રાજકારણ એ તકવાદીઓ માટે 'ચરી ખાવાનું' ક્ષેત્ર નથી
- એક જ દે ચિનગારી-શશિન્
- સ્વતંત્રતાને વરેલા દેશના નાગરિકો માટે છ નાગરિક ધર્મો કયા ?
- પોકારવી હોય તો રાજકારણીની નહીં પણ 'રાષ્ટ્ર દેવતાની જય' પોકારવી જોઇએ
શું રાજકારણ એ માત્ર ભોગભૂમિ છે ? દેશ પડે અને રાજકારણી ઊંચે ચઢે એવું મતદાન એ મતશક્તિનો કચ્ચરઘાણ છે.
એક વિદ્યાર્થીને એના શિક્ષકે કારકીર્દિલક્ષી ફોર્મ ભરી પરત કરવા જણાવ્યું. પ્રશ્ન હતો તમને શું બનવું ગમે ? વિદ્યાર્થીનો જવાબ હતો, ''રાજકારણી કારણ કે મને લોકોને ઊલ્લૂ કેમ બનાવવા એમાં રસ છે.'' રાજકારણ એ તકવાદીઓ માટે ચરી ખાવાનું ક્ષેત્ર નથી પણ પ્રજા માટે સમર્પિત બની નાગરિક ધર્મ દીપાવવાનું ક્ષેત્ર છે.
લોકો મતદાન પણ લોભ, લાલચ, સ્વાર્થ અને જીતનાર ઉમેદવાર ખપ લાગે તેવો છે તેવા માપદંડથી અલિપ્ત રહે તો જ સાચી લોકશાહી ખિલી શકે. કોઇપણ બાબતમાં ઉતાવળે નિર્ણય કરનાર માટે પસ્તાવાનો વારો આવે છે. ચાના કપમાં એક-બે ચમચી રૂચિ અનુસાર ખાંડ નાખી શકાય પણ બે મુઠ્ઠી ભરી નાખી દઇએ તો એ પીવા લાયક રહેશે ખરી ? દવાનો ડોઝ પણ નિશ્ચિત માત્રામાં લેવાય નહીં તો નુકસાન થાય.
આજથી લગભગ પચ્ચીસસો વર્ષ પૂર્વેની વાત છે. રોમની ધરતી પર કુદરતનો કોપ ઉતર્યો હતો. ધરતીકંપે રોમન મંદિરમાં એક મોટું ગાબડું પાડયું હતું. મંદિરને બચાવવા વિશે ભવિષ્યવેતાને પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું : બલિદાન વગર બીજો કોઇ વિકલ્પ નથી. આપણે ત્યાં ગોઝારી વાવ વિશે જ્યોતિષીએ જણાવ્યું હતું તેમ : ''દીકરો ને વહુ પધરાવો જી રે.''-જેવી ઘટના. લોકો ભયગ્રસ્ત હતા. શું કરવું તેનો ઉકેલ જડતો નહોતો. એવામાં એક બખ્તરસજ્જ ઘોડેસવાર ટોળામાંથી આગળ આવીને ઊભો રહ્યો. એ બહાદુર સૈનિકનું નામ હતું માર્ક્સ ટર્કિયસ. એણે સગૌરવ કહ્યું : ''વહાલાં પ્રજાજનો શું કરવું એ પ્રશ્ન જ નથી. એક બહાદુર સૈનિક કે નાગરિકનું સમર્પણ દેશ માટે તારક શક્તિ બની શકે છે. વહાલા રોમ, ઓ મારી જન્મભૂમિ, તેં મને કોઇ ઉદ્દાત ધ્યેય માટે જીવનનું વરદાન આપ્યું, તે જીવન, દેશ માટે અર્પિત કરું છું. સત્યનો જય હો, ધર્મનો વિજય હો, રોમનો જયજયકાર હો, કહી ઘોડાને એડી મારી એને તિરાડમાં ઝંપલાવ્યું. લોકોના આશ્ચર્ય વચ્ચે પેલું ગાબડું સંધાઈ ગયું.''
આ ઘટનાને ચમત્કારિક રીતે મૂલવવાની જરૂર નથી પણ ઉત્કટ દેશભક્તિના આદર્શરૂપે મૂલવવાની જરૂર છે. શહીદોની સંખ્યામાં ઘટાડો થાય અને બદમાશોની સંખ્યામાં વધારો થતો રહે એ દેશના પતનની આગાહી છે. માણસની તૃષ્ણા નહીં વિવેકશક્તિ માર્ગદર્શક બનવી જોઇએ. માણસ રાજકારણમાં પડે કે સેવા ક્ષેત્રમાં પણ એની દ્રષ્ટિ સત્યનિષ્ઠ અને પવિત્ર હોવી જોઇએ. આપણામાં એક લોકોક્તિ છે કે રાજકારણ તો ગંદુ જ હોય. હકીકતમાં રાજકારણ ગંદુ હોતું નથી એને ગંદુ બનાવનાર રાજકારણી ગંદો હોઈ શકે.
એક પ્રસંગ મુજબ શાન્તિનિકેતનમાં ભણી ગએલા એક વિદ્યાર્થીએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના આશીર્વાદ માગતાં કહ્યું કે ''મેં રાજકારણમાં ઝંપલાવ્યું છે. મને આશીર્વાદ આપો કે મારું કાર્ય સફળ થાય.'' ગુરુદેવે કહ્યું હતું કે, 'તુ અહીં ભણતો હતો, ત્યારે પણ મને લાગતું હતું કે તું જાહેર ક્ષેત્રથી અળગો રહી શકશે નહી. પણ રાજકારણમાં પડી રહ્યો છે, ત્યારે જુઠાણાથી બચજે. વિજય ખાતર ટૂંકા રસ્તા અપનાવીશ નહીં. તુ યાદ રાખજે કે તારા શત્રુ કે મિત્રને તારી સ્વતંત્રતા આપી ન દેતો. મનના દ્વાર ખુલ્લાં રાખજે.'
એક સ્વતંત્ર દેશને વરેલો નાગરિકોના છ નાગરિક ધર્મો કયા?
૧. મારો નહીં પણ દેશનો, સત્યનો વિજય થવો જોઇએ.
૨. લોભ-લાલચ કે સ્વાર્થથી નિર્ણય કરવાને બદલે વિવેકશક્તિ દાખવું એવી પવિત્રદ્રષ્ટિ મને હે પ્રભુ આપજે.
૩. દેશ ખાતર બલિદાન આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય, ત્યારે બલિદાનીઓમાં સૌથી મોખરે હું ઉભો રહીશ.
૪. હું એટલો બધો સસ્તો નહીં બનું કે કોઇ મને 'વેચી શકે કે ખરીદી શકે.'
૫. દેશ મારે માટે જીવી ખાવાનું સાધન નહીં પણ પરમાત્માએ સોંપેલી જવાબદારી છે એ વાત સદા નજર સમક્ષ રાખીશ.
૬. દેશ અમુક રાજકીય પક્ષ કે નાત જાત, કોમ કે લોકસમૂહનો છે એવી કુદ્રષ્ટિ મારામાં ન વિકસે.
કોઇપણ દેશની મહાનતા તેની લંબાઈ-પહોળાઈ કે સંપત્તિ પર આધાર નથી રાખતી પણ તે કેવા શ્રેષ્ઠ નાગરિકો દેશને, વિશ્વને પ્રદાન કરી શકે છે તેના પર અવલંબે છે. ચારિત્ર્યશીલ માણસો-નેતાઓની સંખ્યા વધે એ સાચી પ્રગતિ છે. જય પોકારવી હોય તો રાજકારણીની નહીં, પણ રાષ્ટ્રદેવતાની જ પોકારવી જોઇએ. નેતાઓ તો આવતા-જતાં રહેશે પણ નાગરિકોની વિવેકદ્રષ્ટિ હેમખેમ રહેવી જોઇએ.