Get The App

એ આત્મહત્યાની ધમકી આપે છે !

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
એ આત્મહત્યાની ધમકી આપે છે ! 1 - image

- રજનીગંધા-વિભાવરી વર્મા

- 'તારે બધી એકઝામોમાં સારા માર્કસ લાવીને શું ધાડ મારવી છે ? પૈસા તો મારે જ કમાવાના છે ને ? તું ઘર સંભાળજે...'

પૂર્વી સખત ટેન્શનમાં હતી. કેટલાય દિવસથી મનમાં ને મનમાં ઘુંટાયા કરતી હતી. આખરે એક દિવસે કોલેજથી પાછા ફરતાં પોતાના બસ-સ્ટોપ પર ઉતરી જવાનું જ ભૂલી ગઈ ત્યારે તેની બહેનપણી સ્મિતાએ તેને ઢંઢોળી !

'ક્યાં ખોવાઈ ગઈ છે પૂર્વી ? કેટલા દિવસથી જોઉં છું, સાવ બાઘી બનીને ફર્યા કરે છે...'

'હવે તને શું કહું સ્મિતા ? પેલો ધનંજય-'

'એ હલકટ હજી તને હેરાન કરે છે ? તેં એના ફોન ઉપાડવા બંધ કર્યા, એને બ્લોક કરી દીધો છે, છતાંય ?'

'હા, હવે એ મને વાયા વાયા ધમકી આપે છે કે હું એની સાથે રિલેશન નહીં રાખું તો એ મારા ઘરની સામે આવીને છરી વડે પોતાનું ગળુ કાપી નાંખશે !'

સ્મિતા ધુ્રજી ગઈ ! આ ધનંજય આવો ખતરનાક નીકળે એની તેને પણ કલ્પના નહોતી. હા, એ વાત સાચી કે પૂર્વીની ધનંજય સાથે ઓળખાણ તેના લીધે જ થઈ હતી. ધનંજય સ્મિતાના એક કઝિનના દોસ્તનો દોસ્ત હતો.

એક રિલેટીવની બર્થડે પાર્ટીમાં એ આવ્યો હતો ત્યારે તેણે વાતવાતમાં પૂર્વીના ફોન નંબર લઈ લીધો હતો. દેખાવમાં એ કંઈ ખાસ નહોતો. એમ તો પૂર્વી પણ ક્યાં એવી બ્યુટિ હતી ? પણ એક તો ૧૮-૧૯ વરસની ઉંમર હોય, ચડતી જવાની હોય, મનમાં રોમાન્સના ખયાલો ઉછળતા હોય અને તનના ઉન્માદ કાબૂમાં ના રહેતા હોય ત્યારે આવો કોઈ છોકરો સામે ચાલીને ભાવ આપવા લાગે તો કઈ છોકરીને ના ગમે ?

પૂર્વીનું પણ એવું જ થયું. શરૂશરૂમાં ઇન્સ્ટાગ્રામમાં ચેટ ચાલી, પછી ફોન પર વાતો ચાલી, પછી મુલાકાતો... પૂર્વીને પણ બધું ગમતું હતું પણ પેલો ધનંજય ધીમે ધીમે 'પઝેસિવ' થવા લાગ્યો.

'પેલા તારા કલાસના છોકરા જોડે કેમ હસી હસીને વાતો કરતી હતી ?' 'ઈન્સ્ટ્રામાં તને પેલા લવ ટાઇપના મેસેજો કોણ મોકલે છે ? એને બ્લોક કર !' 'તને કાલે રાત્રે બોલાવી હતી, તું કેમ ના આવી ?' 'હવે તું મારી છે ! સમજીને ? હું કહું છું એમ જ કરવાનું...' 'તારે બધી એકઝામોમાં સારા માર્કસ લાવીને શું ધાડ મારવી છે ? પૈસા તો મારે જ કમાવાના છે ને ? તું ઘર સંભાળજે...'

પૂર્વી હવે અકળાવા લાગી હતી. પણ કહેવું કોને ? ધનંજયની વાત તો તેણે સ્મિતાને પણ નહોતી કરી. પરંતુ હવે ધનંજય એની લિમિટ ક્રોસ કરી રહ્યો હતો !

'જો એ મારા ઘરે આવીને આવો તમાશો કરે તો ? જો મારા પપ્પાને અને ભાઈને ખબર પડે તો ? જો એ એની સાથેના મારા ફોટા અમારા સમાજના લોકોને મોકલવાનું ચાલુ કરે તો ?' આ તમામ ડરને કારણે પૂર્વી કેટલાય દિવસથી સૂનમૂન ફર્યા કરતી હતી. છેવટે આજે તેનાથી ન રહેવાયું ત્યારે તેણે સ્મિતા આગળ બધી જ વાત કરી દીધી.

'તું ચિંતા ના કરીશ.' સ્મિતાએ કહ્યું 'મારા ઘરે ચાલ, મારો ભાઈ રક્ષેસ બહુ ગિલિન્ડર છે. એની પાસે કોઈ તો ઉપાય હશે જ...'

બે દિવસ પછી પૂર્વી અને સ્મિતા એક ઠેકાણે રક્ષેસને મળ્યા. આખો મામલો સમજી લીધા પછી રક્ષેસે કહ્યું :

'એક કામ કર તું ધનંજયને ફોન કરીને એને બ્રિજ નીચે મળવા બોલાવ.'

'પણ એ મારી સાથે ઝગડો કરશે. મને મારવાની વાત કરશે ! કદાચ મારે પણ ખરો ! ના ભૈશાબ, હું એને મળવા નહીં જાઉં !'

'તારે મળવા જવાનું જ નથી ! તું માત્ર પ્રેમથી ફોન કરને ? બાકીનું હું સંભાળું છું.'

પૂર્વીએ ફોન કર્યો. ચાર દિવસ પછી રાત્રે નવ વાગે ધનંજયને બ્રિજ નીચે મળવા બોલાવ્યો પણ ધનંજય ત્યાં આવ્યો જ નહીં !

આ શી રીતે બન્યું ? છતાં રક્ષેસે ફરી ફોન કરાવડાવ્યો કે 'તું કેમ ના આવ્યો ? મેં તારી કેટલી રાહ જોઈ ? સારું ચાલ, હવે તું આવતા રવિવારે મને ગાર્ડન પાછળ મળવા આવજે...'

ધનંજય ત્યાં પણ ના આવ્યો ! પૂર્વીને નવાઈ લાગી રહી હતી ! રક્ષેસે કહ્યું 'હવે તું એને એપમાં લોકેશન મોકલીને ત્યાં મળવા બોલાવ... અને હા, સતત તું એની સાથે ફોનમાં એમ જ પૂછતી રહેજે કે તું કેમ મળવા નથી આવતો ? જો એ તને મળવા બોલાવે તો સલુકાઈથી હું કહું છું એ જ ઠેકાણે મળવા બોલાવજે...'

ધનંજય ત્રીજી વાર પણ ફસકી ગયો ! એટલું જ નહીં, એના ફોન પર આવતા બંધ થઈ ગયા ! આ ચમત્કાર શી રીતે થયો ? રક્ષેસે આખરે પેપર ફોડી નાંખ્યું :'જો પૂર્વી, આવી આત્મહત્યાની અને છરી વડે ગળું કાપવાની ધમકી આપનારાઓ અંદરથી તો સાવ ફટ્ટુસ હોય છે ! પરંતુ જો આપણે ડરી જઈએ તો એમની હિંમત વધી જતી હોય છે.'

'હા, પણ તે કર્યું શું !'

'ખાસ કંઈ નહીં ! પહેલીવાર બ્રિજ નીચે મળવાનું નક્કી થયું ત્યારે મેં મારા બે ચાર ફ્રેન્ડો દ્વારા ફોન કરીને એને ખોટેખાટો ડરાવ્યો હતો કે અલ્યા, ભૂલેચૂકે ત્યાં જતો નહીં ! કેમકે તને લાકડીઓ વડે મારવાનો આખો પ્લાન બનેલો છે ! તું છ-સાત જણા સામે ઝીંક નહીં ઝીલી શકે !'

'એટલે જ એ ડરી ગયો.'

'બીજી વખત ગાર્ડન પાછળ બોલાવ્યો હતો ત્યારે તો મેં પૂર્વીની બે ત્રણ ફ્રેન્ડઝ જોડે ફોન કરાવેલો કે ત્યાંથી તો તને કિડનેપ જ કરી જવાનો પ્લાન છે ! તને એટલો મારશે કે તારા સ્પેર-પાર્ટ જ પાછા આવશે ! સંભાળજે, પછી કહેતો નહીં કે તને ચેતવ્યો નહોતો !'

સ્મિતાએ હસતાં હસતાં ઉમેર્યું 'એ મેઇન રોડ પર બાઇક મુકીને ગાર્ડન પાછળની ઝાડીઓમાં બે દિવસ પહેલાં બપોરના ટાઇમે રેકી કરવા ગયો હતો ત્યારે રક્ષેસે એની બાઈકનાં બન્ને ટાયરોની હવા કાઢી નાંખી હતી !'

હવે પૂર્વી હસવા લાગી ! પણ મેપમાં મોકલેલા છેલ્લા લોકેશનનું શું સિક્રેટ છે ? ત્યાં તો ધોળે દિવસે બોલાવ્યો હતો ! અને જગ્યા પણ શહેરની ભીડ વચ્ચે હતી. ત્યાં એ કેમ ના આવ્યો ?

'કેમકે...' રક્ષેસે સિક્રેટ ખોલતાં કહ્યું 'એ લોકેશન એક પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ હતું !'