આંગણે લીલા .
મા ણસમાત્રને નવું નવું જોવા-અનુભવવાનો આનંદ આવે છે. આશ્ચર્ય શોધવાની વૃત્તિ એને સહજ છે, અને તે બાળક, કુમાર અને યુવાનમાં અતિશય હોય છે. બાળકને અને કિશોરને તો આ દુનિયામાં બધું જ નવું નવું લાગે છે. સુખ અને દુ:ખ, વ્યાધિ અને મૃત્યુ, રૂપાળું અને વરવું, મોર અને ઊંટ, ગાય, ઘોડો અને હાથી બધું જ નવાઇભર્યું હોય છે. આ સહજવૃત્તિનો વિનિયોગ કેળવણીમાં થાય છે. કૌતુકવૃત્તિને સંતોષી વિદ્યાર્થીના જ્ઞાાનનું પ્રસારણ થાય છે, ને એ જ્ઞાાન તત્ત્વત: કૌતુકમૂલક અને આનંદપ્રદ હોય છે, કેમ કે કુદરતી ઝંખના તો જ્ઞાાનેન્દ્રિયો અને બુદ્ધિ દ્વારા સંતોષ સુખનો અનુભવ કરાવે છે. નવી દીપ્તિ નવી તૃપ્તિ આપે છે.
સકળ વિશ્વ, સકળ નિસર્ગ, આ મેદાન, પર્વત, નદી, સરોવર, સમુદ્ર, આકાશ, સૂરજ, ચન્દ્ર, તારા બધું કૌતુકજનક છે. એમાં વ્યવહારનાં પશુ, પંખી અને માનવ તાજી નજરને અદ્ભુતતાનો આસ્વાદ કરાવે છે. પંખીઓ જોવાં, એમને નામથી ઓળખવાં, એમનો વ્યવહાર જાણવો, એમની લીલા નિહાળવી, અને એ જોઇ વર્ડઝવર્થ કે નરસિંહરાવની માફક ગાઇ ઊઠવું એ જીવનનો એક વિશિષ્ટ આનંદ છે. એ વ્યવસાય હોય તો પણ વ્યવસાય લાગે નહિ. વસંતઋતુમાં તમે સવારે કોયલને સાંભળી શકો. સૂરજ વહેલો ઊગશે તેમ તેમ તે વહેલી બોલશે અને વસંત ઊતરતાં ગ્રીષ્મમાં તેના ટહુકા પણ ખૂબ વધશે. પ્રભાતમાં કોયલ પછી દૈયડ બોલશે, પછી બુલબુલ બોલશે, દરજીડો અને કુંભાર પણ સવાર ભરી દેશે. જરા વધારે આયાસ કરશો તો કોયલ અને કાગડાની સ્પર્ધા ગગનમાં દેખાશે. કોયલ ઓછા બળવાળી પણ વધુ ચપળ હોવાથી ચતુર કાગડાને હંફાવે છે. એના માળામાં પોતાનાં ઈંડા મૂકી દે છે. મોરનો પિચ્છવૈભવ, પીળકનો રંગવૈભવ, બુલબુલની બેઠક, કાબરનો ઠસ્સો, સક્કરખોરાનો ફૂલપ્રવેશ, દરજીડાનું દરજીકામ, લેલાંના કુદકારા, વૈયાંના ઊડણ નિહાળવા સારુ આયાસ કે ખર્ચ કરવો પડે તેમ નથી. સવાર સાંજના આકાશના રંગો જોવામાં, ચન્દ્ર અને તારાઓ વિલોકવામાં, મેઘની ગર્જના કે વિદ્યુતના ચમકારાથી ચમકવામાં, વનસ્પતિનો વિવિધ પત્ર પુષ્પ ફળ વૈભવ માણવામાં, તેમ પંખીઓની લીલા નિહાળવામાં કશો શ્રમ પડતો નથી. એમનો કલરવ જ શ્રમહર લાગશે. આ આનંદમય અભ્યાસ માટે વૃતિના અભિસન્ધાનની જ જરૂર છે. પ્રકૃતિનિરીક્ષણનો આહ્લાદ પ્રકૃતિદત્ત જ છે, સહજ છે. આપણે તેનું સંવર્ધન કરવાનું છે.
નિસર્ગનો આ આનંદસિંધુ નિરંતર આમંત્રે છે. આપણાં ચક્ષુ અને શ્રોત જાગતાં હોય તો બસ.
- વિષ્ણુપ્રસાદ ત્રિવેદી