Get The App

દુ:ખદ ઘટનાઓ થકી ઈશ્વર માણસને ચકાસે છે

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
દુ:ખદ ઘટનાઓ થકી ઈશ્વર માણસને ચકાસે છે 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- રાત પછી પ્રભાત આવે છે, તેમ દુ:ખ પછી સુખ આવવાનું જ છે. નિરાશ થવાની જરૂર નથી. વાસ્તવિક્તાનો સ્વીકાર કરતાં શીખો

'પો તાનાં જેવાં દુ:ખો સહેવાની તાકાત અન્યમાં ભાગ્યે જ હશે' એવું માનીને ચાલતા, દુ:ખ બાદ સુખની ક્ષણો પામેલા એક પ્રકારની ગર્વની લાગણી અનુભવતા હોય છે. માણસને માત્ર દુ:ખ ભોગવ્યું તેનો જ આનંદ નથી હોતો, પોતે 'દુ:ખવીર' ઠરે અને લોકો પોતાની સહિષ્ણુતાની નોંધ લે એવી પ્રશસ્તિ માટે પણ તે ઉત્સુક હોય છે. પરિણામે દુ:ખના અનુભવોને બહલાવી બહલાવીને કહેવામાં વર્ણવવામાં માણસને મજા આવતી હોય છે.

ખરું પૂછો તો આપણે દુ:ખને વધારે પડતું મહત્વ આપી જીવનની સહજ ગતિને અપમાનિત કરીએ છીએ. એટલે સુભાષિતકારોએ એ વાત માણસને વારંવાર સમજાવી છે કે જે થવાનું નથી, તે નથી જ થવાનું અને જે થવાનું છે, તેમાં કશો ફેરફાર નથી થવાનો. આ પ્રમાણેનું ઔષધ ચિંતારૂપી વિષથી હણાયેલો માણસ કેમ નથી પીતો ? મરણ, વ્યાધિ, અને શોકના મોટા ભયથી આ સંસારમાં આપણે કોઈ દૂર નથી. એથી આપણે ઇચ્છીએ, કલ્પીએ, માનીએ કે જેની રાહ જોતાં હોઈએ એનાથી કશુંક વિપરિત બને, તેને દુ:ખ માનીને દેકારો મચાવતાં હોઈએ છીએ. અને એવા દુ:ખમાંથી ત્રાણ મળ્યા બાદ પોતે કેવી ખુમારીથી સામનો કર્યો, તેવી બડાશ હાંકતા હોઈએ છીએ.

દુ:ખમાંથી ત્રાણ અનેક રીતે શક્ય બને. ખુમારીપૂર્વક દુ:ખ સામે યુદ્ધે ચઢવાથી, કોઈકની મહેરબાનીના યાચક બનીને અથવા સિદ્ધાંતો કે આદર્શોનું બલિદાન આપીને માણસ દુ:ખ મુક્ત બને છે, ત્યારે પોતે કેવળ દુ:ખ મુક્તિના આનંદને વાગોળ્યા કરે છે. આત્મદર્શન નથી કરતો. પરિણામે પોતે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેનું ગણિત માંડી શક્તો નથી. અને જગતને તો ઊગતા સૂરજની પૂજા કરવાની આદત છે. અહીં ફાવેલો માણસ જ ડાહ્યો ગણાય છે. તાવેલો (કસોટીમાંથી પસાર થયેલો) નહીં ? પરિણામે દુ:ખ સહન કરીને ફાવેલા લોકો દુ:ખ સહન કર્યાનું મૂલ્ય સમાજ કે રાષ્ટ્ર પાસેથી વસૂલ કરી લેતા હોય છે. દુ:ખે તેમને માંજ્યા કે મલિન કર્યા, એટલું જ વિચારવાની તમારામાં આવડત ના હોય, તો તમારા જેવો બીજો ભોટ કોણ ?

દુ:ખની ચિંતા ન કરવી અને સુખમાં છકી ન જવું એ જ જીવન પ્રત્યેનો સાચો અભિગમ કહેવાય ! દુ:ખથી ડરાય નહીં અને એ આવે ત્યારે એને 'વળતો' જવાબ આપ્યા વગર જવાય ન દેવાય. એમ પણ બને કે દુ:ખના આક્રમણ સામે તમે ટકી ન શકો, પણ દુ:ખને તમે 'ભારે પડયા છો' - એ વાતની નોંધ તો સમયના ચોપડામાં નોંધાવાની જ.

સુખ માણસને એટલા માટે ગમે છે કે એને કારણે માણસ એક પ્રકારની શાંતિ અનુભવે છે. પોતાને ફાવતું ને ભાવતું મળવાને કારણે માણસનું મન એક પ્રકારની પરિતૃપ્તિ અનુભવે છે. સુખ માણસને ચિંતા અને ઉપાધિથી મુક્ત રાખે છે. એટલે માણસ દુ:ખના તાપને બદલે સુખની શીતળ છાયામાં ચાલવાનું પસંદ કરે છે.

પણ માણસનાં સુખ-દુ:ખની વ્યાખ્યા વ્યક્તિગત અને સાપેક્ષ છે. સ્થળ, સમય, સંજોગો, આવશ્યક્તા અને રુચિ તથા જીવના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાતાં એક પરિસ્થિતિમાં સુખદ લાગતી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ... ઘણીવાર અપ્રિય, અવાંછનીય કે ત્યાજ્ય બની જતી હોય છે. કારણ કે સુખ સાથે એક રાગાત્મક નાતો બંધાતો હોય છે અને જ્યાં રાગાત્મકતા છે, ત્યાં દુ:ખનો પડછાયો પણ લગોલગ ચાલવાનો જ. સુખ-દુ:ખ એવા બે ભાગોમાં જીવનની નીરખવાની વૃત્તિને કારણે જ માણસ દુ:ખનો અનુભવ વધારે કરે છે. માણસે જીવનની એ વાસ્તવિક્તા સ્વીકારવી જ રહી કે જીવનની પરિવર્તનશીલતામાં સુખની સાથે દુ:ખ પણ સંકળાયેલું છે. સતત છાંયડો રહેવાનો નથી.

સુખ માણસને ગમે છે, કારણ કે સુખની સ્થિતિમાં માણસની સ્વાર્થપૂર્ણ ગણતરી પણ હોય છે. જો એમ ન હોત તો વિજેતા ઉમેદવાર કે પદ પામનાર વ્યક્તિને હારતોરા કરવા માણસો પડાપડી ન કરતા હોત. જીતેલાને વધવવા જગ દોડે છે, પણ હારેલાને આશ્વાસન આપવાનો વિવેક દાખવવાની મોટાભાગના લોકોને ફુરસદ હોતી નથી.

દુ:ખ માણસની કસોટી કરે છે : તન, મન, ધનથી. દુ:ખ માણસના વ્યક્તિત્વની કસોટી કરે છે. એના સ્વભાવની એના ધૈર્યની એની સહિષ્ણુતાની, એના આત્મબળની, એની કુનેહની, એની પડકારો ઝીલવાની શક્તિની, એના મનોબળની, એની ખુમારી અને ખમીરની. કાચાપોચો માણસ આવી આકરી પરીક્ષામાં ટકી શક્તો નથી એટલે એ નિરાશા, હતાશા, વ્યગ્રતા, અસ્વસ્થતા અને ક્યારેક અવિચારીપણાની ખીણમાં સરી પડે છે. મોટાભાગના માણસો કોઈ આકસ્મિક દુ:ખ, પરાજય, દુર્ગતિ, કે એવી કોઈપણ અપ્રિયકર પરિસ્થિતિ આવે ત્યારે એક જ દલીલ કરતાં હોય છે કે 'મેં આવું નહોતું ધાર્યું' આવી દલીલ એ માણસના જીવન પ્રત્યેનું અને જાત પ્રત્યેનું અજ્ઞાન છે. જીત અને હાર, ઉત્થાન અને પતન, રુદન અને હાસ્ય, મિલન અને વિરહ એ જ રીતે સુખ અને દુ:ખ - આમ જીવનની ચાલમાં બન્ને પાસાંનો સમન્વય છે. દુ:ખદ ઘટનાઓ તો કુદરતે માણસને ચકાસવા મોકલેલા પરીક્ષકો છે. આત્મશ્રદ્ધા આપણી પ્રતિકૂળ ક્ષણોમાં આપ સંગે રહેનારી માતા છે. એટલે માણસે પોતાની જાતને અવમૂલ્યન કરવાની દુષ્ટવૃત્તિથી દૂર રહેવું જોઇએ. દુ:ખ ટાળ્યું ટળવાનું નથી એમ માનીને, નિરાશ થવાને બદલે વાસ્તવિક્તાનો સ્વીકાર કરી દુ:ખો સામે લડતા રહેવું એ જ આપણો ધર્મ છે.