Get The App

છુટ્ટા હાથે અપકાર કરનારા આપણે

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
છુટ્ટા હાથે અપકાર કરનારા આપણે 1 - image

- એક જ દે ચિનગારી-શશિન્

- માણસે પોતાના વફાદારી ભર્યા સંબંધો યાદ રાખવા માટે કઈ ૭ (સાત) બાબતો યાદ રાખવી જોઈએ?

ખ રો છે આ માણસ ! તદ્દન નમકહરામ, એની ઉપર ઉપકારોનો વરસાદ વરસાવ્યો, તોય અંતે એણે કેવો બદલો આપ્યો !

આ ઉદ્ગારો કોઈ એકલદોકલ માણસની પીડાની જાહેરાત નથી, પણ એક યા બીજી રીતે વિશ્વના મોટા ભાગનાં લોકોની મનોવ્યથાનો પ્રતિઘોષ છે. આપણા પ્રત્યેની વફાદારીને આપણે આપણો જન્મસિદ્ધ અધિકાર માનીએ છીએ. અને એ વફાદારીની ઊણપ જ્યારે વરતાય ત્યારે ખળભળાટ મચાવી મૂકીએ છીએ. દુનિયા બગડી ગઈ છે, જગત હવે જીવવા જેવું રહ્યું નથી, પ્રેમ અને નાટક બની ગયું છે, લાગણીનું કોઈ મૂલ્ય નથી, વફાદારીનો કશો બદલો મળતો નથી વગેરે-વગેરે... વફાદારી દેખાડે તે સજ્જન અને આપણા પ્રત્યે વફાદારી દેખાડવાનું ચૂક્યો તે દુર્જન - એવું સીધું ગણિત હોય છે માણસનું. સંબંધને માણસ માગણીઓ અને લાગણીઓની પકડમાંથી મુક્ત રાખવાની કલ્પના જ નથી કરી શકતો!

કશુંક મેળવવાની ઉત્તમ રીત છે કશુંક ખોવાની ! પણ માણસની નજર મેળવવા તરફ જ રહે છે એટલે એ ખોવાનો આનંદ માણી શકતો નથી. સાગર બનવા તડપતાં આપણે સરિતા બની નિ:શેષપણે સમર્પિત થવાની મસ્તી કેળવવા તૈયાર નથી. એનું મુખ્ય કારણ છે આપણી મોટા ભાગની પ્રવૃત્તિઓ પર તૃષ્ણાઓનો સતત અધિકાર. આપણું આખું જીવન તૃષ્ણાઓમાં જ અટવાયેલું રહે છે. 'કંઈક થવું છે, કંઈક મેળવવું છે' પ્રત્યેક ક્ષણે વ્યક્તિની કંઈક મેળવવાની દોડ ચાલુ જ હોય છે.

એટલે દરેક માણસ પોતાની ઈચ્છાઓને મહત્વ આપે છે, પણ બીજાઓને પણ પોતાની ઈચ્છા મુજબ જીવવાનો હક અને સ્વતંત્રતા છે એવું દેખાડતો નથી. આપણને અમૃત ખપે છે, પણ આપણે અમૃત-વિતરક ન બની શકીએ તો એવો અધિકાર આપણને પણ ક્યાંથી મળે ?

જગત આખું અસંગતિઓથી ભરેલું છે અને એ જગતથી આપણે ભાગી શકવાના નથી. એટલે જગત જેવું છે તેવું એને સ્વીકારીને ચાલવાથી જ આપણી મસ્તી હેમખેમ રહી શકે. મનને વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની તાલીમ આપવાનું આપણે વિચારતા જ નથી. પરિણામે નગ્ન વાસ્તવિકતા આપણી સામે આવીને ઊભી રહે ત્યારે આપણે હેબતાઈ જઈએ છીએ, ભાંગી પડીએ છીએ, પલાયનવાદી બનીએ છીએ, જીવન અને જગતના આકરા નિંદક બનીને કટુતાના પ્રદૂષિત કણો અત્ર-તત્ર-સર્વત્ર વેરતાં રહીએ છીએ.

પણ જગતે ક્યારેય કોઈને સો ટકા વફાદારી આપી હોય એવું ઈતિહાસના પૃષ્ઠો પર બહુ ઓછું નોંધાયું છે. ક્યા યુગપુરુષે સમકાલીનોની ઉપેક્ષા અને નિંદાનો સામનો નથી કરવો પડયો ? ક્યા યુગમાં પીઠ પાછળ ખંજર મારનાર મિત્રો નથી પાક્યા ? ક્યા યુગમાં સો ટકા ગૌરવ સાચવનાર સઘળાં પ્રેમીઓ પેદા થયા છે ? કઈ પ્રજાએ પોતાના તારણહારને સંપૂર્ણ વફાદારી આપી છે ? ક્યા માલિકને સો ટકા વફાદાર કર્મચારીઓ અને સો ટકા શુભચિંતકો મળ્યા છે ? અપેક્ષાની રેસમાં દરેક માણસની એક જ આકાંક્ષા હોય છે, મારો ઘોડો આગળ રહેવો જોઈએ. જ્યાં વિજય જ લક્ષ્યબિંદુ બની જાય ત્યાં માણસ વિવેકને કેન્દ્રમાં રાખીને કેવી રીતે જીવી શકે ? કવિ ઉમાશંકરભાઈએ એક સરસ વાત કહી છે, રામાયણમાં આદર્શ રાજા છે, આદર્શ માતાઓ, છે, આદર્શ પત્નીઓ છે, આદર્શ ભાઈ છે, આદર્શ સેવક છે, બધું જ સુંદર છે. વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા આદર્શ પુરોહિતો છે, પણ પણ... રામાયણમાં આદર્શ પ્રજા જોવા મળતી નથી.

એવી પ્રજામાંના એક આપણે પણ છીએ એ અંગે આપણે ગંભીરતાથી વિચાર કર્યો જ નથી. માણસ વફાદારીની પઠાણી ઉઘરાણી કરવાનું જાણે છે, વફાદારીનો બિનશરતી ઉપહાર અર્પવામાં એ 'રેશનિંગ' દાખલ કરી દે છે.

માણસ વફાદારીને સામેની વ્યક્તિની ફરજ જ નહીં, એને અનિવાર્યપણે અદા કરવાની ફરજ પણ માને છે. પરિણામે જ્યારે પણ માણસ આપણે તેની પર કરેલા ઉપકારનાં સ્મરણ કે કર્મથી વિચલિત થાય ત્યારે આપણે તેની પર આકરા પ્રહારો કરીએ છીએ, બળાપો વ્યક્ત કરી તેની બદનામી કરવાની તક જતી કરતા નથી.

પણ આવું કરવામાં તે વ્યક્તિનું ચારિત્ર્ય ખુલ્લું પડે છે, તેમ આપણું પણ છીછરાપણું વ્યક્ત થાય છે. એનો આપણે લેશમાત્ર વિચાર કરતા નથી.

બિનવફાદારી કે નમકહરામીના માનસિક કષ્ટમાંથી મુક્ત રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે 'નેકી કર ઔર દરિયા મેં ડાલ.' કર્તવ્ય બજાવ્યાનો આનંદ માણવો અને કર્તવ્યના પ્રત્યુત્તરરૂપે સામેની વ્યક્તિની અહેસાનનોંધ, કદરદાની, અને વફાદારીની અપેક્ષાથી મુક્ત રહેવાની તાલીમ મનને આપવી જોઈએ. આમાં બે ફાયદા છે. એક તો અપેક્ષા વગર કરેલા અહેસાનનો સહજ આનંદ તો આપણા હાથમાં જ રહેવાનો અને બીજો સામેની વ્યક્તિ કદરદાન બને અને ઉપકારોનો બદલો ઉપકાર કે વફાદારીથી આપે તો પણ આપણને આકસ્મિક, અણચિંતવ્યું સન્માન મળ્યાનો પરિતોષ મળશે.

વફાદારીને માપવા-તોળવા અને મૂલવવાનો આગ્રહ જ આપણે માટે પીડાકારક બનતો હોય છે. એ સંજોગોમાં આપણે એક જ માર્ગ અપનાવી શકીએ અને તે આપણા પક્ષે સામેની વ્યક્તિ પરત્વેની ઋણ અદાયગીની ભાવના ! આપણે વફાદારી દાખવવામાં કંજૂસાઈ ન કરવી જોઈએ. એનાથી એમ પણ બને કે વફાદારીની ખુશબો સામેની ઉપકારવશ વ્યક્તિના મનને તરબતર 

કરે અને એ પણ અહેસાનની અભિવ્યક્તિ કે પ્રત્યુત્તર માટે આકાર્ષાય, અને એમ ન બને તોય નૈતિક કર્તવ્ય સમજીને આપણે કરેલું કાર્ય આપણને તો પ્રસન્ન જ રાખશે. સત્કર્મ એ માનવીય ધર્મ છે. એની અદાયગીનો પુરુસ્કાર ન જ મંગાય.

માણસ વર્તમાન અને ભવિષ્ય તરફ નજર રાખે છે. એટલે વર્તમાન માણવામાં અને ભવિષ્ય નિર્મિત કરવાની ઉતાવળમાં પોતાના જીવનને સહાયથી સમૃદ્ધ કરનાર ઉપકારકર્તાઓની સ્મરણની શ્રધ્ધાંજલિ અર્પવાનો સમય કાઢતો નથી, આ એની કમજોરી છે, સ્વાર્થવૃત્તિ છે, એનો ઈન્કાર કે બચાવ થઈ શકે તેમ નથી પણ તેની તે સીમાને મહત્વ આપી અહેસાન ફરમોશોની યાદીનું હીટ લીસ્ટ બનાવનારને પણ કોઈ શાણો ન જ ગણે. કારણ કે સતત કર્યા કરવું એ માનવમનનું આપણું અજ્ઞાન સૂચવે છે.

કૃતજ્ઞાતા એ માણસના મનનું અનિવાર્ય લક્ષણ નથી, પણ એણે માણસની ઉદાત્તતાની સાધના માટે સ્વીકારેલું તેજોદીપ્ત અભિયાન છે. એ અભિયાન સદાય સફળ રહે કે એમાં આખી દુનિયા જોડાય એ શક્ય પણ નથી. સાચું પૂછો તો આપણી અપેક્ષાઓ વિરુદ્ધ આક્રમણ કરનારા જ આપણા ઘડવૈયા છે, કારણ કે તેઓ જ આપણને માનવમનના પાઠ ભણાવનાર પ્રશિક્ષકો છે.

મનને સુખી અને પ્રસન્ન, ઉલ્લાસમય અને ઉત્સાહભર રાખવા માટે આપણે અન્ય પ્રત્યે કરેલા ઉપકારોના સ્મરણથી મનને આઝાદ રાખવું જોઈએ. બીજાની નમકહરામીનું સતત સ્મરણ આપણા મનને વિષાદના બંદીજન ન બનાવી દે તેનું પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે.

અદ્ભુતપણાનો આનંદ માણવો હોય તો અહેસાન ફરામોશીની વેદના જીરવતાં, ભૂલતાં શીખવું જ પડે, કારણ કે આ પણ જીવનનો એક પડકાર છે.

માણસે પોતાના વફાદારીભર્યો સંબંધ યાદ રાખવા માટે આ સાત બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

૧. જેણે આપણી પર એક નાનકડો પણ ઉપકાર કર્યો હોય એનો અહેસાન યાદ રાખી મન-વચન-કર્મથી તેનું ભલું ઈચ્છવું જોઈએ.

૨. ભૂતકાળની કસોટીની ક્ષણોમાં જેણે હૂંફ આપી હોય તેનો બદલો કાર્યનિષ્ઠાથી આપવાની પૂરી કોશિશ કરવી જોઈએ.

૩. માણસની સ્થિતિ સુધરે ત્યારે છકી જવાને બદલે વધુ સારા બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.

૪. વફાદાર માણસો પ્રત્યેની શ્રધ્ધાને શંકામાં બદલતાં પહેલાં સો વાર વિચારવું જોઈએ.

૫. જેમ શ્રેષ્ઠ નોકર બનવું જોઈએ, તેમ તમને શ્રેષ્ઠ માલિક બનતાં પણ આવડવું જોઈએ.

૬. ભૂતકાળને યાદ રાખીને તેમાંથી ઉચિત બોધપાઠ લઈને આપણું વ્યક્તિત્વ ઘડવું જોઈએ.

૭. કોઈ આપણી કસોટી કરે ત્યારે નફરત દાખવવાને બદલે નમ્રતા દાખવવી જોઈએ.