Get The App

હવે વાંદા દ્વારા જાસુસી .

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
હવે વાંદા દ્વારા જાસુસી                                        . 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

ટે કનોલોજી જે ધસમસતા પ્રવાહ સાથે આગળ વધી રહી છે એને કારણે જાતજાતનાં મશીનો મળતા થઈ ગયા છે. અરે, જાસૂસી કરવાનું પણ બહુ આસાન થઈ ગયું છે. જોકે અહીં જેનો ઉલ્લેખ કરવાનો છે એ વાત જાણીને તમને ખરેખર અચરજ થશે. જાસૂસીનાં યંત્રો તો ઘણા મળે છે. તેની સાઇઝ નાનામાં નાની બનાવવાની હરીફાઈ ચાલે છે. ઘડિયાળ, ચશ્મા કે બોલપેનમાં ફીટ કરાવી શકો એવા કેમેરા વડે તો હવે ભારતમાં પણ લોકો જાસૂસી કરી શકે છે. હવે તમે કલ્પના કરો કે કેટલી હદે નાનામાં નાની સાઇઝનું યંત્ર હોઈ શકે. વાંદા જેવા જીવજંતુના શરીર પર ફીટ કરી શકાય એવડા જાસૂસી યંત્રો નીકળ્યા છે. આવાં યંત્રો ખાસ કરીને દેશોના ગુપ્તચર વિભાગો કોઈ વિદેશી એલચી કચેરી કે પ્રધાનની ઓફિસમાં જાસૂસી કરવા માટે ઉપયોગમાં લેતા હોય છે. આ સમાચાર જ્યારે વિશ્વના ખૂણે ખૂણે પ્રસિદ્ધ થશે એ પછી પ્રધાનો અને એલચી કચેરીના અધિકારીઓ જ્યાં કોઈ વાંદો ભાગતો દેખાશે એને ધારી ધારીને જાશે કે એના પર કોઈ કેમેરા તો ફિટ કરાયો નથીને. આમ, જીવજંતુઓનો ઉપયોગ પણ જાસૂસ તરીકે થઈ શકતો હોવાથી ગુપ્તચર વિભાગોની ફોજમાં હવે અનોખી રીતનો ઉમેરો થશે.

પીઠના દુ:ખાવાને કઈ રીતે નાથશો ?

 પીઠનો દુખાવો એ કોઈ રોગ નથી. કમર કે પીઠનો દુખાવો તમારી ખોટી રીતે ઊઠવા-બેસવાની ટેવનું પરિણામ છે. પીઠના દુખાવા માટે અલગ અલગ ઇલાજ છે. તેમાં મસાજથી માંડીને પાટુ મારવાનો ઇલાજ પણ આવે છે. પીઠના દુખાવા દરમિયાન દૂધ, દહીંના પદાર્થો મેંદો અને ગળપણની ચીજ ન ખાવી. પીઠનો દુખાવો ન થાય તે માટે નીચેના નિયમો પાળો. (૧) ઊભા રહો ત્યારે ટટ્ટાર ઊભા રહો. પૂરી ઊંચાઈને તાણીને ઊભા રહેવાની ટેવ પાડો. ઘોડાની માફક એક ટાંગ ઊંચી ન રાખો. બન્ને પગ પર મજબૂત ઊભા રહો નહીંતર કમરનું દર્દ થશે. (૨) લાંબો સમય બેસવાનું હોય ત્યારે પીઠ પાછળ તકિયો રાખો અને અવારનવાર ઊભા થઈને કમરને ઊંધી વાળતો રહો. (૩) ઉધરસ કે નાકને છીંકતા પહેલાં હંમેશાં પીઠને પાછળથી વાળો. (૪) કઠણ પથારી ઉપર સૂઓ. (૫) કોઈ વજનદાર ચીજ ઊંચકતી વખતે, બાલદી કે ઊંચકવાની ચીજને શરીરની નિકટ રાખો. તે વખતે વજન પગ ઉપર આવવું જાઈઅ.

ઘોડા કરતાં ઘોડી અને ઊંટ કરતાં સાંઢણી ભાગવામાં વધારે તેજ 

 પશ્ચિમના દેશોના પક્ષીઓમાં સામાન્ય રીતે નરપક્ષી ગાતું હોય છે. આપણે ત્યાં કોલયનું ''કૂ...ઉ..., કુ...ઉ...'' સાંભળીને ઉનાળાની મોસમમાં આપણે ઝૂમી જઈએ છીએ. આ કોયલનો સમધુર સ્વર નરનો છે, માદાનો નથી, માદા કોયલ તો ક્લીક, ક્લીક, ક્લીક જેવો અવાજ કરે છે, જે કર્કશ છે. બુલબુલમાં પણ નર ગાય છે. નૃત્ય કરનારો મોર નર છે, જ્યારે માદા ઢેલ એક બદસૂરત પક્ષી છે. મોરમાં નર જ ખૂબસૂરત છે, એ જ નૃત્ય કરે છે. ઘોડા કરતાં ઘોડી અને ઊંટ કરતાં સાંઢણી ભાગવામાં વધારે તેજ હોય છે. વીંછી કરતાં વીંછણ, સાપ કરતાં સાપણ, અને નાગ કરતાં નાગણ વધારે કાતિલ અને ઝેરી હોય છે અને સિંહણ કરતાં સિંહ જોવામાં વધારે સરસ લાગે છે, પણ વાઘ કે સિંહ કરતાં વાઘણ કે સિંહણ વધારે ઝનૂની અને ખૂન્નસી હોય છે.

ઇંગ્લેન્ડમાં બોમ્બપ્રૂફ ઘરનો વેપલો

 યુદ્ધ શરૂ થવાની જાણે રાહ જાતી હોય એમ બ્રિટનની કોરસ નામની સ્ટીલ બનાવતી કંપનીએ રેડીમેડ બોમ્બપ્રૂફ ઘરો માર્કેટમાં મૂક્યાં છે. સ્ટીલની પેનલો વડે બનતા આ ઘરમાં કોન્ક્રીટનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ઓર્ડર આપો એટલે કંપનીના માણસો ક્રેન લઇને પ્લોટ પર પહોંચી જાય અને મકાન 'ચણવા'નું શરૂ કરી દે. બે માળનું ઘર ચણતા તેમને દસ કલાક લાગે. કાર બોમ્બથી માંડીને બોમ્બ ટોર્ચ સુધીનાં વિસ્ફોટકોને ખમી લેતું આ ઘર ૫૦,૦૦૦ પાઉન્ડમાં એટલે કે લગભગ પચાસ લાખ રૂપિયામાં પડે. આ ઘરનો માઇનસ પોઇન્ટ એ છે કે જૈવિક યા તો રાસાયણિક હથિયારો સામે તે ઇટમાટીના મકાનની માફક લાચાર બની જાય છે. સ્ટીલના આ બોમ્બપ્રૂફ ઘરમાં સાફસુથરી હવા મળતી રહે તે માટે ખાસ પ્રકારની ફિલ્ટરેશન સિસ્ટમ બેસાડવી પડે છે. સિસ્ટમ ફિટ કરાવવાનો ખર્ચ બોમ્બપ્રૂફ ઘર જેટલો જ છે. પચાસ લાખ રૂપિયા.

ચ્યુઇંગમની ચગળવા જેવી વાતો

 વિલિયમ રિગલે જુનિયર બાર વર્ષનો હતો ત્યારે ફિલાડેલ્ફિયામાં તેણે ૧૮૭૩ની સાલમાં ધંધો શરૂ કર્યો. રિગલે આળસુ વિદ્યાર્થી હતો તેને સ્કૂલમાંથી કાઢી મૂકાયો. હવે માત્ર ગુંદરમાંથી જ ચ્યુઇંગ ગમ બનતી નથી. પ્લાસ્ટિક - રેઝિનમાંથી પણ બને છે. બીજા વિશ્વયુદ્ધમાં દરેક અમેરિકન સૈનિકને વર્ષે ૬૨૦ ચ્યુઇંગ ગમની ગોટી એલાઉન્સમાં મળતી. ઘણા સૈનિકો ચ્યુઇંગ ગમ વડે ફાટેલા ટાયર પણ સાંધતા હતા. સમુદ્રમાં તરવા માટે જે રબરની ફુલાવેલી ટયુબ આવે છે તે ટયુબ ફાટે તો બીજા વિશ્વયુદ્ધમાં ચ્યુઇંગ ગમથી સાંધવામાં આવતી હતી. ઘણા અમેરિકન હવાઇ સૈનિકો તો રેડિયો ટ્રાન્સમીટર યંત્ર અને વિમાનના ગિયરને પણ ચ્યુઇંગ ગમથી સાંધતા હતા. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચ્યુઇંગ ગમ ચાવ્યા પછી તેના ગુંદરનો ફુગ્ગો બનાવવાની સ્પર્ધા થાય છે તેના સૌથી મોટા ફુગ્ગાનો રેકોર્ડ પણ રખાય છે. એક છોકરાએ ચ્યુઇંગ ગમમાંથી સાડાસોળ ઇંચના વ્યાસવાળો ફુગ્ગો બનાવ્યો હતો. અત્યારે દરેક અમેરિકન સરેરાશ વર્ષે ૫૦૦ ચ્યુઇંગ ગમની સ્ટીક ચાવી જાય છે. જર્મનો વર્ષે સરેરાશ ૫૬૦ ચ્યુઇંગ ગમ ખાય છે. અમેરિકન સૈનિકો યુદ્ધ વખતે વર્ષે ૩,૦૦૦ ચ્યુઇંગ ગમ માગતા થઈ ગયા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી ફિલિપાઇન્સમાં અમેરિકન પ્રચાર કરવા વિમાનમાંથી ચ્યુઇંગ ગમના પેકેટ ફેંકાતા તેના કાગળ ઉપર જનરલ મેકાર્થર પોતાના સહી વાળી અપીલો બહાર પાડતા હતા.