- રજનીગંધા-વિભાવરી વર્મા
- એ મને છેતરશે તો બહુ બહુ તો મારા પંદર વીસ હજાર રૂપિયા જશે. પણ જો તુ ંએની સાથે મેરેજ કરીશ તો તારી આખી લાઈફ બરબાદ થઈ જશે!
'અ લ્ યા, આ દીવની પાર્ટીનું કેમનું ગોઠવી કાઢ્યું ?'
અમરેલીમાં રહેતા ત્રણ મિત્રો મોહિત, વિકાસ અને જેમિન બાઈક ઉપર ત્રણ સવારી કરીને દીવમાં ખાણી-પીણીના જલસા કરવા આવ્યા હતા. પાર્ટી મોહિત તરફથી હતી. મોહિતે આખું 'સેટિંગ' સમજાવ્યું :
'જુઓ, આ બાઈક એક ફ્રેન્ડની છે. એમાં પેટ્રોલ એક બીજા ભાઈબંધના પેટ્રોલપંપમાં પુરાવ્યું છે. બાકી તમે બન્ને જે બિયરના બાટલા ઢીંચી રહ્યા છો, એમાં આવું છે કે મને ઓનલાઈન ગેમ્બલિંગમાં ઇનામ લાગ્યું છે !'
'વાઉ ! કેટલા રૂપિયા લાગ્યા ?'
'ત્રણસો રૂપિયા !'
હવે વિકાસ અને જેમિન બગડયા : 'અલ્યા, ત્રણસો રૂપિયા તો દારૂમાં જ પતી ગયા ! બાકીના ખર્ચાનું શું ?'
'એ તમે કાઢજો, ટોપાઓ ! આ રેસ્ટોરન્ટમાં જે તમે ઠાંસી ઠાસીને નોન-વેજ ખાધું છે એના, અને પાછા જવા માટે બાઈકના પેટ્રોલના રૂપિયા પણ તમારે જ કાઢવાના છે, સમજ્યા ?'
'બે યાર... આવી તે કંઈ પાર્ટી હોતી હશે ?'
'અલ્યાઓ, જલસા કરોને ? સાલાઓ, હું તમને અહીં દીવમાં ના ખેંચી લાવ્યો હોત તો તમે લોકો અમરેલીમાં બેઠાં બેઠાં માખીઓ જ મારતા હોત ને ? '
મોહિતનું આખું કામકાજ આવું જ હતું. એની પાનના ગલ્લે ઉધારી હોય, ચાની કિટલીઓ તો ચાર ચાર હતી જ્યાં 'ખાતાં'ચાલતાં હતાં ! મોહિત જ્યારે જુઓ ત્યારે મસ્ત કપડાં, મોંઘા પરફ્યુમ, સ્ટાઇલીશ ગોગલ્સ અને મોંઘોદાટ મોબાઈલ લઈને ફરતો દેખાય ! ઉપરથી સ્વભાવે મજાકિયો, જોલી અને જલ્સામાં જ માનનારો ! એટલે સત્તર ઠેકાણે એની ઉધારી ચાલે... પૈસાના મામલે ઇસ કી ટોપી ઉસ કે સર !
'હવે સાંભળ...' દીવમાં ફૂલ જલસો કર્યા પછી પાછા વળતાં મોહિતે વિકાસને કહ્યું, 'યાર, જરા પાંચેક હજાર રૂપિયા આપને !'
'પાંચ હજાર ? શું કરવું છે તારે એનું ?'
'અબે સમજને યાર...' મોહિતે આંખ મિંચકારી 'એક છોકરીને પટાવવાની છે !'
***
બે દિવસ પછી એ જ મોહિત રિન્કલ નામની છોકરી સાથે છેક રાજકોટની મોંઘી રેસ્ટોરન્ટમાં બેઠો હતો.
રિન્કલ તો ઇમ્પ્રેસ થઈ ગઈ હતી !
'વાઉ ! કેટલી જોરદાર પ્લેસ છે ! યાર, તું મને છેક અમરેલીથી અહીં જે કારમાં લઈને આવ્યો એ કોની છે ?'
'આપણી જ છે !' મોહિત બોલ્યો. 'આઈ મિન, આપણી જ થઈ જશે ! એક ફ્રેન્ડને વેચવાની છે, અને હું ખરીદી લેવાનો છું... હવે આ જો !'
એમ કહેતાં મોહિતે એક શોપિંગ બેગ રિન્કલને આપી. એમાંથી જે મસ્ત ડ્રેસ નીકળ્યો તે જોઈને રિન્કલ દંગ થઈ ગઈ !
'આ તો બહુ મોંઘો લાગે છે ! કેટલાનો છે?'
'એની ચિંતા શું કામ કરે છે? આપણે આવા એક્સક્લુઝિવ ડ્રેસિસની એજન્સી લીધી છે. આખા સૌરાષ્ટ્રના તમામ શો-રૂમમાં મારો માલ જશે. આમાંથી હું રમતાં રમતાં દર મહિને ત્રણ-ચાર લાખ કમાઈ લઈશ. તને જે ડ્રેસ પસંદ હોય તે બોલ જે ને ! બધું ઘરનું જ છે !'
રિન્કલ મોહિતની આ અદા પર કુરબાન થઈ ગઈ. એ બોલી ઊઠી 'ઓહ... આઈ લવ યુ મોહિત !'
મોહિતે તરત જ તક ઝડપી લીધી. 'આમ ખાલી લવ યુ નહીં ચાલે ! આપણે બે વરસથી પ્રેમમાં છીએ... હવે તારી મમ્મી આગળ આપણા મેરેજની વાત કરી નાંખ ! પછી તો બસ...'
રિન્કલ ધોળે દહાડે સપનામાં ખોવાઈ ગઈ...
***
એ જ રિન્કલે એની મમ્મી આગળ આખી વાત કરી. 'મમ્મી, મોહિત બહુ સારો છોકરો છે. હવે તો એ મહિને બે-ત્રણ લાખ કમાતો થઈ ગયો છે. એ નવી કાર પણ લેવાનો છે... મારે એની સાથે મેરેજ કરવા છે.'
મમ્મી પણ ખુશ થઈ ગઈ 'અચ્છા? મોહિત ? આપણા વિકાસનો દોસ્ત? એ તો કેટલો હસમુખો અને જોલી છે!
દેખાવે પણ હેન્ડસમ છે ! હું કાલે જ તારા પપ્પાને વાત કરીશ...'
'એક મિનિટ !' વિકાસ આ વાતો ક્યારનો સાંભળી રહ્યો હતો. એ બોલી ઊઠયો. 'રિન્કલ ! એ મોહિત જુઠ્ઠો છે, લબાડ છે, ઉધારિયો છે અને ટોપીબાજ છે ! એની સાથે કાર તો શું, પોતાની બાઈક પણ નથી ! આખા ગામમાં એની સત્તર જગ્યાએ ઉધારી ચાલે છે. અરે, મારે જ એની પાસે પંદરેક હજાર લેવાના નીકળે છે ! એવા ઢોંગી છોકરા સાથે તારાં મેરેજ હું હરગિઝ નહીં થવા દઉં !'
'અચ્છા ? જો એ ઢોંગી, લબાડ અને કરુબાજ છે તો તું એની સાથે દોસ્તી કેમ રાખે છે ?' રિન્કલે સવાલ કર્યો.
'જો સાંભળ, એ મારો ભાઈબંધ છે. એની સાથે કેવી રીતે ડીલ કરવું તે મને આવડે છે. એ મને છેતરશે તો બહુ બહુ તો મારા પંદર વીસ હજાર રૂપિયા જશે. પણ જો તુ ંએની સાથે મેરેજ કરીશ તો તારી આખી લાઈફ બરબાદ થઈ જશે ! કંઈ સમજાય છે તને ?'
રિન્કલનું મોં રડવા જેવું થઈ ગયું. આંખોમાં આસુ ધસી આવ્યાં. તે ટેબલ પર મુઠ્ઠી પછાડતાં ઊભી થઈ ગઈ.
'હું મોહિતને પ્રેમ કરું છું... પ્રેમ ! અને મને મારા પ્રેમ ઉપર પુરો ભરોસો છે. મેરેજ પછી હું મોહિતને સુધારી દઈશ. પ્રેમમાં એટલી તાકાત હોય છે. છતાં તમે લોકો જો મને રોકશો તો કહી દઉં છું... હું કંઈક કરી બેસીશ !'
ધમધમ પગ પછાડતી રિન્કલ પોતાના રૂમમાં જતી રહી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો !
બહાર ઊભેલી મમ્મી અને વિકાસ સ્તબ્ધ છે.. હવે આ 'લવ'નું ભૂત શી રીતે ઉતારવું ? દુનિયામાં એની ક્યાં કોઈ દવા બની છે ?


