- રજનીગંધા-વિભાવરી વર્મા
- 'વાહ રે મારી જાનુ ! બકરો તો બરાબરનો તગડો ફસાવ્યો છે, હોં? હવે આપણે નોઇડા જવાનું છે કે-'
બ કા, તું કહ્યા કરતો હતો ને, કે આમ નાનાં નાનાં ફાંદા કરવામાં કંઇ મજા નથી ? તો સાંભળ ડિયર, આ વખરતે જે બકરો ફસાયો છે એ પુરા ૫૦ કરોડનો છે !'
'આયે હાયે મેરી જાનુ ! કહેવું પડે હોં ? આ એ જ બકરો છે ને, જે નોઇડામાં રહે છે ?'
'હેં ? તું મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં બહુ ડોકિયાં કરતો લાગે છે.'
'નજર તો રાખવી જ પડે ને મારી રાણી ! કેમકે બકરા તું ફસાવે છે પણ એમને હલાલ તો મારે જ કરવાના હોય છે ને !'
શ્વેતા ખડખડાટ હસી પડી. પચ્ચીસેક વરસની બોલ્ડ સ્વભાવની, બિન્દાસ શ્વેતા એના જેવા જ બિન્દાસ સ્વભાવના ગિલિન્ડર બોયફ્રેન્ડ 'ભેરુ' ઉર્ફે ભૂરિયા ભાર્ગવ સાથે વાત કરી રહી હતી.
શ્વેતાએ આમ તો ત્રણેક વરસ પહેલાં પોતાનાં સોશિયલ મિડીયા એકાઉન્ટો ચાલુ કરેલાં શરૂશરૂમાં તો એ જોક્સ જ નાખતી હતી. પરંતુ એક બે નોનવેજ જોક્સને જે જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો એ જોઇને શ્વેતાએ પોતાની પોસ્ટોનો ટેસ્ટ ધીમે ધીમે બદલવા માંડયો.
આમાં ને આમાં એના હજારો 'આશિકો' થઇ ગયા. એમાંથી સુરતના એક 'સુપર' આશિકે ડાયરેક્ટ એક ન્યુ બ્રાન્ડ કાર જ મોકલી આપી ! એ જોઇને શ્વેતા અને ભૂરિયા 'ભેરુ'ની આંખો ચમકી ઊઠી હતી. એમને થયું :
'યાર, ઇન્ફ્લુએન્સર બનવાની સતત મહેનતો કર્યા પછી માંડ પાંસ દસ હજારનો 'પ્રમોશન' કોન્ટ્રાક્ટ મળે છે એના કરતાં આ શું ખોટું ?
ભૂરિયો 'ભેરુ' આમ પણ ગિલિન્ડર તો હતો જ. એણે પોતાની સાથે બીજા ચાર-પાંચ ચલતા પૂરજા જેવા દોસ્તોને સામેલ કરી લીધા. પછી ચાલ્યો આંખો ખેલ.
શ્વેતાની સેમી-ઉત્તેજક પોસ્ટો તો ચાલુ જ હોય, પરંતુ જે 'આશિક' ડીએમ કરે, એટલે કે ડાયરેક્ટ મેસેજો કરવા માંડે, એમને શ્વેતા મીઠી મીઠી વાતોમાં પલાળીને છેવટે એકાદ હોટલની રૂમ સુધી ખેંચી લાવતી.
જેવો પેલો થનગન ભૂષણ હોટલમાં આવીને શ્વેતા સાથે અડપલાં કરતાં કરતાં અર્ધનગ્ન અવસ્થામાં આવી જાય કે તરત જ શ્વેતાના ઇશારે હોટલના રૂમનો દરવાજો હોટલની જ એકસ્ટ્રા ચાવી વડે ખૂલી જાય.. અને ધડાધડ ચાર જણા અંદર ધસી આવે !
પેલા શિકારના વિડીયો તો છૂપા કેમેરા વડે ઉતરી જ ગાય હોય, ઉપરથી આ કઢંગી હાલતના ફોટા પણ પડી જાય !
આખરે, હોટલમાં ને હોટલમાં 'ભાવતાલ' થાય અને હજારોની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાતી હતી.
જો કે આમાં બેચાર વખત પોલીસ ફરિયાદો પણ થયેલી, પરંતુ ચબરાક શ્વેતાએ પેલા પોલીસવાળાને જ પોતાના ગ્લેમરમાં પલાળીને ફસાવી માર્યા હતા ! બ્લેકમેઇલ થવાની બીકે પોલીસકેસ નબળા પડી ગયા હતા. જો કે આમાં ફાયદો એ થયો કે અમુક પોલીસો જોડે અમુક ટકાનું 'સેટિંગ' ગોઠવાઈ ગયેલું.
છતાં શ્વેતાના ફોટા અને ગેંગનાં કારનામા લોકલ મિડીયામાં ચડી ગયેલા એટલે હવે શિકાર ઝટ ફસાતા નહોતા, એવામાં આ ૫૦ કરોડનો બકરો ફસાઈ ગયો હતો.
'સાંભળ...' શ્વેતાએ ભૂરિયાને કીધું 'પાર્ટી' બહુ સધ્ધર છે. નોઇડામાં એની કમ સે કમ ૭૦૦-૮૦૦ કરોડની પ્રોપર્ટીઓ છે. પાંચેક કંસ્ટ્રકશન કંપનીઓમાં એ પાર્ટનર છે. અને એક ફોર સ્ટાર હોટલનો એ માલિક છે.
'એ તો બરાબર પણ એનાં બૈરી છોકરાં ?'
'ત્યાં જ તો ખરી મજા છે ! સોશિયલ મિડીયામાં બધું જ જાણવા મળી જાય છે કેમ કે બકરો પોતે જ પોતાની અંગત વાતો એમાં મુકે છે ! બેટમજીનું બૈરું સાવ ગમાર જેવું છે, પણ એ કોઈ પ્રતિષ્ઠિત કોલેજના ટ્રસ્ટીની દિકરી છે.'
'વાહ ! તો તો બદનામી આખી કોલેજમાં થવાની ! અને એનાં છોકરાં?'
'એક છોકરી તો એ જ કોલેજમાં ભણે છે ! અને મોટા છોકરાનાં લગ્નની વાતો દિલ્હીના
એક મોટા બિઝનેસમેન જોડે ચાલી રહી છે !'
'વાહ રે મારી જાનુ ! બકરો તો બરાબરનો તગડો ફસાવ્યો છે, હોં ? હવે આપણે નોઇડા જવાનું છે કે-'
'ના, એ બકરો સામે ચાલીને અહીં સુરત આવવાનો છે.'
'ક્યા બાત હૈ ! અહીં તો આપણું એક ફોર સ્ટાર હોટલમાં ઓલરેડી સેટિંગ છે જ ! ઝટ બોલાવ એને...'
***
બે જ દિવસમાં એ 'બકરો' યાને કે રઘુવીર મહાપાત્ર, સુરતની એ હોટલમાં આવી પહોંચ્યો હતો.
શરૂઆત શ્વેતાએ જ કરી. પહેલાં થોડી ડબલ મિનિંગ વાતો, પછી ઇશારા, પછી અડપલાં અને...
જે ક્ષણની રાહ આખી ગેંગ જોઈ રહી હતી એ ક્ષણે જ શ્વેતાએ 'રૂમ સર્વિસ'ની બેલ દબાવી ! તરત જ ચાર જણા અંદર ધસી આવ્યા ! ફટાફટ મોબાઈલની ફ્લેશો ઝબકી ઊઠી...
***
અડધો કલાકની રકઝક પછી જાડા સરખા રઘુવીર મહાપાત્ર સાડા સાત કરોડ આપવા તૈયાર થયા ! પણ એમની એક નાનકડી શરત હતી.
'જુઓ, હું પેમેન્ટ કેશમાં જ કરી શકીશ. તમે જો અડધો કલાક રાહ જોવા તૈયાર હો તો હું અહીં જ કેશ મંગાવી લઉં...'
આ તો ભાવતું હતું ને વૈદ્યે કીધું !
પણ કેશ આવતાં જ બાજી ફરી ગઈ ! કેમ કે કેશ લાવનારા બે જણા અને એની પાછળ ધસી આવેલા ચાર જણા સાદા વસ્ત્રોમાં પોલીસવાળા જ હતા !
હવે રઘુવીર મહાપાત્ર અસલી મિજાજમાં આવી ગયા : 'તમને એમ હતું કે તમે લોકો મને રમાડી રહ્યા છો, પરંતુ હકીકતમાં હું જ તમને ગેમ રમાડી રહ્યો હતો ! ગુજરાત પોલીસની રિકવેસ્ટથી નોઇડા પોલીસની ટીમે આ મિશન પાર પાડયું છે. આ રૂમનું આખું વિડીયો રેકોર્ડીંગ તો અમારી પાસે જ આવી ગયું છે, પણ એ ઉપરાંત સોશિયલ મિડીયામાં આ છોકરી શું શું ધંધા કરે છે, કોને કોને રમાડે છે. અને તમારી ગેંગ શી રીતે ઓપરેટ કરે છે એના તમામ પુરાવા પણ હવે અમારી પાસે છે...'
શ્વેતા, ભૂરિયો અને એની ગેંગની 'ગૅમ-ઓવર' થઇ ગઇ હતી. છેલ્લે, પોલીસે પેલી 'કેશ'ની બેગમાંથી પાંચ હાથકડીઓ બહાર કાઢી...


