- રોમ તેના 'તારણહાર'ને આવકારવા અધીરૂં બન્યું. ઠેર ઠેર પુષ્પો ભરેલી કમાનો સજાવવામાં આવી પરંતુ તેઓ રોમમાં દાખલ થયા કે રોમનોના હોંશ ઊડી ગયા.
અટ્ટિલ્લા ધી-હૂણના આક્રમણે રોમન સામ્રાજ્યને બે ભાગમાં વહેંચી નાખ્યું : યુરોપમાં પ્રાચીન યુગનો અંત આવ્યો અંધકારભર્યા મધ્ય યુગનો પ્રારંભ થયો માત્ર કોન્સ્ટન્ટીનોપલમાં દીવી ઝબકતી હતી.
Nations are born stoic, but die epicurian વિલ ડુરાંના આ શબ્દો દરેક દેશને લાગુ પડે છે. ૪થી સદીમાં રોમન સામ્રાજયને તો તે પૂર્ણત: બંધબેસતા હતા તે સમયે રોમન-સામ્રાજ્ય ભ્રષ્ટ નોકરશાહી, છળ-કપટીયા, અને તક-સાધુઓથી ખદબદતું હતું તે બધાની એક જ લાલસા હતી, 'સંપત્તિ' બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે, તે તરફ જોવાની કોઈ પરવાહ કરતું ન હતું. તેને આંચકો ત્યારે લાગ્યો કે પૂર્વતાર્તારી (ચીનના ઉ.પશ્ચિમ પ્રદેશ)માંથી 'મેલું-પીળું-મોજું' છેક ડોન સુધી પહોંચ્યું છે. (ઈ.સ. ૩૭૩). પરંતુ હાશકારો ત્યારે થયો કે તે પીળું-મેલું-મોજું ડોનથી મધ્ય એશિયા સુધીમાં પથરાઈ અટકી ગયું છે.
૪થી સદીનું રોમ તે મૂળ રોમ જ રહ્યું ન હતું. તે યુરોપની એક પ્રજાને બીજી પ્રજા સાથે અથડાવી પોતાને બચાવતું રહ્યું હતું. ન હતી પ્રાચીન સમયની દુર્ધર્ષ 'લીજીયન્સ' કે ન હતા, અસામાન્ય યોદ્ધાઓ સેન્ચ્યુરિયન્સ.
આ તરફ ડોન ઓળંગી પેલી પીળી-મેલી-પ્રજા, ડાન્યુબ સુધી પહોંચી (૩૯૩ ઈ.સ.) ત્યાં અચાનક રેડાગેસીનસ નામક બાર્બેરિયન સરદારે સ્લાવ્ઝ અને જર્મન્સની સહાયથી રોમન સામ્રાજ્ય પર હુમલો કર્યો. રોમનોએ વીઝી ગોપ્સની મદદથી મારી તો હઠાવ્યો, પરંતુ આ વીઝી-ગોથ્સ (વેસ્ટર્ન-ગોથ્સ) પેલા બાર્બેરિયન્સ કરતાં પણ ખરાબ નીકળ્યા. ત્યારે સમ્રાટ વેલેન્ટાઇનનો મંત્રી સ્ટીલીયો, ડાન્યુબ સુધી પહોંચેલી. મેલા-પીળા-રંગની પ્રજાનો સાથ લેવા ગયો. તેમણે વીઝી-ગોથ્સને મારી હઠાવ્યા.
રોમ તેના 'તારણહાર'ને આવકારવા અધીરૂં બન્યું. ઠેર ઠેર પુષ્પો ભરેલી કમાનો સજાવવામાં આવી પરંતુ તેઓ રોમમાં દાખલ થયા કે રોમનોના હોંશ ઊડી ગયા. આ ઠીંગણી પરંતુ લોખંડી બાંધાવાળી મેલા પીળા રંગની દિવસોથી ન નહાઈ હોય તેવી પ્રજાની ગંધાતી ટુકડીઓ રોમમાં પ્રવેશી ત્યારે હાથના ઇશારાથી તેમનું નામ પૂછ્યું. પહેલી ટુકડીના સરદારે કહ્યું 'હ્યુંગ-ન્'-તે ઉપરથી નામ આવ્યું 'હૂંણ.'
આમ હૂણો પહેલીવાર રોમમાં ટુકડીઓમાં આવ્યા. તેમના એક સરદારને ત્યાં આશરે ઈ.સ. ૩૯૩માં અટ્ટીલ્લાનો જન્મ થયો. તેનો પિતા મુન્ઝૂક 'રાજા' હતો. પરંપરા પ્રમાણે અટ્ટીલ્લા ૧૨ વર્ષનો થયો ત્યારે તેને રોમમાં 'ભણવા' મોકલ્યો, પરંતુ તે ન તો કરપ્ટ થયો ન તો લકઝરીમાં પડયો, ઉલટાનો તે રોમને ધિક્કારવા લાગ્યો. મુન્ઝૂક પછી અટ્ટીલ્લાનો કાકો, રૂહાઝ 'રાજા' બન્યો. તેની પછી અટ્ટીલ્લા 'રાજા' બન્યો. તેણે ૫ લાખ હૂણોની સરદારી લઈ પૂર્વના રાજા થીયોડોસિયસનો બ્લેક સી-થી-એડ્રિઆટિક સુધીનો વિસ્તાર આંચકી લીધો. થીયોડોસિયસે દર વર્ષે ખંડણી આપવાનું પણ સ્વીકાર્યું. ડાન્યુબથી દક્ષિણનો પ્રદેશ તેને આપી દેવો પડયો.
ત્યાંથી અટ્ટીલ્લા આગળ વધ્યો. (૪૧૦) ત્યારે તેના ભયથી રેવેતાના વતનીઓએ એડિઆટિકના ઉત્તરના છેડે આવેલા ટાપુ ઉપર 'વેનીસ' સ્થાપ્યું. પછી અટ્ટીલ્લા 'ગોલ' તરફ (વર્તમાન ફ્રાંસ) આગળ વધ્યો. ફ્રેન્કસ તેને 'સાથી' બની ગયા. ફ્રેન્કસ ઉપર વીઝીગોથ્સ હુમલા કરતા હતા તે વીઝીગોથ્સને પરાસ્ત કરવાનું તેને બહાનું મળી ગયું પરંતુ તેનું ધ્યેય તો 'રોમ' હતું, તે પહેલાં તે રહાઇન પર પહોંચ્યો. ત્યાં તેણે પોતાને 'ઓપ્રેસ્ડ'ના તારણહાર તરીકે જાહેર કર્યો.
અન્ય શહેરો કબ્જે કરી તે 'મેટઝ' ઉપર પહોંચ્યો. પરંતુ તેના બિશપના નેતૃત્વ નીચે કિલ્લોદુર્ધર્ષ રહ્યો. ખુલ્લાં મેદાનમાં લડનારા હૂણને કિલ્લો તોડતાં આવડતું નહીં ત્યાં ખબર પડી કે કિલ્લાની એક દિવાલમાં ગાબડું પડયું છે. હૂણો ચીચીયારીઓ કરતાં મેત્ઝ ઉપર તૂટી પડયા. વિનાશનું તાંડવ ખેલાયું.
હવે તો રોમ તરફ આગળ વધ્યો ત્યાં વચમાં વીઝીગોથના રાજા થોરિસ મુજે તેની સેના એક પર્વત ઉપર લઈ જઈ ત્યાંથી ઢાળમાં અશ્વરોહીઓ સાથે એવો પ્રચંડ હુમલો કર્યો કે અટ્ટીલ્લાને પોતાને પણ જીવ બચાવવા નાસી જવું પડયું. હવે પાછા ફર્યા સિવાય માર્ગ ન હતો. થોડા સમય પછી બીજી વખત હુમલો લઈ ગયો. ફરી વીઝી ગોપ્સ સાથે યુદ્ધ થયું. યુદ્ધમાં અઢી લાખનાં મૃત્યુ થયા. એક જ યુદ્ધમાં થયેલો વિનાશ અસામાન્ય હતો. યુરોપના કેટલાએ રાજાઓએ તેને ખંડણી આપી.
ત્રીજો હુમલો તેણે ઇ.સ. ૪૫૦/૪૫૧ આસપાસ કર્યો. જર્મનોની એક ટોળીએ તેનો પ્રચંડ સામનો કર્યો. તેનો સરદાર હતો 'ઓટો-ધ-ગ્રેટ'. હવે તે જર્મની પડતું મૂકી રોમ તરફ વળ્યો. રોમન સરદાર એકિટવિયસને પ્રચંડ પરાજય આપ્યો ત્યાં બીજાં સૈન્યની ટુકડી સાથે કોન્સ્ટન્ટાઇન સામે આવ્યો. તેને પડતો મુકી દક્ષિણ જર્મની તરફ વળ્યો. ત્યાં દ.જર્મનીના એક ઠાકોર અને તેના પુત્રને મારી તે ઠાકોરની પુત્રી ઈલ્ડીકા સાથે બળજબરીથી પરણ્યો. લગ્ન સમારંભ યોજાયો. તેમાં તેણે ખૂબ ખાધું, ખૂબ દારૂ પીધો પછી ઈલ્ડીકા સાથે તે ઠાકોરના મહેલમાં ગયો. ત્યાં અત્યંત દારૂ પીવાને લીધે તેની નસ ફાટી ગઈ મૃત્યુ પામ્યો. તેના પુત્રો વચ્ચે ગાદી માટે યુદ્ધ થયું. તેનો લાભ લઈ ઉત્તર જર્મનીના ઓટો-ધ-ગ્રેટે હૂણોને મારી હઠાવી જર્મનીથી ઈટાલી સુધીનું મધ્ય યુરોપનું 'હોલિ-રોમન-એમ્પાયર' રચ્યું. જ્યારે દક્ષિણ-પૂર્વની હૂણોની ટુકડીઓને પરાજિત કરી, રોમન સરદાર કોન્સ્ટન્ટાઇને કાળા સમુદ્રને બોસ્પરસની સમુદ્ર ધૂની ઉપર કોન્સ્ટન્ટીનોપલ સ્થાપ્યું. (૪૫૨/૫૩) રોમન સામ્રાજય બે ભાગમાં વહેંચાઈ ગયું.
રોમન સામ્રાજયના પતન સાથે યુરોપમાં અંધકાર ફેલાઈ રહ્યો. પ્રાચીન યુગનો અંત આવ્યો. મધ્ય યુગનો પ્રારંભ થયો. તે અંધકારમાં કોન્સ્ટન્ટીનોપલમાં નાની જ્ઞાનની દીવી ઝબકતી રહી, બાકી બધે હતાં અંધકાર અને અંધાધૂંધી છે. ૯મી સદીમાં શાર્લીમેને (ફ્રેન્ક સરદારે) થોડા દીવા પ્રકટાવ્યા.
- દિનેશ દેસાઈ


