- એક જ દે ચિનગારી-શશિન્
- સમયની નાડ પારખી હારને જીતમા બદલવાના પાંચ રસ્તા કયા ?
દાદા પૌત્રને કહે છે : 'દીકરા, સમયની નાડ પારખીને જીવીશ તો તારું જીવન નિર્વિઘ્ન રહેશે. સમય રાગદ્વેષથી પર છે. એનું કામ છે સદા વહેવાનું. પૃથ્વીના અસ્તિત્વથી આજ દિન સુધી બનેલી ઘટનાઓનો સમય સાક્ષી છે અને ભવિષ્યની ઘટનાઓનો એ સાક્ષી રહેવાનો છે. સમય તો બેતાજ બાદશાહ છે.'
દીકરાએ દાદાજીની વાત ગાંઠે બાંધી લીધી.
સમય તો કાળો કાંબળો ઓઢીને ઘૂમનારો અવધૂત છે. 'દૂ જો દાગ ના લાગે કોઈ' એ ઉક્તિને સાર્થક કરે છે. સમયને પોતાની ઋતુ હોય છે અને એ ઋતુ અનુસાર જ ફળ આપતો હોય છે. કાળ નથી પ્રેમાળ કે નથી વિકરાળ - નથી જવાબદાર કે નથી બે જવાબદાર. એ નથી કરતો વિષનું વમન કે નથી કરતો તાંડવ. જે કાંઈ ઘટનાઓ બને છે એ પ્રકૃતિના નિયમોને આધીન હોય છે અને કેટલીક દુર્ઘટનાઓ માનવજાતે સ્વયં નોતરેલી હોય છે.
સારા, નહીં ગએલા વર્ષને કોઈ વખોડે ત્યારે સમય હસે છે. કોઈ લાભદાયક વર્ષને વખાણે ત્યારે પણ સમય હસતો હશે. ઘટનાઓનું તટસ્થપણે નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં માણસ ઠોઠ નિશાળિયો સાબિત થયો છે. માણસને પોતાની ભૂલો અને વિકૃતિઓને સમયને માથે ચઢાવવાની આદત છે. પ્રત્યેક વર્ષ માણસોની નાદાની મૂર્ખામી, અમાનવીયતા, અવિચારીપણું સંકીર્ણતા, દુરાચાર, ભ્રષ્ટાચાર અને લોભ તથા સ્વાર્થથી દૂષિત વર્તનનું દુષ્પરિણામ બને છે. માનવજાતિને આત્મદર્શન કરવાની ટેવ નથી એટલે હાથે ચઢે એવાં કારણો શોધીને તે સંતોષ માની લે છે આપણે સમયને વેડફીએ છીએ માટે સમય આપણને દંડ આપે છે.
જીવન પ્રેરક ચિંતન રત્નોમાં (મુકેશ પટેલ, પ્રકૃતિ શાહ) સમયની લાજ જાળવવાની વાત સમજાવવામાં આવી છે તદનુસાર 'એક વર્ષ એટલે શું, જાણવું છે એનું મૂલ્ય ? તો પૂછો એ વિદ્યાર્થીને જે અંતિમ પરીક્ષામાં ઉત્તીર્ણ નથી થયો. એક મહિનાનું મૂલ્ય શું એ સમજવા આઠમા માસે પ્રસવેલા શિશુની માતાને પૂછે.'
એક સપ્તાહનું મૂલ્ય સમજવા કોઈ સાપ્તાહિકના તંત્રીને પૂછો. એક કલાકની ઘડીઓ કેટલી, પૂછો મળવા તત્પર પ્રેમીઓને. એક મિનિટની કીંમત સમજવા બસ, ગાડી કે વિમાન ચૂકી ગયેલા મુસાફરને પૂછો.
એક સેકંડના મહત્વને સમજવા અકસ્માતમાં બચી ગયેલા માણસને પૂછો. એક મીલીસેકંડનું મહત્વ અને મૂલ્ય સમજવા પૂછો ઓલમ્પિકમાં રજતચંદ્રક જીતનારને.
જીવનની તુલના ઘડિયાળ સાથે કરતાં કહેવામાં આવ્યું છે કે ઘડિયાળને ચાવી એક જ વાર અપાય છે. કોઈ ભાખી ન શકે કે ઘડિયાળના કાંટા ક્યારે ચાલતા થંભી જશે, મોડી રાત્રે કે વહેલી સવારે તમારી પાસે તો માત્ર વર્તમાન છે. જીવો, ચાહો, સારાં કામો કરો, આવતી કાલને ભરોસે ન રહો, કારણ કે ઘડિયાળ ગમે ત્યારે બંધ થઇ શકે છે.
માણસના ઘડિયાળનું કંટ્રોલિંગ સમય પાસે છે. કવિ હરિવંશરાય બચ્ચને ઉચિત જ કહ્યું છે કે
'પ્યાલા હૈ, પી પાએંગે
હૈ જ્ઞાત નહીં ઇતના હમકો
ઇસ પાર નિયતિને ભેજા હૈ,
કિતના અસમર્થ બના હમકો.'
જીવનમાં બધું જ ઋતુ અનુકૂળ સંપન્ન થતું હોય છે. સંત કબીરની આ વાત કેટલી બધી મહત્વની છે કે -
'ધીરે ધીરે રે મના,
ધીરે સબકુછ હોય,
માલી સિંચે સો ઘડા,
ઋતુ આયે ફૂલ હોય.'
યાદ રાખો : સમય દર્દ પણ છે અને દવા પણ.
માણસ વાતવાતમાં કહેતો હોય છે કે સમય પસાર થઇ ગયો, વહી ગયો. રાજકવિ ભતૃહરિ એ વાત સમજાવે છે કે સમય જતો નથી, આપણે જઈ રહ્યા છીએ. તૃષ્ણાઓ છિન્ની થતી નથી, આપણે છિન્ન થઇ રહ્યા છીએ. વાળ સફેદ થતા નથી આપણે સફેદ થઇ રહ્યા છીએ.
હેનરી ડબલ્યૂ લોંગફેલોના પ્રેરક શબ્દોમાં 'સમયની આ દીવાલો પર કામ કરતાં સૌ કોઈ છે ભાવિનો શિલ્પી. આપણે જે કોઈ ઇમારત રચીએ સમયની સાધન સામગ્રી પણ એમાં પૂરાશે. આપણી આજ અને ગઇકાલ પત્થર છે. જેના થકી મકાન રચાશે. એટલે એને આજે જ મજબૂત અને પાકું, દ્રઢ અને વિશાળ બનાવો.'
સમયની નાડ પારખી હારને જીતમાં બદલવાના પાંચ રસ્તા કયા ?
૧. તમારી વાતોમાં લોકો રસ લે, એના કરતાં લોકોની વાતમાં તમે વધુ રસ લો.
૨. સતત વાવણી કરતા રહો, માત્ર લણવા માટેના કીમિયા ઉપયોગી નહીં નીવડે.
૩. લોકો પાસે ઉપદેશક બનીને નહીં પણ મિત્ર બનીને જાઓ. જેના પર રાજ કરવું છે તેના કરતાં મોટા દેખાવાની કોશિશ ન કરો.
૪. તમારા પ્રતિસ્પર્ધીની નિંદા કરીને કે ભાંડીને તમે મોટા નહીં બની શકો.
૫. તમારી જાતને બીજા કરતાં ચઢિયાતી માની ઠાલાં વચનો અને પ્રલોભનો આપવાની પ્રવૃત્તિથી દૂર રહો.


