પુરુષના પુરુષાર્થની અપૌરુષેય કથા વ્યથા
- ઇ.સ. 2021માં દેશમાં કુલ 1,64,033 વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી જેમાંથી 1,18,979 પુરુષ હતા.
- 19 નવેમ્બર મેન્સ ડે
વુ મન્સ ડે વિશે લોકો જેટલું જાણે છે એને એનો પ્રચાર થાય છે એટલું મેન્સ ડે વિશે નથી જાણતા. આગામી ૧૯ નવેમ્બરે છે મેન્સ ડે.
આજ સુધી પુરુષોએ દેશને માટે, સમાજને માટે, પરિવારને માટે ઘણું કામ કર્યું છે અને હજુ પણ કરે છે. ઘણાં બધા ક્ષેત્રો એવા છે કે જ્યાં સ્ત્રીઓના પગરણ હવે મંડાયા છે. દેશના સીમાડાની રક્ષા હોય, દેશદેશાવરમાં વેપાર ખેડવાનો હોય, મહેનત મજુરીનું કે બળનું કામ હોય, પરિવારના સભ્યોની એકંદર સુખાકારી જાળવવાનું કામ, બાળકોના ભણતર-લગ્ન-ઉછેર... કેટકેટલી જવાબદારી પુરુષ નિભાવતો આવ્યો છે ફરજ સમજીને હસતા મુખે. આ માટે એ ખરેખર કદરનો અધિકારી છે.
આજકાલ મહિલા ઉત્થાન અને સ્ત્રી સમાનતા માટે સમાજમાં જે જાગૃતિ આવી છે તે નિઃશંક સારી બાબત છે. વર્ષોથી અનેક મહિલાઓનું શોષણ થતું હતું અને એને બીજા દરજ્જાની નાગરિક ગણાવામાં આવતી હતી. એના ઉપર અનેક જુલમો, અત્યાચાર પણ થતા હતા. એની સામે રક્ષણ અને ન્યાય માટે વિશેષ કાયદાઓ અનિવાર્ય હતા. પરંતુ એ કાયદાઓ અમલમાં આવ્યા પછી ધીમે ધીમે હવે પરિસ્થિતિ એ તરફ જઇ રહી છે કે થોડાં જ વર્ષોમાં પુરુષોના રક્ષણ અને ન્યાય માટે કાનૂનની વિશિષ્ટ કલમો બનાવવી પડે. મહિલાઓ તરફી કાયદાઓનો દુરુપયોગ કરીને ઘણી સ્ત્રીઓ આજે પુરુષોને માનસિક, શારીરિક આર્થિક ત્રાસ આપી રહી છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે ઇ.સ. ૨૦૧૦થી ઇ.સ. ૨૦૨૨ સુધી પુરુષોની આત્મહત્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ઇ.સ. ૨૦૨૧માં દેશમાં કુલ ૧,૬૪,૦૩૩ વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી જેમાંથી ૧,૧૮,૯૭૯ પુરુષ હતા. આ આત્મહત્યાઓ પાછળના કારણો જુદાં જુદાં હશે પણ આગામી પુરુષદિનથી આ આંકડાઓને ડાઉનવર્ડ દિશામાં લઇ જવાના પ્રયત્નો તો જરૂર આદરી શકાય.
આજે છૂટાછેડા પછી મહિલાને પતિ તરફથી ભરણપોષણ આપવાનો કાનૂન છે. સારો કાનૂન છે પણ આના કારણે ભણેલી, કમાતી હોશિયાર મહિલા પણ ઘણીવાર જાણી જોઇને નિષ્ક્રિય બનીને બેસી જાય છે. આ કેટલે અંશે યોગ્ય છે ? આના બદલે મહિલાને એની લાયકાત પ્રમાણે નોકરી કે રોજગાર શોધી આપવાની, નવો કોઇ હુન્નર કે વ્યવસાય શીખવવાની અને પગભર થવા સુધી (અમુક નિશ્ચિત સમયગાળો નક્કી કરીને) બધી જ નાણાંકીય તથા અન્ય મદદ પતિએ કરવાની જોગવાઈ ન કરી શકાય ?
આપણે વુમન્સ ડે પણ પ્રસન્નચિત્તે દરેક નારી ઉજવે અને મેન્સ ડે પણ દરેક નર ખીલીને ઉજવે એ જોઇએ છે. બંને પલ્લા લગભગ સમાન ક્યારે થશે ? થશે ?