ભા રતીય સંસ્કૃતિનો પર્યાય મળવો દુર્લભ નહીં અસંભવ છે અહીં अक्षर = न विधते क्षरम् = જેનો નાશ નથી શક્તો (ભૂંસાઈ નથી શક્તો) તે अक्षर = તેને वर्ण કહ્યો છે. જેને આપણે 'બારાખડી' કહીએ છીએ. તેને આપણા પૂર્વજો. वर्णमाला કહેતા હતા. रामचरित मानस् નાં મંગલાચરણમાં તુલસીદાસજીએ પહેલાં પદમાં જ લખ્યું છે वर्णानाम् अर्थ संधानाम् रसानाम् छंदसमिपि ।। मंगलानम् च कर्तारौ वन्देवाली विनायकौ ।। અહીં વાણી શબ્દ મહત્ત્વનો છે. વાચા તો પ્રાણીમાત્રને છે. કોયલ ટહૂકો કરે કે કુતરો ભસે તે તેમની वाचा છે. પરંતુ वाचा या उन्नीयते मानसं सा वाणी જે માનસનું ઉન્નયન કરે તે વાણી...
આટલી ગહન વાત કહેનાર ભારતીય સંસ્કૃતિએ सरस्वती અને शारदा તેમ એક જ માતાનાં બે નામ શા માટે આપ્યાં ? બે જુદાં જુદાં સ્વરૂપો શા માટે કલ્પ્યાં ? તે બંને સ્વરૂપોની વ્યંજના (ગૂઢાર્થ) જોઇએ : सरस्वती = રસેન સહિતા वहति સા સરસ્વતી, किंवा रसम धारयति सा सरस्वती જે રસ ધારણ કરે છે તે सरस्वतीः આ માતાનાં શ્વેત વસ્ત્ર છે. તેઓનું વાહન શ્વેત હંસ છે, પવિત્ર છે. બ્રહ્મચારિણી છે. જે હૃદય સ્પર્શી છે. તે સર્વેની અધિષ્ટાત્રી છે. તેમાં સપ્ત કલા, આવૃત્ત છે. કાવ્ય, કથા, કથાનક, નાટય, નર્તન, સર્વે આવૃત્ત છે.
આ માતાનું પૂજન વસંત પંચમી (મહાશુક્લ પમી)ના દિને થાય છે. જેના હૃદયમાં કાવ્ય સ્પંદિત છે. જેના કંઠમાં ગીત ગૂંજી રહે છે. તેનાં જીવનમાં નિત્ય વસંત મ્હોરી રહે છે. માટે તો માતા સરસ્વતીનું પૂજન વસંત પંચમીએ થાય છે.
આ માતાનું અન્ય સ્વરૂપ છે शारदां शरं ददति सा शरदाः पिंगल કહેવાયાં છે. અહીં शर-संधान છે. નિશ્ચિત ધ્યેય છે. તે વ્યાપાર ઉદ્યોગ અને રાજકારણની પણ અધિષ્ઠાત્રી છે. આ સર્વે નિશ્ચિત ધ્યેયથી જ થતાં હોય છે. કોઈ ઉદ્દેશ હોય છે. જ્યારે માતા સરસ્વતીની આરાધનામાં નિશ્ચિત ધ્યેય હોવું અનિવાર્ય નથી. પૂ. રાજેન્દ્રભાઈએ (રાજેન્દ્ર શાહે) લખ્યું ચે તેમ નિરૂદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ.. હા ! હા હ્યુમેનિટી મંત્ર-મુગ્ધ કરી શકે છે. જેમ કે કાવ્ય ગીત કે સંગીત.
शारदानी ઉપાસનામાં તેવું નથી. માતા શારદા સ્વરૂપે मयूरवाहीनी છે. તનું વાહન મયૂર છે. મયૂરપિચ્છમાં સાતે રંગો છે. વ્યાપાર ઉદ્યોગ રાજકારણ કે યુદ્ધમાં પણ દરેક રીતે તૈયાર રહેવું પડે છે. તેનું આ પ્રતીક છે. આ મોરપિચ્છમાં શ્યામ તંતુઓ પણ હોય છે. એક સંતે કહ્યું હતું કે અસત્ય તો દરેક સંસ્કૃતિએ અસ્વીકાર્ય જ કહ્યું છે. પરંતુ વ્યાપાર, ઉદ્યોગ કે રાજકારણમાં દરેક વખતે સત્ય પ્રલ્લભિત (જાહેર) કરવું અનિવાર્ય નથી. કદી કદી કશું છુપાવવું પણ પડે છે. ભગવાન શ્રીરામ તો મર્યાદા પુરૂષોત્તમ હતા. વાલીનો વધ કરવો અનિવાર્ય હતો. છેવટે મર્યાદા પુરૂષોત્તમ श्रीराम ને પણ સાત સાત તમાલ વૃક્ષની પાછળ રહી તેનો વધ કરવો પડયો. માતા શારદાનાં મયૂર પિચ્છનાં શ્યામ તંતુઓ આ દર્શાવે છે કે અનિવાર્ય હોય, માત્ર અનિવાર્ય હોય તો કશું છુપાવવું પણ પડે.
સરસ્વતી અને શારદા વચ્ચેનો એક અન્ય ભેદ જોઇએ. માતા સરસ્વતી સર્વ સમર્થ છે. ભરતજી જ્યારે ભગવાન શ્રીરામને અયોધ્યા પાછા ફરવા વિનંતી કરવા ચિત્રકૂટ પર પહોંચ્યા ત્યારે દેવોને ભય લાગ્યો કે ભરતજીના પ્રેમને વશ થઇ ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફરશે તો રાવણનો વધ કોણ કરશે ? રાવણનો વધ કરવાનું સામર્થ્ય કોઈમાં પણ ન હતું. દેવોએ વિષ્ણુ ભગવાનને કહ્યું : આપ, માતા સરસ્વતીને કહો કે તેઓ ભરતજીની જીભ ઉપર બેસી તેની પાસે શ્રીરામને તેમ કહેવડાવો કે આપ અયોધ્યા પાછા ન જ આવો. ત્યારે ભગવાન્ વિષ્ણુએ કહ્યું કે પહેલાં મે માતાજીને વિનંતિ કરી કૈકેયી માતાની જીભ ઉપર બેસી શ્રીરામને વનવાસ અપાવડાવ્યો. માતાજીને તે જરા પણ પસંદ ન હતું છતાં વિપ્ર ઘેનુ સુર સંત હિત તેઓએ તેમ કહ્યું હવે ફરી હું તેઓને તમે કહો છો તેમ કહેવા કહું તો માતા સરસ્વતી મને જ અભિશપ્ત કરી દે. માટે તે વિચાર જ માંડીવાળો.
માતા સરસ્વતી આ શક્તિ છે. તેઓ સર્વ સ્વતંત્ર સાર્વભૌમ છે. શારદા પૂજન સમયે માતા સરસ્વતી અને તેઓનાં અન્ય સ્વરૂપ માતા શારદાને પ્રણમીએ સાથે તે પરિકલ્પના આપનાર તે ઋત્વિજો અને તેઓની જન્મદાત્રી માતા ભારતીને શત કોટી વંદન.
- દિનેશ દેસાઈ


