નોકરીમાં જોડાય. માલોજીના પુત્ર શાહજી અને જાદવરાયના પુત્રી જીજા હોલિકાના દિને હોલી રમતાં હતાં ત્યારે જાદવરાયે કહ્યું કે કેવી સુંદર જોડી છે છતાં જીજાબાઈનાં લગ્ન શાહજી સાથે કરવા તેઓ સંમત ન થયા. તેમાં તેમના પત્નીને પણ વાંધો હતો.
શાહજી અને વિઠોજી રીસાઈને નોકરી છોડી વધુ દખ્ખણમાં આગળ ચાલ્યા ત્યાં માર્ગમાં એક ટેકરો જોયો. તેમાં એક 'દર' હતું તેમાં એક સર્પને જતાં જોયો ત્યારે માન્યતા તેવી હતી કે સર્પ નીચે રહેલા ચરૂનું રક્ષણ કરે છે જે યોગ્ય હોય તેને જ તે લેવા દે છે. માલોજીએ ટેકરો ખાદ્યો નીચેથી ચરૂ મળી આવ્યા. તેમાંથી તેમણે ઘોડાઓ અને શસ્ત્રો ખરીદી ૧,૦૦૦ની સેના ઉભી કરી. ફરી જાદવરાય પાસે ગયા. જાદવરાયે રાજી-ખુશીથી જીજાબાઈનાં લગ્ન શાહજી સાથે કરાવ્યાં.
શાહજીને પણ સંતાન ન હતાં. તેઓએ અને જીજાબાઈએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિભાવપૂર્વક આરાધના શરૂ કરી. એક રાત્રીએ ભગવાને તેઓને સ્વપ્નમાં દર્શન દીધાં કહ્યું કે, 'તારે ત્યાં પુત્ર જન્મશે તે મહાપરાક્રમી થશે. તેનું નામ અમર બની રહેશે. તેનું નામ શિવાજી રાખજે.' છેવટે વિ.સં. ૧૬૮૩ના ફાલ્ગુન કૃષ્ણ તૃતીયાના દિને હિન્દુ ધર્મ રક્ષક પુત્રનો જન્મ થયો. નામ શિવાજી રખાયું. (અંગ્રેજી તારીખ ૬ એપ્રિલ ૧૬૨૭).
શાહજી સતત યુદ્ધોમાં રહેતા. એક તરફ ગોલકોન્ડા તો બીજી તરફ મુઘલોનાં આક્રમણો થતાં દરમિયાન શાહજીએ તુકોબાઈ મોહિતે નામક યુવતી સાથે લગ્ન કર્યાં. જીજાબાઈ લગભગ ત્યકતા બની રહ્યાં. તેઓ શિવાજીને લઈને શિવનેરના સુરક્ષિત દુર્ગમાં જઈ વસ્યાં. શાહજીએ તેઓનાં ભરણપોષણ માટે શિવનેર તાલુકા ઉપરાંત બીજા બે તાલુકા પણ જીજાબાઈ અને શિવાજીને આપ્યા. આમ શિવાજી ત્રણ તાલુકાનાં તાલુકદાર બની રહ્યાં.
શાહજીએ શિવાજીને અભ્યાસ માટે દાદા કોણદેવ નામક એક વિદ્વાન બ્રાહ્મણને નિયુક્ત કર્યા. તેઓ શિવાજીને રામાયણ, મહાભારત, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર તથા યુદ્ધ વિદ્યા પણ ભણાવતા. બ્રાહ્મણો યુદ્ધ વિદ્યા પણ જાણતા હતા, તે તો સર્વવિદિત છે. સાથે શિવાજીને ખડતલ બનાવવા વ્યાયામ પણ શીખવાડતા.
શિવાજી કિશોર થતાં બીજા જમીનદારોના પુત્રોને લઈ સહ્યાદ્રી પર્વતમાળાનાં વનોમાં ઘૂમતા રહેતા હતા. આ તરફ કોણદેવે જાગીરની વ્યવસ્થા બરોબર હાથમાં લીધી. માવલી સૈનિકોનું એક નાનું સૈન્ય ઉભું કરી જાગીરને ડાકુઓથી મુક્ત કરી ખેડૂતો જેઓ ડાકુઓના ત્રાસથી
નાસી ગયા હતા તેમને પાછા બોલાવી જમીન ઉપજાઉ કરી.
શિવાજી ૧૬ વર્ષના થયા ત્યારે બીજાપુરના સુલ્તાને શાહજીને તેમના પુત્રને લઈ આવવા કહ્યું. પરંતુ શિવાજીએ તેમને કુર્નિસ ન કરી. તે પૂર્વેની એક વાતનો ઉલ્લેખ જરૂરી છે. માતા જીજાબાઈ એક મહાન પવિત્ર વિદુષી સન્નારી હતાં. તેઓ પણ શિવાજીને રામાયણ, મહાભારત વગેરે શીખવાડતાં ત્યારે રામભક્ત શ્રી હનુમાનજી અને મહાબલી ભીમસેન, ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ તેમના હૃદયમાં વસી ગયા. તેઓ હિન્દુઓની આ કરૂણ સ્થિતિ સહી શક્યા નહીં. તેઓ દક્ષિણમાં યાત્રાએ ગયા ત્યારે મહાન વિજયનગર સામ્રાજ્યનાં ખંડેરો જોઈ દ્રવિત થઈ ગયા.
હવે શિવાએ પોતાની જાગીર રાજ્યમાં ફેરવવા નિર્ણય કર્યો. વિજ્યા દશમીના દિને 'તોરણ' બાંધવાનો નિર્ણય કરી તોરાણાનો દુર્ગ જીતી લીધો. તે દુર્ગ બીજાપુરનો હતો. બીજાપુરના સુલ્તાને તુર્ત જ કાસદ મોકલી શિવાજીને તે દુર્ગ પરત આપવા હુકમ કર્યો. (કારણ કે શિવાજી છેવટે તો બીજાપુરના જ તાલુકદાર હતા) તેઓએ ઉત્તર પાઠવ્યો કે તોરાણાનો કિલ્લેદાર તદ્દન નિર્બળ છે, આ દુર્ગ રાજ્યમાં રક્ષણ માટે મહત્વનો છે તેથી મેં રાજ્યની સુરક્ષા માટે આ કિલ્લો કબ્જે કર્યો છે.
આ દુર્ગનું સમારકામ કરાવતાં તેના પાયા નીચેથી બહુ મોટો ખજાનો એક ચરૂમાં મળી આવ્યો. હવે શિવાજીએ એક પછી એક દુર્ગો જીતવા શરૂ કર્યા. બીજાપુરના એક સેનાપતિએ ત્યાં સુધી કહી દીધું કે, 'શિવાજીને જીતી શકાય તેમ નથી.'
એક લોકવાયકા તેવી છે કે રાત્રે તોરાણાના દુર્ગ ઉપર ચંદન ઘો સાથે રસ્સી બાંધી તે ઘોને ઉપર સુધી ચઢાવી મરાઠા સૈનિકો અને ખુદ શિવાજી પણ ગઢ ઉપર ચઢી ગયા અને કિલ્લેદાર કશી તૈયારી પણ કરી શકે તે પહેલાં તો તેને પરાસ્ત કર્યો. દુર્ગમાં બીજાપુરની સેનાની મોટી ટુકડી હતી છતાં મુઠ્ઠીભર મરાઠા તે જીતી શક્યા તેથી ત્યાં રહેલાં ભવાની માતાના મંદિરે દર્શન કરવા ગયા. આ મંદિર બીજાપુરના મુસ્લીમ સુલ્તાને તોડયું ન હતું પરંતુ તે બંધ કરાવી દીધું હતું. તે ઉઘાડી શિવાજી તુલજા ભવાનીનાં દર્શને ગયા ત્યારે માતાજીએ જ તેઓને તલવાર આપી અને આશીર્વાદ આપ્યા કે તું અજેય બની રહીશ. શિવાજી એક પછી એક દુર્ગ જીતતા ગયા.
દરમિયાન તેઓને ખબર મળ્યા કે બીજાપુરમાંથી ખજાનો કલ્યાણ તરફ જઈ રહ્યો છે. તેઓએ માર્ગમાં જ તે ખજાનો લઈ કલ્યાણ તરફ જતી બીજાપુરની સેનાને પરાસ્ત કરી કલ્યાણ ઉપર હુમલો કરી તે લૂંટી લીધું. શિવાજીની ધાક એટલી બધી હતી કે રાજ્યપાલ કુટુમ્બ છોડી નાસી ગયો. તેની એક અતિ સુંદર પુત્રવધૂ અપ્પાજી સોનદેવ નામક સરદારના હાથમાં આવી. તેણે તે શિવાજીને ભેટ આપવા શિવાજી પાસે લઈ ગયો ત્યારે શિવાજીએ તેને પ્રણામ કરી કહ્યું, 'માતા મારા માતુશ્રી પણ આપની જેવા સુંદર હોત તો હું પણ સુંદર જન્મ્યો હોત, આપને આપનાં કુટુમ્બ સાથે માનપૂર્વક મોકલી આપીશ.' શિવાજીએ તેને એક પાલખીમાં રક્ષકો સાથે તેના કુટુમ્બને મોકલી આપી. અપ્પાજી સોનદેવને બધાની હાજરીમાં ભારે ઠપકો આપ્યો. શિવાજીની ખ્યાતિ ચારે તરફ ફેલાઈ રહી.
હવે શિવાજીએ એક પછી એક દુર્ગ જીતવા શરૂ કર્યા. બીજાપુર સુલ્તાન કુતુમશાહે શાહજીને કેદ કર્યા. શિવાજીએ મુઘલ સુલ્તાન શાહજહાંને પત્ર લખી કહ્યું, 'હું આપનો મનસબદાર બનવા તૈયાર છું પરંતુ મારા પિતાશ્રીને મુક્ત કરાવો.' શાહજહાંએ કુતુમ શાહે પત્ર લખી શાહજીને મુક્ત કરાવ્યા શિવાજીને ૫૦૦૦ની સેનાના મનસબદાર બનાવ્યા. (ક્રમશ:)
- દિનેશ દેસાઈ


