- વિશ્વભરમાં ભારત જ એક માત્ર તેવો દેશ છે કે જ્યાં દુનિયાની તમામ પ્રકારની વનસ્પતિ, ધ્રુવવૃત્તનાં ટૂંકા ઘાસથી માંડીને વિષુવવૃત્તીય વિશાળ વૃક્ષો છે
દુ નિયાનો નકશો જુઓ. દુનિયાનાં એક માત્ર ફરીથી, કહું છું - એક માત્ર દેશ તેવો છે કે જ્યાં ધ્રુવવૃત્તનાં ટૂંકા ઘાસથી વિષુવવૃત્તીય પ્રદેશનાં વિશાળ વૃક્ષો છે. હિમાલય, હિમાચલ પ્રદેશ - ઉત્તરાખંડ કે અરૂણાચલના પર્વતોના ઉપરની ટોચો બારેમાસ હિમાચ્છાદિત રહે છે. તેની નીચે ટુંડ્ર પ્રદેશમાં થાય તેવાં ટૂંકા ઘાસ છે તેથી નીચે શંકુદ્રુમ કે શંકુ દ્રુમ પ્રકારના વૃક્ષો આવેલા છે. તેથી નીચે યુરોપીય વિસ્તારોના ઉત્તરના ભાગે તેમજ ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ૫૦ અશાંશથી નીચે જોવા મળતાં ખરાઉ વૃક્ષો (જે શિયાળે પાન ખેરવી નાખે છે) આવેલાં છે તેવા વૃક્ષો પણ હિમાદ્રીનાં કંદોરના ભાગે રહેલાં છે.
તમો કહો શો કે શિયાળુ વરસાદમાં ભૂમધ્ય પ્રદેશના તટ વિસ્તારમાં મળતાં ચીકણાં અને જાડાં પાનવાળા વૃક્ષો ક્યાં છે? તો જાણો : મિઝોરમ તથા જમ્મુ અને કાશ્મીરના પૂર્વના ભાગો તથા લડાખના છેડાના ભાગોમાં શિયાળુ વરસાદ થાય છે. ત્યાં ભૂમધ્ય સમુદ્રના તટ પ્રદેશ જેવી જ આબોહવા છે. ત્યાં અખરોટ, ઓક, પેન, નીલગીરી (યુકેલિપ્સટ) વૃક્ષો પણ ફૂલે ફાલે છે. આ વિસ્તારો પૈકી હિમાલયનાં શિખરોની નીચેના ભાગમાં પશ્મીનો પ્રકારનાં બકરાં જોવા મળે છે. (આપણે ફલોરા સાથે ફૌનાની પણ વાત કરીએ. વનસ્પતિ સાથે પ્રાણીજીવની વાત કરીએ તો) અહીં રીંઝ અને વરૂ, શિયાળ, લોંકડી જેવા પ્રાણીઓ હોય છે. તિબેટ તરફના ઢોળાવમાં શ્યોર-ફૂટેડ યાક જોવા મળે છે.
હવે મેદાનોમાં આવીએ : આ વિસ્તાર ઘાસ (લાંબા ઘાસ)થી ભરપૂર છે. વચ્ચે વચ્ચે ઝાડીઓનાં ઝૂંડ મળે છે. આ વિસ્તાર ઘાસનાં બીડોનો વિસ્તાર છે જે યુ.એસ.ના પ્રેરીઝ, મધ્ય એશિયાનાં સવાના દ.અમેરિકાનાં પમ્પાઝ પ્રદેશ જેવો છે. આ વિસ્તાર ખેતી માટે સૌથી વધુ અનુક્રમે છે. ઘઉં, જવ, મકાઈ મુખ્ય પાકો છે. પ્રાણી સૃષ્ટિમાં તો ભગવાને મ્હેર કરી છે. ઘાસમાં 'કેમોફલેજ' થઈ જાય તેવા કાળા-પીળા પટ્ટાવાળા વાઘથી શરૂ કરી વરૂ, શિયાળ, તેંદૂઆ, (દીપડા), વાનર, લોંકડી (કેહુટ). આહાહાહા એક જુઓને એક ભૂલો તેવી પ્રાણી અને પશુ સૃષ્ટિ સર્જનહારે સર્જી છે. અહીં 'બંધ' ખરીવાળાં ઝડપથી દોડી શકે તેવા હરણ, કાળીયાર, સાબરશિંગા છે તો ધીમે ચાલતા ફાટેલી ખરીવાળા ગાય, બળદ, ભેંસ પણ છે. અશ્વ, ગાય, ભેંસ, બળદ તો માનવીના આધાર સમાન પશુઓ છે. અહીં સુધીના તમામ પ્રદેશમાં માનવીનો મિત્ર શ્વાન પણ મળે છે. વૃક્ષો તો બહુરંગી, બહુવિધ પક્ષીઓથી ગૂંજી રહ્યાં છે.
ફરી દુનિયાનો નકશો જુવો તો જોવા મળશે કે ૨૩.૫ ડીગ્રીના ઉત્તરના કર્કવૃત્ત કે ૨૩.૫ ડીગ્રીનાં દક્ષિણનાં મકરવૃત્તની ઉત્તર અને દક્ષિણ બાજુએ પાંચ પાંચ ડીગ્રી સુધી રણ પ્રદેશ ફેલાયેલો છે. ભારતનો વિશાળ ભાગ - રાજસ્થાનથી શરૂ કરી છેક આરાકાનયોમા અને મહારાષ્ટ્રથી મીઝોરમ અને બાંગ્લાદેશનાં (જે મૂળ ભારતનો ભાગ જ હતું) ચટગાંવ સુધીનો વિશાળ પટ્ટો તો રણ જ બની રહેલો જોઈએ. પરંતુ 'દેવાત્મા' હિમાલય સાથે અથડાઈને સૂર્યકિરણો સિંધુ ગંગાનાં, વિશેષત: ગંગા યમુનાના મેદાનો અને મધ્ય પ્રદેશથી શરૂ કરી બિહાર સુધીનો વિસ્તાર તપાવે છે તેની ગરમ હવા ઊંચે જાય છે, તેનું સ્થાન લેવા અપરાંત સમુદ્ર (અરબી સમુદ્ર) અને પૂર્વમાં પૂર્વ-સાગર (બંગાળના ઉપસાગર)ની ઠંડી હવા ધસી આવતા વર્ષા થાય છે. ઉનાળુ વર્ષા તે ભારત માટે આશિર્વાદ છે. (ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં શિયાળુ વર્ષા થાય છે.) આ વર્ષા જ ભારતનો 'જીવન-આધાર' છે માટે તો ભારતનું સંપૂર્ણ નામ જ ભારત વર્ષ છે. વર્ષ શબ્દ જ વર્ષા ઉપરથી આવ્યો છે. वर्षायां इदम् इति वर्षम् વધુ દક્ષિણે જોઈએ તો લાંબા ઘાસનાં બીડો છે. જેવાં આફ્રિકાના સુદાન, સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લિક ઉ.નાઈજીરીયા, દક્ષિણે ઝિમ્બાબ્વે, ઝાંબીયા વગેરેમાં છે. અહીં વૃક્ષોની ઝાડીઓ પણ છે, હિંસક પ્રાણીઓ સર્પ વગેરે ફૌના (જીવ-સૃષ્ટિ) છે. ભારતનો આ ખેતીલાયક વિસ્તાર છે. ગરમ હોવાથી, આંધ્ર, તમિલનાડુ અને કેરલ તથા અખંડ ભારતનાં સિંધ પૂર્વમાં બંગાળ, ચોખાનાં વાવેતર માટે વિખ્યાત છે.
હવે આવે છે, વિષુવવૃત્તીય જંગલોનો પટ્ટો. વિષુવવૃત્ત ઉપર સૂર્ય, બારેમાસ તપતો રહેવાથી સમુદ્રનો ભેજ ઉપર જઈ ઠરે છે. બારે માસ અહીં વર્ષા થાય છે. ભારત ૮ ડીગ્રી ઉત્તર અક્ષાંશથી શરૂ થાય છે. પરંતુ દક્ષિણ તમિલનાડુ અને કેરળમાં તો ઉનાળુ વર્ષા પણ થાય છે, અને શિયાળામાં બંગાળના ઉપસાગર પરથી આવતા પવનો વર્ષા લાવે છે માટે માર્ચથી જૂનનાં પ્રથમ સપ્તાહ બાદ કરતાં ૯ થી ૧૦ મહિના વરસાદ પડે છે. અહીં વિષુવવૃત્તીય જંગલો છેક દક્ષિણ કર્ણાટક સુધી ફેલાયેલાં છે. અહીં હાથી સૌથી મહત્વનું પશુ છે. નીલગરી પર્વતમાળાની ઉત્તરનાં તલાઈ મનાર ક્ષેત્રમાં તો ધોળે દિવસે અંધારૃં રહે તેવી ઘટાટોપ ઝાડી છે, તો બીજી તરફ ઉત્તર પશ્ચિમે રાજસ્થાનનું રણ પથરાયેલું છે. ઊંટ તેનું જીવનાધાર સમાન પશુ છે.
આમ દુનિયાનો એક માત્ર દેશ ભારત જ તેવો છે કે જ્યાં તમામ પ્રકારની વનસ્પતિ છે. તમામ પ્રકારના પાક લઈ શકાય છે. અહીંનું વટવૃક્ષ, પીપળો, લીમડો અને આમ્રવૃક્ષ વિશિષ્ટતાઓ છે. ભારત જેવી કેરી ક્યાંય મળી શકતી નથી.
તિબેટ કે ધ્રુવ વૃત્ત કે રણ પ્રદેશમાં જન્મ્યા હો તો પશુને મારી ખાવાં જ પડે પરંતુ ભારત જ્યાં તમામ વનસ્પતિ છે, ત્યાં શાકાહાર જ સહજ હોઈ શકે.
જુઓ ઓસ્ટ્રેલિયા ખંડ તેનો ૮૦ ટકા વિસ્તાર તો રણપ્રદેશ છે. તેના ઉત્તર પશ્ચિમે નાની નાની નદીઓએ રચેલું નાનું તળાવ છે. આસપાસ ચારે તરફ રણ છે માટે તો તે લેઇકનું નામ જ 'બેઈક ડીસએપોઈન્ટમેન્ટ' છે. ફીલીપાઇન્સ તો ટાપુઓ છે. અહીં રણનો વિસ્તાર હોઈ શકે જ નહીં. ચીનની ઉત્તરે ગોબીનું રણ છે. પરંતુ ત્યાં ૨૩.૫ ડીગ્રી છેક દક્ષિણે છે. વિષુવવૃત્તીય જંગલો નથી. વર્તમાન પાકિસ્તાન શરૂ કરી છેક મોરોક્કોથી દક્ષિણ સુધી વિશાળ રણ પ્રદેશ છે. અમેરિકામાં પણ એરિઝોમાનો અર્ધ રણ પ્રદેશ છે. મેક્ષિકોમાં સૂકો પ્રદેશ તેના કાંઠા ઉપર છે. તે મોસમી પવનોનો પ્રદેશ છે. તેમજ ઓસ્ટ્રેલિયાનો ઉત્તરનો ભાગ મોસમી પવનોમાં આવે છે પરંતુ તે કોઈ દેશમાં ભારત જેટલાં બહુવિધ શાકભાજી નથી. સિવાય કે દક્ષિણ પૂર્વ એશિયાય દેશો. પરંતુ ત્યાં શીત પ્રદેશો કે ભૂમધ્ય સાગર પ્રદેશ જેવી વનસ્પતિ નથી. ૧૮ ભાર વનસ્પતિ એક માત્ર ભારતમાં જ છે તેથી માંસાહારની જરૂર નથી માટે જ હિન્દુ ધર્મમાં વિશેષત: જૈન ધર્મમાં अहिंसा परमो धर्मः કહ્યો છે. પૂજ્ય બાપુએ પણ સત્ય અને અહિંસાનો બીજમંત્ર ભારતને આપ્યો છે.
- દિનેશ દેસાઈ


