બકુડી, બોયફ્રેન્ડો તો ATM હોય! .
- રજનીગંધા-વિભાવરી વર્મા
- યાર, લાઈફને અત્યારે એન્જોય કરી લેવાની હોય, કેમકે પછી તો લાઇફમાં બધું બોરિંગ ટાઈપનું જ આવવાનું ને !''
'બ કુડી, તુ સાવ ભોળી છે ! છોકરાઓનો તો એટીએમની જેમ ઉપયોગ કરવાનો હોય !'
કનિષ્કા જેને બકુડી કહીને વાત કરી રહી હતી તે મનીષા હતી, તેની કોલેજની સહેલી કનિષ્કાએ કહ્યું : 'મનીષા, તું મારા કરતાં બ્યુટિફૂલ છે. તારામાં તો એવી નેચરલ બ્યુટિ છે કે છોકરાઓ એક વાર નજર નાંખે તો દસ દસ મિનિટ સુધી નજર ખસેડી શક્તા નથી અને હું ? મને જો ?'
મનીષા સ્હેજ હસી 'કેમ, એવું બોલે છે ?'
'અરે, હું ક્યાં તારા જેટલી એટ્રેક્ટીવ છું ? છતાં જો, મારા કેટલા બધા બોયફ્રેન્ડો છે ! યાર, તું જો થોડા લટકા મટકા કરે, થોડી ઓપન માઇન્ડેડ થાય તો તારી આગળ પાછળ ડઝનબંધ છોકરા ફરતા થઇ જાય!'
'હા, પણ ડઝનબંધ છોકરાઓનું કરવાનું શું ?'
'યાર તું હજી ભોળી જ રહેવાની ! જો, હું મારી અદાઓ અને નખરાંને લીધે કેટલા બધા બોયફ્રેન્ડોને ફેરવું છું !'
'હા, પણ બોયફ્રેન્ડોને ફેરવીને કરવાનું શું ?'
'એ જ તો કહું છું બકુડી !' કનિષ્કાએ મનીષાને ધબ્બો માર્યો. 'જો છોકરાઓ તો એટીએમ જેવા હોય.'
'એટીએમ એટલે... એની ટાઈમ મની, રાઇટ ?'
'ફક્ત મની નહીં!' કનિષ્કાએ સમજાવ્યું. 'જો, મારા ત્રણ ખાસ બોયફ્રેન્ડ છે એમાંનો એક છે તે રાજવીર છે. એનું બોડી બોડી મસ્ત છે. હેવી બાઇક લઇને ફરે છે. મિજાજનો ડેરિંગ છે અને પેલામાં...'
કનિષ્કાએ આંખ મિચકારીને ઉમેર્યું 'એમાં તો એ થાકતો જ નથી ! એટલે એના એટીએમનો મતલબ છે : એની ટાઈમ મજા !'
'ઓહ, એવું છે !' મનીષા ભોળપણથી બોલી
'એ સિવાય બીજો છે પેલો પૈસાદાર બાપનો નબીરો અરમાન ! એની પાસે ચાર-ચાર લક્ઝુરિયસ કાર છે, બેફામ પૈસો છે... એટલે જ્યારે બહારગામ ફરવા જવાનું મન થાય, મસ્ત મસ્ત ડ્રેસ લેવાનું મન થાય, જ્વેલરી મેકપ, પાર્લર, મુવીઝ આ બધાના શોખ થાય ત્યારે એને પટાવવાનો ! કેમ કે એ છે બેઝિક એટીએમ, યાને કે એની ટાઈમ મની!'
'અચ્છા ? તો એની જોડે, પેલું...? મનીષાએ સ્હેજ હસીને પૂછ્યું'
'ના બકુડી ! એ તો એકાદ વાર જ ! એવા નબીરાને ટટળાવીને રાખવાના હોય ! તો જ એ છૂટથી પૈસા વાપરે ! તને આમાં સમજ ના પડે.'
'એવું ? હશે ચાલ પણ તું કહેતી હતી કે ત્રણ ટાઈપના એટીએમ છોકરા હોય છે, તો ત્રીજા ટાઈપના...?'
'એ છે ને ?' કનિષ્કા મોટેથી હસવા લાગી. 'પેલો ચશ્મીસ કાર્તિક છે ને ! એનું એટીએમ એટલે એની ટાઈમ મજુર !'
'મજુર ? શી રીતે ?'
'અરે, એની જોડે બધી જ મજુરી કરાવવાની !'
એ પિકચરની ટિકીટો લઇ આવે, મુવીમાં એ પોપકોર્ન લઇ આવે, ડ્રેસ ઓલ્ટર કરાવવા માટે દરજીને ત્યાં ધક્કા ખાય, બ્યુટિ પાર્લરની બહાર રાહ જોતો બેસી રહે, ઘરનો ગેસનો બાટલો બદલી આપે, મારી સ્કુટીમાં પેટ્રોલ ભરાવી લાવે, મમ્મી માટે કરિયાણું લઇ આવે,પપ્પાની બાઈકને ધક્કા મારીને સ્ટાર્ટ કરી આપે, અને ઘંટીએ લોટ પણ દળાવી લાવે ! બકુડી એટીએમ એટલે એટીએમ... એની ટાઈમ મજુર !'
મનીષા તો જોતી જ રહી ગઈ ! કનિષ્કા કોલેજમાં બધા સાથે ફ્રેન્ડલી હતી અને એને છોકરાઓ સાથે વધારે ફાવતું હતું એ તો ખબર હતી પણ કનિષ્કાનું દિમાગ આ રીતે ચાલતું હશે એની તો આજે જ ખબર પડી.
'ટુંકમાં તારા આ ત્રણ બોયફ્રેન્ડ છે, એમ ને ? મનિષાએ પૂછ્યું.
મનીષાની સામે જોઇને કનિષ્કા ખડખડાટ હસવા લાગી. 'અરે બકુડી, આ તો તને ત્રણ કેટેગરીઓ કીધી!
બોય ફ્રેન્ડો તો ડઝનથી વધારે છે ! યાર, લાઈફને અત્યારે એન્જોય કરી લેવાની હોય, કેમકે પછી તો લાઇફમાં બધું બોરિંગ ટાઈપનું જ આવવાનું ને !''
જો કે મનીષાને કનિષ્કાના આ લોજિકમાં બહુ ભરોસો પડયો નહીં. કેમ કે તેનું ફોકસ ભણવામાં હતું. આ બધા એટીએમમાં નહીં.
પરંતુ એક દિવસ તેને આઘાતજનક ન્યૂઝ મળ્યા કે 'કનિષ્કાએ દસમા માળની બિલ્ડીંગ પરથી કૂદીને આપઘાત કરી નાંખ્યો !!'
મનીષા સ્તબ્ધ હતી ! આ શી રીતે થઇ ગયું ? કનિષ્કા... આપઘાત કરે ? લાઈફને એન્જોય કરીને જીવવાવાળી છોકરી આમ અચાનક લાઇફથી હારીને લાઈફ જ ટુંકાવી દે ? કંઇક તો ગડબડ હતી...
કનિષ્કાની અંતિમ ક્રિયા પતી ગઈ, બારમું તેરમું વગેરે પતી ગયું પછી મનીષાએ પેલા ત્રીજા નંબરના બોયફ્રેન્ડ કાર્તિકનો સંપર્ક કર્યો. એ તો બિચારો કનિષ્કાના મોતથી એટલો બધો ડઘાઈ ગયો હતો કે કોઈ સાથે કશું બોલતો જ નહોતો. મનીષાએ તેની પાસે બેસીને ધીમે ધીમે વાત કરાવવાનો પ્રયાસ કર્યો. છેવટે કાર્તિકે અંદરનો ભેદ ખોલ્યો.
તેણે કહ્યું 'પેલો પૈસાદાર બાપનો દિકરો અરમાન કનિષ્કાના પ્રેમમાં પડી ગયો હતો. એ કનિષ્કા સાથે મેરેજ કરવા માગતો હતો ! એટલું જ નહીં, અરમાને તો એનાં મમ્મી પપ્પાને પણ કન્વીન્સ કરી દીધાં હતાં, એટલે કનિષ્કા અને અરમાનની સગાઈની વાતો ચાલી રહી હતી...'
'તો પછી અચાનક શું થયું ?'
'એ જ કહું છું...કાર્તિકે કહ્યું 'પેલા રાજવીર પાસે કનિષ્કાના જાતજાતના ફોટા અને વિડીયો હતા. જ્યારે રાજવીરને ખબર પડી કે કનિષ્કા અરમાનને પરણીને બે ત્રણ વરસમાં તો કેનેડા જતી રહેશે ત્યારે એની છટકી ! એના મનમાં એમ હતું કે કનિષ્કા ભલે કોઇને પરણે, છતાં એમના સંબંધો તો ચાલુ જ રહેશે. પણ જો કનિષ્કા કેનેડા જતી રહે તો તો રાજવીર હાથ ઘસતો જ રહી જાય ને ?''
'ઓહો, એવું બધું હતું. એમની વચ્ચે ?'
'હા, એટલે જ બન્ને વચ્ચે બહુ મોટા ઝઘડા થતા હતા ! કનિષ્કા તો પરણીને ફોરેન જવા માટે મક્કમ હતી. એટલે રાજવીરે એને ધમકી આપી કે હું તારા ફોટા અને વિડીયો અરમાનના મા-બાપને જ મોકલી આપીશ ! પછી જોઉં છું તારાં લગ્ન શી રીતે થાય છે ?'
'આ બધી વાતની તને ખબર હતી ?'
'હા...' કાર્તિકે કહ્યું 'બસ, મને એક જ વાતની ખબર નહોતી.'
'કંઇ વાતની ?'
'રાજવીરે કનિષ્કાને આખી વાતનું સમાધાન કરવા માટે પેલા દસ માળના બિલ્ડિંગન ધાબા ઉપર બોલાવી હતી.'
'અચ્છા ?' મનીષા બોલી ઉઠી મતલબ કે ધાબા ઉપર જે ઝગડો થયો એમાં કનિષ્કાએ ધમકીથી ડરીને આપઘાત કરી નાંખ્યો ?
'કદાચ...' કાર્તિક બોલ્યો. અથવા કદાચ રાજવીરે જ એને ધક્કો માર્યો હશે ! નહીંતર સમાધાન કરવા માટે કોઈ દસમા માળના ધાબે શા માટે બોલાવે ?
એ પછી ઘણું પૂછવા છતાં કાર્તિક કંઇ બોલ્યો જ નહીં ! પરંતુ મનીષા સમજી ગઈ કે કનિષ્કા, જે આ 'એટીએમ'ની રમતમાં પોતાની જાતને બહુ ચાલબાજ સમજતી હતી, તે પોતાની જ જાળમાં ફસાઈને ખતમ થઇ ગઈ હતી.