Get The App

પ્લાસિબો ઇફેક્ટ અને દર્દની દવા

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
પ્લાસિબો ઇફેક્ટ અને દર્દની દવા 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

કે ટલાક દર્દીઓને પોતાના વિશ્વાસુ ડૉક્ટર સિવાય બીજા કોઈ ડૉક્ટર (ભલે પછી એ જ દવા હોય) આપે તો બિમારી મટતી નથી. ઘણી વાર દર્દીઓ ડૉક્ટર પાસે અધીરા બનીને બીજી દવા આપવાની માગણી કરતા હોય છે. એ વખતે દર્દીને ધરપત થાય તે માટે ડૉક્ટર એની એ જ દવા જુદા રંગોમા દર્દીને આપે છે, અથવા એ જ જનેરિક (મૂળ નામ)ની દવા જુદા બ્રાન્ડનેમમાં લખી આપે છે. દવા તો સરખી જ રહે છે. તે તેનું કામ કર્યે જાય છે, સાથે દર્દીની જે અપેક્ષાઓ સંતોષાય છે, સારું થઈ જવાની તેની ઇચ્છાને પોષણ મળે છે તેની પણ દર્દી પર સારી અસર થાય છે અને આ અસરને પ્લાસિબો ઇફેક્ટ કહે છે. પ્લાસિબો ઇફેક્ટ કહે છે કે દર્દીના સારા થવા માટે તેને સારા શબ્દોની, સાંત્વનાની, પ્રેમરૂપી મરહમ (મલમ)ની જરૂર પડે છે અને આ બધી સકારાત્મક પરિણામો લાવનારી બાબત છે. વિજ્ઞાનના અભ્યાસો એ પણ પુરવાર કરે છે કે પ્લાસિબો ઇફેક્ટ જેવી કોઈ ચીજ છે પણ ખરી. અને આ પ્લાસિબો ઇફેક્ટ આખરે જન્મે છે મનમાંથી. શ્રધ્ધા, વિશ્વાસ, પ્રેમ, આશા વગેરે ભાવ મનમાં પેદા થાય છે. એ પેદા થાય તો મન ખુશ રહે છે. મન ખુશ રહે તો રોગ સામે લડવાનાં રસાયણો એ શરીરમાં પૂરતા પ્રમાણમાં પેદા કરે છે. આપણને ઘણાને ખબર નથી હોતી કે ચિંતા અને વ્યગ્રતાના દિવસોમાં મન પ્રફુલ્લિત હોતું નથી તેથી તે સારાં રસાયણો પણ પેદા નથી કરતું. આથી જ ચિંતાને કારણે શરદી, માથાનો દુખાવો, આધાશીશી, ઝીણો તાવ, ફ્લુ, અસ્થમા વગેરેનો હુમલો આવી શકે છે. આ સમયમાં જો દર્દીના માનસને અસર કરતી મૂળ સમસ્યાઓ દૂર કરવામાં આવે તો શરદી, સળેખમ, અસ્થમા મટી જાય છે. ઘણી વાર માનસિક રોગની સારવાર માટેની ગોળી બીજા શારીરિક રોગો મટાડી દેતી હોય છે. આમ એકને બદલે બીજી દવા આપવી તે પણ પ્લાસિબો ઇફેક્ટ છે અને માનસિક વ્યગ્રતાથી પીડાતા લોકો માટે આ પ્લાસિબો મેડિસિન ખૂબ કારગત નીવડે છે.

તોફાની વિદ્યાર્થીઓને કંટ્રોલ કરવાનો અનેરો તરીકો

અમેરિકાના ઇલિનોઇસ પ્રાંતમાં એક શિક્ષક પર પોલીસ કેસ થયો છે. એ માસ્તર પર એવો આરોપ છે કે તેમણે વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખવા માટે વીજળીના આંચકા આપ્યા હતા. આ શિક્ષક કબૂલ કરે છે કે તેમણે કેટલાક તોફાની વિદ્યાર્થીઓના એક હાથમા સ્પાર્ક પ્લગ અને બીજા હાથમાં ઇલેક્ટ્રિક જનરેટર સાથે જોડાયેલો ધાતુનો વાયર પકડાવીને વીજળીના આચકા આપ્યા હતા. ફિલિપ રશ નામના એ શિક્ષકનો બચાવ જાણવા જેવો છે : 'હું બે હેતુ અકસાથે સિદ્ધ કરી રહ્યો હતો. પહેલો હેતું : તોફાની વિદ્યાર્થીઓને શિસ્તનો પાઠ શીખવવો. બીજો હેતુ : મોટર ફરવાથી કરન્ટ કઈ રીતે આવે છે તેનું હું પ્રત્યક્ષ નિદર્શન કરવા માગતો હતો.'

વિચિત્ર પર્સનું વિચિત્ર રો મટિરિયલ

પશ્ચિમના દેશોમાં ફર કોટ પહેરીને ફરનાર તરફ અનેક લોકો ધિક્કારભરી નજરે જુએ છે, કારણ કે પ્રાણીના ચામડામાંથી બનતાં વસ્ત્રો પહેરનાર લોકો તરફ સખત ચીડ ધરાવનારો એક મોટો વર્ગ પશ્ચિમના દેશોમાં છે. હવે અમેરિકામાં એક એવું પર્સ બજારમાં મુકાયું છે જે જોઇને પ્રાણીપ્રેમીઓને ચીડ નથી ચડતી, પરંતુ તેમને જો કહી દેવામાં આવે કે એ પર્સ કઈ રીતે બનાવવામાં આવ્યું છે તો એ લોકો કદાચ ગુસ્સે થઇને પર્સધારક મહિલાનું ખૂન પણ કરી બેસે. આવાં પર્સ બનાવનારી મહિલાનું નામ છે હિથર જાય. ઓક્લાહોમામાં રહેતી આ સ્ત્રી ચામડાના પર્સ પર ચાંદી અને કાંસાનાં બકલ, ચેન વગેરે જડે છે. પર્સ મોંઘાં હોવાનું મૂળ કારણ તેમાં જડવામાં આવેલી ચાંદી કે કાંસું નથી. વાત જાણે એમ છે કે પર્સમાં ફક્ત આખલાના વૃષણનું જ ચામડું વપરાય છે. હિથર જાયનું કહેવું છે કે પર્સ માટેનો આ 'કાચો માલ' મેળવવો મુશ્કેલ છે. એક વાર આખલાના વૃષણનું ચામડું મળી જાય પછી તેને થોડા સમય સુધી મીઠાના પાણીમાં બોળીને સૂકવવામાં આવે છે. પછી હિથર જાય તેમાંથી જાતજાતનાં પર્સ બનાવે છે. અને મહિલાઓ આવાં પર્સ હોંશેહોંશે ખરીદે પણ છે.

લગ્નજીવન ટકાવવાનો અનોખો નૂસ્ખો!

ઇટાલીમાં રહેતા રોબર્ટોએ પોતાનું લગ્નજીવન ટકાવી રાખવા પોતાની પત્નીને દોઢેક હજાર ગુલાબ મોકલાવ્યાં હતાં. રોબર્ટો અને પત્ની ઍલેક્ઝાન્ડ્રાનાં લગ્નને ૪ વર્ષ થયાં હતાં, પરંતુ ઍલેક્ઝાન્ડ્રા છૂટાછેડા માગી રહી હતી તેથી રોબર્ટોઅ તેને મનાવવા ૪ વર્ષ સુધી પ્રત્યેક દિવસે એક ગુલાબ મોકલાવ્યું હતું.

સૌથી વધુ લોકપ્રિય જૂઠાણુ કયું ? 

અમેરિકાનાં ઍન્ન લાન્ડર્સ નામનાં લેખિકાએ અમેરિકામાં સૌથી વધુ વપરાતાં જૂઠાણાં લખી મોકલવાનું પોતાના વાચકોને જણાવ્યું હતું. ઍન્નનું કહેવું હતું કે

 ''તમારો ચેક ટપાલમાં રવાના કરી દીધો છે'' અને ''હું સરકારી અધિકારી છું અને તમને મદદ કરવા આવ્યો છું'' એ બે વાક્યો અમેરિકામાં લોકો બોલે ત્યારે જૂઠું બોલતા હોય છે. આ પછીનું ત્રીજું જૂઠાણું કયુ? વાચકોએ જવાબ મોકલ્યા છે તેના કેટલાક નમૂના અહીં પેશ છે. ''સારું, થયું કે તમે આજે આવ્યા. અમારી પાસે હવે બે દિવસ જ સ્ટોકમાં છે.'' ''તમારી ઊંચાઈ જોતાં તમારા વજનમાં ચારેક કિલોગ્રામનો વધારો થાય તે કંઈ ઝાઝો ન કહેવાય.'' ''તમે આ કાર્ય તમારી જાતે કર્યું? મેં આવી ધારણા જ રાખી ન હતી.'' ''તમારી ઉંમર ચાલીસ વરસ કરતાં એક દિવસ પણ વધારે લાગતી નથી.'' ''આ વાનગી સ્વાદિષ્ટ છે, પણ મારું પેટ ભરેલું છે.'' ''લખીને આપવાની કશી જરૂર નથી. હું તમને વ્યક્તિગત ખાતરી આપું છું.'' ''તમારા વાળ આજે સરસ દેખાય છે.''